બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં.

જપ એટલે શું?

પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું – તે જપ કહેવાય છે. નામ વડે નામીનો શબ્દ કે શબ્દસમૂહ વડે પ્રતિપાદ્ય-વસ્તુ-લક્ષ્યાર્થનો, વિચાર મનમાં ઊપજવો જોઈએ. જપ બે રીતે થઈ શકે છે: મંત્રના ઉચ્ચારણ-રટણની સાથે સાથે પરમાત્માના જુદા જુદા ગુણનું ચિંતન-મનન કરતાં રહેવું, અથવા માત્ર એક જ ગુણ અથવા ઈષ્ટદેવના રૂપનું ધ્યાન માત્ર કરતા રહી શકાય. શરૂઆતમાં વિચારોને કાબૂમાં રાખવાના પ્રયત્નના પરિણામે-માનસિક તનાવનો અનુભવ થવાની શક્યતા છે. પણ નિયમિત રીતે જપના અભ્યાસના પરિણામે લાંબા સમય સુધી મનને એકાગ્ર કરવામાં સફળતા મળે છે. જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ મનને કાબૂમાં રાખવું સ્વાભાવિક થતું આવે છે; છેવટે ધ્યાન કોઈપણ પ્રકારના પ્રયત્ન વિના થવા માંડે છે. આ અવસ્થા તો સમગ્ર વાસનાઓ બળી જવાથી જ સંભવે છે.

નામની શક્તિ

જ્યારે શરૂઆતમાં આપણને બીજ આપવામાં આવે છે, ત્યારે આપણને તેની મહાન શક્યતાઓ સાથે પરિચય હોતો નથી. પણ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ આપણને ઓળખાણ-પિછાણ થાય છે કે તે બીજમાં એક વિશાળ વૃક્ષ સમાયેલું હતું. પરંતુ એ જરૂરી છે કે બીજને પૂરતા પ્રમાણમાં પાણી, ખાતર મળતાં રહે. આ જ રીતે ભગવાનના નામમાં પણ મહાન સંભાવનાઓ છુપાયેલી છે. તમારા ઇષ્ટદેવતાના એક ચિત્રને તમારી પાસે જ રાખો. જ્યારે તમે સૂવા જાઓ, તો આ ચિત્રને નિહાળતાં નિહાળતાં સૂઈ જાઓ; જાગો ત્યારે સૌથી પહેલાં આ જ ચિત્રને જુઓ. બંને વેળાએ તમારા પોતાના મનને ઇષ્ટદેવના વિચારોથી ભરી દો; બીજી કોઈ વસ્તુ કે વ્યક્તિ વિશે વિચાર કે કોઈ બીજી બાબત મનમાં પ્રવેશવા નહીં દો. સાધકે પ્રારંભમાં આમ કરવું જરૂરી છે. રામપ્રસાદ ભક્તિગીતમાં કહે છે: ‘હે મન નાના છોડની આસપાસ ચારે બાજુથી કાલીનામની વાડ કરી લેવી પડે-તે શા માટે તું કરતું નથી?’ શરૂઆતમાં ભગવાનનું નામ આપણને ફક્ત એક શબ્દ જ લાગે છે, પરંતુ ધીરે ધીરે આપણને માલૂમ પડે છે કે તેમાં સૂક્ષ્મશક્તિ છે અને તે આપણને ભગવાન સુધી દોરી લઈ જાય છે. આપણે શરૂઆતમાં તેની અનંત શક્યતાઓ-સંભાવનાઓને પિછાણી શક્તા નથી. જ્યારે કેટલાક સમય સુધી નિયમિત રીતે અભ્યાસ કરીએ છીએ, તો આપણું મન આંશિક રીતે કાબૂમાં આવે છે, મન શિસ્તનું પાલન કરતાં શીખે છે. પણ ત્યારે ય વચ્ચે વચ્ચે તે તોફાની ઘોડાની જેમ જોરદાર લાત મારવાનો પ્રયત્ન કરે છે.

નામમાં વિશ્વાસ

મંત્ર-જાપની શરૂઆત કરવા માટે શ્રદ્ધા-વિશ્વાસ અત્યંત જરૂરી છે. જો જપ યંત્રવત્ પણ થાય છતાં પણ કોઈ નુકસાન નથી. શરૂમાં, સાધકની ચેતનાનું કેન્દ્ર હંમેશાં પરિવર્તન પામતું રહે છે. ક્યારેક તે નિમ્નકક્ષાએ, તો ક્યારેક ઊંચી કક્ષાએ ફરતું રહે છે. દરેક સાધક માટે આ અવસ્થા બહુ કષ્ટદાયક છે. ધ્યાનના અભ્યાસ દરમ્યાન કે જપ કરતાં કરતાં તમારે જાત ઉપર નિદ્રા કે ‘તંદ્રા’ની અસર પડવા દેવી જોઈએ નહીં. નિદ્રા, તંદ્રા અને ધ્યાન વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. જો જાપ કરતાં કરતાં તમને ઊંઘ સતાવવા માંડે, તો આસન પરથી ઊઠી જાઓ, અને સુસ્તી દૂર કરી દેવા માટે પૂજા ઘરમાં કે ઓરડામાં થોડાં પગલાં ચાલી નાખો.

શરૂઆતમાં, મનની સામાન્ય રીતે બે અવસ્થા થતી હોય છે. પહેલી અવસ્થામાં, મન ખૂબ ચંચળ થઈ જાય છે અને બીજું, તે અચેતન અવસ્થામાં પડી જાય છે. જો સાચેસાચી ઉન્નતિ સાધવા માગે, તો સાધકે આ બંને અવસ્થાથી બચવું જ પડે.

જ્યારે તમારું મન ખૂબ ચંચળ કે બહિર્મુખી થાય, ત્યારે દૃઢતા અને ધીરજથી જપ કરતા રહો. ભલે ને તે યંત્રવત્ જ હોય. મનની આ ચંચળતા સામે હારી જશો નહિ. આમ જપ ચાલુ રાખવાથી મનનો એક અંશ હંમેશાં જપમાં જોડાયેલો રહે છે. આ રીતે આખું યે મન ચંચળ નહિ થાય; અસ્થિર નહીં રહી શકે.

બીજી અવસ્થા નિદ્રાવસ્થા છે. આ અવસ્થા તો, બહુ ભારે હાનિ પહોંચાડે છે. અને કોઈ પણ રીતે, ગમે ઉપાય અજમાવીને, તેનાથી દૂર રહેવું જોઈએ. એવા પણ કેટલાક લોકો છે, જેમને માટે ધ્યાન કરવું એટલે નિદ્રાદેવીને નોતરું દેવું. ચંચળ, અત્યંત બહિર્મુખી મન આનાથી વધારે સારું છે. એકમાં તમોગુણ છે, બીજામાં રજોગુણ. તમોગુણ રજોગુણથી હીન કક્ષાએ ખેંચી જાય છે. એટલે આધ્યાત્મિક જીવનમાં તેને કોઈ સ્થાન આપવાનું નથી.

જપ નિયમિત રીતે કરો

અભ્યાસનો એક નક્કી કરેલ ક્રમ રાખવો જોઈએ. ભગવાનના નામનો થઈ શકે તેટલી સંખ્યામાં જપ કરો. જપની એક ઓછામાં ઓછી સંખ્યા નક્કી કરી, રાખો. પછી ભલે ગમે તેવા સંજોગો ઊભા થાય, જપની આ સંખ્યા પ્રમાણે જપ પૂરા કરો – આ જરૂરી છે. સવારમાં જ્યાં સુધી પોતાના અભ્યાસનો ન્યૂનતમ ક્રમ (ઉક્ત નક્કી કરેલ સંખ્યામાં) પૂરા ન થાય, ત્યાં સુધી ભોજનને હાથ સુધ્ધાં નહિ લગાડવો. આ દિનચર્યામાં કોઈ પણ રીતે ત્રુટિ પડે નહિ તે ધ્યાનમાં રાખો.

કઠિન નિયમિતતા અને નક્કી કરેલી દિનચર્યામાં રહેવું બધી જ આધ્યાત્મિક સાધનાઓ માટે બહુ જ જરૂરી છે. સાધકના જીવનમાં ગંભીર ચિંતન-મનનની ખૂબ જરૂર છે. સમય પ્રમાણે આ બધું સરળ-સ્વાભાવિક થઈ જવાથી સમુચિત રીતે મન આપોઆપ તૈયાર થઈ જાય છે, અને બધું સરળ થઈ જાય છે. એક વાર ટેવ પડી ગયા પછી તમને આ બધી સાધનાઓનો બોજ પણ ઓછો થતો લાગશે; ત્યારે વળી તમે પ્રગતિ પણ વધુ સાધી શકશો.

આ આધ્યાત્મિક માર્ગે બધું જ કઠિન છે. માનસ-પટ પર ભગવાનના રૂપને દૃષ્ટિગોચર કરવું કઠિન છે, મનને કાબૂમાં લેવું કઠિન છે, ધ્યાન કઠિન છે. પરંતુ ઠીક ઠીક અભ્યાસ કરવાથી આ સમસ્યાઓની કઠિનતા ઓછી થઈ જાય છે. આને માટે નવી શક્તિને, નવા બળને કેળવવાં પડે છે. જે સૂચનાઓ હું હમણાં આપી ગયો, તે આમાં પૂરતી મદદરૂપ સાબિત થશે. શબ્દ અને મંત્રની મહાન શક્તિનો ઉપયોગ કરો. મનુષ્ય એક મનોવૈજ્ઞાનિક પ્રાણી છે. જેમ આપણું મન આપણને છેતરવા માટે તૈયાર રહે છે, તેવી જ રીતે આપણે પણ કોઈ શ્રેષ્ઠતર વસ્તુનો ઉપાય અજમાવીને મનને ધોખો દેવા તૈયાર રહેવું જોઈએ.

તમે આ અનુભવ કરવાનો અવશ્ય પ્રયત્ન કરો કે ભગવાનનું નામ, ઈષ્ટમંત્ર તમને પવિત્ર બનાવે છે. થોડાઘણા પ્રયત્નથી જ તમને આ અનુભવ અવશ્ય થશે. આ પ્રયોગ જાતે કરો. જે કંઈ તમને કહેવામાં આવ્યું, તેને જાતે નિરખી-પરખી જુઓ. જો તમે સત્યોનો સાક્ષાત્કાર જાતે પ્રત્યક્ષ ન કરી શકો, તો બહેતર છે કે બધા ધર્મગ્રંથોને બાળી નાખવામાં આવે અને ધાર્મિક શાસ્ત્રોનું સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે.

જપના મહાન પ્રભાવને તમે તાત્કાલિક નહીં જાણી શકો. ઈષ્ટમંત્રનો લયપૂર્ણ જપ ખૂબ જ અસરકારક હોય છે. અને શરૂઆતમાં સાધકની સૌથી અગત્યની સાધના છે. ‘ૐ’ એક ખૂબ મધુર સ્પંદનશીલ શબ્દ છે. એટલે આપણે તેની મદદ લેવી જોઈએ.

હંમેશાં શબ્દ-પ્રતીકોની સહાય લો; કારણ કે શબ્દ અને વિચાર કાયમી, પરસ્પર સંબંધ ધરાવે છે. વિચાર જુદા જુદા ધ્વનિમાં અભિવ્યક્ત થાય છે. વિચાર અને શબ્દને અનાદિ સંબંધ છે. ઉદાહરણ રૂપે, ‘ગાય’ શબ્દ લો. આપણે ‘ગાય’ નામના ‘પદાર્થ’ને જુદા જુદા શબ્દ-પ્રતીકો વડે વ્યક્ત કરીએ છીએ. દરેક ભાષામાં ‘ગાય’-વિચારને વ્યક્ત કરવા માટે જુદા જુદા ધ્વનિ-પ્રતિક (શબ્દ) છે. આ બધા જ શબ્દોથી ગાયનો ભાવ પ્રકાશિત થાય છે. આ ભાવ અને તેના શબ્દ-પ્રતીકોમાં અભિન્ન-અતૂટ સંબંધ છે.

એટલે આપણે જોઈ ગયા કે ઈશ્વરનો વિચાર જુદાં જુદાં નામોના રૂપે વ્યક્ત થાય છે, તથા દિવ્યભાવ અને શબ્દમાં અતૂટ-અભિન્ન સંબંધ છે. એટલે જ આધ્યાત્મિક જીવનમાં આપણે શબ્દ-પ્રતીકોનો ઉપયોગ કરીએ છીએ. વાણી અથવા ધ્વનિની સહાયથી મનમાં વિચાર ઉપજાવવા સરળ થઈ પડે છે. આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે શબ્દથી ભાવને પ્રાપ્ત કરીએ. આ સિવાય શબ્દનો આપણે માટે કોઈ ઉપયોગ નથી.

જપ

કલ્પના કરો કે ભગવાનના નામનું અથવા પોતાના ઈષ્ટમંત્રનું દરેક રટણ કરતાં કરતાં તમારાં દેહ-મન-ઈંદ્રિયો પવિત્ર થઈ રહ્યાં છે. આ વિશ્વાસને બહુ દૃઢ કરી લેવો જોઈએ. કારણ કે જપના મૂળમાં આ જ ભાવ છુપાયેલો છે. ઈષ્ટમંત્ર સ્નાયુઓની ઉત્તેજનાને પ્રશાંત કરે છે મનને ય શાંત કરે છે, તથા શરીરમાં મંગલકારી પરિવર્તન લાવે છે. જ્યારે મન ખૂબ ચિંતાતુર-ઉદ્વિગ્ન અને વિષાદમય થઈ જાય, ત્યારે ભગવાનનું નામ લો અને એમનું ચિંતન કરો. આમ કરતાં કરતાં કલ્પના કરો કે આને લીધે તમને માનસિક સમતુલાની અવસ્થા પ્રાપ્ત થઈ રહી છે. તથા શરીર-મનમાં એક નવીન પ્રવાહ વહેવા લાગ્યો છે. આ અભ્યાસના પરિણામે તરત જ તમને અનુભવ થશે કે તમારું સંપૂર્ણ નાડી-મંડળ શાંત થઈ ગયું છે; મનની બાહ્ય પ્રવૃત્તિઓ પણ ઓછી થઈ ગઈ છે. વિચારો કે ઈષ્ટમંત્ર કે ભગવાનના નામના દરેક જપ કરવાની સાથોસાથ તમે વધુ ને વધુ પવિત્ર થઈ રહ્યા છો. આ અભ્યાસનું ફળ ભલે તરત જોવામાં ન આવે, પરંતુ થોડા સમય સુધી નિરંતર દૃઢતાથી અભ્યાસ કરતાં કરતાં તમને પોતાનામાં જ એક અપૂર્વ પરિવર્તન જોવા મળશે. આ પ્રયોગને માટે એક સારું ક્ષેત્ર છે. અભ્યાસ વડે શરીર, મન તેમજ પ્રાણને એક લક્ષમાં લાવવા જોઈએ. માત્ર ત્યારે જ આપણે સાધના અને ધ્યાનને માટે સાચેસાચો મનોભાવ લાવી શકીશું.

બાહ્ય પૂજા પહેલું પગથિયું છે. આ પછી સાધકે જપ અને ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. અને અંતે બંધ અથવા ખુલ્લી આંખથી બ્રહ્મની સર્વત્ર અનુભૂતિ કરવી જોઈએ. આ જ સર્વશ્રેષ્ઠ અવસ્થા છે, પણ અ ઉત્કૃષ્ટ અવસ્થા સુધી પહોંચવા માટે સાધકે એક પછી એક, પહેલાંનાં પગથિયાં પાર કરવા જ પડશે.

કસોટીની ક્ષણોમાં મંત્રનો જપ

જો તમારા મનમાં એક તોફાન-આવી પડે તેમ જ તમારા પગ લથડી પડે, તો પણ જપ કરવાનું ચાલુ રાખો. જો જરૂર લાગે, તો ઓછામાં ઓછું તમે જાતે સાંભળી શકો એટલા જોરથી મંત્ર રટવાનું રાખજો. મોટે ભાગે મનની અશાંત અવસ્થામાં માનસિક જપ પર્યાપ્ત નથી થતા. મંત્ર અને તેનાથી પ્રકાશિત દિવ્ય વિચારમાં ખૂબ દૃઢતાથી સંબંધ સ્થાપવાનો પ્રયાસ કરો, જેથી મંત્રના ઉચ્ચારણ-રટણ કરવાની સાથે સાથે જ તે વિચાર સામે આવી જાય. જ્યારે તમે ટાઈપરાઈટર પર લખવાનું કામ કરતા હો, ત્યારે આમ જ થાય છે. જેવા તમે કળપટને આંગળીથી સ્પર્શ કરો, કે તરત જ તેના વિશે અક્ષરની કાગળ ઉપર સચોટ છાપ ઊઠે છે. આ જ રીતે જેવા તમે પોતાના ઈષ્ટમંત્રનું રટણ-ઉચ્ચારણ કરો કે તરત જ તેના સંબંધનો વિચાર, તમને મદદરૂપ થવા માટે, તમારા અંતરમાંથી ઉપજવો જોઈએ. પરંતુ આને માટે આવશ્યક છે કે નિત્ય વિધિ પ્રમાણે, નિયમિત અભ્યાસ વડે આ બંનેમાં એક દૃઢ સંપર્ક સ્થાપિત કરવો જોઈએ.

શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે ‘જપ કરવો એટલે તે સાંકળની જેવું છે – એક કડી, પછી બીજી કડી, ત્યાર બાદ ત્રીજી-આમ કરતાં કરતાં છેવટે પરમેશ્વરનાં દર્શન પ્રાપ્ત થાય છે. ઈશ્વર સુધી પહોંચી જઈએ છીએ.’ સાધનાની બધી પદ્ધતિઓમાં જપ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે. આ જ પ્રયત્ન કરો કે તમારા જપનો દરજ્જો ધીરે ધીરે આગળ વધે. તમારે બહુ સતર્ક રહીને, બુદ્ધિનો સદુપયોગ કરીને જપ કરવા જોઈએ; ધીરે ધીરે તેની સંખ્યા વધુ ને વધુ વધારતા જાઓ-તે જરૂરી છે. સાંકળનું હંમેશાં ધ્યાન રાખો તેમ જ પછીની કડીને પકડી લેવા પ્રયત્નશીલ રહો. આ રીતે તમે ઈશ્વરની સંનિધિમાં વધુ ને વધુ આગળ ધપવા માંડશો અને ધ્યાન કરવાની યોગ્યતા મેળવશો.

જપ-સાધનામાં સહાયક સૂચનાઓ

(૧) સતત ઈશ્વરનું ચિંતન-મનન

આપણે કેટલીક હદ સુધી મનને વિભાજિત કરવું જોઈએ. મનમાં એક એવી આશ્ચર્યજનક ક્ષમતા છે કે આપણે તેના એક ભાગને પ્રભુ સાથે ચોંટાડી રાખી શકીએ, ભલેને આપણે કોઈ પણ કામકાજમાં ડૂબેલા હોઈએ. આ એક મોટી સાધનાની પદ્ધતિ છે. દુન્યવી કાર્યોમાં પરોવાયેલ રહેવા છતાં પણ મનને સંસારના વિચારોમાં અથવા સંબંધોમાં અથવા આસક્તિમાં ફસાઈ જતું અટકાવીને ઈશ્વર-ચિંતનમાં ડૂબેલું રાખવું, તેને ધ્યેયના- સ્મરણના તાંતણે બાંધી રાખવું – આ આધ્યાત્મિક જીવનની જરૂરી શરત છે.

(૨) બધું જ પ્રભુની આરાધના

અથાક અને અવિરત અભ્યાસ દ્વારા આપણે એવી રીતે મનનું વલણ ઉપજાવી શકીએ કે જેનાથી આપણને આ વિચારવા અને અનુભવ થવા માંડે કે આપણે જે કંઈ કરીએ છીએ, તે ભગવાનની જ સેવા છે, તથા આપણને આપણા કર્મના ફળ ઉપર કોઈ અધિકાર નથી; ‘યત્ યત્ કર્મ કરોસિ તત્ તત્ અખિલં શંભો તવ આરાધનમ્’ ‘હે શંભો! હું જે કંઈ કાર્ય કરું, તે બધું જ તમારી આરાધના છે.’ આ સેવા ભૌતિક, માનસિક અથવા આધ્યાત્મિક હોઈ શકે.

(૩) સૂતી વેળાએ જપ કરો

આધ્યાત્મિક પ્રયત્ન દરમિયાન, સૌથી પહેલાં એક બહુ જરૂરી મુદ્દો યાદ રાખવો જોઈએ; તે આ કે બપોરના ભોજન પછી, લગભગ બે વાગ્યાના સમયે, દરેક સાધકે પોતપોતાના કાર્યમાંથી થોડો વખત માનસિક વિશ્રામ માટે કાઢી લેવો જોઈએ. આ ખરેખર ખૂબ ઉપયોગી છે, પણ અનેક વ્યક્તિને માટે આમ કરવું કઠિન છે. પોતાની ચેતનામાં નાનું-શું પરિવર્તન લાવીને મનની તીવ્ર અને વેગવંત ગતિશીલતાની વચ્ચે તેને કેટલાક સમયગાળા માટે આરામ આપીને ફરીથી ઈશ્વરનું નામ અને પાવન શ્લોક-શબ્દસમૂહના મધુરતા-સભર સ્પંદનોથી પરિપૂર્તિ કરતાં આ ધ્યાનમાં મનને રાખવું જોઈએ. સૂતી વેળાએ કે સૂવાના સમય પહેલાંની ઘડી દરમ્યાન આપણે નવલકથાઓ, કિસ્સાઓ, વાર્તા વગેરે સાંસારિક સામગ્રીનું સાહિત્ય ક્યારેય ન વાંચીએ. તે સમયે તો આપણે કોઈ પવિત્ર વિચાર અથવા કોઈ દિવ્ય શબ્દોનું ચિંતન-મનન કરતાં રહેવું જોઈએ. આપણે ભગવાનની ગોદમાં સૂતેલા છીએ, અથવા આ જ રીતનો બીજો કોઈ વિચાર મનમાં ઉપજાવી શકાય-ઉપસાવવો જોઈએ. આ દિવ્ય વિચાર અને ઈશ્વરીય ચેતના વડે આપણે સૂતાં પહેલાં આપણે નિમ્નકક્ષાનું-હલકી કોટિનું સાહિત્ય વાંચીશું, તો ઊંઘ દરમ્યાન આપણા અ-ચેતન મનમાં એ કાર્ય કરતું રહેશે, જેની બહુ ખરાબ અસર પડશે. સંધ્યા-સમયે આપણે પોતાના મનને ક્યા વિચારોમાં પરોવી રાખીએ છીએ, અથવા મનને કેવી રીતે તલ્લીન રાખીએ છીએ, આ વિષે કડક નિરીક્ષણ કરતા રહીએ તે આવશ્યક છે. તે સમયે શાંતિથી અને એકાગ્રતાપૂર્વક ઈશ્વર-ચિંતન કરવું જોઈએ. ઈશ્વરનાં રૂપ, નામ અથવા ધ્વનિ-ભજન-કીર્તન વગેરે અથવા ત્રણેય-નામ-રૂપ-ધ્વનિનું એક સાથે ચિંતન, જે સૌથી વધુ અસરકારક છે, કરવાં જોઈએ. આ રીતે જ આપણે પોતાના અચેતન મનમાં પરિવર્તન આણવામાં સફળ થઈશું. સૂતાં પહેલાં વિષયી સાહિત્ય વાંચવું અતિશય નુકસાન કરે છે. આ અંગે બેદરકારીભર્યું આચરણ રાખવાથી, આપણે પોતે જ પોતાની જાતને ખૂબ હાનિ પહોંચાડીએ છીએ. પરંતુ, સાધારણ રીતે, આપણે આ નુકસાનનું અનુમાન-અંદાજ સુધ્ધાં કરતાં નથી. ઊંઘમાં અચેતન મન કેવી રીતે કાર્ય કરે છે, એની ઉપર હંમેશાં નજર રાખવી જોઈએ, કારણ કે આ અતિશય અગત્યનું અને મહત્ત્વપૂર્ણ છે. અહીં એક મુદ્દો, સ્પષ્ટ કહેવો જરૂરી છે; જો રાતે ઊંઘમાંથી જાગી જાઓ, તો તાત્કાલિક શાંતિથી, સહેજ પણ નકામી તકલીફ લીધા વિના જપ કરવા માંડો. પણ સાધના ઉપાસનાના સમય દરમિયાન જપ અને નિદ્રા-ઊંઘનો એક બીજા સાથે સંબંધ જોડો નહિ. આ બહુ જ ખરાબ છે. સૂતાં પહેલાં ૧૦૦ અથવા ૧૦૦૦ જપ કરો અને પોતાની જાતને દિવ્યમંત્રથી ભરી લો. આ ધ્યાનમાં રાખજો કે નક્કી કરેલી સંખ્યા પૂરી થવા સુધી જપ ચાલુ રહે- વચ્ચેથી બંધ પડી ન જાય.

(૪) નિયમિતતા

સારી ટેવોને ઘડી કાઢવી જોઈએ તેમ જ તેવી ટેવી વધુ ને વધુ દૃઢ કરવી જોઈએ. આને લીધે આધ્યાત્મિક જીવન સહજ થઈ જાય છે. અને તેનો પ્રાથમિક તણાવ પણ દૂર થઈ જાય છે. પોતાની દિન-ચર્યાનું ચુસ્તપણે પાલન કરો. પછી તો મન બહુ ચંચળ થવા છતાંય ધ્યાન કરવું શક્ય બને છે. પોતાની સાધનાના સમય અંગે પૂરેપૂરી નિયમિતતા જાળવવી જોઈએ, કારણ કે આ જ રીતે મન સાધના કરવા માટે ટેવાઈ જાય છે. ઓછામાં ઓછી સંખ્યા સહિત જપ-ધ્યાન હર કોઈ સંજોગોમાં કરવા જ જોઈએ. સાધનાની શરૂઆત કરનારે સાધના-અભ્યાસનો સમય ધીરે ધીરે વધારવો જોઈએ. જે સાધકે કંઈક પ્રગતિ કરી લીધી છે, તેના મનમાં ભક્તિનો એક અંત:પ્રવાહ વહેતો રહે છે, જે તેના મનના એક ભાગને હરહંમેશ ઈશ્વરચિંતનમાં લગાવી રાખે છે, ભલેને કોઈપણ કાર્યમાં તે લીન થઈને રહેતો હોય. જ્યાં સુધી આ અવસ્થા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી બધા સાધકોએ પોતાની આધ્યાત્મિક દિનચર્યામાં કઠિન નિયમિતતાનું પાલન અત્યંત સાવધાનીથી કરવું જોઈએ.

(૫) સત્સંગ

આ પથના સહયાત્રીઓ એક-બીજાને મદદરૂપ થઈ શકે. એટલે જ સત્સંગનું આટલું મહત્ત્વ છે. પરસ્પર સ્નેહ તેમજ સહયોગી રહેવા જોઈએ, કારણ કે આને લીધે પોતાની શક્તિ અને પ્રયત્નને જતનપૂર્વક જાળવવામાં આપણને મદદ મળે છે. આપણે ગુરુ બનવાનો પ્રયત્ન કરવો નહિ જોઈએ. ગુરુનું સ્થાન લીધા વિના બીજા સાધકોને સહાય પહોંચાડીને વિદ્યાર્થીઓમાં યે વિદ્યાર્થી બની રહેવું જોઈએ. પોતાની મર્યાદામાં રહીને આમ કરવું હરહંમેશ સલામતીભર્યું છે, ત્યારે આપણે બીજાઓ માટે કે આપણી જાત માટે હાનિકારક નહિ બનીએ. ત્યારે આપણામાં ગુરુભાવ ઉદિત થઈને જાતને કે બીજાઓને નુકસાન નહિ પહોંચાડે.

‘હું યંત્ર છું; તું યંત્રી,’- આપણે આ ભાવને અપનાવવો જોઈએ, નહિ કે વડપણના ભાવને. બીજાંઓની નેતાગીરી કરતાં પહેલાં સમર્પણ અને ભક્તિભાવથી સૌની સેવા કરતાં શીખો. કેટલીયે વાર આપણે ઉપયુક્ત-આત્મ પરીક્ષણ કર્યા વિના નેતૃત્વ કરવા માગીએ છીએ. આપણે પૂરેપૂરી કિંમત ચૂકતે કર્યા વિના પરિણામ મેળવી લેવા ઇચ્છીએ છીએ.

નાનકડી ભક્ત-મંડળીનો આ લાભ છે કે તેમાં આ બધા સ્પષ્ટ નિર્દેશનું પાલન સહજ-સુગમ થાય છે. પ્રાથમિક કક્ષાના સાધકો હોવા છતાં ય આવી નાની મંડળીમાં સાચી સહૃદયી સદ્‌ભાવનાઓનું વલણ સહજ સરળ-સ્વાભાવિક જ હોય છે. તેમનામાં પીઠ પાછળ થતું ખોટું વલણ હોતું નથી. પહેલાં તીવ્ર ઉત્કટતાથી અને કેન્દ્રિત કાર્ય કરવું જોઈએ; પછી વિશાળ ક્ષેત્રમાં કાર્ય કરવું જોઈએ. આ જ શ્રેષ્ઠ નિયમ છે.

(૬) પ્રાર્થના

એક સુંદર પ્રાર્થના છે: ‘હે પ્રભુ, સુકાન તમે જાતે સંભાળજો. મારા છ નાવિકો અતિશય ચંચળ-અસ્થિર છે. મારી નૌકા સામેના કિનારે પાર ઉતારો. મારી હોડીના મુખ્ય સુકાની બનો!’ જેઓ આળસુ અને પ્રમાદી છે, જેમની સાધના કરવામાં પૂરેપૂરી નિષ્ઠાનો અભાવ છે, ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ એવા લોકોને માટે નથી. જેમાં સાચી આધ્યાત્મિકતા સક્રિય અને ગતિશીલ હોય છે તેમાં નિષ્ક્રિયતા હોતી નથી. એટલે જ શ્રીકૃષ્ણના સંદેશમાં પૌરુષ છે, ઓજસ્, તેજ અને શક્તિ છે. સાધનામાં ગતિશીલતા સાથે નૈતિક નિયમોનું કટ્ટરતાથી પાલન પણ કરવું જ જોઈએ. આને જ સાચી ધાર્મિકતા કહેવાય છે.

આધ્યાત્મિક જીવનમાં વિવેક, વૈરાગ્ય અને મુમુક્ષા-(મુક્તિ માટે તીવ્ર આકાંક્ષા) સમાન સંપત્તિ નથી. જુઓ, શ્રીરામકૃષ્ણદેવ કહે છે: ‘સત્ અને અસત્‌નો હંમેશાં વિવેક કરો. હરહંમેશ વિચારો કે એક માત્ર ઈશ્વર જ સત્ છે, બાકી બધું અસત્, અનિત્ય છે. વ્યાકુળ થઈને ઈશ્વરને પ્રાર્થના કરો.’

ગીતામાં શ્રીભગવાન સ્વયં યુદ્ધમાં ભાગ લેતા નથી, પરંતુ તેઓ યુદ્ધ કરનાર અર્જુનના સખા અને પથદર્શક છે. આપણે શ્રીભગવાનને આપણે માટે યુદ્ધ કરવાનું નહિ કહીએ, પરંતુ તેમની પાસે યાચના કરીએ કે ‘અમને પ્રેરણા અને શક્તિ આપો. ‘હે પ્રભુ, જેવી રીતે અર્જુનના સારથિ ને સખા હતા તેવી જ રીતે અમારા પણ સખા અને સારથિ બનો!’

(૭) સંગીત

આપણા દેશના શ્રેષ્ઠ સંગીતકાર તાનસેન વિષે એક સુંદર વાર્તા છે. એક દિવસ જ્યારે તે જંગલમાં એકલો બેસીને ગીતના સૂર રેલાવતો હતો, ત્યારે બાદશાહ અકબર ત્યાં જઈ પહોંચ્યો અને તેણે તાનસેનનું ભક્તિગીત સાંભળ્યું. તે સાંભળીને બાદશાહ મંત્રમુગ્ધ થઈ ગયો, કારણ કે, તેણે તાનસેનને પોતાના દરબારમાં આટલી એકાગ્રતા-તન્મયતાથી તથા સુંદર રીતે ગાતા ક્યારેય સાંભળ્યો ન હતો. બાદશાહને થોડું માઠું પણ લાગ્યું. તેણે પૂછ્યું: ‘તાનસેન, તું આટલું સુંદર ભક્તિસંગીત મને કેમ સંભળાવતો નથી?’

તાનસેને ઉત્તરમાં કહ્યું: ‘આ મારે માટે અશક્ય છે. કેવી રીતે આવું ભક્તિસંગીત આપની સમક્ષ હું પીરસી શકું? અત્યારે મેં જેમની સમક્ષ આ સંગીત પેશ કર્યું, તે તો આપનાથી અનંતગણો મહાન છે. અને તે મારો પ્રિયતમ છે.’

‘મારાથી યે મહાન? તે વળી કોણ?’ અકબરે પ્રશ્ન કર્યો.

ઉત્તરમાં તાનસેને આટલા જ શબ્દોમાં જણાવ્યું: ‘પરમેશ્વર, મારો પ્રિયતમ. જ્યારે હું આપને સંગીત સંભળાવું, ત્યારે હજૂરના હુકમનું પાલન માત્ર કરું છું, મને તેને માટે પગાર મળી જાય છે, પણ આપની સમક્ષ મારું પોતાનું હૈયું રેડીને હું ગાઈ શકતો નથી. જ્યારે હું તેને માટે ગાઉં છું, તે મારો પ્રેમાસ્પદ અખિલ બ્રહ્માંડનો સ્વામી છે, ત્યારે આખું અંતર નીચોવીને તેની સામે રસથાળ પેશ કરું છું.’

તમને જોવા મળશે કે સાધક અને ભક્તના જીવનમાં ઉત્તમ સંગીતને બહુ મહત્ત્વનું સ્થાન છે.

અનુવાદ : સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.