સ્વામી અદ્વૈતાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય હતા. સ્વામી ગંભીરાનંદજી મહારાજે લખેલા ‘ભક્તમાલિકા’ ગ્રંથમાંથી સ્વામી અદ્વૈતાનંદજીની જન્મતિથિ નિમિત્તે થોડા અંશો ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

શ્રીયુત્ ગોપાલચંદ્ર ઘોષ, ગોપાલદા (સ્વામી અદ્વૈતાનંદજી)ના પિતાનું નામ ગોવર્ધન ઘોષ હતું. એમના બાપદાદા ચોવીસપરગણા જિલ્લાના જગદ્‌દલ (રાજપુર)માં રહેતા. કરુણાનિધાન શ્રીઠાકુરે એક દિવસ પોતે જાતે જ ગોપાલદા ઉપર કૃપા કરી. એ દિવસે (૧૧મી ડિસેમ્બર ઈ.સ.૧૮૮૫) કાશીપુરમાં પ્રેમની લૂંટ ચાલી હતી – શ્રીઠાકુરે નિરંજન અને કાલીપદ ઉપર કૃપા કરી. પછી બે ભક્ત-સ્ત્રીઓ પણ કૃપા મેળવીને પ્રેમાશ્રુ વહાવતી વહાવતી ચાલી ગઈ. એ પછી ઠાકુરે ગોપાલદાને તેડાવ્યા અને એમના ઉપર કૃપા કરી. શ્રીઠાકુરની સેવા કરીને તથા એમનો ઉપદેશ સાંભળીને પોતાને કૃતાર્થ સમજવા છતાં પણ ગોપાલદાનું વૈરાગ્યપૂર્ણ મન જાતે જ સાધનામાં લીન થઈ જવા વ્યાકુળ રહેતું. આવી પ્રેરણાને પરિણામે તેઓ ક્યારેક ક્યારેક નરેન્દ્ર વગેરેની સાથે કાશીપુરથી દક્ષિણેશ્વર જતા અને ત્યાં જપ, ધ્યાન અને તપસ્યા કરતા. દક્ષિણેશ્વરમાં રહેતા હતા ત્યારે (૫ એપ્રિલ ઈ.સ.૧૮૮૪) એક વાર એમના મનમાં તીર્થયાત્રાએ જવાની ઇચ્છા થઈ હતી. શ્રીઠાકુરે એમને પૂછ્યું: “શું તમને અત્યારે તીર્થમાં જવાની ઇચ્છા થઈ રહી છે?” ગોપાલદાએ કહ્યું: “જી હા, થાય છે કે થોડું ફરી આવું.” ત્યારે શ્રીઠાકુરે એમને સમજાવી દીધું: જ્યાં સુધી એવું લાગે છે કે ઈશ્વર ત્યાં છે, ત્યાં છે, ત્યાં સુધી અજ્ઞાન છે. અને જ્યારે એવું લાગે કે અહીં છે, અહીં છે, ત્યારે સમજવું કે જ્ઞાન થયું છે.” એમણે વધારે એમ પણ કહ્યું: “જે જોઈએ છે, તે પાસે જ છે; તો પણ લોકો સ્થળે સ્થળે ભટકે છે.”

ગોપાલદા શ્રીઠાકુરના ગળાનો ઘા લીમડાના પાણીથી ધોઈ દેતા. એક દિવસ તેઓ જ્યારે આ કરી રહ્યા હતા ત્યારે શ્રીઠાકરે ‘ઓહ, ઓહ’ કર્યું. શ્રીઠાકુરની પીડા જોઈને ગોપાલદાને પણ દુઃખ થયું અને એમણે કહ્યું: “બસ, રહેવા દો. હવે વધારે નહિ ધોઉં.” પણ ઠાકુરે કહ્યું: “ના, ના. તમે ધોઈ દો ને. આ જુઓ, હવે મને જરા પણ પીડા નહિ થાય.” આમ કહીને એમણે દેહમાંથી પોતાના મનને ઉપર ખેંચી લીધું, એ પછી એમના મોઢામાંથી એકપણ શબ્દ ન નીકળ્યો અને ચહેરા ઉપર સહેજ પણ વિકૃતિ જોવા મળી નહિ. સ્વેચ્છાથી દેહ ધારણ કરનાર અવતારી પુરુષ માટે શું અશક્ય છે?

ઘરવિહોણા અને આત્મીય સ્વજનોના સંબંધવિહોણા ગોપાલદાનું એકમાત્ર અવલંબન શ્રીરામકૃષ્ણ, એમના સેવકો અને ભક્તો જ હતા. એમનાં સુખ, દુ:ખ અને સહાનુભૂતિ વગેરે સઘળાં ગુરુભાઈઓ સાથે જ જોડાયેલ હતાં અને એમની પ્રાર્થનાનું સ્થળ હતું ગુરુદેવનાં ચરણકમળો.

ગોપાલદા પોતે ખૂબ જ સુઘડ રહેતા હતા અને બીજાઓની વસ્તુઓને પણ વ્યવસ્થિત જોઈને આનંદિત થતા. શ્રીરામકૃષ્ણ જો કે હંમેશાં ભગવદ્‌ભાવમાં વિભોર રહેતા, તોપણ એમના વ્યાવહારિક જીવનના પ્રત્યેક કાર્યમાં સુવ્યવસ્થા જોવા મળે છે. એટલા માટે તેઓ ગોપાલદાની સેવા પસંદ કરતા.

Total Views: 149

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.