(ગતાંકથી આગળ)

પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે તેણે પેટી ખોલીને જોયું તો મૂર્તિને પરસેવો થતો હતો! આ પ્રસંગ વિશે શ્રીરામકૃષ્ણે પોતે જણાવ્યું હતું કે, ‘પેટીમાં પૂરી રાખેલી મૂર્તિને કોઈ કારણસર પસીનો થવા લાગ્યો. અને મૂર્તિએ રાણીને સ્વપ્નમાં આજ્ઞા આપી કે હજી તું મને કેટલા દિવસ પૂરી રાખીશ? મને ગૂંગળામણ થાય છે. જલ્દી મારી પ્રતિષ્ઠા કર.’

હવે રાણી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા માટે ઉતાવળ કરવા લાગી પણ નજીકના ભવિષ્યમાં કોઈ શુભ મુહૂર્ત નહોતું આવતું એટલે ૧૮૫૫ની ૩૧મી મે ને ગુરુવારે સ્નાનયાત્રાના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનું નક્કી કર્યું.

પણ તેમાં એક વિઘ્ન ઊભું થયું. રાણી તો શૂદ્રજાતિની હતી. એટલે તેના બંધાવેલા મંદિરમાં કોઈ બ્રાહ્મણ પૂજારી તરીકે આવવા તૈયાર થયો નહીં. બ્રાહ્મણ પૂજારી વગર માની શાસ્ત્રોક્ત પૂજા, નિત્યભોગ – શણગાર કોણ કરે? જ્યારે કોઈ બ્રાહ્મણ આવવા તૈયાર થયો નહીં, એટલે રાણી ખૂબ નિરાશ થઈ ગઈ કે શું માની મૂર્તિની પ્રતિષ્ઠા નહીં થાય? તેણે વિદ્વાન બ્રાહ્મણો, પંડિતો, શાસ્ત્રજ્ઞોને પત્રો લખી, માર્ગદર્શન માગ્યું. પણ કોઈની પાસેથી તેને ઉકેલ ન મળ્યો. આથી તે ભારે મૂંઝવણ અનુભવવા લાગી. તેને થયું કે હવે શું થશે? તેના અંતરમાંથી એક તીવ્ર ફરિયાદ મા જગદંબા પ્રત્યે ઊઠી : ‘મા, તારા આદેશથી આ મંદિર તૈયાર થયું છે. અને હવે એ મંદિરમાં કોઈ બ્રાહ્મણ આવવા તૈયાર નથી તો શું કરવું? તમે જ રસ્તો બતાવો.’ અને માએ જ રસ્તો બતાવ્યો!

જેમના માટે માએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જેમના માટે ચિન્મયી માએ મૃણ્મયી મૂર્તિમાં આવવાનું સ્વીકાર્યું હતું અને જેમના માટે માએ આ દક્ષિણેશ્વરની ભૂમિ પસંદ કરાવી હતી. એ પરમતત્ત્વના તેજપૂંજમાંથી દિવ્યલીલા માટે સીધા ઊતરી આવેલ પોતાના બાળકને પોતાની સન્મુખ લાવવા માટે જગદંબાએ પણ તરકીબ અજમાવવી પડી!

રાણીએ લખેલા પત્રોના ઉત્તરમાં વિદ્વાન બ્રાહ્મણોના પત્રો રોજેરોજ આવતા હતા. પણ બધા જ પત્રોમાં રાણીને નિરાશા જ સાંપડતી હતી. પણ તેમાંના એક પત્રે રાણીને આનંદિત કરી દીધી! એ પત્ર હતો કામારપુકુરની સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક રામકુમાર ચેટરજીનો. એ પત્રે જાણે ઘોરઅંધકારમાં ઘેરાયેલી રાણીને સ્પષ્ટ માર્ગ બતાવ્યો. તેમાં લખ્યું હતું: ‘રાણી ભલે શૂદ્ર હોઈને તેણે મંદિર બંધાવ્યું. પણ જો તે આ મંદિર કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દે. તો પછી એ મંદિરની માલિકી બ્રાહ્મણની થઈ જાય છે. તેથી પછી એમાં પૂજા કરવામાં ને અન્નભોગ ધરાવવામાં શાસ્ત્રોક્ત નિયમોનું કોઈ ઉલ્લંઘન થતું નથી. તેમાં એ પૂજારીને કોઈ દોષ થતો નથી.’ રાણીને થયું કે જાણે માએ જ પ્રેરણા કરીને રસ્તો બતાવ્યો. ઉકેલ મળી જતાં તે ખૂબ પ્રસન્ન થઈ. તેણે પોતાના કુલગુરુને આ મંદિર અર્પણ કરી દીધું. પોતે કુલગુરુના પ્રતિનિધિ રૂપે સંચાલનની જવાબદારી જ વહન કરનારી બની રહી.

શાસ્ત્રોક્ત ઉકેલ મળી જવા છતાં રાણીને કોઈ યોગ્ય પૂજારી ન મળ્યો. મા કાલીની પૂજા કરવા માટે કોઈ યોગ્ય બ્રાહ્મણ આવવા તૈયાર ન થયો. એટલે રાણીએ પછી રામકુમારને જ વિનંતી કરી કે ‘તમે જ માની વિધિવત્ પૂજા કરો. નહીંતર યોગ્ય સમયે માની પ્રતિષ્ઠા નહીં થઈ શકે.’ રાણીની મૂંઝવણ જોઈને રામકુમારે કહ્યું: ‘તમારો પ્રતિષ્ઠા ઉત્સવ અટકે નહીં, એટલે હાલપૂરતું હું પૂજા કરવાનું સ્વીકારું છું, પણ યોગ્ય પૂજારી ન મળે ત્યાં સુધી જ હું અહીં રહીશ.’ રાણીને તો ખૂબ ઉતાવળ હતી. એટલે તેણે રામકુમારની વાત સ્વીકારતાં કહ્યું: ‘ભલે, હાલપૂરતું તો સ્વીકારી લો. મને શ્રદ્ધા છે કે મા જરૂર કોઈ યોગ્ય પાત્રને મોકલી આપશે.’ પણ એ યોગ્ય પાત્રને મોકલવા માટે જ માએ આ વ્યવસ્થા ગોઠવી હતી, તે રાણી ક્યાં જાણતી હતી? રામકુમારે ટૂંકા ગાળા માટે પૂજારીપદ સ્વીકારી લીધું. તે સમયે તેમના મનમાં હતું કે એકાદ બે મહિનામાં તો યોગ્ય પૂજારી મળી જતાં તેઓ પાછા કામારપુકુર જતા રહેશે અને પાઠશાળાના અધ્યાપન કાર્યમાં જોડાઈ જશે. પણ દક્ષિણેશ્વરની ભૂમિની પસંદગી, મંદિરનું નિર્માણ, રામકુમારનું સૂચન અને તેમનું પૂજારીપદે આવવું. આ સઘળું એક મહાન-દિવ્યઘટનાની પૂર્વભૂમિકા રૂપે હતું. જાણે મહાનલીલા માટેનો તખ્તો જગદંબા સ્વયં રચી રહ્યાં હતાં. કોઈ મહાનાયકને માટે, પણ એ નાયક હજુ નેપથ્યમાં હતો!

સ્નાનયાત્રાના એ પવિત્ર દિવસે દક્ષિણેશ્વરનું સમગ્ર વાતાવરણ માના જયઘોષથી ગૂંજી રહ્યું. મૂર્તિનું પ્રતિષ્ઠાન થતાં મહાકાલીનો પ્રકાશ દક્ષિણેશ્વરની ભૂમિ ઉપર પથરાઈ ગયો અને એ ભૂમિના કણેકણ પવિત્ર બની ગયો. રાણીની પ્રસન્નતાનો પાર ન રહ્યો. સાક્ષાત્ જગદંબા તેના આંગણે ઊતરી આવ્યાં હતાં. આ પ્રસંગે તેણે ભારતભરમાંથી પંડિતો બ્રાહ્મણોને આમંત્ર્યા હતા. ચંડીપાઠના સૂરોથી ગંગાની લહેરો પણ આંદોલિત બની ગઈ હતી. મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું. રાણીએ બ્રાહ્મણોને રેશમનાં વસ્ત્રો, મૂલ્યવાન આભૂષણો, સુવર્ણના સિક્કાઓ, કિંમતી વાસણો, વગેરેનું પુષ્કળ દાન આપ્યું. રાણીની ઉદારતાથી બ્રાહ્મણો પ્રસન્ન થઈ ગયા. આ પ્રસંગે એકત્ર થયેલા હજારો લોકોને રાણીએ મિષ્ટભોજન કરાવ્યું. ગરીબોને પણ છૂટ્ટે હાથે અન્નવસ્ત્રની સહાય કરી. ત્યાં આવનાર સર્વકોઈ રાણીની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા હતા. રાણી અપાર આનંદ અનુભવી રહી હતી. હવે મા ભવતારિણી તેની નિત્યપૂજા અને ભોગ સ્વીકારવાનાં હતાં. તેના જીવનની આ મોટામાં મોટી ઉપલબ્ધિ હતી. આ ક્ષણે તે અનુભવી રહી હતી કે તેના જીવનનું જાણે આ જ મહાન કાર્ય હતું! હવે તેને અંતરમાં પરમશાંતિ થઈ રહી હતી.

ભવતારિણી મંદિરના પૂજારી તરીકે આવેલા રામકુમાર કામારપુકુરમાં પોતાની જ પાઠશાળા ચલાવી રહ્યા હતા. પોતાને મદદ કરવા માટે તેમણે પોતાના નાનાભાઈ રામકૃષ્ણને કામારપુકુરથી બોલાવી લીધા હતા. રામકુમારે ઉત્સવમાં પુરોહિતપદ સ્વીકાર્યું હોવાથી તેમણે નાનાભાઈને કહ્યું: ‘ગદાધર, રાણી રાસમણિ બહુ જ મોટો ઉત્સવ કરવાની છે. દેશભરમાંથી સાધુ-સંતો વિદ્વાનો બધા આવવાના છે તને ત્યાં બહુ ગમશે. તો સ્નાનયાત્રાની વહેલી સવારે તું ત્યાં આવી જજે.’ નાનાભાઈને ભારપૂર્વક આવવાનું કહીને રામકુમાર તો બધી તૈયારી કરવા માટે એક દિવસ અગાઉ ત્યાં પહોંચી ગયા. મોટાભાઈનો આગ્રહ હતો એટલે રામકૃષ્ણ પ્રતિષ્ઠા ઉત્સવમાં આવ્યા. દક્ષિણેશ્વરના તખ્તા ઉપર મુખ્ય નાયકનું આગમન થયું. પણ સાવ સામાન્ય યુવકના પરિવેષમાં. મા કાલી સિવાય ત્યારે કોણ જાણતું હતું કે આ સમગ્ર આયોજનનું કેન્દ્રબિંદુ ક્યાં રહેલું છે? અરે, એ નાયકને ખુદને પણ એની ખબર નહોતી. એ તો એક ખૂણામાં ઊભા ઊભા આ બધો ખેલ જોઈ રહ્યા હતા! જેના દ્વારા મા પોતે પ્રસિદ્ધિ પામવાના હતા, એ માથી દૂર દૂર ચૂપચાપ બધું નિહાળી રહ્યા હતા. હજારો લોકો ભોજન કરી રહ્યાં હતાં. પણ તેઓ આ પ્રસાદને અડક્યા સુધ્ધાં નહીં. બજારમાંથી બે પૈસાના મમરા ખરીદીને ખાઈ લીધા! કેમ કે તેઓ તો ચૂસ્ત બ્રાહ્મણ ધર્મનું પાલન કરતા હતા. સાંજે તેમણે મોટાભાઈને કહી દીધું: ‘હું જાઉં છું.’

‘કેમ રે? અહીં રોકાઈ જા ને.’

‘ના, હું નહીં રોકાઉં’. મોટાભાઈ ગદાધરને જાણતા હતા એટલે તેને રોકવા માટે વધારે આગ્રહ કર્યો નહીં. પણ એટલું કહ્યું કે ‘ભલે જા. પણ સવારે પાછો આવતો રહેજે.’ આમ તેઓ ત્યારે દક્ષિણેશ્વરમાં રાત રોકાવા પણ તૈયાર ન હતા!

મોટાભાઈની આજ્ઞા હતી એટલે તેઓ બીજે દિવસે પાછા દક્ષિણેશ્વર આવ્યા. તે દિવસે પણ ઉત્સવ જ હતો. અસંખ્ય લોકોએ પ્રસાદ લીધો. પણ રામકૃષ્ણે આગલા દિવસની માફક મમરા ખાઈને ચલાવી લીધું! ભાઈએ રોકાઈ જવા કહ્યું, પણ તે દિવસે પણ તેઓ ત્યાં રોકાયા નહીં. ઊલટું તેણે મોટાભાઈને કહ્યું: ‘તમે જલ્દી પાછા આવતા રહેજો.’ તેઓ તો ઇચ્છતા હતા કે આવા વાતાવરણમાં મોટાભાઈ એ પણ વધારે રોકાવું ન જોઈએ એક અઠવાડિયું પસાર થઈ ગયું તોય ન આવ્યા એટલે રામકૃષ્ણ એમની તપાસ કરવા અને તેમને પાછા તેડી લાવવા દક્ષિણેશ્વર આવ્યા. પણ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ કે એમને પોતાને જ રોકાઈ જવું પડ્યું.

‘જો ગદાધર, રાણીની માગણી સ્વીકારી લેવી મને યોગ્ય લાગે છે.’ રામકુમારે નાનાભાઈને સમજાવતાં કહ્યું.

‘પણ ત્યાં પાઠશાળાનું શું થશે?’

‘એ હવે મેં બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. એમાં કંઈ ખાસ આવક નથી. બહુ વિદ્યાર્થીઓ પણ આવતા નથી. એના કરતાં અહીં રાણી ઘણો પગાર આપે છે. નિશ્ચિત આવક મળશે ને વળી આપણું રહેવા-જમવાનું બધું જ મંદિરમાં છે. એટલે કંઈ ખર્ચ જ નથી. પાછું કામ ભવતારિણીની પૂજાનું છે. એમાં તો આપણું ય કલ્યાણ થશે. આથી મેં પૂજારીપદ કાયમી સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. તું મારી સાથે જ રહેજે ને મને કામકાજમાં મદદ કરજે.’ મોટાભાઈએ નાનાભાઈને દક્ષિણેશ્વર રહેવા માટે પ્રેમપૂર્વક સમજાવી લીધો. આમ મા કાલીએ પોતાના બાળકને અદૃશ્યપણે પોતાની પાસે તો ખેંચી લીધો. પણ હજુ પોતાની સન્મુખ તેઓ લાવી શક્યા ન હતાં. એ માટે માને બીજી બાજી ગોઠવવી પડી!

શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં રહ્યા તો ખરા. પણ તેઓ કોઈનું ય અડકેલું અન્ન ખાતા ન હતા. ગંગાના પાણીમાં તેઓ પોતે જાતે જ પોતાનું ભોજન પકાવતા અને એ જ ખાતા હતા. મોટાભાઈનો આગ્રહ છતાં ય તેઓ કાલીમંદિરનો પ્રસાદ લેતા ન હતા.

મંદિરના પ્રતિષ્ઠાના ત્રણ મહિના પસાર થઈ ગયા. મંદિરનું બધું જ કાર્ય વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયું હતું. માની પૂજા પણ શાસ્ત્રોક્ત રીતે નિયમિત થઈ રહી હતી. મંદિરની જાણ થતાં દર્શનાર્થીઓ પણ આવવા લાગ્યાં હતાં. આથી રાણી સંતુષ્ટ હતી. એવામાં એક ઘટના બની. રાધાકાન્ત મંદિરના પૂજારી ક્ષેત્રનાથ રાત્રે શ્રીકૃષ્ણને શયન માટે બીજા ઓરડામાં લઈ જતા હતા. ત્યાં તેઓ લપસી પડ્યા અને હાથમાંની મૂર્તિ પડી ગઈને તેનો પગ ભાંગી ગયો. હવે સમસ્યા ઊભી થઈ કે નવી મૂર્તિ બનાવડાવવી કે જૂની મૂર્તિની મરામત કરીને ચાલુ રાખવી. આ માટે રાણીએ પંડિતોની સભા બોલાવી. બધા પંડિતોએ કહ્યું: ‘ખંડિત મૂર્તિને રાખવાથી અપશુકન થાય. તેથી અમંગલ થાય. માટે એ મૂર્તિને ગંગાજીમાં પધરાવી દેવી. તેને સ્થાને નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરવી.’ વિદ્વાન પંડિતો તો પોતાનું મંતવ્ય આપીને દક્ષિણા લઈને ચાલ્યા ગયા. પણ રાણીના મનમાં ખૂબ દુ:ખ થયું. ‘અરેરે, હૃદયેશ્વર માનીને જેની ઉત્કટ ભક્તિભાવે પૂજા કરી છે, જે હૃદયમાં જડાઈ ગયા છે, એ રાધાકાન્તને મારે આમ ગંગામાં પધરાવી દેવાના?’ તેનું હૃદય એ સ્વીકારતું નહોતું. તેથી રાણી ખૂબ ઉદાસ બની ગઈ. મથુરબાબુને પણ મૂર્તિને ગંગામાં પધરાવી દેવાની બિલકુલ ઇચ્છા થતી નહોતી. પણ પંડિતોએ અમંગલ થવાનો ભય બતાવ્યો હતો એટલે તેઓ તેમ કરવા તૈયાર થયા હતા. ત્યાં તેમના મનમાં એક ઝબકારો થયો અને ચિત્તમાં પ્રસન્નતાની લહેર ફરી વળી. તેને દેખાયું એક નિર્દોષ અને છતાં ય જ્ઞાનગંભીર, તેજદીપ્ત મુખ! તેઓ તો વિચક્ષણ હતા. તેમની ચકોર ને સાવધ દૃષ્ટિ મંદિરની એક એક વ્યક્તિઓ પર ફરી વળતી અને તેમાં તેમને એક વ્યક્તિ સર્વથી નિરાળી જણાઈ હતી. સઘળી દુન્યવી બાબતોથી સાવ અસ્પૃશ્ય અને છતાં એ વ્યક્તિત્વમાં એવું જાદું હતું કે મથુરબાબુનું ધ્યાન વારંવાર તેના તરફ ખેંચાતું હતું. એના અંતરની પારદર્શક સચ્ચાઈ, એની સત્યનિષ્ઠા, ઉત્કટ ભક્તિભાવના, નિસ્પૃહતા અને એની ચૂસ્ત આચારસંહિતા-આ બધું જ મથુરબાબુને સ્પર્શી ગયું હતું. ભલે વયમાં અને હોદૃાની રૂએ તેઓ મોટા હતા, માલિક હતા, તો ય તેઓ આ યુવાનનો અંતરથી આદર કરતા હતા. તેને તેઓ નાના ભટ્ટાચાર્યના નામે જ બોલાવતા હતા. અને તે હતા રામકૃષ્ણ. તેમણે રાણીને કહ્યું: ‘મા, આપણે આ બાબતમાં નાના ભટ્ટાચાર્યને તો પૂછી જોઈએ.’ એ સાંભળીને રાણીને પણ મનમાં થયું કે જેનો ઉકેલ પંડિતો આપી શક્યા નથી, તે આ શુદ્ધ સાત્વિક બ્રહ્મચારી પાસેથી કદાચ મળી પણ જાય. આમ વિચારીને તેણે સંમતિ આપતાં મથુરબાબુએ રામકૃષ્ણને સઘળી હકીકત જણાવી પૂછ્યું કે ‘હવે આ બાબતમાં શું કરવું?’

શ્રીરામકૃષ્ણે તુરત જ કહ્યું: ‘રાણીના જમાઈઓમાંથી કોઈનોય પગ ભાંગી જાત તો રાણી શું તેને કાઢી મૂકીને તેની જગ્યાએ નવો માણસ મૂકેત કે પછી તેની સારવાર કરાવત? અહીં પણ એવું જ કરવામાં આવે.’ કોઈ લાંબી ચોડી દલીલબાજી નહીં. કોઈ શાસ્ત્રવચનોનું પ્રમાણ નહીં. પણ સચોટ ઉદાહરણ અને સીધું દર્શન. ત્રણ જ વાક્યમાં શ્રીરામકૃષ્ણે રાણીની સમસ્યા ઉકેલી આપી અને મૂંઝવણ ટાળી દીધી. રાણી તો નાના ભટ્ટાચાર્યના જ્ઞાન અને આંતરસૂઝ ઉપર આફરીન થઈ ગઈ. પછી તો તેને ખબર પડી કે નાના ભટ્ટાચાર્ય મૂર્તિને રીઝવવામાં નહીં પણ તેને ઘડવામાં ય કુશળ છે, એટલે તેણે કહ્યું. ‘મને એમ લાગે છે કે રાધાકાન્તના પગની મરામત તમારા સિવાય બીજું કોઈ સારી રીતે કરી શકશે નહીં. તમને જે સામગ્રી જોઈએ તે પહોંચાડું. પણ આ કામ તો તમે જ કરી આપો. પછી રામકૃષ્ણે કૃષ્ણના પગની મરામત એવી તો કરી આપી કે ખુદ રાણી પણ પછી બતાવી ન શકી કે એમાં ભાંગેલો પગ ક્યો હતો? અને ત્યારે રાણીને નાના ભટ્ટાચાર્ય પર વિશેષ ભાવ જાગ્યો. હવે રાધાગોવિંદના પૂજારી ક્ષેત્રનાથ મંદિરમાંથી છૂટા થઈ ગયા. નવા પૂજારીની શોધ કરવાની હતી ત્યારે મથુરબાબુએ રાણીને કહ્યું: ‘નવા પૂજારીની શોધ કરવાની જરૂર જ નથી. પૂજારી તો આપણી સામે જ છે. જેમણે કૃષ્ણને સાજા કરી દીધા છે, તે હવે પોતાની પૂજાથી કૃષ્ણને પ્રસન્ન પણ કરી દેશે. આપણે નાના ભટ્ટાચાર્યને જ આ કાર્ય સોંપીએ.’ રાણીએ હર્ષપૂર્વક સંમતિ આપી. અને હવે તો રામકૃષ્ણ દક્ષિણેશ્વરના સમગ્ર વાતાવરણ સાથે એવા તો એકરૂપ થઈ ગયા હતા કે તેમને ના પાડવાનું રહ્યું જ ન હતું! આમ રાધાકૃષ્ણની પૂજાનું કાર્ય સામે ચાલીને એમની સમક્ષ આવી પહોંચ્યું. આ તો દક્ષિણેશ્વરની સાધનાનું તેમનું પ્રથમ ચરણ હતું. રાધાકાન્તના મંદિરની એમની અનોખી પૂજાએ જ એમને ભવતારિણીના મંદિરની પૂજામાં લાવી મૂક્યા.

રામકુમારની તબિયત બરાબર રહેતી નહોતી. આથી રાણીએ તેમને કહ્યું: ‘તમે નાના ભટ્ટાચાર્યને પૂજામાં સાથે રાખો, બધી પૂજાવિધિ શીખવો એથી તમને પણ મદદ થશે, અને તેઓ પણ બધું શીખી જશે.’ આમ મા કાલીએ આખરે પોતાના બાળકને પોતાની સન્મુખ બોલાવી લીધો. પણ હજુ ય બાળક અને મા વચ્ચે અંતરાય હતો. અને તે અંતરાય ચૂસ્ત બ્રાહ્મણ ઘરના સંસ્કારનો હતો. પણ હવે તેઓ માની સન્મુખ હતા એટલે આ બધા સંસ્કારો ક્યારે લોપ પામી ગયા અને સમગ્ર અસ્તિત્વમાં પ્રચંડ અગ્નિશિખા જેવી એક માત્ર ઇચ્છા જ રહી ગઈ અને તે માનો સાક્ષાત્કાર કરવાની, માના દર્શન કરવાની, એની એમને બિલકુલ ખબર ન પડી.

એમાં મોટાભાઈનું એકાએક અવસાન થયું. એનો એમને તીવ્રતમ આઘાત લાગ્યો. પિતાના અવસાન સમયે તો શ્રીરામકૃષ્ણ સાત જ વરસના હતા. એટલે તેમને મૃત્યુની ગંભીરતાની ખબર નહોતી. મોટાભાઈએ તેમને પિતાનો પ્રેમ અને હૂંફ આપ્યાં હતા. એટલે તેમના જવાથી શ્રીરામકૃષ્ણને ભારે એકલતા લાગી. રાણી અને મથુરબાબુ એ ભવતારિણીની પૂજાની સઘળી જવાબદારી હવે એમણે સોંપી દીધી. દક્ષિણેશ્વરનો એ મહાનાયક હવે મા જગદંબાનાં દર્શનથી તીવ્રતમ વ્યાકુળતા સાથે માની પૂજા કરવા, માની મૂર્તિ સમક્ષ આખરે આવી પહોંચ્યો. અને દૈવીલીલાનો પ્રથમ અંક શરૂ થયો.

માની પૂજા કરતાં કરતાં આંખમાંથી આંસુઓ ચાલ્યાંં જાય છે, અને પુષ્પો હાથમાં રહી જાય છે. ‘ઓ મા, આજનો દિવસ પણ શું નકામો જશે? તું ક્યારે દર્શન દઈશ? કહેતાં કહેતાં માની મૂર્તિ સમક્ષ જડવત્ ઊભા રહે છે. માને પહેરાવવાની માળા પોતાના ગળામાં પહેરી લે છે. માના મુખમાં મૂકવાનો પ્રસાદ પોતાના મુખમાં મૂકી દે છે! દર્શન કરતાં કરતાં સ્થિર થઈ ભાવમાં ડૂબી જાય છે. ક્યારેક ઉન્મત્ત પેઠે મા આગળ પ્રલાપો કરવા મંડે છે. હાસ્ય અને રુદન, નર્તન અને કીર્તન, પ્રલાપો અને મૌન, ભાવના સમુદ્રમાં તદ્રૂપતા અને માના વિરહની વ્યથા – આ પૂજારી ક્યારે શું કરશે, ઓ કોઈ કહી શકતું નથી. શાસ્ત્રોક્ત પૂજાવિધિ તો બાજુએ રહી ગયાં, પણ અહીં તો માની સમક્ષ રાતદિવસ પૂજારીના આત્માનું ક્રંદન ને પોકાર ચાલી રહ્યાં છે. તો ય મા આવતી નથી એ બાળકની વ્યાકુળતાનો પાર નથી.’ ‘આવી તે કંઈ પૂજા હોય?’ મંદિરના અન્ય લોકો આ પૂજારીની આવી વિચિત્ર વર્તણૂક જોઈ ડરી ગયા. કર્મચારીઓએ માન્યું કે ‘મા કાલી તો ઉગ્રમૂર્તિ. જો પૂજામાં સહેજ પણ ક્ષતિ રહી ગઈ તો કોપાયમાન થઈ જાય. ત્યારે નાના ભટ્ટાચાર્ય તો હવે બેહુદી રીતે પૂજા કરે છે!’ એ કર્મચારીઓએ મથુરબાબુને આ સમાચાર પહોંચાડ્યા. એક દિવસ રાણી અને મથુરબાબુ ઓચિંતા આવી પહોંચ્યા. દૂરથી છાનામાના શ્રીરામકૃષ્ણની પૂજા નિહાળવા લાગ્યા. એ તો મા જીવંત છે, એમ જ માને શણગારી રહ્યા હતા. એમની સાથે વાતો કરતા હતા. એમને વીનવતા હતા. એમને જમાડતા હતા. ‘આહાહા! શું ઉચ્ચભાવ છે! મા પ્રત્યેનો કેવો ઉત્કટ પ્રેમ! રાણી તો આ પૂજાદૃશ્ય જોતી જ રહી. માએ એને સ્વપ્નમાં આપેલો આદેશ તાદૃશ થયો.’ મૂર્તિમાં રહીને હું તારી પૂજા ને ભોગ સ્વીકારતી રહીશ.’ અને તેને આજે એ સત્ય સમજાયું. જાણે મૂર્તિમાં રહીને મા બધું નાના ભટ્ટાચાર્યના હાથે સ્વીકારી રહ્યાં હતાં! રાણીને હવે ખાતરી થઈ ગઈ કે પોતાના સ્વપ્નાદેશનું પાલન કરવા મા સ્વયં આ શુદ્ધ સાત્ત્વિક બ્રાહ્મણ યુવાનને લાવ્યાં છે! એના દ્વારા જ મા મારી ભાવનાને મૂર્તિમંત કરશે, એની અંતરમાંથી પ્રતીતિ થતાં એ ધન્યતા અનુભવવા લાગી. દૂરથી જ મા અને તેના આ અનોખા પૂજારીને વંદન કરી તે પાછી ફરી. પછી મથુરબાબુ દ્વારા તેણે કહેવડાવ્યું કે ‘નાના ભટ્ટાચાર્યની પૂજામાં કોઈએ ખલેલ પહોંચાડવાની નથી. તેમને જે રીતે પૂજા કરવી હોય તે રીતે કરવા દેજો.’

શ્રીરામકૃષ્ણનું પાગલ જેવું વર્તન, તેમના વિચિત્ર ભાવાવેશો, મા સાથેના ઉન્માદભર્યા પ્રલાપો, આ બધું હોવા છતાં એમના દૈવીભાવને રાણી અને મથુરબાબુ ઓળખી ગયાં હતાં. કૃષ્ણ-વિરહમાં વ્યાકુળ ચૈતન્ય મહાપ્રભુનો જે ભાવ હતો – તે ભાવ માના વિરહમાં શ્રીરામકૃષ્ણ અનુભવી રહ્યા છે, તે પણ મથુરબાબુ જાણી ગયા હતા. અને એટલે જ શ્રીરામકૃષ્ણનું તેઓ વિશેષ ધ્યાન રાખતા હતા. તેમાં ય એક પ્રસંગે તો શ્રીરામકૃષ્ણની વિશિષ્ટ શક્તિનો રાણીને પરિચય કરાવી દીધો. તે દિવસે રાણી ગંગાસ્નાન કરીને સીધી મંદિરમાં આવી હતી. તેણે શ્રીરામકૃષ્ણને પોતાનું માનીતું કાલીનું ભજન ગાવા કહ્યું. શ્રીરામકૃષ્ણ એ ગીત ગાઈ રહ્યા હતા.

‘મા કાલી ક્યા હિસાબે તમે મહાદેવના હૃદયમાં ચરણ મૂકીને ઊભા છો? સ્વેચ્છાએ જીભ કાઢી રહ્યા છો? જાણે એકદમ નાની બાલિકા! હે તારા, હું જાણી ગયો છું. શું તમારા કામની આવી જ ધારા છે? શું તમારી મા, તમારા બાપની છાતી ઉપર આમ જ ઊભી હતી?’

આ ભજન ગવાઈ રહ્યું હતું. ત્યાં શ્રીરામકૃષ્ણ ગાતા ગાતા અટકી ગયા અને રાણી તરફ જોઈને બોલ્યા: ‘શું અહીં પણ એ જ સાંસારિક વાત?’ અને પછી રાણીના ગાલ પર એક તમાચો મારી દીધો. બહાર ઊભેલી દાસીઓએ આ જોયું. તેઓ અંદર દોડી આવ્યાં ને પછી મંદિરના કાર્યકરો પણ કંઈક અજુગતું બની ગયું છે એમ જાણીને દોડી આવ્યા. હવે નાના ભટ્ટાચાર્ય માટે રાણી શો હુકમ આપે છે તેની રાહ જોવા લાગ્યા. પણ રાણી તો આંખો બંધ કરીને શાંત-સ્થિર હતી. તેના ચહેરા ઉપર ગુસ્સા કે રોષનો કોઈ જ ભાવ પ્રગટતો ન હતો. એટલે સેવકો દિઙ્મૂઢ થઈ ત્યાં ઊભા રહી ગયા ને રાણીના આદેશની રાહ જોવા લાગ્યા. તે વખતે રાણી મનોમન આશ્ચર્ય અનુભવી રહી હતી કે ‘સાચ્ચે જ એના મનની અંદર ચાલી રહેલા વિચારની નાના ભટ્ટાચાર્યને કેમ ખબર પડી? તે વખતે તેના મનમાં કોર્ટમાં ચાલી રહેલા તેના એક મુકદ્‌મના જ વિચારો ચાલી રહ્યા હતા. માના ભજન ગાવામાં તલ્લીન શ્રીરામકૃષ્ણે એ કેવી રીતે જાણી લીધું? અને પછી એને થયું કે માની આવી ઉત્કટ પૂજાભક્તિથી અન્યના મનમાં ચાલી રહેલા વિચારોને જાણવાની શક્તિ એમને મળી છે! માએ જ એ શક્તિ એમને આપી છે. નહીંતર આવું બને નહીં!’ પછી તેણે આંખો ખોલીને જોયું તો બધા સેવકો ઊભા હતા. અને શ્રીરામકૃષ્ણ તો એમના લાક્ષણિક સ્મિત સાથે શાંત-સ્થિર બેઠા હતા. જાણે પોતે કંઈ અપરાધ જેવું કર્યું જ નથી! અને ખરેખર એમણે પોતે ક્યાં કંઈ કર્યું હતું? ભજન ગાતાં ગાતાં તેઓ તો માની ચેતના સાથે તદ્રૂપ બની ગયા હતા. એ સ્થિતિમાં માએ એમને જે પ્રેરણા આપી કરાવ્યું તે થઈ ગયું સાવ સહજ રીતે. આથી એમના મનમાં એવો કોઈ વિચાર જ નહોતો ઊઠતો કે આ મંદિરની માલિક રાણી છે, તેની સાથે આવો વ્યવહાર ધૃષ્ટતા કહેવાય! કેમ કે સારું, ખરાબ, યોગ્ય-અયોગ્ય એ તો મનની ભૂમિકા ઉપર છે. અને શ્રીરામકૃષ્ણ તો મનની ભૂમિકામાં હતા જ નહીં. માની સાથેના તાદાત્મ્યભાવમાંથી થયેલું એ સહજ કાર્ય તો રાણીની આંતરચેતનાને જગાડનારું બની રહ્યું.

રાણી પોતે સાધિકા હતી. મા કાલીની ઉપાસક હતી. એટલે તે શ્રીરામકૃષ્ણના આ સહજ કાર્યને સમજી શકી. તેમને સજા કરવા તત્પર સેવકોને તેણે કહ્યું: ‘નાના ભટ્ટાચાર્યનો કંઈ વાંક નથી. એમને કશું જ કરશો નહીં.’ રાણીની આજ્ઞા પ્રમાણે મથુરબાબુએ પણ પછી આ બાબત વિશે શ્રીરામકૃષ્ણને કશું જ કહ્યું નહીં. રાણી જ્યારે તેના ઓરડામાં ગઈ ત્યારે દાસીઓએ તેને કહ્યું: ‘નાના ભટ્ટાચાર્યે આવેશમાં આવી જઈને જે કાર્ય કર્યું તે અક્ષમ્ય છે!’ ત્યારે રાણીએ કહ્યું: ‘તમે તેમનું વર્તન નહીં સમજી શકો. મા કાલીએ જ મને શિક્ષા કરીને મારા હૃદયને પ્રકાશિત કર્યું છે!’ રાણીની પણ કેટલી ઊંચી ભૂમિકા! તેણે શ્રીરામકૃષ્ણને પૂજારી રૂપે નહીં પણ મા કાલી રૂપે જોયા! એ તમાચાને તેણે મા કાલીની શિક્ષારૂપે સ્વીકાર્યો તો તેનાં હૃદયમાં પ્રકાશ થયો, તેને શાંતિ મળી, દુન્યવી વિચારોમાંથી મુક્તિ મળી. એના માટે એ તમાચો એ તો દિવ્ય મા ભગવતીની કૃપાપ્રસાદી બની ગયો! શ્રીરામકૃષ્ણ દ્વારા જગન્માતાના કાર્યનો આ પ્રારંભ હતો!

હવે રાણી જપ અને ધ્યાનમાં વધારે સમય વીતાવવા લાગી. તે માનાં ભજનો સાંભળતી ત્યારે તન્મય બની જતી. તેને અંતરમાં એવું થવા લાગ્યું કે તેના જીવનનાં મહત્ત્વનાં કાર્યો હવે પૂરાં થઈ ગયાં છે. અને જાણે આ લોકની યાત્રા હવે સમાપ્ત કરવાની છે. આવી પ્રતીતિ થતાં બાકી રહેલું એક કાર્ય હતું તે પૂરું કરવાની તે ઉતાવળ કરવા લાગી. એ કાર્ય દીનાજપુરની જમીનદારી મંદિરના ટ્રસ્ટના નામે કરવાનું હતું. આ જમીનની રાણી પોતે જ માલિક હતી. પણ ભવિષ્યમાં એની હયાતી ન હોય ત્યારે તેની બે પુત્રીઓ આ જમીન ઉપર હક્કદાવો ક્યારેય કરે નહીં, એમ વિચારીને રાણી તેની બંને જીવીત પુત્રીઓની સહી કરાવવા ઇચ્છતી હતી. તેમાં નાની પુત્રીએ તો સહી કરી દીધી. પણ મોટી પદ્માએ સહી કરવાની ના પાડી. તેણે મૌખિક સંમતિ આપી પણ સહી ન કરી. રાણીને છેક સુધી આ બાબતનો રંજ રહ્યો. દરમિયાનમાં એનું સંગ્રહણીનું દર્દ વધવા લાગ્યું. તેને જણાયું કે હવે આ લોકની યાત્રા સમાપ્ત થવામાં છે. એટલે ગંગાકિનારે જવા ઇચ્છા કરી. તેથી તેને દક્ષિણ કલકત્તાના ગંગાઘાટે આવેલી કાલીવાડીના મકાનમાં લઈ જવામાં આવી. ત્યાં પણ તેના મનમાં એક જ ચિંતા હતી કે પદ્માએ સહી નથી કરી. માને પ્રાર્થના કરતા કહ્યું હતું, ‘મા હવે શું થશે?’ પણ પછી તેણે વિચાર્યું કે ભવિષ્યનું મા જાણે. અત્યારે તો એ દાનપત્ર તૈયાર કરી જ લે. તેણે પોતે દાનપત્રમાં સહી કરીને પોતાના તરફથી એ જમીન મંદિરને અર્પણ કરી દીધી. – ૧૮મી ફેબ્રુઆરી ૧૮૬૧ના રોજ અને તેના બીજા જ દિવસે ૧૯મી ફેબ્રુઆરીએ તેણે દેહ છોડી દીધો.

દેહત્યાગના થોડા સમય પહેલાં તેની ઇચ્છા પ્રમાણે તેને ગંગાઘાટે લાવવામાં આવી. ત્યારે સેવકોએ ગંગાકિનારાને રોશનીથી અજવાળી દીધો. તે સમયે તેણે કહ્યું: ‘આ બત્તીઓ લઈ લો. આવી નકલી રોશની મને ગમતી નથી. મા, આવી રહી છે. તેના તેજથી ચારે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. મા, આવી ગયાં? કહીને તેણે આંખ મીંચી દીધી. જાણે તેનો આત્મા માની આંગળી પકડીને માના દિવ્ય તેજોમય લોકમાં ચાલતો થયો!

રાણી રાસમણિ ભલે પ્રત્યક્ષ રીતે રામકૃષ્ણભાવધારા સાથે સંકળાયેલી નથી. પણ શ્રીરામકૃષ્ણના જીવનમાં તેનું પ્રદાન અનન્ય છે. જેમ સ્વામી વિવેકાનંદ ન હોત તો શ્રીરામકૃષ્ણના મહિમાને જગતના ઓછા લોકો જાણી શક્યા હોત. તેમ જો રાણી રાસમણિ ન હોત તો ગદાધરની સાધનાઓ કામારપુકુર સુધી જ સિમિત રહી હોત! વિશ્વને સર્વધર્મની એકરૂપતાનો અનુભૂતિજન્ય સંદેશ આપનાર શ્રીરામકૃષ્ણ મળ્યા ન હોત! દક્ષિણેશ્વરની પવિત્રભૂમિ, મા કાલીનું મંદિર, કાલીવાડીનો બગીચો, પંચવટી, ગંગાનો કિનારો, મથુરબાબુની કાળજીભરી સંભાળ અને રાણીનો નાના ભટ્ટાચાર્ય ઉપરનો વિશ્વાસ અને પ્રેમભાવ આ બધાંએ તો ગદાધરમાંથી શ્રીરામકૃષ્ણને પ્રગટાવ્યા કે જેમના જ્ઞાનપ્રકાશથી દુ:ખસંતપ્ત માનવજાતિને પ્રભુમય જીવનનો માર્ગ મળ્યો! રાણી કોઈ સામાન્ય સ્ત્રી નહતી. એ વાત શ્રીરામકૃષ્ણ પ્રથમથી જ જાણી ગયા હતા. રાણી વિશે એમણે પાછળથી શિષ્યોને કહ્યું હતું: એ છે, જગદંબાની સખી, આઠમાંની એક. એમની પૂજાના પ્રસાર માટે તો તે આવી હતી.’ મા કાલીની પૂજાના પ્રસાર માટે આવેલી જગદંબાની એ સખીએ શ્રીરામકૃષ્ણની લીલાભૂમિનું સર્જન કરી તે દ્વારા વિશ્વને જે નૂતનપ્રકાશ આપ્યો છે, તે માટે વિશ્વ સદાય તેનું ઋણી રહેશે.

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.