બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને સતાવે છે! છતાં તેઓ ‘જાગ્રત’ થતા નથી. જે રીતે કાંટા ઝાંખરાં ખાતું ઊંટ મોઢેથી લોહી ઝરતું હોય છતાં, એને ખાવાનું છોડતું નથી. સંસારી મનુષ્ય આટલું બધું દુ:ખ ભોગવે છે છતાં, થોડા દિવસોમાં એ બધું ભૂલી જાય છે. ક્યાં તો એની પત્ની મરી ગઈ છે ક્યાં તો , બેવફા નીવડી છે; ને જુઓ તો! એ ફરી પરણે છે. ક્યાં તો એનું સંતાન મૃત્યુ પામ્યું છે ને એ ખૂબ આંસુ સારે છે; પણ થોડા સમયમાં એ બધું વીસરી જાય છે. વ્યથાથી પીડાતી હતી તે એની મા પાછી વાળની લટ કાઢવા લાગે છે અને ઘરેણાં ઠઠાડે છે. પુત્રીના લગ્નથી મા-બાપ સાવ રંક બની ગયાં હોય છે છતાંય વરસો વરસ એમને ત્યાં છોકરાં જન્મે છે. અને કોર્ટકચેરીના દાવાઓથી પાયમાલ થયેલા આ લોકો ફરી ફરી કોર્ટે ચડતા હોય છે. સંતાનોને આપી જવા માટે પોતાની પાસે કશું ન હોય છતાં લોકો છોકરાં પેદા કર્યા કરે છે.

સંસારીની સ્થિતિ ઘણી વાર સાપે છછુંદર ગળ્યા જેવી હોય છે; નથી એ એને ગળે ઉતારી શક્તો, નથી પાછી બહાર કાઢી શક્તો. કદાચ એ સમજે છે કે, સંસારમાં કશું સત્ત્વ નથી, અંબાડાના ફળની જેમ કેવળ છાલગોટલી જ છે. છતાં, સંસારને ભૂલીને, એ ઈશ્વરમાં મન લગાવી શક્તો નથી. એને સંસારમાંથી હટાવી ધાર્મિક વાતાવરણમાં મૂકો તો, એનું મન ભાંગી પડશે અને ઝૂરવા લાગશે જાણે, ચોખાની માટલીમાં રાખેલો વિષ્ટાનો કીડો.

દહીંવાળી દોણીમાં કોઈ કદી દૂધ રાખે નહીં કારણ, રખેને એ દૂધ જામીને દહીં થઈ જાય. વળી એ હાંડલું રાંધવામાં પણ વાપરી શકાય નહીં કારણ, કદાચ એમાં તડ પડે. એટલે એ લગભગ નકામી થઈ જાય છે. એ રીતે અનુભવી સદ્‌ગુરુ પોતાનો ઉચ્ચ કોટિનો મૂલ્યવાન ઉપદેશ સંસારી જનને ન કરે. કારણ, એ શિષ્ય ખોટો અર્થ કરી એ જ્ઞાનનો દુરુપયોગ કરશે અને પોતાના સ્વાર્થ માટે તે વાપરશે. તેમજ, જેમાં થોડોક પણ શ્રમ પડે એવું કોઈ કાર્ય ગુરુ એવા શિષ્ય પાસે નહીં કરાવે કારણ, શિષ્યને વળી એમ લાગે કે, ‘ગુરુ મારો ગેરલાભ લઈ રહ્યા છે.’

પોતાના પ્રારબ્ધ કર્મ અને પૂર્વ સંસ્કારોને વશ હોઈ, મનુષ્ય ધારે તો પણ, સંસારત્યાગ કરી શકતો નથી. એક વાર એક યોગીએ એક રાજાને પોતાની પાસે બેસી ધ્યાન કરવા કહ્યું. રાજાએ કહ્યું, ‘ના મહારાજ. આપની પાસે હું બેસું ભલે પણ, સંસારસુખની મારી તૃષ્ણા હજી ગઈ નથી. હું અહીં વનમાં રહું તો, કદાચ, અહીં રાજ્ય ખડું થઈ જાય, કારણ મારા નસીબમાં હજી ભોગ છે.’

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી)

Total Views: 320

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.