રાષ્ટ્રીય યુવા દિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે

રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજનો આ અગત્યનો લેખ ‘ઉદ્બોધન’ નામક બંગાળી માસિકના ૧૩૯૫ (બંગાળી)ના મહા માસના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તેના હિંદી અનુવાદ પર આધારિત આ ગુજરાતી ભાષાંતર છે. – સં.

સ્વામી વિવેકાનંદજીનું કહેવું એમ છે કે વહેતી નદીનું વહેણ જ સ્વચ્છ, નિર્મળ અને આરોગ્યપ્રદ રહે છે. વહેણ અટકી જાય તો તેનું પાણી દૂષિત અને અનારોગ્યકારક બની જાય છે. નદી જો સમુદ્ર તરફ જતાં જતાં વચમાં જ વહેતી અટકી જાય તો તે ત્યાં જ બંધાઈ જાય છે. પ્રકૃતિની જેમ જ માનવ – સમાજની સામે પણ જો સુનિશ્ચિત લક્ષ્ય ન હોય તો તેની પ્રગતિ સ્થગિત થઈ જાય છે. પરંતુ જો કોઈ નિશ્ચિત લક્ષ્ય હોય તો આગળ વધવાના પ્રયત્નો સફળ અને સાર્થક થાય છે. આજના આપણા જીવનમાં દરેક ક્ષેત્રે આ વાત યાદ રાખવી જરૂરી છે. આવું કોઈ લક્ષ્ય નિર્ધારિત કરતાં પહેલાં આપણે ખાસ કરીને આપણા ચિરંતન ઇતિહાસ, આદર્શ અને આધ્યાત્મિક્તાનું ધ્યાન રાખવું પડશે. સ્વામીજીએ પણ સૌથી વધુ ભાર આ બાબત પર મૂક્યો હતો. દેશની શાશ્વત પરંપરાઓ અને આદર્શો પ્રતિ જાગૃતિ નહીં રાખવામાં આવે તો વિશૃંખલાપૂર્ણ સમૃદ્ધિ આવશે અને સંભવ છે કે અંતે તે રાષ્ટ્રને પ્રગતિને બદલે અધોગતિ તરફ લઈ જાય.

જેનામાં દેશનું ભવિષ્ય નિહિત છે અને જેનામાં જાગૃતિનાં ચિહ્નો દેખાઈ રહ્યાં છે એવા ખાસ કરીને આપણા યુવા વર્ગે પોતાના જીવનનો એક ઉદ્દેશ શોધી લેવો જોઈએ. આપણે એવા પ્રયાસો કરવા પડશે, જેથી તેમનામાં જાગૃત થયેલ આ પ્રેરણા અને ઉત્સાહ યોગ્ય માર્ગે પ્રયાણ કરી શકે નહીં તો શક્તિનો એવો અપવ્યય અને દુરુપયોગ થઈ શકે કે જેથી મનુષ્યની ભલાઈને સ્થાને બુરાઈ જ થાય. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ભૌતિક ઉન્નતિ તથા પ્રગતિ જરૂર ઇચ્છનીય છે; પરંતુ દેશ જે ભૂતકાળમાંથી ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. તે ભૂતકાળનો સ્વીકાર ન કરવો એ બુદ્ધિનું દેવાળું કાઢવા જેવું છે. ભૂતકાળના પાયા પર જ રાષ્ટ્રનું નિર્માણ કરવું પડશે. યુવા વર્ગ પાસે જો પોતાના ગત ઇતિહાસ પ્રત્યેની, લંગર વગરની નૌકા હશે તો એવી નૌકા કોઈ દિવસ પોતાના લક્ષ્ય સુધી પહોંચશે નહીં. આ અગત્યની વાતને હંમેશાં યાદ રાખવી પડશે, માની લો કે આપણે આગળ વધી રહ્યાં છીએ પરંતુ આપણે જો કોઈ નિશ્ચિત લક્ષ્ય તરફ નહીં જતા હોઈએ તો આપણી પ્રગતિ નિષ્ફળ રહેશે. આધુનિકતા કોઈ કોઈ વખત આપણી સામે પડકાર બનીને ઊભી રહે છે. એટલા માટે પણ આ વાત ખાસ કરીને યાદ રાખવી જોઈએ. આધુનિકતા તરફનું આપણું જે વર્તમાન વલણ છે તેને આ ઉપાય દ્વારા જ દેશના ભવિષ્ય માટે એક ઉપયોગી લક્ષ્ય તરફ દોરીને લઈ જઈ શકાશે. સ્વામીજીએ વારંવાર કહ્યું છે કે સુદૃઢ ભવિષ્યનું નિર્માણ ભૂતકાળના પાયા સિવાય થઈ શકે નહીં. ભૂતકાળમાંથી જીવનશક્તિ પ્રાપ્ત કરીને જ ભવિષ્ય જીવતું રહી શકે છે. જે આદર્શને લઈને દેશ હજી સુધી ટકી શક્યો છે તે આદર્શ તરફ હાલની યુવા પેઢીને વાળવી પડશે કે જેથી તે દેશના મહાન ભૂતકાળ સાથે તાદાત્મ્ય સાધીને લક્ષ્ય તરફ આગળ વધી શકે.

હું કહેતો હતો કે આધુનિકતા કોઈ-કોઈ વખત આપણી સામે પડકાર રૂપે ઊભી રહે છે. એનું તાત્પર્ય એટલું છે કે આધુનિક સમાજ રાષ્ટ્રહિત માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવાના પ્રયત્નની દૃષ્ટિએ અંધકારમાં અથડાયા કરે છે. આધુનિકતાની આ શક્તિને સુઆયોજિત મહાન લક્ષ્ય તરફ વાળવી પડશે. એટલે જ સ્વામીજીએ કહ્યું છે કે યુવા વર્ગ સમક્ષ એક એવું લક્ષ્ય સ્થાપિત કરવું પડશે અને ધ્યાન દેવું પડશે કે યુવાનો તેને માટે ઉત્સાહ અને પ્રેરણા સાથે પોતાની ક્ષમતાનો સદુપયોગ કરી શકે. યુવશક્તિમાં જે સક્રિયતા અને ઉદાત્ત ભાવાવેગ દેખાય છે તેની અવગણના કરી શકાય નહીં. તેઓ કંઈક કરવાને થનગને છે એ જ તેનું લક્ષણ છે. તેમના નેતૃત્વનો ભાર જેમના પર છે તે વડીલોએ આ વિષયમાં વિચારવું પડશે. યુવકોને ફક્ત વિધિ-નિષેધની સીમામાં બાંધીને ન રાખતાં, તેમને સ્પષ્ટ માર્ગદર્શન આપવું પડશે. એવું દેખાય છે કે વડીલોને યુવાનોના ફક્ત દોષો જ દેખાયા કરે છે. યુવકો અને યુવતીઓ શું વિચારે છે અને શું કરવા માગે છે તે જાણવાનો પ્રયત્ન વડીલો કરતા નથી અને એટલે જ વડીલો તેમની આલોચના કરે છે. પરિણામે યુવા વર્ગ વડીલોની પરવા ન કરતાં ઉપેક્ષા કરે છે. ત્યારે મામલો આગ સાથેની રમત જેવો થઈ જાય છે. જે આગ ઘરમાં દીપક થઈને પ્રકાશ ફેલાવે તે જ આગ બધું બાળીને રાખ પણ કરી શકે. યૌવનમાં જે શક્તિ પડેલી છે તે સારી પણ નથી અને ખરાબ પણ નથી. યોગ્ય ઉપયોગ કરવાથી તે કલ્યાણકારી સાબિત થાય એમ છે તેમ જ દુરુપયોગ કરવાથી વિનાશક સાબિત થાય તેમ છે.

એક પ્રચંડ શક્તિને સીમામાં બાંધી રાખવાથી તેમાં વિસ્ફોટ થાય છે. યુવા વર્ગમાં જે પ્રબળ પ્રાણશક્તિ છે તેને જો યોગ્ય માર્ગે ન વાળવામાં આવે તો તેનાથી જે મુશ્કેલીઓ પેદા થશે તેની અસર સમગ્ર સમાજ અને દેશ ઉપર પડશે. કોઈ કોઈ વખત વડીલોની અવસ્થા બંધાયેલ તળાવ જેવી થઈ જાય છે. વડીલોનું માનવું એવું હોય છે કે તે જે વિચારે છે તે જ બરોબર છે અને પોતાના સમયમાં તેઓ જેમ કરતા હતા તેમ જ આજના યુવાનોએ પણ કરવું જોઈએ. પોતાની યુવાવસ્થાની વાતો જો વડીલો યાદ કરે તો તેઓ પણ સ્વીકાર કરશે કે તેમનો એ સમય સંઘર્ષ વગરનો નહોતો. તેમનામાં પણ ઉદ્દામ તરંગો ઊઠયા હતા. અને જેમ જેમ તેઓ જીવનમાં આગળ વધતા ગયા તેમ તેમ અનુભવને કારણે તેમના દૃષ્ટિકોણમાં થોડું થોડું પરિવર્તન આવતું ગયું. એટલે સુજ્ઞ વડીલો પોતાના આ જૂના અનુભવના પરિપ્રેક્ષ્યમાં આજના યુવાનોનો ભાવ સહાનુભૂતિ અને મમતાથી સમજવાનો પ્રયત્ન કરશે તો તેનાં સારાં પરિણામ આવશે. બીજી તરફ યુવાનોએ પણ સમજવું પડશે કે વડીલોની પણ ઉપયોગિતા છે. ગત અનુભવોની એક ધારામાં આપણે જીવીએ છીએ જેને આપણે સંસ્કાર કહીએ છીએ. આ સંસ્કાર જ આપણી માનસિક પ્રવૃત્તિઓનું જન્મસ્થાન છે. જેમ દરેક વ્યક્તિને એક પોતાનો ભૂતકાળ હોય છે તેવી જ રીતે રાષ્ટ્રને પણ એક સંકલિત ભૂતકાળ હોય છે. સમગ્ર રાષ્ટ્રનો જે એક સમૃદ્ધ ભૂતકાળ હોય છે તેના પાયા પર જ તે પોતાના ભવિષ્યનો માર્ગ નિર્ધારિત કરે છે. આજના તરુણે પોતાની યુવાનીની શક્તિથી ચાલવાનું શરુ કર્યું છે એટલે જ અનુભવી વડીલોએ એ ધ્યાન રાખવું પડે કે ક્યાંય તેઓ ભ્રમિત થઈને અંધ વ્યક્તિની માફક અટવાઈ ન જાય અને રસ્તો ચૂકી ન જાય. તેમને માર્ગદર્શનની સતત જરૂરત છે અને તે સંભાળપૂર્વક તેમની સમક્ષ રજૂ કરવું જોઈએ.

આપણા યુવાનો અનૈતિક, ઉચ્છૃખલ, નાસ્તિક વગેરે છે એવું તેમના માટે કહેવામાં આવે છે. આપણે જ્યારે યુવાન હતા ત્યારે આપણા વડીલો પણ આપણા માટે આવી જ વાતો કરતા હતા. તેઓ પણ એમ જ માનતા હતા કે તેમનો સમય સુવર્ણ યુગ હતો અને હવે દરેક જગ્યાએ અધોગતિ અને પતન જોવા મળે છે. આજે આપણે પણ એ વાત કરી રહ્યા છીએ કે અમે યુવાન હતા ત્યારે બધું બરોબર હતું અને હવે બગડી ગયું છે. જો એમ જ હોય તો વર્તમાન પેઢીના જન્મદાતા એવા આપણા પર જ તેમનામાં વિશ્વાસ અને જીવનમૂલ્યો માટેની દૃષ્ટિ ઊભી કરવાની જવાબદારી આવી પડે છે.

સ્વામીજીએ આપણને સાવધાન કર્યા છે કે પ્રાચીનનો વિનાશ કરવાથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થતું નથી. જૂનું બધું નકામું છે તેવો દૃષ્ટિકોણ સંકુચિત છે. આપણે જે પાયા પર ઊભેલા છીએ તે છે આપણો ભૂતકાળ. આ ભૂતકાળે જ આપણને આજના વર્તમાન સુધી પહોંચાડ્યા છે અને આજની પેઢીનું એ કર્તવ્ય છે કે ભાવિ વારસદારોને પણ સુદૃઢ પાયા પર ઊભા રાખી શકે. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના બધા લોકોએ આ બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. જીવન એક વહેતી ધારા છે અને રાષ્ટ્રોના ઇતિહાસનું પણ તેમ જ છે. ભૂતકાળમાંથી જ વર્તમાનનો ઉદ્ભવ થયો છે અને વર્તમાન જ આપણને ભવિષ્યના દ્વાર સુધી લઈ જશે. ઘણી સાવધાની અને એકાગ્રતા સાથે વર્તમાન અને ભૂતકાળના ઇતિહાસનો સતત અભ્યાસ કરીને યુવા વર્ગને માર્ગદર્શન આપવું પડશે અને એ પણ જોવું પડશે કે તે ભવિષ્ય સાથે સુસંગત છે. આધુનિકતા સામે આ જ સૌથી મહત્ત્વનો પડકાર છે. યુવાનોની આક્રમક શક્તિ યુવાનોને અશાંત કરી દે છે એટલે તેને એવી રીતે વાળવી પડશે કે તેમની આ શક્તિ અને પ્રેરણા તથા ઉત્સાહનો સદુપયોગ થાય તેમ જ રાષ્ટ્ર તથા સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે તે વાપરવામાં આવે.

સ્વામીજીએ જણાવ્યું છે કે ભૂતકાળની દીવાલ મજબૂત હશે તો જ આ પ્રશ્નનું ઉચિત નિરાકરણ થઈ શકશે. પરંતુ એ ધ્યાન રાખવું પડશે કે ભૂતકાળને કારણે યુવાનોનો વિકાસ ક્યાંય રુંધાઇ ન જાય. વર્તમાન સાથે એકરૂપતા સાધીને જ ભૂતકાળે આગળ વધવું પડશે. બનવા જોગ છે કે આપણા વડવાઓ કેટલુંક માર્ગદર્શન આપી ગયા હોય, તેમાં કંઈક ફેરફાર કરી શકાય પરંતુ સંપૂર્ણપણે તેને છોડી દઈને તદ્દન નવો માર્ગ ગ્રહણ કરવો યોગ્ય નથી. સ્વામીજીની દૃષ્ટિએ આ ફક્ત શક્તિનો અપવ્યય છે. તેમનું કહેવું છે કે ગંગાના વહેણને બળજબરીથી તેના ઉદ્દગમસ્થાન ગોમુખ સુધી પાછું લઈ જઈ શકાય નહીં પરંતુ તેના પર એવી રીતે નિયંત્રણ કરી શકાય કે દેશ અને રાષ્ટ્રના કલ્યાણ અર્થે તેનો ઉપયોગ કરવામાં આવે. નહીં તો એ પ્રવાહ સારું, ખરાબ બધાને પોતાના પ્રવાહમાં તાણી જશે અને વિનાશકારી થઈને ભવિષ્ય માટે ઘાતક સિદ્ધ થશે. સ્વામીજી એમ માનતા કે ભૂતકાળના ઇતિહાસમાંથી મેળવેલ જ્ઞાન તથા અનુભવનો સહારો લઈને યુવાનો ભવિષ્યની સમૃદ્ધિ માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે. આ ઘણું જ મહત્ત્વનું છે.

યુવાનો ભૂતકાળ પ્રત્યે ઉદાસીન હોય તેમ જણાય છે. સમાજની જે વ્યવસ્થા હતી તેનાથી તેમને સંતોષ નથી. તેઓ તેમાં પરિવર્તન ઈચ્છે છે. તેમને જે અનુભવો થઈ રહ્યા છે. તેના આધારે જ તેઓ ભૂતકાળને મૂલવશે. પરંતુ દેશના વિગત અનુભવોની સાથે સામંજસ્ય જાળવીને તેમના અનુભવોમાં સંશોધન ક૨વાની જરૂર છે. બહુમુખી, વિશ્વવ્યાપી પ્રવાહોને અનુસરવું એ કંઈ ખોટું નથી. બલકે આ અનુસરણ માટેની માનસિક તૈયારી પ્રશંસનીય છે. પરંતુ આપણા પગ નીચેની માટી જો સરી જવા દઈશું તો કામ નહીં થાય. અને આપણા પગ નીચેની આ માટી એટલે ભારતનો ઇતિહાસ, ભારતની અસાધારણ આધ્યાત્મિક શક્તિ. પ્રારંભ કાળથી આધ્યાત્મિક જીવન જ આપણું લક્ષ્ય રહ્યું છે. આપણે એમ કહ્યા કરીએ છીએ કે યુવકો આના વિરોધી છે, જડવાદી છે, અને તેમનો ઉદ્દેશ ભૌતિક ભોગવિલાસ છે. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. સંભવ છે કે આપણે તેમને યોગ્ય માર્ગે ન વાળી શક્યા હોઈએ અથવા તેમની સમક્ષ કોઈ સ્પષ્ટ આદર્શ ન રાખી શક્યા હોઈએ કે જેને માટે તેઓ પોતાની અદમ્ય શક્તિનો ઉપયોગ કરી શકે. ભૂતકાળ તથા ભવિષ્યકાળની વચ્ચે એક મજબૂત સાંકળની જરૂર છે અને એ સાંકળ છે આપણું યુવા ધન, જ્યારે તેઓ પોતાની ઈચ્છાઓ-આશાઓ વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે ત્યારે હંમેશાં તેમને નકારવા કે રોકવા યોગ્ય નથી. તેમને એવી રીતે ઘડવા પડશે કે તેઓ હંમેશાં દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાની આશા ઈચ્છાઓ જ પોષ્યા કરે. આ પ્રકારનું ઘડતર ભૂતકાળના અનુભવોને આધારે જ આપણે કરી શકીશું. ત્યાર બાદ આપણે ધ્યાનપૂર્વક નજર રાખવી પડશે કે તેઓ કઈ રીતે આગળ વધે છે. આ રીતે યુવાનોને યોગ્ય માર્ગે ચલાવી શકીએ તો દેશ પોતાના ગૌરવમય ભવિષ્ય તરફ અગ્રેસર થઈ શકે.

બળદગાડાના યુગથી આપણે ઘણા આગળ નીકળી ગયા છીએ. સંભવ છે કે અત્યારે આપણે જેટ યુગની સીમા પર છીએ અને ત્યાર પછી રૉકેટ યુગમાં પહોંચીશું ત્યારે આપણે ચંદ્ર પર જવાનું નહીં વિચારીએ પરંતુ એક ગ્રહ પરથી બીજા ગ્રહ ઉપર અને તેની પણ પેલે પાર જવાનું વિચારીશું. કહેવાનું એટલું જ કે આપણે જ્યાં છીએ ત્યાં બંધાઈને રહી ન શકીએ. પ્રાચીન ઋષિઓએ કહ્યું છે કે ‘चरेर्वति’- આગળ વધો. આપણે પ્રગતિ ઈચ્છીએ છીએ. સ્વામીજીએ કહ્યું છે કે લક્ષ્ય સુધી પહોંચ્યા સિવાય થોભો નહીં, ઊઠો, જાગો, લક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો. આપણે આળસ, પ્રમાદ, અને આરામની તંદ્રામાં છીએ. ભૂલી ગયા છીએ. કે આપણે આગળ વધવાનું છે. વૃદ્ધત્વને કારણે જેમની શક્તિ ક્ષીણ થઈ છે તેઓ એમ માને છે કે તેમની નિદ્રામાં કોઈ વિક્ષેપ ન નાખે. પરંતુ યુવાનોનો અદમ્ય ઉત્સાહ તેમની શાંતિમાં ખલેલ પાડે છે. આ વડીલો જ તેમના જન્મદાતા છે એટલે આવો દૃષ્ટિકોણ રાખવો યોગ્ય નથી. વડીલોએ યાદ રાખવું પડશે કે આ યુવાનોને તેમના રસ્તા પર વાળવા અને યોગ્ય માર્ગદર્શન આપવું એ તેમની જવાબદારી છે. આપણે અનેક ભૂલો કરી છે. આપણા સુદીર્ઘ ઇતિહાસમાં કેટલાય ચઢાવ-ઉતાર આવ્યા છે. બધાં રાષ્ટ્રોના ઇતિહાસમાં આવા ચઢાવ-ઉતાર આવતા જ હોય છે. કોઈ પણ સ્થળે નિરંતર સમૃદ્ધિ જોવામાં આવતી નથી. સ્વામીજીનું કહેવું છે કે ચઢાવ-ઉતારની ચૂડમાં આવ્યા છતાંય આપણી આ પ્રાચીન જાતિ હજુ પણ જીવંત છે, બીજી કેટલીયે જાતિઓની ચઢતી થઈ, તેઓએ ધૂમકેતુની જેમ ઇતિહાસના પાનાં પર પોતાનો ક્ષણિક પ્રકાશ ફેલાવ્યો અને વિલીન પણ થઈ ગઈ. પરંતુ આપણો દેશ ખૂબ પ્રાચીન છે. દુનિયાના પ્રાચીનમાં પ્રાચીન દેશોમાંથી આ એક છે. અને તેના ભૂતકાળની અવગણના કરી શકાય નહીં. આ એટલા માટે જરૂરી છે કે આપણા ભૂતકાળમાં એક પ્રકારની સ્થિરતા અને એકવાક્યતા હતી. અને એટલે જ તે પૃથ્વી પરથી સંપૂર્ણરૂપે વિલીન થઈ ગયો નથી. યુનાન, રોમ, મૅસૉપોટેમિયા વગેરે મહાન સભ્યતાઓ એક સમયે ઇતિહાસના પાનાંઓ પર પ્રકાશિત થતી હતી અને હવે અદૃશ્ય પણ થઈ ચૂકી છે, પરંતુ ભારતની બાબતમાં એવું થયું નથી. ભારતવર્ષની સનાતન જીવનધારા આજે પણ અબાધિત રૂપે વહી રહી છે. કોઈ વાર જ્યારે આ ધારા અધોગામી થઈ છે ત્યારે એમ લાગે છે કે હવે આ જાતિ પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જશે. ત્યારે ન જાણે ક્યાંથી એક નવી શક્તિનો આવિર્ભાવ થાય છે. એ શક્તિના આધાર પર જ ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાને વારંવાર પુનર્જીવન પ્રાપ્ત થતું રહ્યું છે. ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા તેની સભ્યતાનાં પાયા સમાન છે. તેના પ્રત્યે જો અતૂટ શ્રદ્ધા ન હોય તો કોઈ નવા ભવનનું નિર્માણ થઈ શકે નહીં અને જો કરીએ તો તે સ્થાયી નહીં હોય. એ ભૂલવું યોગ્ય નથી કે ભારતવર્ષ અસાધારણ ઊર્જા અને અસીમ શક્તિનો આધાર રહ્યો છે. આ કારણે જ આપણા યુવાનો માટે ભૂતકાળનો સતત અભ્યાસ અને મહાવરો ખૂબ જરૂરી છે. તેના મારફત જ તેઓ જાણી શકશે કે આપણે ક્યાં હતા અને તે આધારે જ આપણા ભવિષ્યનું ઘડતર કરવાનો પ્રયત્ન કરશે. આમ ભારતના પ્રાચીન વારસા માટે આપણને ગર્વ થશે અને આશ્વાસન પણ મળશે. ધનના ઢગલાને કે બાહુબળને બદલે ભારતે હંમેશાં સૌથી વધારે મહત્ત્વ આધ્યાત્મિક બળને જ આપ્યું છે.

કોઈ કોઈનું કહેવું એમ છે કે જીવનની અધોગતિનું કારણ ધર્મ જ છે. સ્વામીજી કહે છે કે ભૂતકાળને અને ધર્મને તમે બરોબર સમજી શક્યા નથી. ધર્મે જ આપણને જીવતા રાખ્યા છે અને હજુ પણ જો તેને નહીં ભૂલીએ તો આજે ય તે આપણી રક્ષા કરશે. સ્વામીજી દ્વારા વારંવાર કહેવાયેલો ઉપનિષદનો આ સંદેશો છે.

‘उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत’ ‘ઊઠો, જાગો અને લક્ષ્ય સુધી ન પહોંચો ત્યાં સુધી થોભો નહીં.’ ‘નિબોધત’ એટલે સત્યને જાણો. અંધકારમાંથી પ્રકાશ પ્રગટ થઈ શકતો નથી. ભૂતકાળના ભારતમાંથી પ્રકાશનું વિકિરણ થઈ રહ્યું છે અને તે જ આપણું માર્ગદર્શક છે.

એટલે જ તરુણો માટે સ્વામીજીનું આહ્વાન છે : પોતાની શક્તિને નકામી બરબાદ થવા ન દેશો. ભૂતકાળ તરફ દૃષ્ટિ દોડાવો. જે ભૂતકાળે તમને અનંત જીવનરસ પાયો છે તેનાથી સભર બનો. જો ભૂતકાળની પરંપરાઓનો સદુપયોગ કરી શકો, તેના માટે ગૌરવ લઈ શકો તો પછી તેને અનુસરીને તમારો પોતાનો માર્ગ નક્કી કરો. એ પરંપરા તમને સબળ પાયા પર ઊભા કરશે અને તેના ફળસ્વરૂપ તમે જોશો કે દેશ એકાત્મતાવાળી સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યો છે. આ રીતે બહુ ઓછા સમયમાં અપેક્ષિત લક્ષ્ય સુધી પહોંચી શકાશે. વૈજ્ઞાનિકો પોતાની કરેલી શોધોમાં રોજ નવા નવા ઉપાયો દ્વારા નિરીક્ષણ-પરીક્ષણ કરતા હોય છે. પરંતુ ઉત્તરાધિકારી તરીકે તેઓ પણ શું ભૂતકાળમાંથી પ્રાપ્ત જ્ઞાન પર આધાર નથી રાખતા? અણુની શોધ આકસ્મિક રીતે નથી થઈ. અનેક વૈજ્ઞાનિકોએ જાત ઘસીને અનેક યુગોથી જે શોધો કરી તે પછી છેવટે વર્તમાન શતાબ્દીમાં અણુશક્તિના અસ્તિત્વ વિશે જાણ થઈ. તેવી જ રીતે આ ક્ષેત્રમાં પણ આપણે આપણા પુરોગામીઓએ કરેલા પ્રયત્નોને યાદ રાખવા પડશે.

સ્વામીજીએ એમ પણ કહ્યું છે કે ઉન્નતિનું પ્રથમ પગથિયું સ્વાધીનતા છે. તેના અભાવમાં આપણે બંધાઈ જઈએ છીએ. અને તેથી ક્રમશઃ નક્કી વિનાશ તરફ ઘસડાઈએ છીએ, એટલે જ યુવાનોને પૂરી સ્વાધીનતા આપવી પડશે; અને તેની સાથે તેમનો માર્ગ નક્કી કરવામાં મદદ કરવી પડશે. સ્વામીજીની આ ચેતવણી યુવાનોએ જરૂર યાદ રાખવી પડશે કે યુગોથી સંઘરાયેલો એવો જે આપણો અનુભવોનો ભંડાર છે તેમાંથી દૃષ્ટાંતો લઈને લાભ મેળવે. આ મહાન ઉત્તરાધિકારનો સ્વીકાર કરવો એ તેમનું પરમ સૌભાગ્ય છે.

યુવા વર્ગનો અજંપો અને તેની અધીરતા તેમની પ્રાણશક્તિના દ્યોતક છે. ડગલે ને પગલે તેઓને ગળે નિષેધોની દોરી બાંધીને ‘સારો છોકરો’ બનાવી રાખીશું તો તેઓ આગળ વધી શકશે નહીં. પરંતુ તેમનો અજંપો વધારવા માટે પ્રોત્સાહન આપવું પડશે. આપણે પાછળથી તેઓને ખેંચી રાખતા તો નથીને તે જોવું પડશે. નવા મુકામે જવા માટેની તેઓની યાત્રા શરૂ થઈ ગઈ છે. તેઓની હોડીના સઢમાં હવા ભરાવા લાગી છે. હવે વડીલોનું કામ તો એટલી જ મદદ કરવાનું છે કે તેઓ પોતાની યાત્રાના માર્ગમાં અડીખમ રહે અને ક્યાંય દિશા ન ભૂલી જાય. ત્યારે જ આજનો યુવાન આપણા ભૂતકાળની થાપણને વધારે સમૃદ્ધ બનાવી શકશે. એ કહેવું જરૂરી નથી કે આ માર્ગ પર જતાં સ્વામીજીના આશીર્વાદ અને શુભકામનાઓ હંમેશાં તેમની સાથે જ છે.

ભાષાંતર : શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા

(‘વિવેક જ્યોતિ’ (વર્ષ : ૩૪ અંક : ૧)માંથી સાભાર)

Total Views: 120

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.