(પૃથ્વી – સોનેટ)

હું દૂર સમયે નિહાળી રહું છું નર્યા વિસ્મયે :
અનંતદલ બ્રહ્મનું કમળ ઊઘડે છે ધીમે,

દલેથી દલ એક એક કરી ધૈર્યથી નિઃસીમે!
સુપક્વ પ્રતિભા કલાકૃતિ રચંત રમ્ય લયે!

બધું જ ક્ષીણ, ક્ષુદ્ર, જીર્ણ ખરી જાય છે સંમુખે;
બધુ જ ટૂંકું તૂટતું વધુ ઉદારને, નવ્યને

સમર્પી નિજ સ્થાન, લુપ્ત થઈ આપ, રમ્ય કો ભવ્યને
પ્રસૂત કરી જાય પૂર્ણભણી ભાવિ કરી કૂખે!

પ્રહર્ષ કવિનો મનેઃ ઋષિ શી ચક્ષુ સામે લહું;
દલેથી દલ પદ્મ એક સ્રજ્યું પૂર્ણ સંવાદમાં.

પ્રપૂર્ણભણી લૈ લિયે યુગોયુગોની ક્રાન્તિ જમાઃ
હું વિસ્મયથી બ્રહ્મનું ખીલતું પદ્મ જોઈ રહું!

મને ધરતી આ ગમી ‘સ્થગિત કૈં ન’ એ કારણે :
બધું જ વિકસે અહીં કણે કણે, ક્ષણે ને ક્ષણે!

ઉશનસ્

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.