૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા – આ ત્રણ ગુણો કેળવવા પર આ સંપ્રદાય ભાર મૂકે છે. ઈશ્વર અને એનું નામ એક જ છે. આ જાણી, ખૂબ પ્રેમ અને વ્યાકુળતા સાથે ઈશ્વરનામ રટવું જોઈએ. ભગવાનના ભક્તનું સન્માન કરવું જોઈએ; ભગવાન અને એના ભક્તો વચ્ચે, કૃષ્ણ અને વૈષ્ણવો વચ્ચે કશો ફરક નથી એમ સમજવું જોઈએ. આખું વિશ્વ પ્રભુનો નિવાસ છે એમ જાણી, પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ…’ ‘પ્રાણીમાત્ર પર દયા.’ એમ ઝડપથી બોલી ઠાકુર તરત જ સમાધિમાં સરી પડ્યા. થોડી વાર પછી અર્ધબાહ્ય દશા પ્રાપ્ત થતાં ઠાકુરે ઉદ્‌ગાર કાઢ્યો: ‘પ્રાણીમાત્ર પ્રત્યે દયા! પ્રાણીઓ પ્રત્યે દયા! પ્રાણીમાત્ર પ્રત્યે દયાની વાત કરનાર તું કોણ? તું પોતે તો જંતુ છો! ના, ના! પ્રાણીઓ પ્રત્યે દયા નહીં પણ, સેવા, ‘શિવજ્ઞાને જીવસેવા!’

૮૨૬. તમે કર્મનો ત્યાગ કરી શકો નહીં કરણ, પ્રકૃતિ જ તમને કર્મ તરફ ઘસડે છે. વાત એમ હોઈને, કરવું જોઈએ એમ જ બધું કાર્ય કરો. આસક્તિ વિના કામ થાય તો, એ ઈશ્વર ભણી લઈ જાય. આસક્તિ વિના કામ કરવું એટલે, આ લોકમાં કે પરલોકમાં, કશા બદલાની કે ભયની આશા વિના કાર્ય કરવું. આ રીતે કરેલું કાર્ય ધ્યેયનું સાધન છે અને ઈશ્વર જ ધ્યેય છે.

૮૨૭. આસક્તિ વગરનું કર્મ સાધન છે; પણ જીવનનું ધ્યેય ઈશ્વરદર્શન છે. મારે ફરી કહેવું જોઈએ કે, સાધનને સાધ્ય સાથે ભેળવવું જોઈએ નહીં — પંથ પરના પહેલાં પગલાંને ધ્યેય માની લેવું જોઈએ નહીં. ના, કર્મને જીવનનું સારસર્વસ્વ નહીં માની લેવું. ઈશ્વરભક્તિ માટે પ્રાર્થના કરો. ધારો કે તમે ઈશ્વરને જોવા શક્તિમાન છો. તો પછી, તમે શાને માટે પ્રાર્થના કરશો? તમે દવાખાનાં, ઇસ્પિતાલ, તળાવો, કૂવાઓ, ધર્મશાળાઓ બનાવવા માટે પ્રાર્થના કરશો? ઈશ્વરદર્શન ન થાય ત્યાં સુધી જ આ બધું સત્ય છે. પણ એક વાર ઈશ્વર સન્મુખ ઊભા પછી, આપણને એ જેવાં છે તેવાં, સ્વપ્ન કરતાં જરાય સારાં નહીં તેવાં ક્ષણિક જણાય છે. પછી આપણે વધારે પ્રકાશ માટે, વધારે ઉચ્ચતર જ્ઞાન માટે, વધારે દિવ્ય પ્રેમ માટે, માનવથી ઈશ્વરભણી વધે જતા પ્રેમ માટે, જે પ્રેમ આપણને ભાન કરાવે કે આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ જ છીએ તે પ્રેમ માટે જ આપણે પ્રાર્થના કરીશું.

૮૨૮. પોતાના ભક્ત શંભુ મલ્લિકની વાત કરતાં ઠાકુરે એક વાર કહ્યું હતું કે, એ ઇસ્પિતાલો, દવાખાનાંઓ, નિશાળો, કોલેજો સ્થાપવાની વાત કરતો હતો. એને રસ્તા બાંધવા હતા, કૂવા ગળાવવા હતા અને તળાવો ખોદાવવાં હતાં જેથી લોકોનું ભલું થઈ શકે. મેં એને કહ્યું: ‘હા, પણ આ બધું કરતી વખતે તમે અનાસક્ત હોવા જોઈએ અને જે કાર્ય સામાં ચાલીને આવે એ જ તમારે કરવાં જોઈએ, એવાં જ કાર્યો જે અનિવાર્ય હોય. એમને શોધવા ન જાઓ — તમે સંભાળી શકો તેથી વધારે ને વધારે કર્મો ઢૂંઢવા ન જાઓ. એમ કરશો તો ભગવાનને ભૂલી જશો.

– ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.