બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. — સં.

ધ્યાનનો વિષય

આપણે સૌના અંતરાત્મા-રૂપ તે સર્વવ્યાપક, સર્વ-આનંદમય પરમાત્માને પ્રણામ કરીએ છીએ. તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળના નિયામક છે. તેના દર્શન પ્રાપ્ત કરવાથી મનુષ્ય ભયને પાર કરી જાય છે, શાંતિલાભ કરે છે. તે સત્‌, ચિત્‌ અને આનંદસ્વરૂપ છે. તે જ શ્રેષ્ઠથીયે શ્રેષ્ઠ સત્તા છે. તે જ સર્વવ્યાપી, આનંદઘન પરમાત્મામાં જ આપણા સૌની ગતિ-સ્થિતિ-હસ્તી છે, તેનામાં જ આપણે લીન થઈશું-એકાકાર થઈશું.

આસન

આસન વિષે આટલું જાણી લેજો કે તમને બે પ્રકારનાં આસનનો અભ્યાસ હોવો જોઈએ. આમ કહેવાનું કારણ છે કે એકમાં બેસવાથી-સતત બેસી રહેવાથી-અગવડ લાગે, તો બીજું બદલી લેજો. સાધનાની અસલ વાત છે, ધ્યાન. બાકી, બીજું તો મનને અનુકૂળ બનાવવાની તૈયારી માત્ર છે. જ્યારે મન તૈયાર થાય અનુકૂળ થઈ જાય, ત્યારે ધ્યાન બહુ સરળ-સુગમ બની જાય છે. આપણા દેશમાં આજકાલ જુદા જુદા પ્રકારના આસનોના અભ્યાસનું નવજાગરણ થઈ રહ્યું છે; પણ આધ્યાત્મિક જીવન માટે તે અનિવાર્ય નથી. આસનનો લાભ લાંબા સમય સુધી અભ્યાસના પરિણામે જ સમજમાં ઊતરે છે.

ધ્યાનનો સમય

ધ્યાન અને જપની સાધનાને માટે સવારનો સમય સૌથી ઉત્તમ છે. શુભ ચિંતન કરતાં કરતાં જાગો. શાંત મનથી ધ્યાન કરો. દૈનિક કામકાજ શરૂ કરતાં પહેલાં પોતાના મનને મંગલમય વિચારોથી ભરી લો, ધ્યાનના સમયમાં પણ જતનપૂર્વક જાળવવા પ્રયત્ન કરો. આખા દિવસ માટે પાથેયના રૂપમાં એક કેન્દ્રવર્તી વિચારની જરૂર છે. એટલે જ જપનું સ્થાન મહત્ત્વનું છે. એ મનને એકાગ્ર કરવા અને માનસિક શક્તિનો અપવ્યય થતો અટકાવવામાં મદદ કરે છે. હૃદય-મંદિરમાં પરમાત્માને માટે એક નાનકડો દીપક હંમેશાં પ્રકાશિત રાખવો જોઈએ.

ધ્યાનને એક ઊંચાઈ-માપક યંત્ર સાથે સરખાવી શકીએ. તે યંત્ર આપણને દર્શાવી આપે છે કે – આપણે ઉપર જઈએ છીએ, અથવા તો નીચે.

ધ્યાનની અવસ્થાઓ

ધ્યાનની ત્રણ અવસ્થાઓ છે:

(૧) અનેક વિચારોને એક વિચાર સાથે જોડવા.

(૨) તે એક જ વિચારનું ચિંતન-મનન કરવું.

(૩) પરમેશ્વરના સંસ્પર્શની અનુભૂતિ કરવી અને સાથેસાથે સતત ચિંતન, વિચારના પ્રવાહને પણ જાળવી રાખવો. અને આ બધાંને અંતે, સૌથી ઊંચી અવસ્થા, જેમાં પરમાત્માની સ્થિતિ-હસ્તીનો અનુભવ ચિંતન-વિચારની ક્રિયાના અભાવમાં થાય છે.

સાધનાની શરૂઆત કરનાર માટે ધ્યાનની પહેલી અવસ્થાને લાંબા સમય સુધી જાળવી રાખવી કઠિન લાગે છે. એટલે શરૂઆતમાં તો જપ અને પ્રાર્થનાની મદદથી તે એક વિચારને થોડા થોડા સમયના અંતરે જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરૂઆતમાં ધ્યાનનો અભ્યાસ નિયમિત રીતે કોઈ એક નક્કી કરેલા સમયે કરવો જોઈએ. વાસ્તવિક અસલ ધ્યાન એક અખંડ તેલના પ્રવાહ – તેલની ધારા સમાન છે. મનમાં વિચારનો અભાવ નહીં, પણ વિચારના એક વિષયની દિશામાં, કોઈ પણ ચંચળતા, અસ્થિરતા કે અંતરાય વિના મન પ્રવાહમાન થતું રહે છે. પણ શરૂઆતની અવસ્થામાં આ રીતે એક સરખો પ્રવાહ જાળવવો કઠિન લાગે છે. એટલે શરૂઆતમાં ધ્યાનનો અભ્યાસ થોડા થોડા સમય માટે જપની સહાયથી કરવો જોઈએ.

ધ્યાનમાં બેસતાં પહેલાં

આપણે થોડાં સમય સુધી ચૂપચાપ બેસીએ તેમજ શરીર મનને ઢીલાં છોડી દઈએ. તે સર્વવ્યાપક ભગવાનને આપણે વંદન કરીએ. તે આપણી બુદ્ધિને પ્રેરણા આપો. જગતમાં જેટલા સંત-મહાપુરુષો-મહાન આત્માઓ થઈ ગયા છે, જેમના ઉપદેશ આપણને પરંપરાગત વારસામાં મળ્યા છે, તેમને સૌને આપણે નિવેદનપૂર્વક પ્રણામ કરીએ. તેઓ આપણી અંદર સત્ય વિષે પ્રેમ ભરી દે. જે પરમાત્મા સમસ્ત પવિત્રતાનું પ્રેરક ઉદ્‌ગમ સ્થાન છે; તેઓ આપણી બધી મલીનતાઓનો નાશ કરે. આપણે સૌ અંતરાત્મામાં પવિત્રતા, નિર્મળતાનાં સ્પંદન ભરી લઈએ, શક્તિનાં સ્પંદન ભરી લઈએ. આ સ્પંદન આપણી બધી નિર્બળતાઓનો નાશ કરી દે. આપણે આપણી અંદર શાંતિના સ્પંદન ભરી લઈએ; તે સ્પંદન આપણી બધી ચંચળતાને દૂર હટાવી દે. આપણે આપણા સૌ માનવબંધુઓની દિશામાં-પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં અને દક્ષિણમાં પવિત્રતા, શક્તિ અને શાંતિના પ્રવાહને મોકલીએ. આપણે જાતે શાંતિ જાળવી રાખીએ, સમગ્ર વિશ્વ સાથે શાંતિ જાળવી રાખીએ. હવે આપણે માત્ર સાક્ષી, દર્શક અથવા દૃષ્ટાની ભૂમિકા લઈએ તેમ જ બહિર્મુખી વિચારો, શબ્દો અને સંવેદનાઓ, ભાવનાઓમાંથી પોતાના મનને પાછું ખેંચી લઈએ. અંદર ઉદ્‌ભવતા વિચારો, સ્મૃતિઓ અને ભાવનાઓમાંથી પણ આપણે જાતે પોતાને અલગ કરીએ. આપણે પૂરેપૂરા જાગ્રત થઈએ.

સાચું મૌન મનનું મૌન છે. ‘માનસિક મૌન’ પામવા માટે આપણે મનની વૃત્તિઓને શાંત કરવી પડે છે અને પ્રતિકૂળ-વિસંવાદી વિચારોથી તેને અલગ કરવું પડે છે. પહેલાં મનમાં દિવ્યતાના, પવિત્રતાના, ઈશ્વરત્વના વિચારને ઉપજાવો અને તે પછી જે જે વિચાર આ દિવ્યત્વ, ઈશ્વરત્વના વિચારો સાથે વિસંવાદી લાગે તેવા વિચારોને દૂર હટાવવાના પ્રયત્ન કરો. આ પ્રક્રિયા માટે બહારનું એકાંત, શરૂઆતમાં, બહુ વિશેષ સહાયક નીવડતું નથી. ‘ફક્ત બહારના એકાંતમાં જવાથી જ સંસાર મનમાંથી ભૂંસાઈ જતો નથી. સાચું એકાંત તો તે જ કહેવાય, જેમાં સાધક સ્વયં જાતને બ્રહ્મના ધ્યાનમાં લીન કરી દે છે.’ જંગલમાં અથવા મઠમાં પ્રવેશવા માત્રથી આપણે એકાંતમાં પ્રવેશ પામતા નથી. આપણે જાણવું જોઈએ કે આપણે મનના સંસારનો કેવી રીતે નાશ કરી શકીએ. જ્યારે ધ્યાનમાં બેસીએ, ત્યારે બધા દુન્યવી વિચારો, સંસારના વિચારો મનમાંથી ભૂંસી નાખો અને માત્ર પ્રભુનું જ ચિંતન કરો.

ધ્યાન વિષે સૂચના

ધ્યાનમાં બેસીને તરત જ હાથ જોડીને ભક્તજન બોલે,

‘ૐ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતોઽપિ વા;

ય: સ્મરેત્‌  પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતર: શુચિ:’

– ‘પવિત્ર અવસ્થા કે અપવિત્ર અવસ્થા – કોઈપણ અવસ્થામાં, જે ઈશ્વરને યાદ કરે છે, તે બહાર અને અંદરથી પવિત્ર થઈ જાય છે.’ આમ બોલતાં બોલતાં શરીરમનમાં પવિત્રતા-શુદ્ધિનો અનુભવ કરો. ત્યારપછી ધારણા કરો કે જીવાત્મા મૂલાધારથી ઊંચે ને ઊંચે સહસ્રાર તરફ ગતિ કરે છે. અને ત્યાં સહસ્રારમાં પહોંચીને પરમાત્મા સાથે એકાકાર થઈ ગયો છે. પછી કલ્પના કરો કે તેના સૂક્ષ્મ શરીર અને સ્થૂળ દેહ- બંને તથા બધા શારીરિક અને માનસિક ક્રિયાકલાપ ત્યાં સહસ્રારમાં બ્રહ્મમાં લીન થઈ રહ્યા છે. હવે અનાહત ચક્રમાં ઊતરીને કલ્પના કરો, કે જાણે એક મહાન પ્રકાશપુંજમાંથી પ્રકાશમય દિવ્ય આકાર ઉદ્‌ભવે છે – આ જ તમારો પૂજા કરવાનો તથા ધ્યાન કરવાનો વિષય છે. સાથે સાથે બધાં પાપોથી મુક્ત-અપાપવિદ્ધ સૂક્ષ્મરૂપનું પણ ચિંતન કરો. હવે, સાધક! ઈશ્વરનું પૂજન અને ધ્યાન કરો. સાથે સાથે કેટલાક સમય સુધી જપ કરો. પછી ઈશ્વરના નિરાકાર-સ્વરૂપનું ચિંતન કરો. ‘ઈશ્વરનું તે નિરાકારરૂપ-પ્રકાશપુંજમાંથી ઉદ્‌ભવ પામેલ તે દિવ્યરૂપ તથા મારા પોતાના સૂક્ષ્મ રૂપમાં ઓતપ્રોત થઈ રહ્યું છે.’ છેવટે પોતાની બહાર તથા અંદર પ્રભુની દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ કરો. આપણે પ્રાર્થના કરીએ:

‘પ્રાણ, બુદ્ધિ અને દેહના આવેગને લીધે જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિમાં મન, વચન, કર્મથી જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા મારાથી જે જે પાપ થયાં હોય, તે બધાં બ્રહ્મને સમર્પણ કરું છું. હું મારું સર્વસ્વ શ્રીપ્રભુના ચરણોમાં સોંપું છું.’

સાચી પ્રાર્થનામાં હૃદયનું ઊંડાણ-સહૃદયતા તથા અનન્ય એકાગ્રતા હોવી જોઈએ. જો તેમનો અભાવ હોય તો પ્રાર્થના નિષ્ફળ જ નીવડે.

ધ્યાનમાં કલ્પનાને સ્થાન આપો:

આધ્યાત્મિક જીવનની શરૂઆતમાં આપણે આપણા કલ્પના ભર્યા ચિત્રનું નિર્માણ જાતે જ કરવાનું રહે છે; પરંતુ આ કલ્પનાઓ હંમેશાં એવી હોય, જેની સાચે સાચી રૂપરેખા હોય. એટલે કે એવા તત્ત્વની કલ્પના કરવી જોઈએ કે જેની સત્તા, સ્થિતિ-હસ્તી હોય, જે યથાર્થ હોય. આધાર વિહોણાં-અકારણ-કલ્પિત કલ્પનાચિત્રોને સ્થાન આપવું જોઈએ નહિ.

કેટલાક સાધકો ઈશ્વરીય રૂપનાં ચિંતનની અપેક્ષાએ-પરમેશ્વરની હસ્તીના ભાનને વિશેષ મહત્ત્વ આપે છે. છતાં તેઓ પણ ઈશ્વરીયરૂપનું ચિંતન કરે છે, તે જ એક પરમાત્મ-સત્તા, ચિંતનને યોગ્યરૂપમાં તથા ભક્તના અંતરાત્માનાં રૂપમાં વ્યાપ્ત છે.

ધ્યાનનો વિધિ અનુસરો

વિચારો કે તમારા સંપૂર્ણ હૃદય અથવા મસ્તક દિવ્ય જ્યોતિથી ઓતપ્રોત છે અને આ જ્યોતિપુંજ, સર્વવ્યાપક અખંડ જ્યોતિનો અંશ છે.પોતાના સંપૂર્ણ વ્યક્તિત્વને, અહંભાવને-આપણાં શરીરમન તથા ભાવનાઓને તે જ્યોતિમાં જ વિલીન કરી દો. આની બહુ સ્પષ્ટ કલ્પના કરો. અને હવે પછી વિચારો કે આ અનંત જ્યોતિ, તેજોમય સમુદ્રના રૂપમાં પરિણમે. આ સમુદ્રનો કેટલોક અંશ તમારા ઈષ્ટદેવનારૂપમાં મૂર્તિમંત થઈ રહ્યો છે પણ તે અનંત પૃષ્ઠભૂમિકાને સતત દૃષ્ટિની સામે રાખો; કારણ કે, તમારા ઈષ્ટદેવ, તમે જાતે અને બીજા સૌ કોઈ એ એક જ અખંડ જ્યોતિ સમુદ્રના અંશ સ્વરૂપ છે તથા તે સૌ દરેકમાં ઓતપ્રોત છે. તે સનાતન શાશ્વત તત્ત્વને ક્યારેય ભૂલો નહિ – તેને સતત યાદ રાખજો જે તમારા અને સમગ્ર બ્રહ્માંડનો આધાર છે, કારણકે તમે તે તત્ત્વનો એક દિવસ જરૂર સાક્ષાત્કાર કરશો.

આ પ્રકારના ધ્યાનમાં તે એક, અવિભક્ત સત્તા જાણે કે બે પક્ષમાં વિભાજીત થઈ જાય છે; એટલે કે, તે અનંત પ્રકાશ ભક્ત અને ભગવાનના (ઈષ્ટદેવતાના) રૂપોમાં ઘનીભૂત- મૂર્તમંત થઈ જાય છે. આપણું આ શરીર, માનવદેહ એક દિવ્ય મંદિર છે. આપણે આપણી ચેતનાને હૃદય-મંદિરમાં એકાગ્ર કરીએ; આ અંતરાત્માના દેવાલયના નિજી મંદિરમાં આપણે અનુભવ કરીએ કે આપણો આત્મા જાણે કે એક નાનકડો પ્રકાશપુંજ છે. આ નાનો-શો તેજપુંજ તે સર્વવ્યાપક જ્યોતિર્મય અનંત આત્માનો અંશ છે. આ અનંત આત્મા સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહનક્ષત્ર સર્વમાં અનુસ્યૂત છે. તે બધા પ્રાણીઓનો ઉદ્‌ભાસક છે. તે આપણી આંખોમાં, કાનોમાં, બધી જ ઇન્દ્રિયોમાં રમી રહેલ છે, વ્યાપ્ત છે. તે આપણા મનમાં, હૃદયમાં પ્રકાશ પાથરી રહ્યો છે. તેનો સંસ્પર્શ આપણે અનુભવીએ. અદ્વૈતવાદી તે પરમાત્માનું સચ્ચિદાનંદ-રૂપમાં ધ્યાન કરે છે. ભક્ત તેની જ પિતાના રૂપમાં, માતાના રૂપમાં, મિત્રના રૂપમાં, પ્રેમાસ્પદના રૂપમાં – વ.જુદા જુદા ભાવથી ઉપાસના કરે છે. તે જ અનંત આત્મા દેવી-દેવતાના રૂપમાં પ્રકાશિત થાય છે. વળી તે માનવજાતિ પ્રતિ કરુણા વરસાવતા, કૃપાવંત રૂપમાં પૃથ્વી પર અવતારના રૂપમાં પણ પ્રકટ થાય છે. આપણા ધ્યાનને માટે કોઈપણ પદ્ધતિ પસંદ કરી શકીએ છીએ. પણ ધ્યાન કરવાના સમય દરમિયાન દરેકે આ જ અનુભવ કરવો જોઈએ કે ઉપાસક અને ઉપાસ્ય-ઈષ્ટદેવતા, બંને સચ્ચિદાનંદ સાગરમાં એકાકાર થઈ ગયા છે. ખરેખર તો, તે અનંત પરમાત્મા જ એક તરફથી ભક્તના રૂપમાં પ્રકાશિત થાય છે, તો બીજી બાજુ ઉપાસ્ય દેવતાના રૂપમાં આપણે આપણા અંતરાત્માના અંતરતમ ઊંડાણમાં તેના દિવ્યસ્પર્શનો અનુભવ કરીએ. તે દૈવીઉપસ્થિતિ-દિવ્યહસ્તી આપણી નસેનસને ઉદ્વેગથી મુક્ત કરે છે, મનને ધીર-સ્થિર બનાવે અને હૃદયને શાંતિથી ભરી દે છે. તે પરમાત્મા આપણી બુદ્ધિને અનુપ્રાણિત કરે છે; આપણી બુદ્ધિને પ્રેરે છે, આપણી ચેતનાને તેજસ્વી બનાવે છે. કેટલીક પળો માટે, આપણે આપણી રુચિ પ્રમાણે, કોઈપણ રૂપમાં, તે સર્વવ્યાપક આનંદઘન આત્માનું ધ્યાન કરીએ; કોઈ પણ પ્રકારે તેના દિવ્ય સંસ્પર્શનો અનુભવ કરીએ.

ભાષાંતર :— સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.