સ્વામી અખંડાનંદજીનું પહેલાંનું નામ હતું ગંગાધર ગંગોપાધ્યાય… ઈ.સ. ૧૮૬૮ની ૩૦મી સપ્ટેમ્બર, મહાલયા અમાસ, શુક્રવારે ભાવિ સંન્યાસી અખંડાનંદનો જન્મ થયો હતો. નિષ્ઠાવાન પરિવારમાં જન્મ થવાથી બાળક ગંગાધર બુદ્ધિ વિકાસની સાથે સાથે તપ, સાધનામાં એકાગ્ર બન્યો. અને ઉપનયન થયા બાદ પોતાના હાથે ભોજન પકાવવું, ગીતા-ઉપનિષદ વગેરે વાંચવા, અને પૂજા, ધ્યાન વગેરે નિયમિત રીતે કરવા લાગ્યો.

ઘણું કરીને ઈ.સ. ૧૮૭૭ના કોઈ એક શુભમુહૂર્તમાં તેમને બાળમિત્ર હરિનાથ (સ્વામી તુરીયાનંદ)ની સાથે બાગબજારના દીનાનાથ બસુ મહાશયના ઘરે શ્રીરામકૃષ્ણનાં પ્રથમ પુણ્ય દર્શન થયાં હતાં. એ પછી ઈ.સ. ૧૮૮૩ કે ૧૮૮૪ના ગરમીના દિવસોમાં એમણે દક્ષિણેશ્વર જઈને ઠાકુરનાં સંપૂર્ણ પ્રત્યક્ષ દર્શન કર્યાં. આ થોડાં વર્ષોમાં ગંગાધરનો ધર્મભાવ વધુ ગંભીર અને દૃઢ બન્યો હતો. એ સમયે તેઓ બ્રહ્મચર્યના બધા નિયમો પાળતા હતા.

થોડા દિવસો પછી ગંગાધર શનિવારે ઠાકુર પાસે બીજી વખત ગયા. ઠાકુરે તેમને પશ્ચિમ બાજુની ઓસરીમાં એક ચટાઈ બિછાવવાનું કહ્યું. તે પછી એક તકિયો લઈને તેઓ તેના ઉપર સૂઈ ગયા. એ પછી ગંગાધરને સુખાસન પર બેસીને ધ્યાન કરવા કહ્યું. આસનની બાબતમાં ઉપદેશ દેતાં તેમણે કહ્યું: ‘એકદમ સામે નમીને બેસવું ન જોઈએ અને એકદમ ટટ્ટાર પણ બેસવું ઉચિત નથી.’ સાથે સાથે એ પણ કહી રાખ્યું હતું: ‘તું પીરસેલું ભોજન જમતી વેળાએ કોઈ પણ રીતે કેમ ન ખાય પેટ ભરાઈ જશે.’ અંતમાં ગંગાધરની જીભ ઉપર લખીને તેમણે તેને દીક્ષા આપી અને સૂઈને ગંગાધરના ખોળામાં શ્રીચરણ રાખીને તેમને ચરણસેવા કરવાની આજ્ઞા આપી.

એક દિવસ ગંગાધર જ્યારે ધ્યાન કરીને પાછા આવ્યા ત્યારે ઠાકુરે તેમને પૂછ્યું: ‘ધ્યાન કરતાં કરતાં, પ્રાર્થના કરતાં કરતાં તારી આંખોમાં આંસુ આવી ગયાં હતાં કે?’ ગંગાધરે જવાબ આપ્યો: ‘આવ્યાં હતાં.’ ત્યારે ઠાકુરે પ્રસન્ન થઈને કહ્યું: ‘પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ, તે જાણે છે?’ અને પછી નાના બાળકની જેમ હાથ-પગ પટકીને આંસુ વહાવતાં તેઓ કહેવા લાગ્યા : ‘મા, મને જ્ઞાન આપો, ભક્તિ આપો, હું બીજું કંઈ પણ ઇચ્છતો નથી, મા! હું તો તમને છોડીને રહી શકતો જ નથી, મા!’ જાણે કોઈ નાનું બાળક રડી રહ્યું છે. ઠાકુરે ગંગાધરને બીજું પણ શીખવ્યું: ‘પશ્ચાત્તાપનાં આંસુ આંખોના ખૂણામાંથી (નાક તરફથી) નીકળે છે. અને પ્રેમાશ્રુ નેત્રોના છેવાડેથી (લમણા તરફથી) વહે છે.’

બીજા એક દિવસે તેઓ ઠાકુર પાસેથી શીખ્યા, ધન પ્રત્યેની આસક્તિનો ત્યાગ. એ દિવસે એક માણસે આવીને પૈસા માગતા ઠાકુરે ગંગાધરને ખૂણાના ગોખલામાં રાખેલા ચાર પૈસા લઈ આવવા અને તેને આપી દેવાની આજ્ઞા કરી. પૈસા દઈને ગંગાધર પાછા આવ્યા ત્યારે તેમણે તેમને ગંગાજળથી હાથ ધોવાનું કહ્યું. અને મા કાલિની છબિ પાસે લઈ જઈને તેમની પાસે હરિનામ લેવડાવીને અનેકવાર હાથ ઝટકાવ્યો.

એક વખત ઠાકુરે તેમને દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં લઈ જઈને કહ્યું: ‘આ જો ચૈતન્ય શિવ છે.’ ગંગાધરે અનુભવ્યું જાણે ચૈતન્યમય શિવ શ્વાસોચ્છ્‌વાસ લઈ રહ્યા છે. એ દિવસે તેમણે મૃણ્મયમાં ચિન્મયમાં દર્શન કર્યાં હતાં.

સ્વામી અખંડાનંદજીના મતાનુસાર ‘જામનગરમાં (એમની) સેવા વ્રતની સૂચના ઉદ્‌ભવી, રાજસ્થાનના ખેતડીમાં એની ક્રમશ: ઉન્નતિ થઈ તથા મુર્શિદાબાદમાં એની ફલશ્રુતિ અને વિસ્તાર થયાં.’ જામનગરના ઉદાર હૃદયી ઝંડુભટ્ટ વિઠ્ઠલજી પૈસા લીધા વગર અનેક દર્દીઓના ઘરે જતા. અને ગરીબોને અનેક રીતે મદદ કરતા. એમના મુખે મોટે ભાગે બે શ્લોક સાંભળવા મળતા એમનો અર્થ આ પ્રમાણે છે : ‘શું એવો કોઈ ઉપાય છે કે જેનાથી હું બધાં પ્રાણીઓના અંતરમાં પ્રવેશ કરીને હંમેશાં તેમના દુ:ખભારનો ભાગીદાર બની શકું? હું રાજ્ય, સ્વર્ગ કે મુક્તિ નથી ઇચ્છતો; હું ફક્ત દુ:ખ – તપ્ત પ્રાણીઓના દુ:ખનો નાશ ઇચ્છું છું.’ ભટ્ટજીનું જીવનદર્શન અને તેમની વાતચીત સાંભળીને અખંડાનંદજી સ્પષ્ટપણે સમજી ગયા કે ‘મનુષ્યોની સેવા કરવી અને એમની સાથે પ્રેમભાવ રાખવો એ જ સહુથી શ્રેષ્ઠ ધર્મ છે.’

(‘ભક્તમાલિકા’, પૃ. ૨૧-૩૨)

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.