* જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, સર્વશક્તિમાન ઈશ્વર આટલો મહાન અને સમર્થ હોવા છતાં, શ્રદ્ધાપૂર્ણ હૃદયની નમ્ર ભેટને આનંદથી સ્વીકારે છે.

* ઈશ્વરને મેં પ્રાપ્ત કર્યો તેથી મને સંતોષ છે. મને સંસ્કૃત ન આવડે તેથી શું? જ્ઞાની હોય કે અજ્ઞાની, બધાં પોતાનાં સંતાનો એને માટે વ્યાકુળ હોય તો, એ સૌ પર પોતાની કૃપા વરસાવે છે. ધારો કે એક બાપને પાંચ બાળકો છે. કેટલાક એને ‘બાપુ’ કહી બોલાવી શકે તો, કેટલાક ‘બા’ કે ‘પા’ જ બોલી શકે. પણ પિતા શું પહેલા છોકરાને બીજા છોકરા કરતાં ઓછા ચાહે છે? એ જાણે છે કે એમ બોલતાં બાળકો નાનાં શિશુઓ છે એટલે પૂરું બોલી શકતાં નથી. પિતા સૌને સમાન રીતે જ સ્નેહ કરે છે.

* ધૂળ-કાદવથી ખરડાવું એ બાળકનો સ્વભાવ છે પણ, માતા એને સદા ગંદુ રહેવા દેવા નથી માગતી. એ એને વારંવાર સાફ કરે છે. એ રીતે પાપ કરવાનો માનવસ્વભાવ છે. પણ માનવી પાપ કરવાનો જ છે તો, એ પણ એટલું જ ચોક્કસ છે કે, એના મોક્ષને માટે ઈશ્વર માર્ગો કાઢે છે.

* વિશ્વેશ્વર એક જ હોવા છતાં, પોતાના ભક્તોની રુચિ અનુસાર જુદે જુદે રૂપે પ્રગટ થાય છે અને, એમાંના દરેકને ઈશ્વર સંબંધી પોતાનો મત હોય છે અને, એ મતને એ સૌથી મૂલ્યવાન માને છે. કોઈકનો એ દયાળુ શેઠ છે તો કોઈકનો એ પ્રેમાળ પિતા છે, કોઈકની એ મધુર સ્મિત વેરતી માતા છે કે, સંનિષ્ઠ મિત્ર છે. તો બીજાઓને માટે એ પ્રિય પતિ છે કે આજ્ઞાંકિત પુત્ર છે.

* માછલીઓ ભલે દૂર હોય પણ, મીઠી વસ્તુ, આકર્ષક ગલ પાણીમાં નાખવામાં આવે તેવી જ એ ચારે બાજુથી દોડી આવે છે. એ જ રીતે જે ભક્તનું હૃદય શ્રદ્ધાભક્તિથી ભરપૂર હોય છે તેની પાસે ઈશ્વર તરત આવે છે.

* ઈશ્વરકોટિ જીવો જાણે કે ઈશ્વરના નિકટના સ્વજનો છે. એ લોકો ઈશ્વરના મિત્રો, સખાઓ અને કુટુંબીઓ જેવા છે. બધાં સામાન્ય માણસો બહિરંગ છે. એ બધા ઈશ્વરના સર્જેલા જીવો છે.

* ગમે ત્યાં પડતો સૂર્યપ્રકાશ એક જ છે; પણ પાણી, અરીસો કે ચકચકિત ધાતુની સ્વચ્છ સપાટી પર એ પડે તો એનું પૂરું પ્રતિબિંબ પડે છે. ઈશ્વરી પ્રકાશનું પણ તેવું જ છે. એ સમાન અને નિષ્પક્ષ રીતે બધાં હૃદયો પર પડે છે. પરંતુ માત્ર પવિત્ર સાધુઓનાં વિશુદ્ધ અને પવિત્ર હૃદયો જ એ જ્યોતને સારી રીતે પ્રતિબિંબિત કરી શકે.

* દીપકનો સ્વભાવ છે પ્રકાશ આપવાનો. એ પ્રકાશની સહાયથી કોઈ પોતાનું ખાવાનું રાંધે, કોઈ ખોટા દસ્તાવેજ તૈયાર કરે, કોઈ ધર્મગ્રંથો વાંચે. એ રીતે ઈશ્વરના નામની સહાયથી કોઈ મુક્તિ મેળવવા કોશિશ કરે, તો કોઈ એની સહાયથી પોતાની દુષ્ટ વૃત્તિઓ સંતોષવા પ્રયત્ન કરે. પણ એના પાવનકારી ‘નામ’ની શુચિતા એથી કલંકિત થતી નથી.

* ભગવાન, ભાગવત અને ભક્ત એક જ છે.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ માંથી , પૃ. ૧૧૫ – ૧૭)

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.