‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા આવી રહી ન હોય!’

‘હા જાણે સૌંદર્યની સાક્ષાત્ મૂર્તિ જેવી લાગે છે.’

મિત્રો સાથે વૈભવી હોડીમાં સહેલગાહે નીકળેલા જમીનદાર પ્રીતરામબાબુના પુત્ર રાજચંદ્રને તેમના મિત્રોએ કહ્યું અને હવે રાજચંદ્રનું ધ્યાન પણ એ તરફ ગયું. ત્યાં તો એ કન્યા ગંગા ઘાટે આવી પહોંચી ને ગંગામાં સ્નાન કરીને સદ્યસ્નાતા તે પૂર્વદિશા તરફ હાથ જોડીને ઊભી રહી ગઈ! દેવીમૂર્તિની પ્રતિમા જેવી એ કન્યાને જોતાં જ રાજચંદ્રને થયું કે, ‘આ કોઈ સામાન્ય કન્યા તો નથી જ નહીં તો આટલી નાની વયમાં આવી ભક્તિ, આવું લાવણ્ય અને આવી ગંગાપ્રીતિ જોવા ન મળે. જરૂર કોઈ ઉચ્ચઘરાનાની કન્યા હશે, જેના દૂરથી દર્શન માત્ર ચિત્તને આનંદથી ભરી દે છે. તો પછી એનો સદા ય સાથ મળે તો જીવન કેવું આનંદ સભર બની રહે!’ આવો એક વિચાર એમના મનમાં ઝબકી જતાં એમના ગંભીર મુખ પર સ્મિતની આછી લહેરખી છવાઈ રહી. મિત્રોએ એની નોંધ લીધી અને પૂછ્યું: ‘એની તપાસ કરું?’

રાજચંદ્રે સંમતિ આપતાં મિત્રો રાજી થઈ ગયા અને તેમણે એ કન્યાની તપાસ કરી.

એ હતી હરેકૃષ્ણ નામના ગરીબ ખેડૂતની પુત્રી રાસમણિ. કલકત્તાની ઉત્તરમાં ગંગાના પૂર્વકિનારે હાલિશહરની પાસેના કોના ગામમાં તેઓ રહેતા હતા. તેઓ લાડમાં પુત્રીને રાણી કહીને બોલાવતા. તેથી તેનું નામ રાણી રાસમણિ પડી ગયું! રાણીનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું. તેના પિતા ખેતી કરીને જે આવક મેળવતા, તે એટલી પૂરતી ન હતી કે એમાંથી કુટુંબનું ગુજરાન ચાલી શકે. એટલે ગામડાંના લોકોનાં ઘરોની મરામત કરીને તેઓ ગુજરાન ચલાવતા, નાની રાણી પિતા માટે ખેતરમાં ભાત લઈને જતી. તે માને ઘરકામમાં પણ મદદ કરતી. માતા માટે ખેતરમાંથી શાકભાજી પણ ચૂંટી લાવતી, નાની ઉમ્મરે પણ તે એટલી સરળ અને સંતોષી હતી કે માતાપિતા પાસે તે ક્યારેય કોઈપણ વસ્તુની માગણી કરતી નહીં. તેનો એક માત્ર આનંદ હતો પિતાએ આંબાડાળે બાંધી આપેલા હિંચકે ઝૂલવાનો. એ હિંચકા ઉપર જ્યારે તે આનંદથી ઝૂલતી ત્યારે સાચ્ચે જ તે દેવકન્યા જેવી લાગતી.

હરેકૃષ્ણદાસ ભલે ખેડૂત હતા, પણ તેઓ બંગાળી ભાષામાં લખવા, વાંચવાનું જાણતા હતા. એ સમયે તો કન્યાઓને કોઈ શાળામાં મોકલતું નહીં. ગરીબની કન્યાના નસીબમાં તો ભણવાનું રહેતું જ નહીં. પરંતુ રાણીના પિતાએ રાણીને બંગાળી વાંચતાં, લખતાં શીખવ્યું હતું, તેથી રાણી પુસ્તકો વાંચી શકતી. વળી તેના પિતામાં ધર્મકથાઓ ભાવવાહી રીતે કહેવાની કળા હતી. દ૨૨ોજ સાંજે તેઓ રામાયણ, ભાગવત અને પુરાણકથાઓના પ્રસંગો એવી ભાવવાહી રીતે કહેતા કે લોકો એમાં તરબોળ બની જતા. રાણી પણ પિતાની પાસે બેસી આ કથાઓ સાંભળતાં સાંભળતાં કથાઓના ભાવજગતમાં ડૂબી જતી. આ કથાઓએ બાળપણમાં જ તેના મનને ઘડ્યું અને જીવન કેવું હોવું જોઈએ એનું દર્શન કરાવ્યું. તેથી બાળપણથી જ રાણી ઉજ્જવળ જીવનનાં સ્વપ્નાં જોવા લાગી. આ કથાઓએ રાણીના બાળમાનસમાં ધર્મ પ્રત્યે અચલ આસ્થા ઊભી કરી. નાનપણથી જ તે ભક્તિમયી બની

તેના પિતા વૈષ્ણવ હતા. તેઓ હંમેશા કપાળમાં વૈષ્ણવોનું તિલક કરતા. રાસમણિને પણ એ તિલક બહુ જ ગમતું. અરીસા પાસે ઊભીને તે પણ પોતાના હાથેથી કપાળમાં પિતાના જેવું તિલક કરતી અને એથી રાધાકૃષ્ણ પોતાના ઉપર પ્રસન્ન થયા છે તેવું તે માનતી. આમ બાળપણમાં જ એનામાં ધર્મના સંસ્કારોનાં જે બીજ રોપાયાં, તે પછી અનુકૂળ વાતાવરણ મળતાં ઘેઘૂરવૃક્ષ રૂપે ફાલ્યાં ફૂલ્યાં અને અસંખ્ય તપ્તજીવોને શીતળતા આપનાર બન્યા.

પોતાની આવી સુંદર અને શાણી પુત્રીને જોઈને રામપ્રિયા મનોમન વિચારતાં કે તે ભલે અમારા ગરીબના ઘરે જન્મી છે, પણ તેનો મિજાજ અને ઠસ્સો તો રાજરાણી જેવો છે. અને તેથી જ તો તેઓ તેને રાણી કહીને જ બોલાવતાં. મા ભવાનીને પ્રાર્થના કરી કહેતાં, ‘મા ભવાની, મારી ખોકીને-છોકરીને તું રાજરાણી જેવું સુખ આપજે.’ પરંતુ તેમની પ્રાર્થના ફળે તે પહેલાં જ તેઓ સ્વર્ગે સીધાવી ગયાં. રાણીના જીવનમાં આ પહેલો મોટામાં મોટો આઘાત હતો. તે તો ગરીબીમાં જ જન્મી હતી અને ગરીબીમાં જ ઉછરી હતી અને સમૃદ્ધિ તેને કદી જોઈ નહોતી, એટલે ગરીબી શું છે, તે તે જાણતી ન હતી. એનું કોઈ દુઃખ નહોતું. પણ મા ગઈ તેનો તેને ભારે આઘાત લાગ્યો. હજુ મૃત્યુને સમજવા જેવી તેની ઉમ્મર પણ નહોતી. આથી જ્યારે માને સ્મશાને લઈ ગયા ત્યારે તેણે ભારે આક્રંદ કર્યું. તેને છાની રાખવા માટે તેના સગાંઓએ કહ્યું, ‘તેને સાજી કરવા માટે લઈ ગયા. છે. તે સાજી થઈને જલ્દીથી પાછી આવતી રહેશે.’ અને દિવસો સુધી આ અબુધ બાલિકાએ માના આવવાની રાહ જોયા કરી. પણ મા પાછી ન આવ્યાં તે ધીમે ધીમે સમજવા લાગી કે તેની મા હવે ક્યારેય પાછી નહીં આવે, કેમ કે તે મૃત્યુ પામી છે, તેને એ પણ સમજાઈ ગયું કે હવે તેના હૃદયનું દુઃખ કોઈ નહીં સમજી, તે પછી એ કોઈને પોતાનું દુઃખ કહેતી નહીં.

ઘરમાં પિતા ઉપરાંત બે ભાઈઓ અને એક ફોઈ હતાં. પણ રાણીને માની ખોટ હંમેશા સાલતી રહી. ઘરમાં દરિદ્રતા ખૂબ હતી. પણ બધાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધાના બળથી જીવી રહ્યાં હતાં, જેમ જેમ રાણી મોટી થતી જતી હતી, તેમ તેમ તેના પિતાને એક ચિંતા પણ વધતી જતી હતી. અને એ ચિંતા હતી પુત્રીને યોગ્યવર શોધવાની. એમની પાસે તો રાણીના લગ્ન કરવા માટે પૈસા પણ નહોતા. રાણીને અગિયારમું વરસ બેસી ગયું હતું. તે સમયે બંગાળમાં અગિયાર વરસની કન્યા તો વિવાહયોગ્ય ગણાતી. આથી તેના પિતા મનોમન ચિંતિત રહેતા જ્યારે બહુ ચિંતા થવા લાગે ત્યારે રાધાકૃષ્ણને પ્રાર્થના કરી કહેતાઃ ‘તમે જ મારી રાણીને યોગ્ય વર શોધી આપો.’

અને હરેકૃષ્ણની પ્રાર્થનાના પ્રત્યુત્તરમાં એક દિવસ એમના આંગણે એક વિક્ટોરિયા ગાડી આવીને ઊભી. તેમાંથી બે માણસો ઊતર્યા, ‘હરેકૃષ્ણદાસનું ઘર આ જ કે?’ આમ પૂછીને અંદર આવ્યા. આવા મોટા જમીનદારના માણસોને પોતાને આંગણે આવેલા જોઈને હરેકૃષ્ણદાસ પ્રથમ તો અવઢવમાં પડી ગયા. પણ પછી તેમાંના એકે પરિચય આપી કહ્યું, ‘-પ્રીતચંદ્રબાબુ-અમારા મોટા માલિકે ખાસ મોકલ્યા છે. અમે તેમના પુત્ર રાજચંદ્રબાબુ માટે તમારી પુત્રી રાસમણિની માગણી કરવા આવ્યા છીએ. અમારા નાના માલિકે અહીંના ગંગાઘાટે રાસમણિનું દૂરથી દર્શન કરતાં જ તેના ઉપર પોતાની પસંદગી ઉતારી છે.’ હરેકૃષ્ણને થયું કે ‘આ તો રાધાકૃષ્ણે જ ગોઠવણ કરી છે. નહીંતર મારા ગરીબની ઝૂંપડીએ આવડા મોટા જમીનદારનું કહેણ આવે? જો ભગવાને જ કૃપા કરી આ ગોઠવણ કરી હોય તો એમાં મારી રાણીનું શુભ અને કલ્યાણ જ થશે.’ એમ માનીને તેણે આ માગણી સ્વીકારી લીધી.

પ્રીતચંદ્રબાબુ પોતે ખૂબ ગરીબીમાંથી સ્વપુરુષાર્થે આગળ વધેલા બુદ્ધિશાળી મનુષ્ય હતા. સામાન્ય ક્લાર્કમાંથી પોતાના પુરુષાર્થ અને બુદ્ધિપ્રતિભાથી તેઓ વિશાળ કંપનીના મેનેજર સુધી પહોંચ્યા હતા. પછી તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય ઊભો કર્યો અને તેમાં ખૂબ સફળતા મેળવી ઉચ્ચ કક્ષાના અંગ્રેજ ઓફિસરો સાથે તેમને ગાઢ સંબંધ હતો. કમાયેલાં નાણાંનું રોકાણ તેઓ જાગીરોમાં કરવા લાગ્યા. એમ કરતાં તેઓ વિશાળ જાગીરોના માલિક બન્યા. તેમને બે પુત્રો હતા. મોટો હરચંદ્ર. તે નાનપણમાં મૃત્યુ પામ્યો હતો. નાનો રાજ ચંદ્ર. તેની પ્રથમ પત્નીનું અવસાન થતાં બીજી વાર લગ્ન કર્યાં અને બીજી પત્ની પણ મૃત્યુ પામી એટલે હવે રાજચંદ્રને ફરી લગ્ન કરવાની બિલકુલ ઇચ્છા ન હતી. પરંતુ પિતાને આવડી વિશાળ જાગીર અને અઢળક સંપત્તિનો વારસદાસ જોઈતો હતો એટલે તેઓ પુત્રને ગમે તેમ કરીને ફરી પરણાવવા માગતા હતા. તેમાં રાજચંદ્રના મિત્રોએ તેમને ગંગાઘાટે જોયેલી ભક્તિમયી કન્યાની વાત કરી. જ્યારે તેમણે જાણ્યું કે પોતાના પુત્રને એ કન્યા પસંદ પડી છે, ત્યારે તેઓ આનંદમાં આવી ગયા અને તેમણે તરત જ એ દિશામાં ચક્રો ગતિમાન કર્યાં. કન્યાના પિતાએ સંમતિ આપી છે, ત્યારે તેમને સંતોષ થયો અને પછી પોતાની જ હવેલીમાં તેમણે લગ્ન-સમારંભ ગોઠવ્યો. ઈ.સ. ૧૮૦૪ના એપ્રિલ મહિનામાં રાણી રાસમણિ પ્રીતચંદ્રબાબુની પુત્રવધૂરૂપે આ મહેલ જેવી હવેલીમાં આવી પહોંચી. આવા સુંદર કન્યારત્નને પુત્રવધૂરૂપે મેળવીને પ્રીતચંદ્રબાબુ ખૂબ પ્રસન્ન થયા.

હવે રાણી દારુણ દરિદ્રતામાંથી અઢળક સંપત્તિની વચ્ચે આવી. ગરીબની ઝૂંપડીમાંથી મહેલમાં આવી પહોંચી. પરંતુ દુઃખોએ તેને ઘડી હતી. દરિદ્રતાએ તેને શાણપણ આપ્યું હતું. જીવનની વિષમતાઓએ તેને અન્યને સમજવાની દૃષ્ટિ આપી હતી. ધર્મના સંસ્કારોએ તેને વિવેક અને સમતા આપ્યાં હતાં.

ભલે તેની વય નાની હતી પણ સમજ ઘણી ઊંડી હતી. આથી મહેલના અપાર વૈભવોની વચ્ચે પણ તેની વિનમ્રતામાં લેશ પણ ફે૨ પડ્યો નહીં. અભિમાન તેને સ્પર્શી શક્યું નહીં. વિપુલ સંપત્તિ તેને ભોગવિલાસ કે એશઆરામમાં ખેંચી શકી નહીં. તેણે પોતાના વિનય, વિવેક અને શાંતસ્વભાવથી ઘરના બધા લોકોના દિલ જીતી લીધાં. મહેલમાં આવીને પણ તેણે ઘરના બધાં કામોમાં ધ્યાન આપવા માંડ્યું, પ્રસન્નચિત્તે પ્રેમપૂર્વક સેવા કરીને તેણે શ્વસુર અને પતિના દિલમાં પોતાનું સ્થાન મેળવી લીધું. રસોડામાં પણ તે દેખરેખ રાખવા માંડી. હવે પ્રીતચંદ્રબાબુની હવેલીમાં રાણીના પગલે પગલે રોનક આવવા લાગી. ભલે તે ભણી નહોતી પણ તેની બુદ્ધિ ભણેલા કરતાં ઓછી નહોતી. તેની આંતરસૂઝ, ત્વરિત નિર્ણયશક્તિ અને સહૃદયતાથી રાજચંદ્ર પ્રભાવિત હતા, ઘરનાં સઘળાં કાર્યો તો તેની દેખરેખ હેઠળ જ થવાં લાગ્યાં. પણ હવે તો રાજચંદ્ર પણ જમીન, જાગીર અને વહીવટના કામમાં રાણીની સલાહ લેવા લાગ્યા. રાણીની સલાહથી તેમને લાભ થવા લાગ્યો એટલે તેઓ પછી કોઈ પણ કાર્ય રાણીને પૂછ્યા વગર કરતા નહીં. યોગ્ય વહીવટ અને વ્યવસ્થાને કારણે તેમની સંપત્તિમાં પણ વધારો થવા લાગ્યો. આ બધાં કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં રાણી પોતાની ધાર્મિક આચારસંહિતાનું પાલન ચૂસ્તપણે કરતી, ગામડાના ઘરમાં તે જેમ નિયમિત પૂજા પાઠ કરતી, તે ક્રમ તેણે અહીં પણ જાળવ્યો હતો.

રાણીએ પોતે દરિદ્રતા અનુભવી હતી. આથી ગરીબો પ્રત્યે તેને ઊંડી સહાનુભૂતિ હતી. ગરીબોને તે છૂટ્ટે હાથે દાન કરતી. ૧૮૨૩માં બંગાળામાં જ્યારે પૂર આવ્યું ત્યારે રાણીએ પૂરગ્રસ્તોને માટે નવાં મકાનો અને ભોજનની વ્યવસ્થા કરાવી આપી હતી. એ જ વરસમાં એના પિતા અવસાન પામ્યા. ત્યારે તે પિતાની ક્રિયા માટે ગંગાઘાટે આવી હતી. તેણે ગંગાઘાટની બિસ્માર હાલત જોઈ અને તેથી લોકોને સહેવી પડતી હાડમારી જોઈ, તેનું દિલ દ્રવી ઊઠ્યું. તેણે પતિને નવો ઘાટ બાંધી આપવા વિનંતી કરી. પણ નવો ઘાટ બાંધવા માટે કંપની સરકારની પરવાનગી મેળવવી પડે તેમ હતી, એ સમયના ગવર્નર જનરલ લોર્ડ બેન્ટિક પાસેથી – એ પરવાનગી મેળવી. અને ત્યાં નવો ઘાટ બંધાયો! પણ તે રસ્તો ઘણો ખરાબ હતો. રાણીએ પતિને ફરી વિનંતી કરી નવો રસ્તો પણ બંધાવી આપ્યો. તે બાબુઘાટ અને બાબુરોડ તરીકે ઓળખાયા. આજે તે રસ્તો રાસમણિ રોડ તરીકે ઓળખાય છે. પછી તો કલકત્તાના પશ્ચિમ ઘાટે પણ રાજચંદ્રે રાણીના કહેવાથી પોતાની માતાના નામે એક બીજો ઘાટ પણ બંધાવ્યો. એ ઉપરાંત નિમતલામાં મરણાસન્ન લોકો માટે પણ રાણીએ એક ઘર બંધાવી આપ્યું કે જ્યાં તેઓ શાંતિથી પ્રભુના ધામમાં જવાની તૈયારી કરી શકે. શાંતિથી દેહત્યાગ કરી શકે. રાણી હંમેશા પ્રજાકલ્યાણનાં કાર્યો માટે તત્પર રહેતી. સાર્વજનિક પુસ્તકાલયની મરામ્મત માટે એ સમયે તેણે રૂપિયા દસ હજાર આપ્યા હતા. આ બધા પ્રજાહિતનાં કાર્યોને લઈને રાજચંદ્રની સુવાસ કલકત્તામાં ચારેબાજુ પ્રસરી રહી હતી. કલકત્તાના અગ્રણીઓમાં એમની ગણના થતી હતી. તેથી કંપની સરકારે તેમને રાયબહાદુરની પદવી આપી હતી. પરંતુ આ બધી કીર્તિની ખરી યશભાગી તો રાણી જ છે, તેમ તેઓ માનતા હતા. રાણીની જ પ્રેરણાશક્તિથી તેઓ સદ્કાર્યોનો વિપુલફાલ સર્જતા હતા.

રાણી પ્રત્યેના પોતાના પ્રેમને પ્રગટ કરવા માટે રાજચંદ્રે જનબજારમાં મહેલ જેવું નવું મકાન બાંધ્યું. આ મહેલને સાતમાળ હતા. તેને બાંધતાં આઠ વર્ષ લાગ્યાં હતાં. આ મકાનનું નામ જ લોકોએ ‘રાણી રાસમણિની કોઠી’ પાડી દીધું હતું.

આમાં પહેલોમાળ ગૃહદેવતા રઘુનાથજીનો હતો. આ માળે રઘુનાથજીનું મંદિર હતું. ત્યાં સવાર-બપોર-સાંજ રઘુનાથજીની નિત્યપૂજા થતી. ભોગ થતો. રાણી પણ અહીં પૂજા-પાઠ-જપ-ધ્યાન કરતી.

આ નવા મકાનમાં રાણીના દિવસો આનંદપૂર્વક વીતતા હતા. પદ્મામણિ, કુમારી, કરુણા અને જગદંબા, આ ચાર પુત્રીઓથી તેની કોઠી કિલ્લોલતી થઈ ગઈ હતી. અસંખ્ય દાસ-દાસીઓ તેની તહેનાતમાં સતત હાજર રહેતાં. સાધુ સંતો, અતિથિ અભ્યાગતોને ત્યાં ભોજન, વસ્ત્ર, ધન, જેની જરૂર હોય તે મળી જતું. તેના આંગણેથી કોઈ ભૂખ્યું, દુખ્યું, એમ ને એમ પાછું ફરતું નહીં. પોતે આટલાં બધાં કાર્યોમાં વ્યસ્ત રહેતી હોવા છતાં પણ પોતાને ત્યાં બ્રાહ્મણો, પંડિતો, વિદ્વાનોને બોલાવીને તેમની શાસ્ત્રચર્ચા સાંભળતી. અને એ રીતે તે આત્માનો ખોરાક મેળવી લેતી આમ હવે તે ભરપૂર સુખમાં હતી, પણ જગદંબાને એની પાસે મહાન કાર્યો કરાવવાના હતાં, એટલે તેના સુખનો મુખ્ય આધાર જ છીનવી લીધો!

૧૮૩૬ની એક સાલ હતી. રાજચંદ્ર ઘોડાગાડીમાં ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં જ તેમને હૃદયમાં દુઃખાવો થતાં તેઓ ગાડીની સીટ પર જ ઢળી પડ્યા! તેમને તરત જ ઘરે લાવવામાં આવ્યા, કલકત્તાના શ્રેષ્ઠ ડોક્ટરોએ તેમને બચાવવા બધાં જ પ્રયત્નો કર્યા પણ સફળ ન થયા. તેમના અવસાનથી રાણી હતપ્રભ બની ગઈ. આ સ્થિતિ તેના માટે વજ્રાઘાત સમી હતી. આ આઘાત ઝીરવવો મુશ્કેલ હતો. તે ત્રણ દિવસને ત્રણ રાત ખાધાપીધા વગર ભોંયતળિયે એમ ને એમ ગુમસુમ પડી રહી. ભલે તે અપાર સંપત્તિની માલિક હતી. પણ તેના હૃદયનું ધન ખૂંચવાઈ જતાં તે સાવ અસહાય અને નિર્ધન બની ગઈ હતી. આવી સ્થિતિમાં તેના પતિએ તેને કહેલ શબ્દોએ જ તેને ઢંઢોળી. પતિએ તેને કહ્યું હતું, ‘રાણી દેહનો કંઈ જ ભરોસો નથી. જો મને કંઈ થઈ જાય ને હું મૃત્યુ પામું તો તું મારી પાછળ સતી ન થતી પણ આપણી સંપત્તિનું રક્ષણ કરજે અને યોગ્ય રીતે સંચાલન કરજે, નહીંતર પેલા ગોરાઓની ગીધ જેવી નજર આપણી સંપત્તિ પર ચોંટેલી જ છે. પણ તું એ બધાથી રક્ષણ કરી શકીશ.’ આ શબ્દોએ તેને બળ આપ્યું. તેને જાગૃત કરી તેણે સંકલ્પ કર્યો ‘પતિએ સોંપેલી જવાબદારી તે નિભાવશે જ, પછી એકલતાનું ભયંકર દુઃખ, પતિની ચિરવિદાયનો કારમો આઘાત – આ બધું જ હૃદયમાં ભંડારી દઈને રાણી ઊભી થઈ ગઈ અને સઘળી જવાબદારીને વહન કરવા તેણે કમ્મર કસી. પતિના વહીવટના સઘળાં કાર્યો તેણે પોતાના હાથમાં લઈ લીધાં, પતિની પાછળ બધી જ ધાર્મિક ક્રિયાઓ કરી. ગરીબોને પુષ્કળ દાન આપ્યું. પોતાના વજન જેટલા ૬૦૧૬ ચાંદીના સિક્કાઓ બ્રાહ્મણોને દાનમાં આપ્યા. ક્રિયાવિધિ પૂર્ણ થયા બાદ તેને પતિની જમીન-જાગીરોનું સુકાન સંભાળ્યું. આ બધાં કાર્યો માટે તેણે પોતાના ત્રીજા નંબરના જમાઈ મથુરાદાસ વિશ્વાસની સહાય લીધી, મથુરાદાસ બુદ્ધિશાળી અને મુત્સદી હતા. વળી અંગ્રેજી ભાષા પર તેમની ઘણી પકડ હતી. રાણીનો અંગ્રેજીનો સઘળો પત્રવ્યવહાર એમણે સંભાળી લીધો. આ રીતે રાણીનો કારોબાર ચાલવા લાગ્યો.

રાણીને પતિના મૃત્યુનો આઘાત તો હતો જ. અને તેમાં ત્રીજા નંબરની પુત્રી જે મથુરાદાસની પત્ની હતી તે કરુણાનું મૃત્યુ થતાં રાણીને ફરી ઘા લાગ્યો. પોતાના અંગરૂપ વ્યક્તિઓની ચિરવિદાયથી રાણીનું અંતર હચમચી તો ઊઠ્યું જ. પણ તે પોતાની જવાબદારી હવે છોડી શકે તેમ ન હતી, મથુરાદાસની સહાયની રાણીને ખૂબ જ જરૂર હતી એટલે રાણીએ પોતાની ચોથી પુત્રી જગદંબાનાં લગ્ન મથુરાદાસ સાથે કરી દીધાં.

આ બાજુ રાજચંદ્રના મિત્રોને ચિંતા થઈ કે તેમની આટલી મોટી જાયદાદ અને સંપત્તિનું શું થશે? એકલી સ્ત્રી આ બધું કેવી રીતે સંભાળી શકશે? તેમણે રાણીને સહાય કરવા ઈછ્યું. પણ રાણીએ બધાને પ્રેમપૂર્વક ના પાડી. તેમાંના એક રવીન્દ્રનાથ ટાગોરના દાદા દ્વારકાદાસ ઠાકુર પણ હતા. રાજચંદ્રના મિત્ર હોવાને નાતે તેઓ સામેથી રાણીને મળવા અને સલાહ આપવા ગયા. રાણી પતિના મિત્રોને કદી પ્રત્યક્ષ મળી ન હતી. એટલે તે પરદા પાછળ જ રહી. મથુરબાબુ દ્વારા જ તેણે દ્વારકાદાસ ઠાકુર સાથે સઘળી વાતચીત કરી.

દ્વારકાદાસે એને કહ્યું, ‘આટલી મોટી જમીનજાગીર છે. જો પૂરતું ધ્યાન ન અપાય તો બધું રફેદફે થઈ જાય. એટલે તમે એક સારો મેનેજર રાખી લો. જે બધો વહીવટ સંભાળે.’

રાણીએ કહેવડાવ્યું, ‘તમારી વાત સાચી છે. પણ એવો વિશ્વાસુ માણસ મળવો મુશ્કેલ છે.’

દ્વારકાદાસે કહ્યું, ‘તમે ઇચ્છો તો હું તમારો મેનેજર થવા તૈયાર છું.’

‘એ તો ઉત્તમ. એ અમારું સદ્‌ભાગ્ય કહેવાય. પણ અત્યારે મને ખબર નથી કે મારી પાસે કેટલી સંપત્તિ છે. પણ મારા પતિએ તમને બે લાખ રૂપિયા ઉછીના આપ્યા છે, એ જો તમે મને હાલ આપી શકો તો અત્યારના સંજોગોમાં મને બહુ મોટી સહાય થશે.’ રાણી પાસેથી આ બે લાખ રૂપિયાની વાત સાંભળીને દ્વારકાદાસને થયું કે ‘સંપત્તિની દેખભાળમાં આ બાઈ પાછી પડે તેવી નથી.’ તેમણે કહ્યું, ‘હા, એ ૨કમ તમને જલદી પાછી મળી જાય તેવી જોગવાઈ કરીશ. કાલે, હું તમને એની જાણ કરી દઈશ.’ સંપત્તિ બાબતમાં રાણીની આટલી ચીવટ જોઈને દ્વારકાદાસે બીજે જ દિવસે રાણીને કહેવડાવ્યું, ‘મારી પાસે હાલ એટલી રકમ રોકડમાં નથી. પણ તમે ઇચ્છો તો એટલી રોકડ રકમના બદલામાં હું તમને મારી એક જાગીર આપી દઉં.’ ‘એ જાગીરની વાર્ષિક ઉપજ કેટલી છે?’ રાણીએ પુછાવ્યું.

‘૩૬ હજાર રૂપિયાની વાર્ષિક આવક છે. પણ તેની કિંમત બે લાખ રૂપિયાની છે.’ જવાબ આવ્યો.

રાણીએ જોયું કે પ્રસ્તાવ સ્વીકારવામાં કંઈ જ નુકશાન જતું નથી. એટલે તેણે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. જમીનના સહી-સિક્કા કરીને પોતાને નામે ટ્રાન્સફર પણ કરાવી લીધી. એ પછી તેને દ્વારકાદાસ ઠાકુરને કહેવડાવ્યું, ‘હું તો વિધવા છું. મારી એવી કોઈ વિશાળ સંપત્તિ નથી. આપના જેવા પ્રતિષ્ઠિત ભદ્ર પુરુષને મારી અલ્પસંપત્તિના મેનેજર બનાવવા એ આપનું અપમાન છે. એ બિલકુલ શોભાસ્પદ નથી. મારી આ મિલકતના વારસદાર મારા જમાઈઓ છે. તેઓ જ તેનું ધ્યાન રાખશે. આપની ભલી લાગણી અને સ્નેહ માટે હું આપનો ખૂબ આભાર માનુ છું.’ આ જવાબથી દ્વારકાદાસ ઠાકુર રાણીની શક્તિને જાણી ગયા કે તે કોઈની ય પકડમાં આવે તેવી સામાન્ય સ્ત્રી નથી.

(ક્રમશઃ)

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.