૨૨. પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે એ જ રીતે, જીવાત્મા અને પરમાત્મા પણ એક અને અવિભિન્ન છે અને, બંને વચ્ચેનો તફાવત કેવળ આંશિક છે. એક સાન્ત અને મર્યાદિત છે ત્યારે અન્ય અનંત છે; એક પરતંત્ર છે, અન્ય સ્વતંત્ર.

૨૩. વ્યક્તિગત અહંનો અર્થ ગંગાના પાણીના થોડા અંશને કોઈ વાળી લે અને એને પોતાની ગંગા કહે તેના જેવો છે.

૨૪. પારાથી ભરેલા પાત્રમાં સીસાનો ટુકડો નાખવામાં આવે તો, એ પારા સાથે એકરૂપ થઈ જાય છે તેમ, બ્રહ્મસમુદ્રમાં પડેલો આત્મા પોતાનું મર્યાદિત અસ્તિત્વ ગુમાવી દે છે.

૨૫. પરમાત્મા અનંત છે ત્યારે, આત્મા સાંત છે. તો સાંત અનંતને કેવી રીતે ગ્રહણ કરી શકે? મીઠાની પૂતળી સમુદ્રનું માપ કાઢવા જાય તેના જેવું એ છે. એમ કરવા જતાં, મીઠાની પૂતળી ઓગળી જઈ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. એ જ રીતે ઈશ્વરને પામવા ને ઓળખવા જતો જીવ પોતાનું જુદું અસ્તિત્વ ગુમાવી દે છે અને તેની સાથે એકરૂપ થાય છે.

૨૬. મનુષ્ય રૂપે ઈશ્વર જ ક્રીડા કરે છે. એ મોટો જાદુગર છે અને, જીવ-જગતનો આ ખેલ એનો મોટો જાદુ છે. જાદુગર જ એક સત્ય છે, જાદુ મિથ્યા છે.

૨૭. માનવદેહ એક હાંડલી જેવો છે અને મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો રૂપી પાણી, ચોખા અને બટેટાં ભરેલી હાંડલી ચૂલે ચડાવો ત્યારે એ બધાં ગરમ થાય છે અને, કોઈ એને અડકે તો એની આંગળી દાઝે છે, જો કે, વાસ્તવિક રીતે ગરમી વાસણની, પાણીની, બટેટાંની કે ચોખાની નથી. એવી જ રીતે, મનુષ્યમાં રહેલી બ્રહ્મની શક્તિ મન, બુદ્ધિ અને ઇંદ્રિયો પાસે પોતાનું કાર્ય કરાવે છે અને જ્યારે, એ શક્તિ કાર્ય કરતી થંભી જાય છે ત્યારે, એ સઘળાં કામ પણ કરતાં થંભી જાય છે.

[- હવે પ્રસિદ્ઘ થનારા પુસ્તક‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.