સ્વામી નિરંજનાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી નિરંજનાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

શ્રી૨ામકૃષ્ણ પોતાના જે વિશિષ્ટ અંતરંગ અંતેવાસીઓનો ‘ઈશ્વરકોટી’ તરીકે ઉલ્લેખ કરતા હતા, તેમાંના એક હતા. સ્વામી નિરંજનાનંદ. તેમણે એમના વિશે એમ પણ કહ્યું હતું કે, તેઓ શ્રીરામચંદ્રના અંશથી અવતરેલા હતા. અતિ ઉચ્ચ આધ્યાત્મિક શક્તિથી સંપન્ન આ મહાપુરુષનો જન્મ ચોવીસ પરગણા જિલ્લાના રાજારહાટ-વિષ્ણુપુર નામના ગામમાં લગભગ ઈ.સ. ૧૮૬૨ની શ્રાવણી પૂર્ણિમાના દિવસે થયો હતો. એમના પિતાનું નામ શ્રીઅંબિકાચરણ ઘોષ તથા એમનું પોતાનું પૂર્વ નામ નિત્યનિરંજન ઘોષ હતું.

શ્રીરામકૃષ્ણના પ્રથમ દર્શન વિશે લાટુ મહારાજે (સ્વામી અદ્‌ભુતાનંદજીએ) કહ્યું હતું : “નિરંજનભાઈ જ્યારે પહેલી વાર દક્ષિણેશ્વર આવ્યા હતા, ત્યારે ઠાકુરે તેમને કહ્યું હતું, ‘જો તું સંસારી માણસો પર નવ્વાણું ઉપકાર કરે અને તેમનું એક જ નુકસાન કરે, તો તે લોકો તને માફ નહિ કરે; પણ જો તું ભગવાનના નવ્વાણું અપરાધ કરે અને ફક્ત એક જ કામ એમની પસંદગીનું કરે, તો તેઓ તારા તમામ અપરાધો ક્ષમા કરી દેશે. મનુષ્યનો પ્રેમ અને ભગવાનનો પ્રેમ એ બંને વચ્ચે આટલો તફાવત જાણજે.”

૧૫મી જૂન ઈ.સ.૧૮૮૪માં શ્રીરામકૃષ્ણ કાકુડગાચ્છીમાં શ્રીસુરેન્દ્રના બગીચામાં યોજાયેલા એક મહોત્સવમાં ગયા હતા. કીર્તન પૂરાં થયા પછી તેઓ ભક્તોની સાથે બેઠા હતા. એ વખતે નિરંજન આવ્યા અને શ્રીરામકૃષ્ણને ભૂમિષ્ઠ થઈને તેમણે પ્રણામ કર્યા. એમને જોતાં જ શ્રીરામકૃષ્ણ ઊભા થઈ ગયા, શ્રીરામકૃષ્ણનાં નેત્રો આનંદથી ચમકી ઊઠ્યાં. તેઓ સસ્મિત બોલ્યા, “તું આવી ગયો! (માસ્ટરને) જુઓ, આ છોકરો ખૂબ સરળ છે. સ૨ળતા તો પૂર્વજન્મમાં આચરેલી ઘણી મોટી તપશ્ચર્યાનું ફળ છે. કપટાચાર, કૂટનીતિ ભરેલી બુદ્ધિ, એ બધું હોય તો ઈશ્વરપ્રાપ્તિ થતી નથી.”

નિરંજનનાં વૃદ્ધ માતા એ સમયે જીવિત હતાં. આથી માના ભરણપોષણ માટે નિરંજનને નોકરી સ્વીકારવી પડી. શ્રીરામકૃષ્ણ ઇચ્છતા ન હતા કે એમનો કોઈ ઉચ્ચ અધિકારી ભક્ત ધનના બંધનમાં પડે. એટલે તે દિવસે એમણે નિરંજનને કહ્યું: “જો તારા મોઢા પર શાહી લાગી ગઈ છે. તું ઓફિસનું કામ કરે છે ને! – એટલે ઓફિસમાં હિસાબ-કિતાબ રાખવો પડતો હશે, વળી બીજાં પણ કેટલીય જાતનાં કામ હશે! બધો વખત વિચારવું પડતું હશે. સંસારી લોકો જેવી રીતે નોકરી કરે છે, એ જ રીતે તું પણ કરે છે. પણ એમાં થોડો તફાવત છે. તું તારી મા માટે નોકરી કરે છે. મા ગુરુ છે. બ્રહ્મમયીની મૂર્તિ છે. જો બૈરીછોકરાં માટે તું નોકરી કરતો હોત, તો હું કહેત : ‘તને ધિક્કાર છે. સો વાર ધિક્કાર છે.’ ”

જ્યારે મઠ વરાહનગરમાં હતો ત્યારે એક દિવસ સ્વામી નિરંજનાનંદ શ્રીઠાકુરના ભોગ માટે એક નાનકડા પડિયામાં મીઠાઈ લઈને જઈ રહ્યા હતા. એ જ રસ્તે એક ગરીબ સ્ત્રી નાના બાળકને કાખમાં તેડીને જતી હતી. નિરંજનાનંદના હાથમાં પડિયો જોઈને બાળક રડવા અને ‘હું મીઠાઈ ખાઈશ’ એવી જીદ કરવા લાગ્યો. મીઠાઈનો પડિયો બાળકને આપતાં નિરંજનાનંદે કહ્યું, ‘ખાઓ, બેટા ખાઓ.’ આથી તે સ્ત્રી કહેવા લાગી, ‘નહિ બાબા, આપ શ્રીઠાકુરજીની સેવા માટે મીઠાઈ લઈ જાઓ છો, એ ખાવાથી બાળકનું અનિષ્ટ થશે.’ નિરંજનાનંદ બોલ્યા, નહિ મા, બાળકને કોઈ જ દોષ નહિ લાગે. એના ખાવાથી ઠાકુરનું જ ખાવાનું થશે.’

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.