* નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે.

* ગેસ બત્તીઓનો પ્રકાશ જુદા જુદા વિસ્તારોમાં ઓછો વધતો હોય છે પણ, એ પ્રકાશના આધારરૂપ, ગેસ, એક જ સ્રોતમાંથી આવે છે. એ રીતે જ, બધા દેશકાળના બધા ધર્મગુરુઓ પેલા ગેસના દીવાઓ જેવા છે અને એમાંનો પ્રકાશ એક પરમાત્માના સ્રોતમાંથી જ આવે છે.

* બધાં શિયાળિયાંની લાળી એક સરખી. બધા જ્ઞાનીઓના ઉપદેશનું પણ તેવું જ.

* અજ્ઞાનને લઈને સામાન્ય જનને પોતાનો ધર્મ શ્રેષ્ઠ લાગે છે અને એને માટે બહુ બરાડા પાડે છે; પરંતુ એના ચિત્તમાં સત્યજ્ઞાનનો પ્રકાશ રેલાતાં, બધા સાંપ્રદાયિક ઝઘડા દૂર થાય છે.

* બે માણસો કાકીડાના રંગ વિશે જોરથી વાદ કરી રહ્યા હતા. એક કહે, ‘પેલા ખજૂરના ઝાડ પર એક સુંદર લાલ કાકીડો રહે છે.’ એનો વિરોધ કરતાં બીજો બોલ્યો, ‘તમારી ભૂલ છે, કાકીડો લાલ નથી, એ નીલરંગી છે.’ દલીલોથી નિરાકરણ લાવવા અસમર્થ હોઈ બંને એ ઝાડ નીચે રહેતા અને એ કાકીડાને રોજ નિહાળતા માણસ પાસે ગયા. પહેલા પક્ષકારે પૂછ્યું, ‘મહાશય, પેલી ખજૂરી પરનો કાકીડો લાલ નથી શું?’ પેલા માણસે જવાબ આપ્યો, ‘હા છે.’ બીજો પક્ષકાર બોલ્યો, ‘અરે! શું કહો છો તમે! એ કેવી રીતે બને! એ ચોક્કસ લાલ નથી જ. એ નીલ છે.’ ખજૂરી નીચે રહેનારે ફરી નમ્રતાપૂર્વક કહ્યું, ‘હા જી.’ કાકીડો રંગ બદલે છે તે એ જાણતો હતો. એટલે એણે બંનેને ‘હા’ કહી. સચ્ચિદાનંદ બ્રહ્મનાં પણ તે રીતે અનેક રૂપો છે. ભક્ત ઈશ્વરને જે રૂપે જુએ છે તે જ રૂપને તે ઓળખે છે બીજાં રૂપોને નહીં. એનાં અનેકવિધ રૂપોનાં દર્શન કરનાર જ કહી શકે કે, ‘આ બધાં રૂપો પરમાત્માનાં છે કારણ પરમાત્મા અનેકમુખી છે.’ ઈશ્વર નિરાકાર છે અને સાકાર છે અને, આપણે જાણતા નથી એવાં એનાં અનેક રૂપ છે.

* વાંસ અને દોરીની મદદથી લોકો ભલે જમીનના ભાગ પાડે પરંતુ, ઉપરના સર્વવ્યાપી આકાશના ભાગ એમ કોઈ પાડી શકે નહીં. જેને જ્ઞાનનો પ્રકાશ નથી લાધ્યો તેવો અજ્ઞાની એમ બોલે કે, ‘મારો જ ધર્મ સાચો ને શ્રેષ્ઠ છે.’ પણ એના હૃદયમાં જ્ઞાનજ્યોતનો ઉદય થાય ત્યારે એ જાણવા પામે કે, સંપ્રદાયોના બધા ઝઘડાથી પર એક સચ્ચિદાનંદ છે.

* ઈશ્વર એક જ છે એમ માની ભક્તિ કરે તે એને પામે જ; પછી એ ગમે તે રૂપની અને ગમે તે પ્રકારે તેની ભક્તિ કરે.

* પ્રશ્ન: બધા ધર્મોનો ઈશ્વર એક જ હોય તો પછી, જુદા જુદા ધર્માનુસાર એ જુદો જુદો શા માટે ચીતરવામાં આવે છે?

* ઉત્તર: ઈશ્વર એક જ છે પણ એનાં સ્વરૂપ અનેક છે. જે રીતે ઘરનો કર્તા પુરુષ ઘરમાં એકનો પિતા છે, બીજાનો ભાઈ છે, ત્રીજી વ્યક્તિનો પતિ છે અને, જુદી જુદી વ્યક્તિઓ તેને જુદાં જુદાં સંબોધનોથી બોલાવે છે તે રીતે, અમુક રીતે  ભજનારાઓને એ જે સ્વરૂપે દેખાય છે તે મુજબ એને એ લોકો વર્ણવે છે.

* મનુષ્યે ખ્રિસ્તીઓની જેમ કરુણાવાન, મુસલમાનની માફક બાહ્યાચારના પાલનમાં સુદૃઢ અને, હિંદુઓની માફક સર્વ જીવો પ્રતિ ઉદાર બનવું જોઈએ.

( ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી )

Total Views: 124

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.