૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર સૌએ સદા જાગ્રત રહેવું જોઈએ.

૮૪. સાપને જોતાંવેંત સાધારણ રીતે આપણે બોલી ઊઠીએ છીએ, ‘હે મા મનસા, આપનું પૂછડું દેખાડતાં અને મોઢું સંતાડતાં આપ સિધાવો.’ એ જ રીતે, વાસના જાગ્રત કરે એવી બાબતોથી દૂર રહેવું ડહાપણ ભર્યું. પડીને અનુભવ મેળવવા કરતાં, એમનાથી આઘા રહેવું વધારે સારું છે.

૮૫. એક વાર એક શિષ્ય વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ વિશે પૂછ્યું: ‘આખો દિવસ હું ધર્મચિંતન કરું છું છતાં, મારા મનમાં કુવિચારો ઊઠ્યા જ કરે છે.’ ઠાકુરે એને ઉત્તર આપ્યોઃ ‘એક માણસે કૂતરો પાળ્યો હતો. એ કૂતરાને પંપાળતો, તેડીને ફરતો, એની સાથે રમતો અને એને પપ્પી લેતો. એક શાણા માણસે આ જોઈ કૂતરા પર આવું વહાલ નહીં વરસાવવા એને ચેતવ્યો. કારણ કૂતરું અવિચારી પ્રાણી છે ને ક્યારેક કરડી બેસે. કૂતરાના શેઠે એ વાત માની, કાંખમાંથી કૂતરું અળગું કરી, એને કદી વહાલ ન કરવાનો અને પંપાળવાનો નિશ્ચય કર્યો. પણ એ પશુ પોતાના માલિકમાં આવેલો આ ફેરફાર સમજી શક્યું નહીં. શેઠ પોતાને તેડે ને પંપાળે એ માટે એ શેઠ પાસે વારંવાર જવા લાગ્યું. પણ વારંવાર માર ખાઈ આખરે એણે શેઠનો કેડો મૂક્યો. તારી દશા બરાબર એના જેવી છે. જે શ્વાનને અત્યાર લગી તેં તારી છાતીએ લગાડ્યું છે એ તને તરત છોડવાનું નથી, ભલે તું એનાથી છૂટવા માગતો હો. પણ એમાં કશું નુકસાન નથી. કૂતરાને વધારે પંપાળવું નહીં પણ, પંપાળવા માટે પાસે આવે ત્યારે, એને સારી પેઠે ધમારવું. એમ કરતાં, થોડા દહાડામાં તું એની પીડાથી મુક્ત થઈ જશે.’

૮૬. ‘કામિની-કાંચને’ આખા જગતને પાપમાં ડુબાડ્યું છે. નારીને જગદમ્બાના અવતારરૂપે જુઓ તો તમે એની પકડમાંથી બચી જાઓ. ‘કામિની-કાંચન’ માટેની વાસના શાંત ન થાય ત્યાં સુધી, ઈશ્વરદર્શન થાય નહીં.

૮૭. તીવ્ર વૈરાગ્ય દ્વા૨ા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ માણસને પોતાની પત્ની તરફથી પણ ભય રહેતો નથી. લોખંડના ટુકડાથી સમ અંતરે બે ઓછી વધતી શક્તિનાં લોહચુંબકો રાખો તો, લોખંડના ટુકડાને ક્યું ખેંચશે? ચોક્કસ, મોટું જ. ખરે જ ઈશ્વર મોટું લોહચુંબક છે. એની સામે નાનું ચુંબક, સ્ત્રી, શું કરી શકે?

[હવે પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.