* સાચો ભક્ત ઈશ્વરને કઈ દૃષ્ટિથી જુએ છે? વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણમાં જગન્નાથને નહીં પણ ગોપીનાથને જ જોતી હતી તેમ, સાચો ભક્ત ભગવાનને નિકટતમ અને પ્રિયતમ તરીકે જુએ છે.

* ઈશ્વરને ‘મા’ કહીને બોલાવતાં ઈશ્વરભક્ત કેવો આનંદમગ્ન થાય છે! કારણ, બીજા કોઈ સાથે હોય એના કરતાં બાળક મા સાથે વધારે છૂટથી હળેમળે છે. એટલે, બીજા કોઈના કરતાં મા એને વધારે વહાલી લાગે છે.

* ખૂબ તાવથી પીડાતો ને તરસ્યો માણસ માને છે કે પોતે દરિયા જેટલું પાણી પી શકે, પણ તાવ ઊતરે અને એનું તાપમાન બરાબર થાય ત્યારે, એ માંડ એક પ્યાલો પાણી પી શકે અને એની તરસ તો ઓછા પાણીથી જ છીપે. એ રીતે માયાના વિકારમાં સપડાયેલો અને પોતાની લઘુતાને વીસરી ગયેલો માણસ માને છે કે, પોતાના હૃદયમાં એ અનંત પરમાત્માને સમાવી શકશે. પરંતુ, એનો ભ્રમ ભાંગે છે ત્યારે, દિવ્ય જ્યોતિનું એક કિરણ ઈશ્વરના શાશ્વત આનંદથી એને ભરી દે છે.

* કેટલાકને શરાબની એક નાનકડી પ્યાલીથી નશો ચડી જાય છે. ત્યારે બીજાઓને નશા માટે બે ત્રણ બાટલી પીવો પડે છે. પણ નશાની મજા તો બંનેને સરખી જ આવે છે. એ રીતે કેટલાક ભક્તો ઈશ્વરની પ્રભાના એક કિરણથી તો બીજા કેટલાક ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શનથી સચ્ચિદાનંદ અનુભવે છે.

* ઈશ્વર સાકરના ડુંગર જેવો છે. એક નાની કીડી એમાંથી એક નાનો કણ લઈ જાય છે અને, એક મોટી કીડી મોટો કણ લઈ જાય છે. આમ છતાં એ ડુંગર લગભગ એવડો જ રહે છે. ઈશ્વરના ભક્તોનું પણ તેવું જ છે. ઈશ્વરની એકવૃત્તિના એક અંશથી ભક્તો ભાવમય થઈ જાય છે. એની બધી મહત્તા અને શક્તિઓને પોતાનામાં કોઈ સમાવી શકે નહીં.

* બ્રહ્મસમુદ્ર પરથી વાતો પવન જે જે હૃદય પર વાય છે તે દરેકને અસર કરે છે. સનક, સનાતન સમા પ્રાચીન ઋષિઓ એનાથી એકદમ કોમળ બની ગયા હતા. ઈશ્વરપ્રેમથી મસ્ત નારદ એ દિવ્ય સાગરની દૂરથી ઝાંખી પામ્યા હતા. અને એથી જાતને ભૂલી જઈ, પાગલ માનવીની માફક એ જગત પર ભટક્યા કરે છે અને, હરિગુણ ગાતા ફરે છે. જન્મજાત ત્યાગી શુકદેવે એ સાગરના જળને માત્ર ત્રણ વાર સ્પર્શ કર્યો હતો ત્યારથી,નિજાનંદમાં મસ્ત બાળકની જેમ એ આળોટતા જ રહ્યા. અને મહાન જગદ્‌ગુરુ મહાદેવે ત્રણ ખોબા જળ પીધું હતું ને ત્યારથી, દિવ્ય આનંદથી મસ્ત થઈ, શબવત્‌ સ્થિર પડ્યા છે. એ સમુદ્રનું ઊંડાણ કે, એની ગહન શક્તિ કોણ માપી શકે?

* એક વાર કેશવચંદ્ર સેનને ઠાકુરે કહ્યું: બ્રાહ્મસમાજના સભ્યો ઈશ્વરની કૃતિઓની મહત્તા ઉપર આટલો ભાર શા માટે દે છે ને કહે છે કે, ‘હે પ્રભુ! તેં સૂર્ય, ચંદ્ર, તારાઓ બધું બનાવ્યું છે! બાગનું લાવણ્ય, એનાં ભપકાદાર ફૂલો અને મધુર સૌરભોથી ઘણા લોકો અંજાઈ જાય છે. પણ બાગના માલિકને મળવા કોઈ કોશિશ કરતું નથી! બાગ અને માલિક, બેમાં કોણ મોટું? આપણી વચ્ચે મૃત્યુ છે ત્યાં સુધી, બાગ મિથ્યા છે; પણ બગીચાનો માલિક જ એક માત્ર સત્ય છે.

‘પીઠામાંથી થોડી પ્યાલી પીધા પછી, કલાલ પાસે પીપમાં કેટલો દારુ છે એ જાણવાની કોને દરકાર છે? નશા માટે એક બાટલી બસ છે.’

‘નરેન્દ્રને જોતાં વેંત મને આનંદ સમાધિ ચડે છે.’ ‘તારો બાપ કોણ છે?’ કે ‘તારે પોતાનાં ઘર કેટલાં છે?’ આવું મેં કદી એને પૂછ્યું નથી.

લોકો પોતાની માલિકીની વસ્તુઓનું ખૂબ મૂલ્ય આંકે છે; એમને પૈસાનું, ઘરનું, રાચરચીલાનું મૂલ્ય છે; એટલે લોકો માને છે કે, સૂર્ય, ચંદ્ર, તારા જેવી પોતાની કૃતિઓ પ્રત્યે ઈશ્વર પણ એમ જ જોતા હશે! આમ, ‘ઈશ્વરની કૃતિઓનાં ગુણગાન ગાશું તો, ઈશ્વર ખુશ થશે,’ એમ લોકો માને છે.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી ૧૧૭ – ૧૮)

Total Views: 122

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.