શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્યોમાંના એક સ્વામી સારદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પ્રથમ સેક્રેટરી હતા. ભારતીય શાસ્ત્રોના મહાન આચાર્ય અને દિવ્ય આધ્યાત્મિક પ્રતિભાવાળા આ મહાન સંન્યાસીની પ્રવચનમાળાના મૂળ બંગાળી ભાષામાં લખાયેલા પુસ્તક ‘ગીતા તત્ત્વ’નો ગુજરાતી અનુવાદ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ગીતાનો કેટલો આદર છે. હિંદુ ધર્મની સારભૂત વાતો ગીતામાં સમાઈ છે. ગીતા મહાત્મ્યમાં આ વિષયનો એક સુંદર શ્લોક છે.

સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનન્દન: ।
પાર્થો વત્સ: સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત્ ॥

તે શ્લોક એમ કહે છે કે બધાં ઉપનિષદો જાણે ગો-સ્વરૂપ જેવાં છે. શ્રીકૃષ્ણ તેનો દોહવાવાળો છે. અર્જુન વાછડાની જગ્યાએ છે. બચ્ચાં ન હોય તો જેમ ગાય દૂધ નથી દેતી તેમ અર્જુન પ્રશ્ન ન પૂછત તો શ્રીકૃષ્ણનો શાસ્ત્રોપદેશ તથા ગીતારૂપ દૂધની ઉત્પત્તિ ન થાત. આ દૂધને પીવાવાળા કોણ છે ? સુ-ધી એટલે પંડિત લોકો. પંડિતનો અર્થ વિવેકીના અર્થમાં છે. આપણા દેશમાં આજકાલ જેણે બે ચાર ગ્રંથો વાંચ્યા છે, જે બે ચાર વાતો સમજાવીને કહી શકે છે, તેને પંડિત કહેવામાં આવે છે. પરંતુ ગીતા કહે છે કે જે માત્ર મુખે મોટી મોટી વાતો કરે છે તે પંડિત નથી. જે લોકોએ જીવનમાં સત્યનો સાક્ષાત્કાર કર્યો છે, જેને અપરોક્ષાનુભૂતિ અથવા ઇંદ્રિયાતીત પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, અસત્ને સત્થી જૂદું પાડીને સમજી શકે છે તે પંડિત છે. કહેવાય છે કે એક પ્રકારના હંસ થાય છે, જેઓ દૂધની સાથે જળ ભેળવ્યું હોય તો પણ માત્ર દૂધને અલગ કરીને પી શકે છે. તે પ્રમાણે આ સત્યાસત્ય મિશ્રિત સંસારમાં જે અસત્‌ને છોડીને સત્‌ને ગ્રહણ કરી શકે છે તે પંડિત છે. ગીતાને સમજવા અને સમજાવવામાં તે જ સમર્થ હોય છે.

ગીતા ઉપર અનેક પ્રકારની ટીકાઓ થઈ છે. આપણા દેશમાં ત્રણ શ્રેણિના આચાર્યોએ પોતપોતાના મતના સમર્થનમાં ગીતાનો અર્થ ઘટાવ્યો છે. અદ્વૈતવાદી આચાર્ય શંકરે અદ્વૈત મતનું સમર્થન કરતી ગીતાની ટીકા કરી છે. વિશિષ્ટાદ્વૈતવાદી રામાનુજે તથા દ્વૈતવાદી મધ્વાચાર્યે પણ પોતપોતાના મત અનુસાર ટીકા કરી છે. તમારે એ બધી ટીકાઓ વાંચવી આવશ્યક નથી કારણ તમારા સૌનાં મન અત્યારે કોઈ ખાસ મત તરફ ન વળતાં એક જ સ્થાન ઉપર કેન્દ્રિત થયેલાં છે.

પોતપોતાના સ્વાભાવિક જ્ઞાનથી જે અર્થ સમજાય છે તે જ પૂરતો છે. એ રીતે જે સ્થળે અર્થ રહસ્ય ન સમજાય તેનો અર્થ સમજવાની એક સરળ રીત પણ છે. જે લોકોએ મહાભારત વાંચ્યું છે તે સમજી શકશે કે ભગવાન શ્રીકૃષ્ણનું જીવન જ આ ગીતા-શાસ્ત્રની મુખ્ય ટીકા સ્વરૂપ છે. આપણે તથા બીજા લોકો દેહધારી હોવા છતાં પણ જન્મ-મૃત્યુરહિત અવિનાશી આત્મા સિવાય બીજું કાંઈ નથી. આ વાતનું હંમેશા સ્મરણ કરવું. આપણા લાભાલાભની તરફ ન જોતાં હંમેશા કર્તવ્યપરાયણ બનવું. મનુષ્ય જીવનનાં ક્ષણભંગુર સુખદુ:ખમાં અવિચલિત રહેવું વગેરે. જે સલાહ ગીતામાં આપવામાં આવે છે તે બધી ભગવાન શ્રીકૃષ્ણના પોતાના જીવનના પ્રત્યેક કાર્યમાં આચરેલી દેખાય છે. એટલે ગીતાની કોઈ વાત સમજમાં ન આવતી હોય તો ભગવાન શ્રીકૃષ્ણના જીવનનું અનુસંધાન કરવાથી તેનો યથાર્થ અર્થ સમજમાં આવી જશે.

એક બીજી વાત એ છે કે વેદના ઉપનિષદ વિભાગમાં આત્મા, ઈશ્વર, જીવ તથા જગતના સંબંધમાં જે સત્ય લિપિબદ્ઘ છે, તે સાર રૂપે ગીતામાં જોવામાં આવે છે. એટલા માટે જ ગીતા ઉપનિષદોમાંની એક ગણાય છે. ગીતાનું બીજું નામ ગીતોપનિષદ છે. ગીતા મહાત્મ્યમાં ગીતાપાઠના વિશેષ ફળનું વર્ણન છે. શ્લોકાર્ધ કહું છું :

‘ગીતાધ્યાય સમાયુક્તો મૃતો માનુષતાં વ્રજેત્ ।

એટલે ‘જે નિયમિત ગીતા પાઠ કરે છે તે બીજા જન્મમાં મનુષ્યત્વ પામે છે.’ બીજી કોઈ નીચી યોનિમાં તેનો જન્મ થતો નથી. આ કોઈ સાધારણ વાત નથી. મનુષ્યત્વ પામવું ઘણું જ કઠિન છે. જેનામાં મનુષ્યત્વ છે તેને માટે જ્ઞાન હોય કે ભક્તિ હોય કે બીજો કોઈ વિષય હોય તેને પ્રાપ્ત કરવામાં કેટલો વિલંબ લાગે ? આદિ શંકરાચાર્યે કહ્યું છે કે : 

દુર્લભમ્ ત્રયમેવૈતત્ દેવાનુગ્રહહેતુકમ્ ।
મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષસંશ્રય : ॥

જગતમાં આ ત્રણ વસ્તુઓ એક સામટી હોવી તે ભગવાનના અનુગ્રહ વિના દુર્લભ છે: પહેલું મનુષ્યત્વ, બીજું મુમુક્ષુત્વ, એટલે મુક્તિ મેળવવાની ઇચ્છા અને ત્રીજું મહાપુરુષની નિશ્રા. શરીર સુખ, માનસિક સુખની ઇચ્છા રાખ્યા વિના કોઈ મહાન ઉદ્દેશને સ્થિર રીતે જીવનમાં ધારણ કરવા જોઈએ, સ્થિર, અવિચલિત થયા વિના આ એક જ ઉદ્દેશ રાખવાથી ધીરે ધીરે તે ભગવાન તરફ અવશ્ય લઈ જશે. સાધારણ મનુષ્ય પોતાની સુખપ્રાપ્તિમાં રચ્યો-પચ્યો રહે છે. જીવનમાં કોઈ વિશેષ ધ્યેય રાખીને કોણ ચાલે છે ? આ ત્રીજો મહાપુરુષોનો આશ્રય-જેમણે કોઈ મહાન, ઉદ્દેશની પ્રાપ્તિ માટે પોતાનાં જીવનને ઘડ્યું છે, એવા મહાપુરુષોનો સત્સંગલાભ મેળવવો અને તેમની પાસેથી માનવજીવનના ઉદ્દેશ વિશે સાંભળવું તેને દુર્લભ શા માટે કહેવામાં આવેલ છે ?

ધર્મની વાતો સારી વાતો છે એમ તમે કહો છો અને હું પણ કહું છું પણ એનાથી કોઈ કાર્ય કેમ સિદ્ધ થતું નથી? આપણી વાતોમાં શક્તિ નથી કારણ કે એ આપણા હૃદયની વાતો કે વાણી નથી. આપણાં મનવાણીમાં અંતર છે. આપણે સંસાર સુખની લાલસા સેવીએ છીએ અને ત્યાગની વાતો કરીએ છીએ. આપણી આવી કોરીધાકોડ વાતોથી કોઈ કાર્ય સિદ્ધ થઈ શકે ? જે મહાપુરુષે મહાન આદર્શો સાથે પોતાનું જીવન ઘડતર કર્યું હોય, જેમના મનમુખ એક હોય એમની પ્રત્યેક ઉક્તિ જાણે કે ભીતરના બારણાંને ઉઘાડી દે છે અને મોહના આવરણને હટાવી દે છે. મહાપુરુષોની વાણીમાં વિશેષ શક્તિ રહેલી છે. ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિમાં કેટલી શક્તિ છે ! હજારો વર્ષ વીતી ગયાં પણ ઈસુ અને બુદ્ધની વાણીમાં આજે પણ કેટલી શક્તિ છે ! પરંતુ હું કે તમે એ જ વાતો કહીશું તો કોઈના હૃદય પર એની અસર નહીં થાય. જેવા તમે કોઈ આદર્શ સાથે પોતાના જીવનનું નિર્માણ કરશો કે તરત તમારી વાણીની શક્તિ વધી જશે. ત્યારે કોઈ પણ વાત કહેવાથી તે લોકોના હૃદયને સ્પર્શી જશે. જે વસ્તુની શક્તિ વધારવાનો પ્રયત્ન કરશો એની શક્તિમાં વૃદ્ધિ થશે. મનની શક્તિ વધારવાનો પ્રયત્ન કરો તો માનસિક શક્તિમાં વૃદ્ધિ થશે; એવી રીતે વાણીની શક્તિને વધારવાનો પ્રયત્ન કરો તો કોઈ વિષય પર વિશેષરૂપે બોલવાની ક્ષમતા વધશે. વેદાંતનું કથન છે કે આ મને જ જગતની સૃષ્ટિ રચી છે. મનની શક્તિ અદ્‌ભુત છે. યુરોપનો જડવાદ-ભૌતિકવાદ પણ આ વાતનો સ્વીકાર કરે છે. ઈતિહાસના વાંચનથી પણ મનની અદ્‌ભુત ક્ષમતાનો પરિચય મળે છે. ફ્રાંસની રાણી મેરી એન્ટોઈનેટ અપૂર્વ સૌંદર્યવાન હતી. એને અને એના પતિને પેરિસના લોકોએ બળવો કરીને જેલમાં નાખી દીધાં. બીજે જ દિવસે એને ફાંસી આપવાની હતી. સવારે જોયું કે રાણીના માથા પરના બધા વાળ ધોળા થઈ ગયા છે ! એક રાતની ભયંકર ચિંતાએ એને સાવ ઘરડી બનાવી દીધી ! મનની આટલી શક્તિ છે ! મન કોઈ પણ વસ્તુને વ્યાકુળ ભાવે ઇચ્છે તો તે મળવાની જ. આપણે પૂર્ણ મનથી કોઈ વસ્તુની માગણી કરી નથી શકતા એટલે જ આપણને તે મળતી નથી. શ્રીરામકૃષ્ણદેવ કહેતા તેમ આપણું મન સરસવ-રાઈની પોટલી જેવું છે. પોટલી ખોલીને રાઈના દાણા જો એકવાર વિખરાઈ જાય તો એ બધા દાણાને ફરીથી ભેગા કરવા અસંભવ છે. ઘરના માલસામાનની નીચે, દીવાલોની તીરાડોમાં એવી બધી જગ્યાએ આ દાણા એવા વેરાઈ જશે કે હજારો પ્રયત્ન કરવા છતાં એ વેરાયેલા દાણા ફરીથી મળે નહીં. એવી જ રીતે મન એકવાર કોઈ એક બાબતમાં-રૂપમાં, કોઈ એક રસમાં કે ધનમાન જેવા સાંસારિક વિષયોમાં વ્યાપ્ત થઈ જાય પછી એ મનને પૂર્ણપણે પાછું એકાગ્ર કરવું અસંભવ છે. એટલે શ્રીરામકૃષ્ણદેવ બાળકોને અધિક ચાહતા કારણ બાળકોનું મન નિર્મળ હોય છે, એ અહીંતહીં રખડતું ભટકતું નથી. સત્યરૂપી બીજ એ બધાંનાં મનમાં પડવાથી શીઘ્રાતિશીઘ્ર અંકુરિત થઈ જવાનું.

ગીતાના પ્રત્યેક અધ્યાયને એક એક યોગની સંજ્ઞા આપવામાં આવે છે. યોગનો અર્થ છે: મેળવીને જોડી દેવું-એક કરી દેવું. ભગવાનની તરફ લઈ જવું. જેમ કે પ્રથમ અધ્યાયને વિષાદયોગ કહ્યો છે. વિષાદયોગ કેમ કહ્યો ? એનું કારણ છે કે અર્જુનનો વિષાદ જ તેને ભગવાનની તરફ લઈ જવાનું કારણ બન્યો. એટલા માટે વિષાદયોગ છે એ જ રીતે સાંખ્યયોગ, કર્મયોગ, સંન્યાસયોગ વ. છે.

આપણે કહી શકીએ કે ગીતાનો ઉપદેશ એક માત્ર અર્જુનને માટે જ આપવામાં આવ્યો હતો. તેની સાથે આપણે શો સંબંધ ? આપણે યુદ્ધમાં જઈ રહ્યા નથી કે મહાવીર અર્જુનના જીવન સાથે આપણા જેવા સાધારણ લોકોનાં જીવનની કોઈ સમાનતા પણ નથી. એટલે અર્જુન જેવા મહાન અધિકારીને ઉદ્દેશીને આપવામાં આવેલ ગીતાનો આ ઉપદેશ અમારે શું કામનો ? જવાબમાં કહી શકાય કે અર્જુન આપણા કરતાં સો ગણો મહાન છે, તો પણ તે આપણા જેવો જ માણસ હતો. જેમ આપણે પણ માણસ છીએ. અર્જુનના જીવનમાં મોહ ક્યારેક ક્યારેક ઉત્પન્ન થતો હતો તેવી મોહ-જાળમાં આપણે પણ ડગલે-પગલે ફસાઈ જઈએ છીએ. આપણે પણ તેની જેમ સત્ય માટે અનેક પ્રકારનાં વિઘ્ન-બંધનોની વિરુદ્ધ જવું પડે છે. તેની જેમ આપણાં અંતરમાં અને બહાર જીવનસંગ્રામ ચાલી રહ્યો છે. એટલા માટે આપણને પણ ગીતા વાંચવાથી જાણવાનું મળે છે, શીખવાનું મળે છે, શાંતિ મળે છે અને જીવનના પ્રશ્નોનું એક અપૂર્વ નિરાકરણ મળે છે. ગીતા પાઠ કરવાથી અનેક પાપી-તાપીઓએ અનુતાપનાં આંસુઓ સાર્યાં છે. અને તેમનો જીવન પ્રવાહ વહેતો થયો છે.

એક બીજી વાત છે. શું ગીતા મહાભારતમાં પ્રક્ષિપ્ત છે ? કોઈ કોઈ પાશ્ચાત્ય વિદ્વાન એમ કહે છે કે ગીતા પ્રક્ષિપ્ત છે. આપણા દેશમાં પણ ઘણા માણસો તે વાત માની બેઠા છે. તે કહે છે કે ભારતવર્ષના પ્રાચીન કાળનો ન કોઈ ઇતિહાસ છે ન કદાપિ હતો. એટલે કુરુક્ષેત્રના યુદ્ધ પહેલાં આ પ્રકારે એક પ્રચંડ દર્શન-સંગ્રહ ખરેખર ઉપદેશવામાં આવ્યો હતો તે વાત સંપૂર્ણપણે તર્કવિરુદ્ધ છે. કોઈ વિષયમાં વિશ્વાસ કરતાં પહેલાં એ સંભવિત છે કે અસંભવિત તે તો સમજવું પડશે ને ? આનો જવાબ એ છેકે પહેલાં તેમના દેશ ભારતની જેમ પ્રાચીનતા તો પ્રાપ્ત કરે, ત્યારે જોઈશું કે તે લોકોનો પણ કેટલો ઇતિહાસ બચે છે ? ભારત કેટલો પ્રાચીન દેશ છે ! કેટકેટલાં મહાપરિવર્તનો થયાં છે ! કેટલીય વાર વિનાશ, પ્રલયના દૃશ્યો સર્જાયાં અને ફરી પુનર્નિર્માણ પણ કેટકેટલીવાર થયેલ છે ! યુરોપ આ વાત કેમ સમજી શકે ? યુરોપ તો કાલનું છે. આજ સુધી તો આપણે જોતાં આવ્યા છીએ કે કેટલા યુગ પહેલાં સમયે-સમયે ભારતમાંથી જે તત્ત્વ પ્રકાશિત થયાં, યુરોપમાં તે તત્ત્વોની જાણ હવે થઈ રહી છે. આથી સ્પષ્ટ થાય છે કે ભારત વર્ષ એક યુગમાં કેટલો ઉન્નત હતો. ભારતના જેવી આ ઉદારતા પણ ક્યાં છે ? આપણા નીતિ-શાસ્ત્રનું કહેવું છે કે સત્ય તો ચાંડાલ પાસેથી પણ શીખો, કેમ કે જ્ઞાન જ ભગવાન છે. એટલે તે પવિત્ર છે. જ્યાં જ્ઞાન છે ત્યાં ઋષિત્વ છે. ત્યાંથી પણ એ જ્ઞાન મેળવો. ગીતા પણ કહે છે કે :

જ્ઞાનાગ્નિ: સર્વકર્માણિ ભસ્મસાત્કુરુતેઽર્જુન ।

હે અર્જુન, જ્ઞાન સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે. એક વાર આ જ્ઞાનનો ઉદય થયા પછી ફરી કોઈ કુવસ્તુ રહેતી નથી. પરમહંસદેવ કહેતા કે એક વાર જેણે ખાંડનો સ્વાદ ચાખ્યો છે તેની જીભે ગોળનો સ્વાદ સારો લાગી શકે ?

ધર્મ અને દર્શન ભારતના પ્રાણ સ્વરૂપ છે. આપણા દેશવાસીઓનાં અસ્થિમજ્જા તથા પ્રત્યેક કાર્યમાં આનું સ્પંદન આજ સુધી જોવા મળે છે. ત્યારે યુદ્ધોદ્યોગ પહેલાં આ પ્રકારનાં શાસ્ત્રનો ઉપદેશ ન કરી શકતા તેનું ચોક્કસ પ્રમાણ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શા માટે અમે અમારા અત્યંત પ્રાચીન આત્મ-વિશ્વાસને છોડી તમારી વાત માનીએ ? સાથોસાથ ગીતાના વક્તા સ્વયં ઈશ્વરાવતાર શ્રીકૃષ્ણ છે. મારા તમારા જેવા સાધારણ માનવથી જે કાર્ય સંભવ નથી તે એમના જેવા મહાન પુરુષો માટે તો નિતાંત સંભવિત હોય છે. આપણે એ પણ સમજી લેવું પડશે કે મહાભારતના અન્યાન્ય સ્થળની ભાષાની સાથે ગીતાની ભાષા સરખાવતાં એમાં એવી કોઈ વિષમતા પણ જોવામાં નથી આવતી, જેથી તમારી વાત અમે માની લઈએ. જેમણે સાધુસંગ કર્યો છે તે સમજી શકે છે, કે સંસારમાં આપણે જેને ઘોર વિપત્તિ કહીએ છીએ, તેમાં સાધુ અવિચલિત રહી મહાન તત્ત્વોનો ઉપદેશ આપ્યા કરે છે. આ અમે પ્રત્યક્ષ જોયું છે. પરમહંસદેવ ભયંકર રોગથી પીડાતા હતા. છ મહિના સુધી ભોજન વગેરે લગભગ બંધ રહ્યું. પરંતુ તેમની સાથે રહેનારાઓમાં મહાન આનંદનો પ્રવાહ વહેતો. અત્યંત ગૂઢ સાધન-સાધના, સાંસારિક કૂટ પ્રશ્નોની મીમાંસા તથા અખંડ આનંદ કરાવી તેમણે સૌને મુગ્ધ કરી રાખ્યા હતા. રોગ, દુ:ખ કે કષ્ટનું નામ સુધ્ધાં ન હતું.

અર્જુન સ્વયં ભગવાન પાસે જ હતો. જ્ઞાનની વાતો સમજાવવામાં તેને સમય પણ કેટલો લાગ્યો ? એટલા માટે તે પાછળથી ઉમેરવામાં આવેલ-પ્રક્ષિપ્ત નથી. જો એમ કહો કે આ બધાં ઉપરાંત ગીતાનો એક આધ્યાત્મિક અર્થ છે. અને તે એ કે સંસારક્ષેત્રમાં ઇંદ્રિયો સાથે યુદ્ધ, અન્નસંગ્રહનું યુદ્ધ એમ કોણ જાણે કેટલાંય યુદ્ધ મનુષ્યને દિવસરાત કરવાં પડે છે. નથી વિરામ કે નથી શાંતિ. અને આ સંગ્રામોમાં વિજયી બનીને માણસ કેવી રીતે જીવનના સાર-તત્ત્વને મેળવશે, એ બાબતનું ખાસ સમાધાન મેળવવું એ જ ગીતાનો અભિપ્રાય છે. સારું છે, એવો વિશ્વાસ ધારણ કરવા ઇચ્છતા હો તો તેમાં કોઈને આપત્તિ નથી.

હું પહેલાં જ કહી ચૂક્યો છું કે ગીતાને ઉપનિષદોમાં સ્થાન આપવામાં આવે છે. ઘણા લોકો સ્નાનાદિ કર્યા બાદ દરરોજ ઓછામાં ઓછો ગીતાનો એક અધ્યાય વાંચે છે. તે ગીતાના પ્રત્યેક શ્લોકને મંત્ર જેવો પવિત્ર સમજે છે. મંત્રના જે પ્રકારે ઋષિ, દેવતા, છંદાદિ હોય છે, તેવી રીતે ગીતામાં પણ છે. ગીતાના ઋષિ વેદવ્યાસ છે કેમ કે તેમણે જ મંત્રનું દર્શન કર્યું છે. (ઇંદ્રિયની પર જઈ અતીન્દ્રિય દર્શન કરનાર  એવો ઋષિનો અર્થ થાય છે.) પહેલાં તેમણે જોયું પછી બધા માટે એ વિષયને શ્લોકમાં નિબદ્ધ કર્યો. તેમની સમક્ષ મંત્ર પ્રથમ પ્રકાશિત થયો. એટલા માટે ઋષિ શબ્દનો અર્થ, અંગ્રેજીમાં જેને (Author) ગ્રંથકાર કહે છે તેવો છે. પ્રત્યેક મંત્રનો જેમ ઋષિ (એટલે કે રચયિતા), દેવતા (એટલે કે જે ખાસ વિષયને લઈને મંત્રની રચના થઈ છે) તથા છંદ (એટલે કે જે પ્રકારનાં પદવિન્યાસથી મંત્રની ભાષાને લિપિબદ્ધ કરવામાં આવે છે) હોય છે, તેવી જ રીતે બીજ પણ હોય છે. ગીતામાં પણ તેવું છે. બીજથી જેમ વૃક્ષની ઉત્પત્તિ થાય છે તેવી જ રીતે ગ્રંથમાં પણ એક એવો વિષય રહે છે, જેનું અવલંબન કે વિસ્તાર કરીને બાકીનો ભાગ લખવામાં આવે છે. ગીતાનાં બીજ-સ્વરૂપ વિષય ક્યા છે. (ક્રમશ:)

Total Views: 204

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.