* મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર તરે છે જેથી સ્વાતિનું બિંદુ અંદર ઝિલાય. પછી એ પાછી તળિયે ચાલી જાય છે અને એ વર્ષાબિંદુ સુંદર મોતી થાય ત્યાં સુધી ત્યાં જ રહે છે. એ જ રીતે, સદ્‌ગુરુ પાસેથી મંત્ર મેળવવા લોકો એક સ્થળેથી બીજે એ માટે ભટકે છે કે, એમને ચિર શાંતિ લાધે; અને પોતાની ધગશ ભરી શોધને અંતે માણસને સદ્‌ભાગ્યે આવો ગુરુ મળે અને, એની પાસેથી એ ઝંખતો હતો તે મંત્ર મળે તો, એનાં બધાં બંધન ભાંગી જાય અને, એ તરત સંસાર તજી, પોતાના અંતરના ઊંડાણમાં ખોવાઈ જાય ને, શાશ્વત શાંતિ લાધે ત્યાં સુધી એ ત્યાં જ સતત પ્રયત્ન કરતો રહે.

* આવો ગુરુ પંડિત અને શાસ્ત્રજ્ઞ ન હોય તો ડરવું નહીં. એ પોથી પંડિત નથી તેનો ડર ન રાખવો. જીવનના જ્ઞાનમાં એ ઊણો નહીં માલૂમ પડે. એની પાસે દિવ્યજ્ઞાનનો અખૂટ સ્રોત છે; એને સત્યજ્ઞાનનો સાક્ષાત્કાર થયેલો છે જે બધા પોથીજ્ઞાન કરતાં ચડિયાતું છે.

* જ્યાં ભક્તિ સાચી છે ત્યાં, અતિ સામાન્ય વસ્તુઓ ભક્તને ઈશ્વરનું સ્મરણ કરાવે છે અને, પોતાની જાતને ભગવાનમાં અર્પી દે છે. ‘આ માટીમાંથી ખોલ બને છે’, એ વિચારમાત્રથી ચૈતન્યદેવ સમાધિમાં સરી પડ્યા હતા એ તમે સાંભળ્યું છે ને? એક વેળા એક ગામડા પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને ખબર પડી કે, એ ગામના લોકો, ખોલ બનાવીને રોજી રળતા હતા. એ જાણી તરત જ એ બોલી ઊઠ્યા હતા: ‘આ માટીમાંથી ખોલ બને છે.’ એમ બોલતાંવેંત સમાધિમાં સરી પડ્યા હતા. કારણ એમને લાગ્યું કે આ માટીમાંથી જે ખોલ બને છે તે સંકીર્તન વખતે વપરાય છે અને, એ સંકીર્તનમાં પ્રભુના ગુણ ગવાતા હોય છે; એ પ્રભુ જ આપણો અંતરાત્મા છે અને સુંદરમાં સુંદર વસ્તુ છે. આમ એક વિચારમાળા એમને સ્ફૂરી અને એ તરત પ્રભુમય બની ગયા. એ રીતે, પોતાના ગુરુ પ્રત્યે માણસની સાચી ભક્તિ હોય તો, ગુરુના કોઈ કુટુંબીને નિહાળી એને ગુરુનું સ્મરણ થાય છે. એટલું જ નહીં ગુરુના ગામના લોકો એને મળે તો પણ, એના વિચાર ગુરુ ભણી જ વળે છે. એ લોકોને એ દંડવત્‌ પ્રણામ કરે છે, એમની ચરણરજ પોતાને શિરે ચડાવે છે, એમને પેટ ભરીને જમાડે છે અને, એમની સેવા સર્વ પ્રકારે કરે છે. એ તબક્કે, એને ગુરુમાં કશો દોષ દેખાતો નથી. ત્યારે જ એ કહી શકે: ‘ભલે મારા ગુરુ કલાલને ઘેર જાય, મારા ગુરુ નિત્યાનંદ રાય.’ ગુરુ મનુષ્ય હોઈ, એ કેવળ ગુણભંડાર ન હોઈ શકે અને સર્વથા દોષમુક્ત ન હોઈ શકે. પોતાની ભક્તિને લઈને, એ ગુરુને માત્ર મનુષ્ય તરીકે નહીં પણ, સાક્ષાત્‌ ઈશ્વર તરીકે જુએ છે. કમળો હોય તે પીળું દેખે તેના જેવું આ છે. ભક્તને એની ભક્તિ દ્વારા દર્શન થાય છે કે ઈશ્વર જ સઘળું છે; એ ગુરુ છે, એ માતા છે, એ પિતા છે, માનવી છે અને પશુ છે, સજીવ અને નિર્જીવ પદાર્થ પણ એ છે.

( ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પુસ્તકમાંથી )

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.