સ્વામી પ્રભાનંદજીએ લખેલ અને રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રસિદ્ધ થયેલ હિન્દી ગ્રંથ ‘સ્વામી શારદાનંદ’માંથી આ ભાગ લીધો છે.

૭ ફેબ્રુઆરી ૧૮૯૯ના રોજ કલકત્તામાં શ્રી શ્રીમા શારદાદેવીને પ્રમાણ કરીને આ બંને સંન્યાસીઓ, સ્વામી સારદાનંદજી મહારાજ અને સ્વામી તુરીયાનંદજી મહારાજ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ પ્રચાર-પ્રસાર તેમજ રામકૃષ્ણ મઠ માટે ફંડ એકઠું કરવા ગુજરાતની યાત્રાએ નીકળ્યા. તેઓ જયપુર થઈને અમદાવાદ સુધીની રેલવે યાત્રા બીજા વર્ગમાં કરી હતી. ૧૫ ફેબ્રુઆરીની સાંજે તેઓ લીંબડી પહોંચ્યા. લીંબડીમાં ૪ માર્ચ સુધી રાજાના અતિથિના રૂપે રહ્યા. ૨૦મી ફેબ્રુઆરીએ ઠાકોર સાહેબશ્રી યશવંતસિંહજી સાથે તેમની મુલાકાત થઈ. લીંબડીના દીવાનજીના પ્રસ્તાવ મુજબ એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  પરંતુ આ સભામાં ઓછી સંખ્યામાં લોકો આવ્યા હતા એટલે ગ્રંથપાલ દુલીરાવની સૂચના પ્રમાણે ૨૬ ફેબ્રુઆરીના રોજ લીંબડીમાં એક જાહેર સભાનું આયોજન થયું. એ સભામાં સ્વામી સારદાનંદજીએ હિંદી ભાષામાં એક વ્યાખ્યાન આપ્યું હતું. હિંદી ભાષામાં આ એમનું પહેલું વ્યાખ્યાન હતું. ૧ માર્ચના રોજ દીવાનજીએ લીંબડીના મહારાજા તરફથી ૧૦૦૦ રૂપિયાની સહાયનું વચન આપ્યું. એવી જ રીતે જુનાગઢના નવાબ સાહેબના દીવાને પણ સ્વામીજીના કાર્યમાં સહાય કરવાનું વચન આપ્યું. ત્યાર બાદ બંને સંન્યાસી ૧૭ માર્ચના રોજ ગોંડલ આવ્યા. ત્યાર બાદ બંને મોરબી ગયા. મોરબીમાં તેમને ભગિની નિવેદિતાના ૬ એપ્રિલે લખેલા પત્ર દ્વારા પોતાના ગુરુબંધુ સ્વામી યોગાનંદજીના દુ:ખદ અવસાનના સમાચાર મળ્યા. મોરબીના ટાઉન હોલમાં સ્વામી સારદાનંદજીએ હિંદી ભાષામાં એક વ્યાખ્યાન આપ્યું. ૧૪ એપ્રિલના રોજ ભાવનગરની કોલેજમાં ‘વેદનું સારતત્ત્વ’ એ વિષય પર એમનું વ્યાખ્યાન યોજાયું હતું. ‘બ્રહ્મવાદિન’ પત્રિકામાં પ્રકાશિત થયેલ એક ભાવનગરવાસીના અહેવાલ પ્રમાણે સ્વામી સારદાનંદજીના આ વ્યાખ્યાને બધા લોકોને પ્રભાવિત કર્યા હતા. ૧૭મી એપ્રિલના રોજ સ્વામીજીનો સંદેશ મળતા તેઓ કલકત્તા જવા રવાના થયા. અઢી મહિનાના આ પ્રવાસ દરમિયાન સ્વામીજીના કાર્ય માટે આર્થિક સહાય તો મળી પણ સાથે ને સાથે બંને સંન્યાસીઓ રાજસ્થાન અને ગુજરાતના કેટલાય ગણ્યમાન્ય લોકોને મળ્યા. એમની સાથે સ્વામીજીએ કલ્પેલી દેશોદ્ધારની પરિકલ્પનાની ચર્ચા પણ કરી હતી.

Total Views: 108

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.