સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે –

ધે ધે છે લંગ રંગ ભંગ
બાજે અંગ સંગ મૃદંગ
ગાઈછે છંદ ભકતવૃંદ, આરતિ તોમાર
જય જય આરતિ તોમાર,
હર હર આરિત તોમાર,
શિવ શિવ આરતિ તોમાર

દરરોજ સંધ્યા સમયે હજારો નરનારીઓ દ્વારા સમસ્ત વિશ્વમાં ગવાતા આ આરતી-સ્તવનમાં સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણદેવને ‘શિવ’ની સંજ્ઞા આપે છે. કેટલાકના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રીરામકૃષ્ણદેવ તો વિષ્ણુના હરિના અવતાર હતા, તેમણે પોતે જ કહ્યું હતુંઃ ‘જે રામ, જે કૃષ્ણ એ જ આ દેહે શ્રીરામકૃષ્ણ’ તો પછી અહીં સ્વામીજી તેઓને ‘હર’ અથવા ‘શિવ’ સાથે કેમ સરખાવે છે?; આપણી સીમિત બુદ્ધિ દ્વારા આ બધું પૂર્ણરૂપે સમજવું અશક્ય છે કારણ કે શ્રીરામકૃષ્ણદેવ – એ પરમતત્ત્વ – સ્થળ, કાળ અને કારણના સીમાડાઓથી ઘેરાયેલ આપણા મન-બુદ્ધિથી અગોચર છે. જેમ જેમ આપણે સાધનામાં આગળ વધીશું તેમ તેમ સમજાશે કે શ્રીરામકૃષ્ણદેવ તો ‘સર્વદેવદેવી સ્વરૂપ’ છે.

આપણી સીમિત બુદ્ધિ દ્વારા આ આરતી સ્તવનને જ્યારે સમજવાનો પ્રયત્ન કરી છીએ અને શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવન પર ચિંતન કરીએ છીએ ત્યારે શ્રીરામકૃષ્ણદેવ અને શિવજી બન્ને વચ્ચેનો સંબંધ અચરજ પમાડે છે.

શ્રીરામકૃષ્ણદેવનો જન્મ વૈષ્ણવ પરિવારનાં થયો હતો છતાં તેઓ નાનપણથી જ શિવજી પ્રત્યે ભક્તિ ધરાવતા હતા. તેમના પિતા (શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાય) રામેશ્વરથી પગપાળા તીર્થયાત્રા કરી જે શિવલંગ લાવ્યા હતા તેની પૂજા તેઓ પણ પરિવારના અન્ય સભ્યોની જેમ નિયમિત કરતા.

એક વાર કામારપુકુરમાં શિવરાત્રિના વ્રતના દિવસે શ્રીરામકૃષ્ણદેવના પાડોશમાં રહેતા પાઈન પરિવારને ઘેર નાટકનું આયોજન થયું હતું. પાસેના ગામની મંડળી જ શિવમહિમાનાં દૃશ્યો ભજવાની હતી, સંધ્યાકાળ પછી અર્ધા કલાકમાં જ નાટક શરૂ થવાનું હતું. સંધ્યા સમયે સમાચાર મળ્યા કે યાત્રામંડળમાંથી જે વ્યક્તિ શિવનો પાઠ ભજવવાની હતી તે અચાનક બીમાર પડી ગઈ છે. ગામવાળાઓએ મસલત કરીને નક્કી કર્યું કે શિવરાત્રિનું જાગરણ કરવા માટે નાટકનું આયોજન તો થવું જ જોઈએ અને તેથી તેઓએ ગદાઈ (‘ગદાધર’ – શ્રીરામકૃષ્ણદેવનું બાળપણનું નામ)ને શિવનો ભાગ ભજવવાનો અનુરોધ કર્યો. ગદાઈએ આનાકાની પછી શિવજીનો અભિનય કરવાનું સ્વીકાર્યું. શિવજીના સંબંધમાં ચિંતન કરતાં કરતાં ગદાઈ શિવના ભાવથી ઓતપ્રોત થઈ રંગમંચ પર વચ્ચે જઈ સ્થિરભાવે ઊભો રહી ગયો. તે વખતે તેનો જટાજૂટવાળો વિભૂતિથી શોભતો વેશ, અચલ અટલ ઊભા રહેવું, તેમાં ય ખાસ તો અંતર્મુખી પલકહીન દૃષ્ટિ અને હોઠને ખૂણે મલપતી સહેજ અમસ્તી હાસ્યની રેખા જોઈને લોકો આશ્ચર્યથી મુગ્ધ થઈ ગયા અને બંગાળનાં ગામડાંની પ્રથા અનુસાર લોકો સહસા ઊંચે સ્વરે હરિબોલ કરી ઊઠ્યા અને મહિલાઓ મોઢેથી ઊલૂ ઊલૂનો મંગલધ્વનિ તથા શંખધ્વનિ કરવા લાગી. પછી સહુને શાંત કરવા માટે સૂત્રધારે એ ગરબડની વચમાં જ શિવસ્તુતિનો આરંભ કરી દીધો. તેનાથી શ્રોતાઓ કંઈક શાંત તો પડ્યા પણ એકબીજાને ઈશારા કરતાં ને કોણી મારતાં મારતાં ‘વાહવા, વાહવા, ગદાઈ કેવો તો સુંદર દેખાય છે’, ‘માળો આ છોકરો શિવનો વેશ આટલો સરસ ભજવશે એવું તો નહોતું ધાર્યું’, ‘આ બાળકને પટાવીને હાથમાં કરીને આપણે નાટકમંડળી બનાવવી જોઈએ’ વગેરે ભાતભાતની વાતો ધીમે અવાજે કરતા રહ્યા. પણ ગદાધર તો ત્યારે ય એ એક જ ભાવમાં ઊભો રહ્યો, તેની છાતી પર થઈને દડદડ આંસુ વહેવા લાગ્યાં આ પ્રમાણે થોડીક પળો વીતી ગઈ પછી પણ હજીયે ગદાધર એ જગ્યાએથી ખસતો નથી એ જોઈને માલિક અને ગામના અન્ય લોકોએ પાસે જઈને જોયું તો એના હાથપગ સજ્જડ થઈ ગયા હતા અને તેનું બાહ્યજ્ઞાન જતું રહ્યું હતું. ત્યારપછી બમણી ગડબડ મચી ગઈ. કોઈ બોલ્યાઃ ‘આંખે મોઢે પાણી છાંટો.’ કોઈ બોલ્યા: ‘પંખો નાખો’, કોઈ બોલ્યાઃ ‘શિવ શરીરમાં આવ્યા છે, નામ જપ કરો’ તો વળી કોઈ બોલ્યાઃ ‘આ છોકરાએ બધી મજા મારી નાખી, લાગે છે કે હવે નાટક જોવા નહિ મળે.’ ગદાઈની ભાવાવસ્થા ચાલુ રહેવાથી નાટક ત્યાં જ પૂરું થયું. ગદાઈને ખભે નાખીને કેટલાક લોકોએ જેમ તેમ કરીને ઘરે પહોંચાડી દીધો. કેટલાક લોકોના મતે ગદાઈની આ ભાવાવસ્થા ત્રણ દિવસો સુધી રહી હતી. કેવો અદ્ભુત સંયોગ! શિવરાત્રિ ચૌદસના દિવસે ઉજવાય છે. અને શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ બીજના ઉજવાય છે. શ્રીરામકૃષ્ણ શિવરાત્રિથી પોતાની જન્મતિથિ સુધી ભાવાવસ્થામાં રહ્યા.

કલકત્તાના દક્ષિણેશ્વર કાલીમંદિરના રાણી રાસમણિએ બાર શિવમંદિરોની સ્થાપના પણ કરી હતી – યોગેશ્વર, જટેશ્વર, જટિલેશ્વર, નકુલેશ્વર, નાકેશ્વર, નિર્જરેશ્વર, નરેશ્વર, નંદીશ્વર, નાગેશ્વ૨, જગદીશ્વર, જાલેશ્વર અને યજ્ઞેશ્વર. બાર જ્યોતિર્લિંગને નજરમાં રાખીને કદાચ તેમણે આમ કર્યું હશે. એક વાર શ્રીરામકૃષ્ણદેવ આ શિવમંદિરોમાંના એક મંદિરમાં પુષ્પદંત રચિત ‘શિવ મહિમ્ન સ્તોત્ર’નો પાઠ કરી રહ્યા હતા. જ્યારે તેઓ નીચેનો શ્લોક બોલતા હતા ત્યારે ભાવાવસ્થામાં આવી ગયા-

असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे
सुरतरुवरशाखा लेखनी पत्रमूर्वी ।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं
तदपि तव गुणानामीश पारं न याति ॥

‘હે ઈશ! મહાસાગરરૂપ પાત્રમાં નીલગિરિના જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળીરૂપ કલમ હોય અને (પછી) પૃથ્વીરૂપ કાગળ લઈ સરસ્વતી દેવી પોતે જો સદાકાળ લખે, તો પણ તમારા ગુણોનો તે પાર ન પામે.’

આ શ્લોક બોલતી વખતે શ્રીરામકૃષ્ણદેવ ભાવાવસ્થામાં પોકારી ઊઠ્યા ‘હે મહાદેવ, હું તમારા મહિમાનું વર્ણન કેવી રીતે કરું?’ તેમના પોકારો સાંભળીને ઘણા લોકો એકઠા થઈ ગયા. સંજોગોવશાત્ રાણી રાસમણિના જમાઈ મથુરાબાબુ (શ્રીમથુરાનાથ વિશ્વાસ) ત્યારે મંદિરમાં જ હતા. તેઓ પણ ત્યાં દોડી ગયા જેથી લોકો શ્રીરામકૃષ્ણદેવને બળપૂર્વક ખસેડીને હેરાન ન કરે. જ્યારે શ્રીરામકૃષ્ણદેવ સહજ અવસ્થામાં આવ્યા ત્યારે પોતાની આસપાસ ટોળું વળેલ લોકોને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મથુરબાબુને પૂછ્યું કે, ‘શું મેં કોઈ અયોગ્ય કામ કર્યું છે?’ ત્યારે શ્રીરામકૃષ્ણદેવને મથુરબાબુએ સમજાવ્યું કે તેઓ તો તેમની પાસે દોડી આવ્યા છે, જેથી અન્ય લોકો તેમને હેરાન ન કરે.

‘શિવ મહિમ્ન સ્તોત્ર’નો ઉપરોક્ત શ્લોક શિવજીની જેમ શ્રીરામકૃષ્ણદેવને પણ એટલો જ લાગુ પડે છે. શ્રીરામકૃષ્ણદેવના મહિમાનું વર્ણન કરવું એ સ્વામી વિવેકાનંદજી પોતે પણ અશક્ય માનતા હતા. ‘શારદા સર્વકાલમ્’ શારદા સરસ્વતી – શિવજીના મહિમાનું વર્ણન સદાય કરે છે તેવી જ રીતે શ્રીમા શારદાદેવી શ્રીરામકૃષ્ણદેવના મહિમાનું વર્ણન દિવસ-રાત કરે છે. શ્રીરામકૃષ્ણદેવ છે જાણે સાક્ષાત્-શિવ!

શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો હતો શિવલિંગની જ્યોતિમાંથી… શ્રીરામકૃષ્ણદેવની માતા ચંદ્રામણિદેવી કામારપુકુરમાં જુગીઓના મહાદેવના મંદિરમાં ઊભાં રહીને ધની લુહારણ સાથે વાતચીત કરી રહ્યાં હતાં, ત્યારે અચાનક શિવલિંગમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળીને મંદિરમાં છવાઈ ગઈ અને મોજાના આકારે ધસીને ચંદ્રામણિદેવીના ઉદરમાં બળપૂર્વક પ્રવેશ કરવા લાગી. ચંદ્રામણિદેવી વિસ્મિત થઈ મૂર્છિત થઈ ગયાં. ધનીની સારવાર પછી તેમને બાહ્યજ્ઞાન પ્રાપ્ત થયું. પાછળથી આ વાત સંભળાવતાં તેમણે પોતાના પતિ શ્રી ખુદિરામ ચટ્ટોપાધ્યાયને કહ્યું: ‘તે દિવસથી મને એમ જ લાગે છે કે જાણે એ જ્યોતિ મારા ઉદરમાં પ્રવેશીને રહેલી છે. અને મારી અંદર ગર્ભ ફરતો હોય એમ થયા કરે છે!’ આ વાત જ્યારે ગામવાળાઓએ સાંભળી ત્યારે તેઓ ચંદ્રામણિદેવીની વાતો પર હસવા માંડ્યા કારણ કે ત્યારે તેમની ઉંમર ૪૫ વર્ષની હતી. ઈ.સ. ૧૮૩૬ની ૧૮ની ફેબ્રુઆરી (વિક્રમ સંવત ૧૮૯૨ની ફાગણ સુદ બીજ)ના રોજ ખરેખર ચંદ્રામણિદેવીએ એક બાળકને જન્મ આપ્યો – શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ આમ અલૌકિક રીતે થયો. ત્યારે રાત પૂરી થવામાં આશરે અર્ધી ઘડી બાકી રહી હતી. ધની લુહારણે આ પ્રસવ વખતે મદદ કરી હતી. જન્મતાંની સાથે જ બાળક ગુમ થયેલું. બેબાકળી થઈને તેણે દીવો તેજ કર્યો અને ચારે બાજુએ તપાસ કરતાં જોયું કે સુવાવડના મેલથી ચીકણી થઈ ગયેલી ભોંય પર ધીમે ધીમે સરકતું બાળક ધાન ઉકાળવાના ચૂલાની આગમાં પહોંચીને રાખથી લપટાયેલા અંગો વડે શોભતું પડી રહેલું છે! શિવજીને ભસ્મ પ્રિય છે, તેમ શ્રીરામકૃષ્ણદેવે પણ જન્મતાંની સાથે જ ભસ્મનો લેપ લગાડ્યો હતો!

શ્રીરામકૃષ્ણદેવ સાક્ષાત્ શિવ છે એવી અનુભૂતિ થણાને થઈ છે. મથુરબાબુએ તો તેમના સાક્ષાત્ શિવરૂપે દર્શન કર્યાં હતાં. એક વાર મથુરબાબુ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા. શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડાના સામેના વરંડામાં આંટા મારી રહ્યા હતા. મથુરબાબુએ જોયું કે શ્રીરામકૃષ્ણદેવ તેમની તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક કાલી બની ગયા વળી આંટો મારી પાછા ફર્યા તો શિવજી બની ગયા! મથુરબાબુને પહેલાં તો વિશ્વાસ જ ન બેઠો. ઘણી વાર આમ શ્રીરામકૃષ્ણદેવને કાલી અને શિવરૂપે વારાફરથી જોયા પછી તેઓ દોડીને શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં પડી ગયા અને પૂછવા લાગ્યા કે તેમને જે દર્શન મળ્યાં તે શું સાચાં હતાં? જ્યારે શ્રીરામકૃષ્ણદેવે સ્વીકાર કર્યો કે તેમણે જે કાંઈ દર્શન કર્યાં તે બરાબર હતાં ત્યારે જ મથુરબાબુએ તેમને છોડ્યા.

એમ કહેવાય છે કે દેવાધિદેવ મહાદેવ સતત ધ્યાનમગ્ન રહે છે. ‘સર્વદેવદેવી સ્વરૂપ’ શ્રીરામકૃષ્ણ પણ મુહુર્મુહુ સમાધિ અવસ્થામાં ચાલ્યા જતા. તોતાપુરી પાસેથી અદ્વૈત વેદાંતની સાધના પૂર્ણ કર્યા પછી તેઓ સતત છ માસ સુધી સમાધિ અવસ્થામાં રહ્યા હતા.

મહાશિવરાત્રિ પ્રસંગે અને શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે ધ્યાનસિદ્ધ દેવાધિદેવ મહાદેવને અને સમાધિસિદ્ધ ‘સર્વદેવદેવી સ્વરૂપ’ શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થીએ કે તેઓ આપણને એકાગ્રતા અને ધ્યાનની શક્તિ આપે, તેઓના ચરણોમાં ભક્તિ પ્રદાન કરે.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.