• સાધુનો સંગ કેવો જાણવો? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી રીતે જે સંસારરૂપી દારૂના કેફથી બેભાન થયેલો છે તેનો કેફ ઉતારવા માટે સાધુપુરુષોનો સંગ એ જ ઉપાય છે.
  • વકીલને જોઈને કેસ ને કૉર્ટ યાદ આવે ને દાક્તર કે વૈદ્યને જોઈને રોગ ને ઓસડની વાત યાદ આવે તેવી જ રીતે સાધુ અને ભક્તોને જોઈને ભગવાન ઉપર ભાવ જાગે.
  • દરિયામાં ઘણાં રત્નો છે. એક ડૂબકી મારવાથી રત્ન ન મળે તો એમ ન ધારવું કે દરિયામાં રત્ન નથી. તે પ્રમાણે થોડીક સાધના કર્યા પછી ઈશ્વરનાં દર્શન ન થાય તો નિરાશ થવું નહીં, ધીરજ રાખીને સાધના કર્યા કરવી. વખત આવ્યે તમારા ઉપર ભગવાનની કૃપા થશે.
  • ભગવાન તરફ કેવું મન હોવું જોઈએ? જેવું સતીનું ધણી તરફ, લોભિયાનું પૈસા તરફ અને વિષયીનું વિષય તરફ. એવું ખેંચાણ જ્યારે ભગવાન તરફ હોય ત્યારે ભગવાન મળે.
  • પાંચ છોકરાંવાળી મા હોય, તે કોકને રમકડું, કોકને ઢીંગલી, કોકને ખાવાનું આપે કે જેથી છોકરાં થોડો વખત તેને ભૂલી જાય. પણ તેમાંથી જે જે છોકરું રમકડું ફેંકી દઈ, ‘મા ક્યાં ગઈ!’ એમ કહે ને રડે તેને તરત જ મા ખોળામાં લઈ છાનું રાખે છે. કે જીવ! તું કામ કાંચનને લીધે ભગવાનને ભૂલી ગયો છે. એ બધું છોડી દઈને તું જ્યારે ભગવાનને મેળવવા માટે રોવા માંડીશ, ત્યારે ભગવાન આવીને તને ખોળામાં લેશે.
  • ‘પૈસો મળ્યો નહિ, સંતાન થયું નહિ,’ એમ કહીને લોકો આંખમાંથી આંસુની નદીઓ વહાવે છે, પણ ‘મને ભગવાન મળ્યા નહિ, ભગવાનના ચરણમાં ભક્તિ થઈ નહિ’ એમ કહીને કોઈ માણસો આંખમાંથી આંસુનું એક ટીપું પણ પાડે છે?
  • ઈસુ ખ્રિસ્ત એક દિવસ દરિયાકાંઠે ફરતા હતા. એક ભક્તે આવીને પૂછ્યું, ‘હૈ પ્રભુ! ભગવાન શું કર્યે મળે?’ ઈસુ ખ્રિસ્તે તરત જ તેને પાણીમાં લઈ જઈ ડૂબાડી રાખ્યો. થોડી વાર પછી તેને હાથ પકડી બહાર કાઢીને પૂછ્યું કે ‘તને શું થતું હતું?’ ભક્તે કહ્યું કે, ‘જીવ ગયો કે જશે એમ થતું હતું તેથી હું બહાર નીકળવાને તરફડિયાં મારતો હતો.’ ઈસુ ખ્રિસ્ત તે ઉપરથી તેને કહ્યું કે, જ્યારે તારો જીવ ભગવાનને માટે એ પ્રમાણે તરફડિયાં મારશે, ત્યારે તને ભગવાનનાં દર્શનનો લાભ થશે.’
  • હજાર વર્ષના અંધારા ઓરડામાં એક વખત એક જ દીવાસળી સળગાવવાથી તરત જ અજવાળું થાય છે, તેમ જીવનાં જન્માંતરનાં પાપ ભગવાનની એક વાર કૃપાદૃષ્ટિ થાય તો દૂર થઇ જાય.
  • ધૂળવાળાં ફર્યા કરવું એ બાળકોનો સ્વભાવ છે. પણ માબાપ તેમને મેલાં રહેવા ન દે. તે રીતે માયાના સંસારમાં પડીને જીવ ગમે તેટલો મેલો થાય તો પણ ભગવાન તેને શુદ્ધ કરવાના ઉપાય કર્યા કરે છે.
  • પાપ અને પારો કોઇ પચાવી શકતું નથી. કોઇ માણસ પારો ખાય તો કોઇ ને કોઇ દિવસ તે શરીરે ફૂટી નીકળે. તેમ પાપ કરીએ તો તેનું ફળ કોઇ ને કોઇ દિવસ ચોક્કસ ભોગવવું પડે.
  • રેશમનો કીડો જેમ પોતાની લાળથી ઘર બનાવી તેમાં પોતે જ બંધાય છે તેમ સંસારી જીવ પોતાનાં કર્મોથી જ પોતે બંધાય છે; પણ જ્યારે તે પતંગિયું થાય ત્યારે પોતાના ઘરને તોડી બહાર નીકળે, તેમ વિવેકવૈરાગ્ય થાય ત્યારે બંધાયેલા જીવ મુક્ત થઇ જાય.
  • ગમે તે રીતે પણ માણસ અમૃતની કૂંડીમાં પડે તો અમર થઇ જાય. કોઇ ભજનકીર્તન કરતો તેમાં પડે તે અમર થાય. અને કોઇ રીતે ધક્કો મારીને તેને અમૃતની કૂંડીમાં પાડી દેવામાં આવે તે અમર થાય, એમ ભગવાનનું નામ જાણ્યેઅજાણ્યું કે ભૂલમાં ગમે તે રીતે લેવાય તેનું ફળ મળે ને મળે.

(‘શ્રીરામકૃષ્ણ ઉપદેશ’માંથી સંકલિત)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.