રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી સાવ નિર્લેપ હતી. પતિના અવસાન બાદ તો તેણે પોતાનું જીવન સદંતર બદલી નાખ્યું હતું. તે સાધ્વીનું જીવન જીવી રહી હતી. પ્રભાતના પહેલા પહોરે તે ઊઠી જતી. નહાઈ ધોઈને જપ કરવા બેસી જતી. કલાકો સુધી જપધ્યાન કરતી. ત્યારબાદ સવારે તે પોતાની ઑફિસમાં બેસતી. દસ્તાવેજોમાં સહીસિક્કા કરતી. હિસાબો તપાસતી. ઑફિસરોની નિમણૂંક કરતી. મથુરાદાસ સાથે અનેક બાબતોની ચર્ચા કરતી. હિસાબ કિતાબની એક પણ બાબત તેની નજરમાંથી છટકી શકતી નહીં. બપોરે તે ભગવાનને ધરેલો પ્રસાદ જ ભોજનમાં લેતી. પછી થોડો સમય આરામ કરી પાછી ઑફિસના કામકાજ ઉપર ધ્યાન આપતી. સાંજ તે ધર્મચર્ચા સાંભળવામાં ગાળતી. આમ એક તપસ્વિની સમી તેની દિનચર્યા હતી.

એક દિવસે રાણીને મનમાં એવી ઇચ્છા જાગી કે ચાંદીના સુંદર રથમાં ભગવાનને બેસાડવા અને પછી કલકત્તાના માર્ગ પર ભવ્ય રથયાત્રા યોજવી. એક વખત તેના મનમાં ભાવ જાગે પછી તે પૂર્ણ કરીને જ જંપતી. તેણે મથુરબાબુને ચાંદીનો રથ બનાવવા કહ્યું. મથુરબાબુએ આવો સુંદર અને કિંમતી રથ બનાવવા માટે હેમિલ્ટન કંપની જ યોગ્ય છે, એમ રાણીને વાત કરી ત્યારે રાણીએ કહ્યું, ‘શું આપણા દેશી કારીગરો આવો રથ નહીં બનાવી શકે?’ ‘બનાવી તો જરૂર શકે. પણ વિદેશી કંપનીને આપીએ તો જલ્દી થશે, સસ્તું થશે.’

‘ભલે મોંઘુ થાય, પણ દેશી કારીગરોને જ એ કામ સોંપો. વિદેશીઓ પૈસા લઈ જાય અને એના કરતાં દેશના કારીગરોને મળે એ જ વધારે સારું છે.’ તે સમયે તો સ્વદેશી આંદોલનોની હવા ય ચાલી નહોતી. ત્યારે એક સૈકા પહેલાં બંગાળની એ નારીશક્તિના હૃદયમાં દેશમાં બનાવેલી વસ્તુનું મૂલ્ય કેટલું ઊંચું હતું તેની જાણ થાય છે. રાણીની ઇચ્છાથી દેશના કારીગરોએ જ ચાંદીનો આ ભવ્ય રથ તૈયાર કર્યો. તેમાં કુલ ૧,૨૨,૧૧૫ રૂપિયાનો ખર્ચ થયો. ભગવાનને બેસાડીને સ્તોત્રગાન સાથે જ્યારે કલકત્તાના માર્ગ ઉપર એ રથ આવ્યો ત્યારે જાણે અંતરિક્ષમાંથી દિવ્યરથ પૃથ્વી ઉપર ઊતરી આવ્યો હોય તેવો ભવ્ય જણાતો હતો. હજારો લોકો આ રથયાત્રામાં જોડાયા હતા. રાણીના ત્રણે ય જમાઈઓ પણ ઉઘાડે પગે આ યાત્રામાં ચાલ્યા હતા. રાણીએ વિદેશી મહાનુભાવોને પણ આ યાત્રામાં આમંત્રણ પાઠવ્યું હતું અને તેમના માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. એ મહાનુભાવોએ પાછળથી જણાવ્યું હતું કે ‘અમારી આંખોએ આવો ભવ્ય ઉત્સવ કદી જોયો નથી.’

રાણીની દુર્ગાપૂજા પણ અનોખી રહેતી. પ્રતિવર્ષ દુર્ગાપૂજામાં તે ૫૦ થી ૬૦ હજાર રૂપિયાનો ખર્ચ કરતી. આ પૂજા વખતે તે બ્રાહ્મણોને ખૂબ દાન આપી સંતુષ્ટ કરતી. ગરીબોને અન્નવસ્ત્રો આપતી. લગભગ આખા ય વર્ષ દરમિયાન રાણીની કોઠી એક યા બીજા પ્રકારના ઉત્સવથી ધમધમતી રહેતી. જન્માષ્ટમીપૂજા, લક્ષ્મીપૂજા, જગદ્ધાત્રી-પૂજા, કાર્તિકપૂજા, સરસ્વતીપૂજા, વસંતીપૂજા, દોલયાત્રા, સ્નાનયાત્રા, રથયાત્રા, આ બધા પૂજા ઉત્સવો ધામધૂમથી ઉજવાતા. બ્રાહ્મણોના મંત્રોચ્ચારો અને સ્તુતિ સ્તવનોથી તેની કોઠીનું વાતાવરણ મંદિર જેવું પવિત્ર બની રહેતું. આ ઉત્સવોમાં ભજનિકો અને સંગીતકારોને પણ આમંત્રણ આપવામાં આવતાં. તદુપરાંત મલ્લો, કુસ્તીબાજો, વજન ઉંચકનારાઓ પણ આ ઉત્સવોમાં પોતાની કલાનું પ્રદર્શન કરતા રહેતા. તેમને પણ ઘણાં કિંમતી પારિતોષિકો એનાયત કરવામાં આવતાં. આમ, રાણીમાં ભક્તિ અને શક્તિનો અદ્‌ભુત સમન્વય જોવા મળતો હતો. એની ભક્તિને શક્તિની પાંખો મળતા તે બંગાળી સમાજમાં વ્યાપી ગઈ.

તે દિવસ હતો દુર્ગાપૂજાનો પ્રથમ દિવસ. વહેલી સવારે રાણીના બ્રાહ્મણો ઢોલ વાજા વગાડતા ગંગાકિનારે જઈ રહ્યા હતા. બાજુમાં અંગ્રેજનું ઘર હતું. અવાજ આવતાં તે જાગી ગયો. તેણે આ ઢોલ ત્રાંસા બંધ કરવા હુકમ કર્યો. પણ આ તો રાણીના બ્રાહ્મણો. રાણી સિવાય કોઈના ય હુકમનું પાલન કરવા તૈયાર નહીં. તેઓ તો પોતાની ધૂન અને મસ્તીમાં ગાતા વગાડતા ચાલતા જ રહ્યા. તેથી અંગ્રેજ અધિકારીનો પિત્તો ગયો. પછી તેણે પોલિસમાં ફરિયાદ કરી કે આ ઢોલનગારાંનો અવાજ તાત્કાલિક બંધ કરાવો.’ હવે રાણી પાસે આ વાત આવી. રાણીએ એનો હુકમ માનવાને બદલે ઊલટા વધારે માણસો બોલાવ્યા ને કહ્યું, ‘વધારે જોરથી ગાતાવગાડતા ગંગાકિનારે જાઓ. આપણા દેશમાં આવીને આપણા જ ધર્મની વિરુદ્ધ મનાઈ કરવાવાળા એ કોણ?’ બીજા દિવસે વાજતું ગાજતું આખું સરઘસ ગંગાકિનારે પહોંચ્યું. રાણીએ હુકમનો અનાદર કર્યો હોવાથી હવે આખો કિસ્સો કોર્ટમાં ગયો. કોર્ટે રાણીને ૫૦ રૂપિયાનો દંડ કર્યો. કોર્ટના હુકમને સ્વીકારીને રાણીએ દંડ તો ભરી દીધો. પણ સાથે સાથે સત્તાવાળાઓને બરાબરનો પાઠ ભણાવવાનો નિશ્ચય પણ કરી લીધો. સરકારે તેની ધર્મભાવનાને ક્ષતિ પહોંચાડી હતી એટલે તે ચૂપચાપ સહન કરી શકે તેમ ન હતી. તેણે મોટાં મોટાં લાકડાંઓની આડ ઊભી કરાવીને જાનબજારથી બાબુઘાટ સુધીનો આખો રસ્તો બંધ કરાવી દીધો! ત્યાંનો બધો વાહનવ્યવહાર અટકી ગયો. સરકારે વાંધો ઉઠાવ્યો કે રાણીએ શા માટે રસ્તો બંધ કરી દીધો? ત્યારે રાણીએ કહેવડાવ્યું કે આ રસ્તો મારો છે. અને વળતર મેળવ્યા વગર હું અહીંથી કોઈને ય પસાર થવા નહીં દઉં.’ હવે આમાં સરકાર કંઈ જ કરી શકે તેમ ન હતી. સિવાય રાણીને વિનંતી. કેમ કે બધું જ કાયદેસર હતું. આખરે સરકારને ઝૂકવું પડ્યું. ને રાણી પર નાંખેલો ૫૦ રૂપિયાનો દંડ પાછો ખેંચી લીધો. તે પછી જ રાણીએ રસ્તો ખુલ્લો કર્યો. આ હતી રાણીની આંતરિક તાકાત! તેની સત્યપ્રિયતા અને ન્યાયપરાયણતાની સામે વિદેશી સરકાર પણ ટકી શકતી નહીં. રાણીના વ્યક્તિત્વનો એવો પ્રભાવ હતો કે રાણીની ગાડી જ્યારે રસ્તા ઉપરથી પસાર થતી હોય, તે વખતે તેના માર્ગમાં ઊભું રહેવાની કોઈ હિમ્મત દાખવી શકતું નહીં.

અંગ્રેજોને મચક ન આપનાર રાણીનું હૃદય વજ્રથી પણ કઠોર હતું. પણ ગરીબો પ્રત્યે એ જ હૃદય ફૂલથી પણ કોમળ હતું. એ હૃદયમાંથી સદાય પ્રેમ અને કરુણા ગરીબો પ્રત્યે વહેતાં રહેતાં. એક વખત ગરીબ માછીમારો રડતા રડતા તેની પાસે આવ્યા અને બોલ્યા: ‘મા, હવે તો અમારે ભૂખે મરવાનો વારો આવ્યો.’ ‘કેમ રે? શું થયું?’ ગંગામાંથી માછલીઓ ચાલી ગઈ કે શું?’ ‘ના મા, એવું તો નથી પણ સરકારે અમે માછલીઓ પકડીએ છીએ, એટલે અમારા ઉપર જલવેરો નાખ્યો છે. માછલીઓ આવે કે ન આવે પણ અમારે વેરો તો ભરવાનો જ! અમારી આવક એ વેરામાં જ ચાલી જાય છે!’

‘તો પછી કમિશ્નરને વાત કરોને?’

‘અમે બધાય ને મળી આવ્યા. બડાબાબુઓને પણ મળ્યા પણ સરકારની સામે કોઈ અમારો હાથ ઝાલવા તૈયાર નથી.’ એટલે મા, હવે અમે તમારે આશરે આવ્યાં છીએ. અમારો વેરો માફ કરાવી દો.’

ગરીબ માછીમારોની વાત સાંભળીને રાણીનું હૃદય દ્રવિત થઈ ગયું. તેને થયું કે માછલાંની આવક ઉપર તે કંઈ વેરો હોય? આ તો સરાસર અન્યાય છે. જ્યારે જ્યારે તે અસત્ય અને અન્યાયનું આચરણ જોતી ત્યારે ત્યારે તેના હૃદયમાં આક્રોશ ભભૂકી ઊઠતો. આ વખતે પણ એમ જ થયું. સરકારની સામે થવાનું હતું. સરકાર સીધી રીતે મચક આપે તેમ ન હતી એટલે બુદ્ધિમતી રાણીએ યુક્તિ દ્વારા કામ પાર પાડવાનું નક્કી કર્યું.

ગંગામાં માછીમારો જ્યાં માછલાં પકડતાં હતાં તે ક્ષેત્ર ઘુસુડીથી મેટિયાબુરઝ સુધીનું હતું. રાણીએ રૂ. દસ હજારમાં આ આખાય ક્ષેત્રની સીમા સુધીનો અધિકાર મેળવી લીધો. સરકારને થયું કે ‘મફતમાં દસ હજાર રૂપિયા જેવી રકમ મળે છે. તો શા માટે જવા દેવી?’ પણ એની પાછળ રહેલી રાણીની યુક્તિને તેઓ સમજી શક્યા નહીં. રાણીએ માછીમારોને કહ્યું, ‘હવે તમે ગંગાના આટલા ભાગની અવરજવર બંધ કરી દો.’ રાણીમાનો હુકમ થતાં માછીમારોએ તો મોટાં મોટાં દોરડાંઓ અને સાંકળની મદદથી આટલા વિસ્તારની ગંગાને બાંધી દીધી! હવે એમાં અવરજવર જ બંધ થઈ ગઈ. આથી સરકાર રોષે ભરાઈ અને રાણીને હુકમ કર્યો કે ‘આ ક્ષેત્ર ખુલ્લું કરી દો.’ રાણીએ સરકારને કહેવડાવ્યું કે ‘આ ક્ષેત્ર પર મારો અધિકાર છે. વરાળથી ચાલતી મોટી મોટી સ્ટીમરોને પરિણામે માછલીઓ ડરીને ભાગી જાય છે. અને તેઓ ઈંડા મૂકી શકતી નથી. એટલે અમને ખૂબ નુકશાન થાય છે. મારા ગરીબ માછીમારો માટે તો આવકનો આ જ સ્રોત છે. તે ન મળતાં તેમને ભૂખે મરવું પડે છે.’ ખાસ તો તેમના પર સરકારે નાખેલા જલકરને લઈને જ રાણીએ આ માર્ગ અપનાવ્યો છે. એમ પણ તેણે સરકારને કહેવડાવ્યું. આ ક્ષેત્રમાં કંઈ પણ કરવાનો રાણીનો કાયદેસરનો હક્ક હતો એટલે સરકાર આ બાબતમાં કંઈ જ કરી શકે તેમ ન હતી. આખરે રાણીની મક્કમતા સામે સરકારને ફરી એકવાર ઝૂકવું પડ્યું. સરકારે રાણીને તેના પૈસા પાછા આપી દીધા. માછીમારો પરનો જલવેરો પાછો ખેંચી લીધો. પછી રાણીએ ગંગા પરનાં બંધનો દૂર કર્યા. જ્યાં સરકારની સામે થવા મોટા મોટા માંધાતાઓ હિમ્મત કરતા નહોતા, ત્યાં બંગાળની એક નારીએ અન્યાયની સામે બાથભીડી વિજય મેળવ્યો એથી કલકત્તાની પ્રજા ખુશ થઈ ગઈ. રાણીના વિજયમાં બંગાળીઓએ ગીત ગાયું:

‘રમણીઓમાં મણિ રાસમણિ ધન્ય છે.
બંગાળની તે યશસ્વિની છે.
ગરીબોનાં દુ:ખથી તે દ્રવિત થાય છે.
પોતાની સંપત્તિ ખર્ચીને તે ગરીબોના પ્રાણ બચાવે છે.’

આવી રાણીની કોઠી ઉપર એકદિવસ ગોરા સિપાહીઓએ હુમલો કર્યો. એમાં વાત એમ બની કે કેટલાક ગોરા સિપાહીઓ દારૂ પીધેલી હાલતમાં શેરીના લોકોને રંજાડી રહ્યા હતા. રાણીના એક જમાઈએ ઉપરથી ઝરૂખામાંથી એ જોયું. તેનાથી આ અત્યાચાર સહન ન થયો. તેણે દરવાનને આ ગોરા સિપાહીઓને બરાબર પાઠ ભણાવવા હુકમ આપ્યો. આથી દરવાનોએ તેમને માર્યા. તેનો બદલો લેવા ત્યાંના બધા જ ગોરા સિપાહીઓએ સાથે મળીને રાણીની કોઠી ઉપર હુમલો કર્યો. દરવાનોને મારીને અંદર ઘૂસી ગયા. આવી કટોકટીની વેળાએ પણ રાણી ખૂબ સ્વસ્થ હતી! તેણે તાત્કાલિક પાછલા બારણેથી ઘરના બધા જ સભ્યોને બહાર મોકલી દીધા. અને પોતે હાથમાં ખુલ્લી તલવાર લઈને ભોંયતળિયે રઘુનાથજીના મંદિરની ચોકી કરતી ઊભી! જાણે પ્રભુનું રક્ષણ કરવા ઊતરી આવેલી સાક્ષાત્ શક્તિ દેવી! વિધર્મીઓની છાયા પણ એના પ્રભુ ઉપર ન પડવી જોઈએ.’ એમ માનીને તે મંદિરની આગળ જ ઊભી. પણ પોતાના કાળ જેવી આ શક્તિને દૂરથી જ જોઈને સૈનિકો બીજે ફંટાઈ ગયા એ બાજુ ફરક્યા જ નહીં. પણ દીવાનખાનામાં અને બીજા રૂમોમાં જઈને રાણીની કિંમતી વસ્તુઓ, ફર્નીચર, સંગીતનાં વાદ્યો, કલાકારીગરીની ઉત્તમ કૃતિઓ, બારીબારણાઓ બધું જ તોડવા લાગ્યા. અરે, રાણીના માનીતા મોર અને અન્ય પશુ પક્ષીઓને પણ આ ભાનભૂલેલા ગોરા સિપાહીઓએ રહેંસી નાંખ્યાં. આ બધાંના અવાજો રાણી સાંભળતી હતી. પણ રાણીએ રઘુનાથજીના મંદિરને છોડીને બધું બચાવવા માટે કંઈ જ પ્રયત્ન ન કર્યો. એવામાં મથુરબાબુ બહારથી આવ્યા ને અંદર ચાલતા હિંસક તાંડવને જોઈને તુરત જ બહાર નીકળી ગયા ને થોડીવારમાં તેઓ કમિશ્નરને બોલાવીને પાછા આવ્યા. કમિશ્નર પણ અંદરનાં દૃશ્યોને જોઈને ચોંકી ઊઠ્યો. તેણે સૈનિકોને પાછા બોલાવવા બ્યુગલ વગાડ્યું. બધા જ સૈનિકો ત્યાં હાજર થઈ ગયા. તેમને ઠપકો આપીને રાણી અને મથુરબાબુની ક્ષમા યાચી ને, તેમને આશ્વાસન આપીને, તે બધા સૈનિકોને બેરેકમાં લઈ ગયો. આ બનાવ પછી રાણી ખૂબ સાવધ બની ગઈ. તેણે ઊંચો પગાર આપીને બાર વફાદાર અંગ્રેજ સૈનિકોને પોતાની કોઠીનું રક્ષણ કરવા નીમ્યા પછી તેણે સરકાર પાસેથી પોતાની મિલકતના નુકશાનનું પૂરેપૂરું વળતર પણ વસૂલ કર્યું.

તીર્થસ્થળોનું રાણીને ખૂબ આકર્ષણ હતું. તેમાં ય જગન્નાથપુરી, ગંગાસાગર અને કાશીવિશ્વનાથના મંદિરોમાં જઈને ભગવાનને પૂજા-ભોગ ધરાવવાની તેને કેટલાય સમયથી ઇચ્છા હતી. પણ તે વહીવટી કાર્યોને લઈને નીકળી શકતી નહોતી. વળી એ સમયે સીધી રેલ્વે પણ ન હતી. તો પણ રાણીએ પુરીધામની યાત્રાએ જવાનું નક્કી કર્યું. તેઓ સગાંવહાલાં, મિત્રો, ચોકીદારો, સેવકોને લઈને જળમાર્ગે નીકળ્યાં. પોતાની સાથે ખાદ્યસામગ્રી અને જરૂરિયાતોની વસ્તુઓથી ભરેલાં વહાણો પણ લીધાં. રસ્તામાં સમુદ્રમાં તોફાન ઊઠ્યું. બધાં જ વહાણો જુદી જુદી દિશામાં ફંગોળાઈ ગયાં. રાત પડી તો ય તોફાન શમ્યું નહીં. એટલે રાણીએ કિનારાની નજીક પોતાના વહાણને નાંગરવા હુકમ આપ્યો. પોતે ત્યાં કિનારે ઊતરી ગઈ. દાસીને સાથે લઈને રાતવાસો કરવા માટે આશ્રય મેળવવા તપાસ કરવા લાગી. ત્યાં દૂરથી ઝાંખું અજવાળું દેખાતાં તેઓ ત્યાં પહોંચ્યાં. બારણું ખટખટાવતાં કોઈ આધેડ વયના પુરુષે બારણું ખોલ્યું. જોયું તો બે સ્ત્રીઓ. બંનેને ઝૂંપડીમાં અંદર લીધી. એ એક ગરીબ બ્રાહ્મણનું ઘર હતું. રાણીએ બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું, ‘અમે યાત્રાએ જવા નીકળ્યાં છીએ. તોફાનમાં અમારા કાફલાથી છૂટા પડી ગયાં છે. આજની રાત જો તમે આશ્રય આપો તો તમારો ખૂબ ઉપકાર થશે.’ આ અજાણી બંને સ્ત્રીઓને તે બ્રાહ્મણપરિવારે ભોજન કરાવ્યું. આશ્રય આપ્યો. સવાર થતાં તોફાન શમી ગયું. જ્યારે રાણી ત્યાંથી જવા નીકળ્યા ત્યારે બ્રાહ્મણની સ્ત્રીના હાથમાં ચાંદીના સો રૂપિયા આપ્યા ત્યારે બ્રાહ્મણ પરિવારને થયું કે આ સ્ત્રીના રૂપમાં જાણે સાક્ષાત્ લક્ષ્મીમાતા એમને ત્યાં આવ્યાં હતાં! ઘાટ ઉપર જઈને જોયું તો રાણીના બધાં જ વહાણો ત્યાં આવી ગયાં હતાં. એટલે તેણે જગન્નાથપુરીની દિશામાં હંકારવા આદેશ આપ્યો. પછી રાણી બધાં જ વહાણો સાથે સહિસલામત પુરીધામમાં આવી પહોંચી. અહીં રાણી ભગવાન જગન્નાથની રોજ પૂજા કરાવતી. બ્રાહ્મણોને પુષ્કળ ધન આપતી. તેણે અહીં મુખ્યમંદિરમાં જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના સાઠ હજાર રૂપિયાના રત્નજડિત મુકુટો પહેરાવ્યા અને બ્રાહ્મણોને પણ ખૂબ દાન આપી સંતુષ્ટ કર્યા. અહીં જગન્નાથપુરીમાં પણ રાણીએ એક પાકો રસ્તો કરાવી દીધો તેણે જોયું કે સુવર્ણરેખા નદીની પેલેપારનો રસ્તો ઘણી જ બિસ્માર હાલતમાં હતો. પરિણામે યાત્રાળુઓને અગવડ પડતી હતી. રાણીએ આ રસ્તો પોતાના ખર્ચે પાકો બંધાવી દીધો.

બીજે વરસે રાણી ગંગાસાગરની યાત્રાએ ગયાં. ત્યાં પણ તેણે ગંગાસાગરના સંગમે ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું. મંદિરના પુરોહિતો અને બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી. પ્રસન્નતા સાથે રાણી પાછી ફરી, પણ પાછાં ફરતાં ચંદનનગર નજીક તેના વહાણોને લૂંટારાઓએ આંતર્યા. રાણીના ચોકિયાતોએ ગોળીબાર કર્યા ને તેમાં એક લૂટાંરો ઘવાયો. એથી લૂંટારાઓ વધારે છંછેડાયા. આમાંથી હેમખેમ બચવા માટે બીજો કોઈ ઉપાય ન જણાતાં રાણીએ બંને પક્ષનો ગોળીબાર અટકાવી તેના સરદારને મળવા માટે સંદેશો મોકલ્યો. સરદારને તેણે પૂછ્યું: ‘તમારે શું જોઈએ છે?’

‘મા, અમારે પૈસા જોઈએ છે. જો તમે પૈસા આપી દો તો અમે તમને બિલકુલ હેરાન નહીં કરીએ.’

‘તમે કેટલા છો?’ રાણીએ પૂછ્યું.

‘અમે બાર જણા છીએ.’

‘જુઓ અત્યારે તો મારે પાસે કોઈ રોકડ રકમ નથી. પણ આવતી કાલે સાંજ સુધીમાં તમને બાર હજાર રૂપિયા મળી જશે. જો તમને આ માગણી સ્વીકાર્ય ન હોય તો તમે મારા ગળામાં રહેલો આ સોનાનો હાર અને થોડા ચાંદીના વાસણો છે, તે લઈ જાઓ.’

રાણીની નિડરતા, સચ્ચાઈ જોઈને લૂંટારાનો સરદાર પણ તાજ્જુબ થઈ ગયો. તેને રાણીની વાતમાં સચ્ચાઈનો રણકો જણાયો. તેથી તેણે કહ્યું: ‘અમને તમારી માગણી મંજુર છે. પણ જો કાલે સાંજ સુધીમાં રકમ નહીં મળે તો અમે તમારાં વહાણોને આગળ જવા દઈશું નહીં.’

પણ રાણીએ એમને એવી તક જ ન આપી. બીજે દિવસે સાંજે પોતાના વિશ્વાસુ માણસ દ્વારા તેણે લૂંટારાના સરદારને બારહજાર રૂપિયા મોકલાવી આપ્યા ને પોતાની યાત્રા આગળ ચલાવી. ક્યાં સામે થવું ને લડીને વિજય મેળવવો અને ક્યાં યુક્તિથી રસ્તો કાઢવો અને ક્યાં સમાધાનકારી વલણ અપનાવી આફતને ટાળી દેવી એની આંતરસૂઝ રાણીમાં ભારોભાર ભરેલી હતી અને તેથી જ તે કોઈપણ પરિસ્થિતિ, પછી તે ગમે તેવી વિકટ કેમ ન હોય, પણ તેમાંથી પાર નીકળી જતી.

રાણીની ભક્તિ, પ્રાર્થના, અને આંસુઓથી તીર્થસ્થળ પવિત્રતાના આંદોલનોથી છવાઈ જતું. તેનું તપ, પ્રભુને પામવાની તેની ઉત્કટ ઝંખના, તેના હૃદયની ઉદારતા, એવાં આધ્યાત્મિક વાતાવરણને સર્જી દેતાં કે ત્યાં હાજર રહેલાં સહુનાં હૃદયો ભક્તિભાવમાં તરબોળ બની જતાં. પણ હજુ તેના ભક્તિભાવને સ્વીકારવા માટે પરમાત્મા તેની સમક્ષ પ્રગટ થયા ન હતા. તેથી તેની ઝંખના પ્રબળ બનતી જતી હતી. પરંતુ એની પ્રાર્થનાના પોકારે નેપથ્યમાં રહેલા પરમાત્મા પોતે એના જીવનના રંગમંચ ઉપર પ્રગટવાની તૈયારી કરી રહ્યા છે. એનો એને બિલકુલ ખ્યાલ ન હતો. અને એટલે જ તો એ પરમાત્માના દર્શન માટે કાશી-વિશ્વનાથ અને મા અન્નપૂર્ણા પાસે વારાણસી જવા ઇચ્છતી હતી.

રાણીની આ ઇચ્છાએ તો એના જીવનના વહેણને સીધું પરમાત્મા સમક્ષ વાળી દીધું! રાણીને અંતરમાં એવું થયા કરતું હતું કે અત્યાર સુધી તેણે લોકહિતનાં જે જે કાર્યો કર્યાં છે, તે બધાં ભલે લોકોની દૃષ્ટિએ મહાન ગણાતાં હોય, પણ એ તો બધાં સામાન્ય કાર્યો હતાં. તેને હવે અંતરમાંથી થતું હતું કે તેણે કોઈ મહાન કાર્ય કરવાનું છે. એ કાર્ય કરવા જ તો તે પૃથ્વી ઉપર આવી છે. પણ હજુ એ મહાન કાર્ય તેની સમક્ષ પ્રગટ થયું નહોતું. એટલે જ હવે તેને થયું કે કાશી વિશ્વનાથનાં દર્શનથી કદાચ એની એ ઇચ્છા પૂરી થશે. આથી તેણે કાશીની યાત્રા માટે ભવ્ય તૈયારીઓ કરી.

એ સમયે કલકત્તા અને વારાણસી વચ્ચે સીધી ટ્રેન ન હતી. રાણીએ આ યાત્રા પણ જળમાર્ગે કરવાનું નક્કી કર્યું. આ તો તેના જીવનની મોટામાં મોટી યાત્રા હતી. આથી તેણે  ત્રણે ય પુત્રીઓ જમાઈઓ, કર્મચારીઓ, સગાસંબંધીઓ, સેવકો, દાસ-દાસીઓ, અંગરક્ષકો, અને ડૉક્ટરો સુધ્ધાંને સાથે લીધા. ખાદ્યસામગ્રી અને જરૂરિયાતની વસ્તુઓ મોટાં મોટાં સાત વહાણોમાં ભરીને સાથે લીધી. કુલ પચ્ચીસ વહાણો તૈયાર કરાવ્યાં. યાત્રા માટે તો બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. બીજા દિવસે પ્રયાણ કરવાનું હતું. તે રાત્રે રાણીને મા કાલીએ સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું: ‘તારે યાત્રાએ જવાની જરૂર નથી. ગંગાકિનારે કોઈ સુંદર સ્થળે તું મારા મંદિરનું નિર્માણ કર, તેમાં મારી મૂર્તિની પ્રતિષ્ઠા કર. તેની પૂજા ને ભોગની વ્યવસ્થા કર. આ મૂર્તિમાં રહીને હંમેશા હું તારી પૂજા સ્વીકારીશ.’ રાણી જાગી ગઈ. તેને થયું કે આ તે સ્વપ્ન કે સત્ય? માના આદેશનું એણે તત્કાળ પાલન કર્યું. કાશીયાત્રાએ જવા માટે બધા જ થનગની રહ્યા હતા. સવારે તો નીકળવાનું જ હતું. તેને બદલે રાણીએ હુકમ આપ્યો. ‘હવે યાત્રાએ જવાનું નથી. સહુ પોતપોતાને સ્થાને પાછા ફરે. વહાણોમાં જે ખાદ્યપદાર્થો અને ચીજવસ્તુઓ ભરેલી છે, તે બ્રાહ્મણો અને ગરીબોને આપી દેવામાં આવે.’ આ આદેશનું પાલન થયું અને ગરીબો મેવા-મીઠાઈ, વસ્ત્રો મેળવી રાજી થઈ ગયા. યાત્રા માટે ફાળવેલી રકમ રાણીએ અલગ મૂકી રાખી કે જેથી મંદિરની જમીન ખરીદવામાં તેનો ઉપયોગ કરી શકાય.

હવે રાણીએ પોતાનું સમગ્ર ધ્યાન માના મંદિરના નિર્માણમાં પરોવ્યું. સર્વપ્રથમ તેણે જમીનની શોધ આદરી. ગંગાનો પશ્ચિમ કિનારો કાશી જેટલો જ પવિત્ર માનવામાં આવે છે. તેથી રાણીએ સર્વપ્રથમ ગંગાને પશ્ચિમ કિનારે જ જમીન મેળવવાનો પ્રયત્ન કર્યો. પણ એ બાજુ તેને ક્યાંય જમીન મળી નહીં. તેણે પછી ૧૮૪૭માં ગંગાના પૂર્વકિનારે દક્ષિણેશ્વરમાં ૨૫ એકર જમીન લીધી. આ જમીનમાં એક અંગ્રેજ ઑફિસરનો બંગલો હતો. તે પણ તેણે ખરીદી લીધો. બંગલાની સામેના ભાગમાં મુસલમાનોનું કબ્રસ્તાન અને ગાજીસાહેબની દરગાહ હતી. આ આખું ય સ્થળ કાચબાની પીઠ જેવું હતું. તંત્ર પ્રમાણે આવું સ્થળ શક્તિપીઠ માટે ઉત્તમ ગણાય. જાણે શ્રીરામકૃષ્ણની સર્વધર્મની સાધના માટે હિંદુ, મુસ્લિમ અને ઈસાઈ ત્રણે ય ધર્મના સંગમ રૂપ આ ભૂમિને જ મા કાલીએ પસંદ કરી રાખી ન હોય!

આ જમીનમાં રાણીએ સર્વપ્રથમ ગંગાકિનારે એક પાકો ઘાટ બંધાવ્યો. ૧૮૪૭માં મા કાલી, જેને તે ભવતારિણી તરીકે સંબોધતી હતી, તેના મંદિર માટે ભૂમિપૂજન કર્યું. આ મંદિરના નિર્માણમાં આઠ વર્ષ લાગ્યાં. ભવતારિણીના મંદિર ઉપરાંત આ જ સંકુલમાં તેણે રાધાકાન્તનું સુંદર મંદિર પણ બંધાવ્યું. સાથે સાથે બાર શિવમંદિરો પણ આ જ સંકુલમાં બંધાવ્યાં. આમ શક્તિ, શિવ અને રાધાકૃષ્ણ-બધાંને બિરાજમાન કરાવીને રાણીએ પોતે પણ બધા જ પ્રકારના હિંદુઓને માટે દક્ષિણેશ્વરને પૂજા-ભક્તિનું સુંદર સ્થાન બનાવી દીધું! આ મંદિરોના નિર્માણમાં રાણીએ નવ લાખ રૂપિયા ખર્ચ્યા, જેનું આજના સંદર્ભમાં તો કરોડો રૂપિયાનું મૂલ્ય થાય. મંદિરના કાયમી નિભાવ માટે તેણે ઠાકુરગાંવ તાલુકામાં આવેલું શાલબાડી પરગણું ખરીદી લીધું! તેનું દાનપત્ર મંદિરને લખી આપ્યું. તેની આવકમાંથી મંદિરમાં કાયમી સેવા-પૂજા થતી રહે એવી જોગવાઈ આ રીતે કરી.

મંદિર માટે માની મૂર્તિ કંડારવી શરૂ થઈ ત્યારથી રાણીએ કઠોર તપશ્ચર્યા શરૂ કરી દીધી. કેમ કે તેને માટે એ કંઈ પથ્થરની મૂર્તિ નહોતી કંડારાતી, પણ મા જગદંબાનું સ્વરૂપ આકાર લઈ રહ્યું હતું. મૂર્તિ દ્વારા સાક્ષાત્ જગદંબા આવિર્ભાવ પામી રહી હતી. માએ પોતે જ તેને કહ્યું હતું કે ‘આ મૂર્તિ દ્વારા હું તારી પૂજા અર્ચના સ્વીકારીશ’ આથી રાણી ઉત્કટભાવે માની આરાધના કરવા લાગી. તે ત્રણ વખત સ્નાન કરી પૂજા કરતી, હવિષ્યાન્ન ભોજન લેતી. ભૂમિ પર શયન કરતી અને પોતાનો મોટા ભાગનો સમય પાઠ-પૂજા-ધ્યાનમાં વીતાવતી. તેની આવી ઉત્કટ આરાધનાને પરિણામે મા એ મૂર્તિમાં પ્રતિષ્ઠિત થયાં અને માએ રાણીને એની પ્રતીતિ કરાવી આપી. મૂર્તિ તો તૈયાર થઈ ગઈ પણ હજુ મંદિરનું ચણતર કાર્ય પૂરું થયું નહોતું. પ્રાણપ્રતિષ્ઠા કર્યા વગર મૂર્તિની પૂજા કરી શકાય નહીં અને માની મૂર્તિને અપૂજ બહાર પણ રાખી શકાય નહીં આથી એક પેટીમાં બંધ કરીને મૂકી રાખી. થોડા દિવસો પસાર થઈ ગયા પછી એક રાત્રે સ્વપ્નમાં મા કાલીએ તેને કહ્યું: ‘તું મને આ રીતે કેટલા દિવસ પૂરી રાખીશ? મને ગૂંગળામણ થાય છે. મને જલ્દી બહાર કાઢ અને મારી પ્રતિષ્ઠા કર.’ આ સ્વપ્નદૃશ્યથી રાણી જાગી ગઈ. તેને હવે ખાતરી થઈ કે મા કાલી, પોતે આ મૂર્તિમાં હાજરાહજૂર છે. એથી તે ભાવવિભોર બની માની સ્તુતિ કરવા લાગી.

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.