* કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય છે.

* પાપીનું હૃદય વાંકડિયા વાળ જેવું છે. ગમે તેટલું મથો તોયે એ સીધો નહીં થવાનો. એ જ રીતે દુષ્ટ મનુષ્યનું હૃદય કદી સરળતાથી ઋજુ અને પવિત્ર કરી શકાતું નથી.

* સાધુની તુંબડી ચાર ધામ ફરી આવે છતાં એ કડવી જ રહે. સંસારીનો સ્વભાવ પણ તેવો જ.

* કાચી માટીના અનેક ઘાટ કુંભાર આપી શકે. પણ નિંભાડે ચડી પાકી થઈ ગયેલી માટીનું કંઈ જ ન થાય. એ જ રીતે, સંસારી તૃષ્ણાઓના અગ્નિમાં જે હૃદય શેકાયું છે તેને કોઈ ઉચ્ચ વિચાર અસર ન કરી શકે અને એને કોઈ નવો ઘાટ આપી ન શકાય.

* પાણી પત્થરને પલાળી શકતું નથી. તે રીતે બદ્ધ જીવ પર ધાર્મિક ઉપદેશની કશી અસર થતી નથી.

* પત્થરમાં ખીલી ઠોકી શકાતી નથી પણ પોચી માટીમાં એ ખોસી શકાય છે તે રીતે, સાધુનો ઉપદેશ સંસારીના હૃદયમાં પ્રવેશી શકતો નથી પણ, શ્રદ્ધાળુના હૃદયમાં ઊંડો ઊતરે છે.

* પોચી માટી પર તરત છાપ પડે છે, કઠણ માટી કે પાણા પર પડતી નથી તેમ, ઈશ્વરીય જ્ઞાનની અસર ભક્તનું હૃદય ઝીલે છે, બદ્ધ આત્માનું નહીં.

* પૂલ નીચે પાણીનો પ્રવાહ એક બાજુથી આવી બીજી તરફ વહી જાય છે તેમ, સંસારીઓને કરેલો ધર્મબોધ એક કાનેથી પેસી બીજેથી નીકળી જાય છે.

* સંસારાસક્ત મનુષ્યનું લક્ષણ કયું? નોળિયો પાળનારની હાંડલીમાંના નોળિયા જેવો એ છે. નોળિયો પાળનારો નોળિયાના દર જેવું હાંડલું એક ભીંતે ટીંગાડી રાખે છે. નોળિયાને ગળે એક દોરી બાંધી એ દોરીનો બીજો છેડો કોઈ વજન સાથે બાંધે છે. હાંડલીમાંથી નીકળી નોળિયો નીચે ઊતરી આમ તેમ ભટકે છે પણ ગભરાય ત્યારે પાછો હાંડલીમાં ઘૂસી જાય છે. કમનસીબે એ ત્યાં લાંબો સમય રહી શક્તો નથી કારણ, પેલું વજન એને નીચે ખેંચે છે. એ જ રીતે, જીવનની યાતનાઓની અસર હેઠળ સંસારી જન જગતથી ઉપર ઊઠી ભગવાનનું શરણ લે છે પણ, એનાં બધાં આકર્ષણો સાથેનો સંસારનો મોટો બોજ એને નીચે ખેંચી લાવે છે.

* ડાંગરનાં ખેતરોમાં રાખેલી વાંસની જાળના સાંધણમાંથી પસાર થતા ચળકતા પાણીને જોઈ, નાની માછલીઓ ઉમંગભેર એ જાળમાં પેસે છે. પણ એક વાર પેઠા પછી બહાર નીકળી શકતી નથી. એ જ રીતે, મૂર્ખ લોકો સંસારની જાળથી આકર્ષાઈ તેમાં ફસાય છે; પણ, એમાંથી છટકવા કરતાં ફસાવું સહેલું છે; અને એ લોક પેલી નાની માછલીઓની જેમ કાયમના કેદી બની જાય છે.

(- ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી)

Total Views: 136

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.