૮૨૯. મનુષ્યમાં શુદ્ધ સત્ત્વ જાગે ત્યારે, એ કેવળ ઈશ્વરનું જ ધ્યાન કરે અને, બીજા કોઈ કાર્યમાં એને આનંદ ન આવે. પૂર્વ કર્મને લઈને કેટલાક લોકો આ શુદ્ધ સત્ત્વ સાથે જ જન્મે છે. પણ ભક્તિ અને ઈશ્વરસમર્પણની ભાવનાથી નિઃસ્વાર્થ ભાવે કોઈ કર્મ કરે તો, આ વિશુદ્ધ ગુણ કેળવી શકે. સત્ત્વ સાથે રજસ ભળ્યો હોય તો, મન અનેક બાબતોમાં ખેંચાય અને પોતાની પાછળ અહંભાવને ખેંચી લાવેઃ ‘હું જગતનું ભલું કરીશ.’ સામાન્ય જીવો માટે, જગતનું ભલું કરવાનો પ્રયત્ન જોખમી છે. પણ કશા હેતુ વિના કોઈ બીજાનું ભલું કરે તે સારું છે; એમાં ભય નથી. આવું કર્મ નિષ્કામ કર્મ કહેવાય છે. આવું કર્મ ખૂબ ઇચ્છનીય છે. પણ બધા એ કરી શકે નહીં! કારણ, એ અતિ કઠિન છે!

૮૩૦. બધાએ કર્મ કરવું જ જોઈએ; થોડાક જ એનો ત્યાગ કરી શકે. એવો વિશુદ્ધ સત્ત્વ બહુ થોડાકમાં જ જોવા મળે. મનુષ્ય ભક્તિથી અને અનાસક્તિથી કર્મ કરવાનું ચાલુ રાખે તો, સત્ત્વમાંનું રજસ તત્ત્વ દૂર થઈ જાય. અને શુદ્ધ સત્ત્વ પ્રાપ્ત કરવાને કારણે, એ ઈશ્વરને પામે છે. સામાન્ય રીતે લોકો વિશુદ્ધ સત્ત્વની દશાને સમજી શકતા નથી.

૮૩૧. હૃદયમાં ઈશ્વરનો ઉત્કટ પ્રેમ ઊભરાય છે ત્યારે ત્યાગ આપોઆપ પ્રગટે છે. ઈશ્વરે જેમને શિરે કર્મ નાખ્યું છે તે ભલે કામ કરે. સમય પાકે ત્યારે બધું તજી દઈ કહેવું જોઈએ કેઃ ‘આવ, મારા મન, હૃદયમાં પ્રતિષ્ઠિત ઈશ્વરને આપણે નીરખીએ.’

૮૩૨. સંધ્યાનો લય ગાયત્રીમાં અને ગાયત્રીનો લય પ્રણવમાં થાય છે; અને અંતમાં, પ્રણવ સમાધિમાં લય પામે છે. એટલે સંધ્યા જેવાં બીજાં તમામ કર્મ સમાધિમાં લય પામે છે.

૮૩૩, મન સચ્ચિદાનંદમાં લાગે નહીં ત્યાં સુધી, મનુષ્યે ઈશ્વરને પોકારવાનું અને સંસારનાં કર્મ કરવાનું એમ બેઉ કરવાં પડે છે. પણ મન એનામાં લાગે પછી, કોઈ કર્મની જરૂર નથી. આપણે કીર્તનનો દાખલો લઈએ. માણસ ગાય છેઃ ‘નતાઈ આમાર માતા હાથી’ (નિતાઈ અમારો મસ્ત હાથી). આરંભમાં આ ગવાતું હોય ત્યારે, ગાનાર રાગ, તાલ, તાન તમામ બાબતો પર ધ્યાન દે છે. પણ એનું મન જેવું ગીતમાં મસ્ત બને છે ત્યારે, એ માત્ર ‘માતા હાથી’, ‘માતા હાથી’ જ બોલે છે. આગળને પગથિયે એ એટલો ઓતપ્રોત થઈ ગયો હોય છે કે, એ માત્ર ‘હાથી, હાથી’ જ બોલે છે. એથીયે આગળને પગથિયે માત્ર ‘હા, હા’ જ બોલે છે, બીજું કંઈ નહીં.

૮૩૪. એટલે હું કહું છું કે, આરંભમાં કર્મની ઘણી આવશ્યકતા છે. પણ જેમ તમે ઈશ્વર ભણી આગળ વધો તેમ, એ ઘસાતું જશે. અંતે કર્મનો સંપૂર્ણ ત્યાગ અને સમાધિની પ્રાપ્તિ આવે છે. સામાન્ય રીતે, સમાધિની પ્રાપ્તિ પછી દેહ લાંબુ ટકતો નથી. પણ, કેટલાકને ભાગ્યે જગતને બોધ આપવાનું નિર્માયું હોય છે. નારદ જેવા ઋષિઓ અને ચૈતન્ય જેવા અવતારો આનાં દૃષ્ટાંતો છે. કૂવો ખોદાયા પછી કેટલાક બધી ત્રિકમ, બધા પાવડા અંદર નાખી દે છે. પણ કેટલાક રાખી મૂકે છે તે એમ માનીને કે એ પોતાના કોઈ પાડોશીને કામમાં આવશે. સંસારનાં દુઃખો જોઈ આવા લોકોનાં દિલમાં કરુણા પ્રગટે છે. પોતાને માટે જ જ્ઞાન પ્રાપ્ત કરવા જેવા સ્વાર્થી તેઓ નથી…

(હવે પછી પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી)

Total Views: 194

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.