સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

ઘણીવાર માબાપનું એ સદ્‌ભાગ્ય બની રહે છે કે એમને સમજુ સંતાનો મળે છે. આ સમજુ સંતાનો એ પરમેશ્વરનો આશીર્વાદ છે. આ સંતાનો માબાપને એમની ફરજનું નમ્રતાપૂર્વક ભાન કરાવ્યા કરતાં હોય છે. માબાપનું એ કર્તવ્ય બની જાય છે કે તેઓ તે સંતાનોને સાંભળે અને તેમની વિનંતીને ધ્યાનમાં લઈને પોતાના જીવનવ્યવહારમાં યોગ્ય પરિવર્તનો કરતાં રહે.

માબાપમાંથી પણ સંતાનોની મમતાનો તંતુ મા સાથે વધારે ઘનિષ્ઠતાથી બંધાયેલો રહે છે. એવો આપણા સૌનો અનુભવ છે. આ હકીકતને લીધે તેઓ માતા સાથે જ છૂટ લઈ શકે છે, તે કમભાગ્યે બાપ સાથે લઈ શકાતી નથી.

આથી કવચિત્ પિતાએ ઘરમાં સાવ ઉપેક્ષિત અથવા ભયનું અથવા વધારે પડતા આદરનું અથવા મહેમાન જેવું આગંતુક પાત્ર બની રહે છે. પણ માની સાથે આવો વર્તાવ પ્રાયઃ સંતાનો કરતાં નથી. માનવહૃદયની આ ભાવનાનો પડઘો માતૃભૂમિ, માતૃભાષા આદિ શબ્દોમાં પડતો સાંભળી શકાય છે.

રાષ્ટ્રરૂપી માતાને માટે કવિ એ આવું એક સંતાન છે. આપણાં કવયિત્રી શ્રીમતી સરોજિની નાયડુ રાષ્ટ્રમાતાને ઉદ્‌બોધન કરે છે. પોતાની આગવી વાણીમાં તેઓ રાષ્ટ્રમાતાને ફરીથી અસ્મિતા ગ્રહણ કરવાની હાકલ કરે છે. અને અન્તતોગત્વા આ રાષ્ટ્રમાતા પણ છે કોણ?

રાષ્ટ્રની નદીઓ કે ગિરિમાળાઓ એ કાંઈ રાષ્ટ્ર નથી; તેની કોટિ કોટિ જનતા જ સાચું રાષ્ટ્ર છે. આ જનતાને ઉદ્દેશીને જ કવિ કાંઈક કહેવા જાય તો એ સામાન્યતામાં સરી પડે. વળી જનતાને તો બધા જ ઉદ્‌બોધન કરી શકે છે. રાજકારણીઓથી માંડીને ધર્મોપદેશકો સુધી અને પ્રમુખથી માંડીને પટાવાળા સુધી આ બધા જ એને સુધારી‌ દેવાની ગુલબાંગો પોકાર્યા કરે છે. પણ આપણો અનુભવ છે કે એમાં કાંઈ વળતું નથી.

પણ કવિનું વચન ખાલી જતું નથી. કેમ કે એ વચનમાં શાશ્વતીની રમણાનું દર્શન હોય છે. કવિના હૃદયની આહ હોય છે, સદીઓનું વૈચારિક મંથન હોય છે. એ કવચિત્ જુએ છે, તેનું આલેખન કરે છે, કવચિત્ એને દૂરના ભૂતકાળનું અને કવચિત્ સદીઓ પછીના ભવિષ્યનું પણ દર્શન થતું હોય છે.

વળી એને અન્ય બંધનો હોતાં નથી. કવિ કહ્યા વિના રહી શકતો નથી. આથી જ તે પોતાનું મોઢું ખોલે છે, ત્યારે કાંઈક શાશ્વત, કાંઈક દિવ્ય, કાંઈક રસપ્રદ, કાંઈક પથ્ય (હિતકા૨ક) બોલીને જ અટકે છે અને આપણે સદીઓ સુધી વાગોળતા રહીએ એવી કોઈક વાત કહી જાય છે.

શ્રીમતી સરોજિની નાયડુ, મા ભારતીનું આવું એક ગરવું કે પનોતું સંતાન છે. એમનો વૈચારિક અને સાંસ્કૃતિક વારસો મા ભારતીની દેણગી છે. પણ પોતાના જીવન કાર્યને અંગે તેઓ દેશાવરોમાં ખૂબ ખૂબ ફરેલાં, તેથી અન્યત્ર કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે, તે પણ તેઓ જાણતાં હતાં. અને વધુ આકર્ષક પાસું તો એ છે કે લોકો મા ભારતી પાસેથી શી શી અપેક્ષાઓ રાખે છે, તેનો તેમને જાત અનુભવ છે. કવિ તરીકે, નેતા તરીકે, સ્ત્રી તરીકે, તેમણે એ બધાનો વિચાર કર્યો છે, અને તદનુસાર તેઓ મા ભારતીના પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરવાનો સંકલ્પ અનેક વખત કરી ચૂક્યાં હશે. આ સંકલ્પ કાંઈ એક હાથે પડી શકે એવી તાળી નથી. આથી તેમણે મોટેથી વિચારવાનો (thinking aloud) માર્ગ ગ્રહણ કર્યો છે. આ રીતે વિચાર કરતાં તેઓ મા ભારતીને ઉદ્‌બોધન કરે છેઃ

O young through all the immemorial years! Rise mother, rise, regenerate from thy gloom, –હે મા, સ્મરણાતીત સમયથી તું યુવાન રહી છે, હવે તારા વિષાદમાંથી જાગી ઊઠ અને પુનર્જન્મ ધારણ કર.

મનુષ્યની યુવાની તેના વિચારો પર આધાર રાખે છે. મનુષ્ય તેના પ્રગતિશીલ વિચારો જેટલો યુવાન છે. પરંતુ યુવાનના જીવનમાં પણ આનંદ અને વિષાદના ગાળા આવે જ છે. કવચિત્ મનુષ્યને એમ લાગે છે કે અન્ય લોકો મારા વિચારોને સમજી શકતા નથી. આ પરિસ્થિતિ જ્યા૨ે ઘેરી બને છે, ત્યારે તેના માનસમાં વિષાદ છવાઈ જાય છે.

મા ભારતીની બાબતમાં પણ કાંઈક એવું જ થયું છે. તેનો વૈચારિક વારસો અવશ્ય સમૃદ્ધ છે, પ્રગતિશીલ છે. કોણ જાણે કેટલીયે શતાબ્દીઓ કે સહસ્રાબ્દીઓથી તેણે દિવ્યવિચારોનું સેવન કર્યું છે. પણ તેનાં સંતાનોનાં જીવનમાં એક પ્રકારની નિષ્ફળતાનું મોજું આવી ગયું છે કે તેઓ પોતાના ભવ્ય વૈચારિક વારસાને સુયોગ્ય રીતે પચાવી શક્યા નહીં.

માવતરના જીવનની આ ૫૨મ કરુણતા છે કે તેમને એમ લાગે કે અમારાં અત્યંત લાડપૂર્વક ઉછેરેલાં સંતાનો અમારા વિચારોનું યોગ્ય મૂલ્યાંકન કરી શકતાં નથી; એટલું જ નહીં, તે વિચારોના સેવન દ્વારા કે અમલીકરણ દ્વારા સાધી શકાતા તેમના પોતાના શ્રેયનો પણ તેમને ખ્યાલ આવતો નથી. આ વિચાર ખાસ કરીને માતાને મૂંઝવતો રહે છે અને એનું સાતત્ય માના હૃદયમાં એક પ્રકારના વિષાદને જન્મ આપે છે.

પણ સંતાનો કાંઈ બધાં સરખાં હોતાં નથી. સમજુ સંતાનો પોતાની માતાની આ વિષમ સ્થિતિને પારખી લે છે. અને તેથી માને તેના કર્તવ્યનું ભાન કરાવવા પ્રેરાય છે. તેથી કવિ અહીં મા ભારતીને એ વિષાદમાંથી મુક્ત થઈને જાણે કે નવા સ્વરૂપે બહાર આવવા વિનવે છે. પણ આ વખતે સંતાનની જવાબદારી વધી જાય છે. કેમ કે તેણે આપેલી હૈયાધારણને લીધે જ તો માતૃશક્તિ જાગી ઊઠી હોય છે. કવિને મન આ ઘટના માતાનો પુનર્જન્મ છે.

હવે આ પુનર્જન્મની તુલના કોની સાથે કરી શકાય, તેનો નિર્દેશ કરતાં કવયિત્રી કહે છે :

And like a bride high – mated with the spheres. Beget new glories from thine ageless womb.

—પોતાના વાળનું સુંદ૨ ૨ીતે સુશોભન કર્યું હોય તેવી નવવધૂની જેમ તારા નિત્યનૂતન ઉદ્‌ભવસ્થાનમાંથી આભા મેળવી લે.

અહીં નવવધૂનું પ્રતીક તેની તાજગી અને જીવનલક્ષી વિચારધારાનું સૂચક છે. તે જ્યારે પ્રસાધનો વડે વાળને સજ્જ કરે છે ત્યારે તેની ઉંમર કળી શકાતી નથી. તે ચિર યૌવનનું પ્રતીક બની રહે છે. એની વિચાર સૃષ્ટિ પણ એવી જ તાજગી પૂર્ણ અને ઉજ્જ્વળ ભવિષ્ય માટેની ખેવનાની નિર્દેશક બની રહે છે. એને માટે એને પ્રેરણા પૂરી પાડે છે એનાં મનમાં માની લીધેલાં દેવદેવીઓ, વડીલો કે ગુરુજનો. કવિ અહીં માતાને પુનઃ નવવધૂ જેવા શણગાર સજવા વિનવે છે. જીવનમાં ‘પુનશ્ય હરિઃ ઓમ્’ કરવાનો અનુરોધ કરે છે.

આ બધું શા માટે કરવું જરૂરી છે, એવો પ્રશ્ન મા ભારતી ઊભો કરે તો આ સમજુ સંતાન ખુલાસો કરતાં નિર્દેશ કરે છે:

The nations that in fetterd darkness weep, Crave thee to lead them where great mornings break, Mother, O Mother, wherefore dost Thou sleep? Arise and answer for thy children’s sake.

-ગુલામીના બંધનરૂપ અંધકારમાં સબડતાં રાષ્ટ્રો અપેક્ષા રાખે છે કે તારે તેમને નવી ઉષાનો ઉદય થતો હોય એવા (સ્વાતંત્ર્યના) પ્રદેશમાં દોરી જવાનાં છે. ત્યારે હે મા, ઓ મા! તું સૂતી રહી છે? ઊઠ, ઊભી થા અને તારા બાલુડાંને ખાતર એમને જવાબ (કે હોંકારો) દે!

આપણે જાણીએ છીએ કે મા ભારતીનાં ગર્વીલાં સંતાનોએ ઘોષણા કરી છેઃ

એતદદેશ પ્રસૂતસ્ય સકાશાદગ્રજન્મનઃ ।
સ્વં સ્વ ચરિત્રં શિક્ષેરન્ પૃથિવ્યાં સર્વમાનવાઃ ॥

-આ દેશમાં જન્મેલા બ્રાહ્મણ (વિચારશીલ મનુષ્ય) પાસેથી પૃથ્વી પરના બધા લોકો પોતાનાં કર્તવ્યો શીખશે- શીખવાં જોઈએ.

આવાં સંતાનોની જન્મદાત્રી નમાલી ન જ હોઈ શકે. એ તો એનાથી અનેક ગણી વધારે તેજસ્વી, ઓજસ્વી અને પ્રભાવશાળી હોવી જોઈએ. પણ અહીં ઊલટું સુલટું થઈ ગયું છે. એવી ઘોષણા કરનારા એકલા પડી જાય છે આ ગતાનુગતિક લોકોની સંખ્યા વધતી જાય છે. આ ગતાનુગતિકતાને નાબૂદ કરવા માટે કોણ કમર કસશે?

બાળકમાં દોષ આવે તો એને દૂર કરવાનો પ્રયત્ન માત્ર માવતર જ કરી શકે, અન્ય કોઈ નહીં. શ્રી શંકરાચાર્ય જેવું સમજુ સંતાન કહી શકે કે :

મત્સમઃ પાતકી નાસ્તિ ।
પાપાધ્ની ત્વત્સમા ન હિ ॥

-મારા જેવો કોઈ પાપ નથી અને હે મા,તારા જેવી પાપનો નાશ કરનારી બીજી કોઈ નથી.

સંતાનોનાં પાપ ધોવાં, એમનું ગૌરવ જાળવવું, એમને નીચા જોણું ન થાય એ રીતે વર્તવું એ સમજદાર માતાનું જ કામ છે. આથી સમગ્ર વિશ્વ જ્યારે મા ભારતી પાસેથી પ્રકાશની, નેતૃત્વની, માર્ગદર્શનની અપેક્ષા રાખતું હોય; જ્યારે વિશ્વ વૈચારિક ગુલામીના અંધકારમાં સબડતું હોય ત્યારે તેના જીવનમાં આઝાદીની ઉષા ઉગાડવાનું કપરું કામ કોણ કરશે?

કવયિત્રીને લાગે છે કે મારી માતા ઘેનમાં છે. આથી તે બે વખત સાદ પાડે છે – મા, ઓ મા; અને પછી વિનવે છે કે તું અમારી આબરૂ ખાતર પણ ઊઠ અને ઊભી થઈ તારા કર્તવ્યની લગામ તારા હાથમાં લે. નહીંતર સમગ્ર જગતને અમે શો જવાબ આપીશું?

આ જાગૃતિ શાને માટે જરૂરી છે, જાગીને શું કરવાનું છે. એ વાત જો ન બતાવે તો ઉઠાડનાર પોતાનું કર્તવ્ય ભૂલે છે. કવિ આવી ભૂલ કદી ન કરે. આથી તે કહે છેઃ

Thy future calls thee with a manifold. sound To Crescent honours, splendours, victories vast, waken, o slumbering mother, and he crowned who once were empress of the sovereign past.

– મા તારું ભાવિ ઘણા ઘણા સાદ પાડીને તને બોલાવી રહ્યું છે. તારું માન, દોરદમામ અને સાફલ્યો ઉત્તરોત્તર વધતાં જવાનાં છે. માટે હે નિદ્રાધીન મા, ઊઠ અને મહારાણીનો મુકુટ ધારણ કરી લે; કેમ કે એક વખત જેનું સામ્રાજ્ય હતું, તેવા ગૌ૨વશાળી ભૂતકાળની તું મહારાણી હતી.

જો ભારતમાં જાગૃતિ આવે તો તેની સર્વાંગી ઉન્નતિ થાય જ એમાં શંકાને લેશ પણ સ્થાન નથી. કવિએ સર્વાંગી ઉન્નતિ માટે Crescent બીજના ચંદ્રનું પ્રતીક પસંદ કર્યું છે. આ ચંદ્ર સતત કર્મયોગનું પ્રતીક છે. જો આપણે એમ ઈચ્છતા હોઈએ કે જગતમાં આપણું માન વધવું જોઈએ, ભપકો વધવો જોઈએ કે સફળતાએ કળશ આપણા પર જ ઢાળવો જોઈએ, તો આપણામાં જાગૃતિ આવશ્યક બની રહે છે. કેમ કે આપણે એક જીવન સૂત્ર અપનાવ્યું છે:

જો સોવત હૈ વહ ખોવત હૈ ।
જો જાગત હૈ વહ પાવત હૈ ॥

અને જ્યારે આપણી સંસ્કૃતિએ જીવન-વ્યવહારના માર્ગ તરીકે સ્વીકાર્યું હોય કે-પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રંમિત્રમિવાચરેત્ । – પુત્ર જ્યારે સોળ વર્ષનો થાય ત્યારે તેની સાથે મિત્ર જેવું આચરણ કરવું જોઈએ, ત્યારે કવિ એવા એક સંતાન તરીકે મા ભારતીને કર્તવ્યભાન કરાવવા કટિબદ્ધ થાય છે. એને મા ભારતીની જાગૃતિમાં સમગ્ર વિશ્વના સમુજ્જ્વલ ભાવિનું સુભગ દર્શન થાય છે.

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.