રામકૃષ્ણ મઠ, પૂન્નમપેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદ કૃત ‘Learn to Live’ એ પુસ્તકના કેટલાક ગુજરાતી અંશો આપણે અગાઉના અંકોમાં જોઈ ગયા છીએ. આ પુસ્તકની ભૂમિકાનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અહીં યુવા વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

જીવન જીવવા માટે કેટલાક આદર્શો હોવા જરૂરી છે. પરંતુ આજની શિક્ષણપ્રણાલી એ આદર્શોના વિકાસ પર ધ્યાન દેતી નથી. આત્મવિશ્વાસ અને ઉત્સાહ જગાડનારા એ આદર્શો પ્રત્યે આપણા યુવાનોની રુચિ કેવી રીતે વધારી શકાય એ બાબત પર મેં ઘણો વિચાર કર્યો છે. મને શાળા મહાશાળાઓનાં યુવા વિદ્યાર્થી ભાઈબહેનોને સંબોધન કરવાના અનેક અવસર મળ્યા છે. અને એ યુવાનોને કેવળ સિદ્ધાંતોનો ઉપદેશ આપવાને બદલે દૃષ્ટાંત દ્વારા સહજ રીતે પણ મહત્ત્વપૂર્ણ સત્યોને એમને ગળે ઉતારી શકાય છે, મને એ અનુભવ થયો છે. આજનું શિક્ષણ તથ્યોના સંગ્રહ પર ભાર દે છે, પરંતુ યુવાનોના ચારિત્ર્યઘડતરમાં નિષ્ફળ નીવડ્યું છે. એને લીધે આપણા યુવાનોને આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રબળ, સાહસિક, નિર્ભય અને પ્રામાણિક બનાવે તેવાં સાધનોથી તેઓ વંચિત રહ્યા છે. અધ્યયન દ્વારા તીક્ષ્ણ બુદ્ધિ તો વિકસે છે. તો શું આપણા મનના સંયમ તથા હૃદયના વિકાસ માટે પણ એવું જ પ્રશિક્ષણ હોવું ન જોઈએ? આપણા બુદ્ધિજીવીઓ હજુ સુધી ચારિત્ર્યઘડતર વિશેની કોઈ રચનાત્મક યોજના આપી શક્યા નથી. કહેવત છે : ‘હજારો સલાહ કરતાં એક સત્કર્મ સારું’. સફળ માનવોના લાભકારી અનુભવ, ઘટનાઓ વધુ રોચક અને મહત્ત્વપૂર્ણ હોવાની સાથે ચારિત્ર્યઘડતરમાં પણ સહાયરૂપ બને છે. પશ્ચિમના દેશોમાં સાચી ઘટનાઓ તથા વાસ્તવિક અનુભવો પર આધારિત અનેક પુસ્તકપ્રકાશનો થયાં છે, આ પ્રકાશનો આપણા યુવકોને પ્રેરણા અને માર્ગદર્શન આપી શકે તેમ છે.

એવા લોકોનો પણ તોટો નથી કે જેઓ નિર્બળ તથા આત્મવિશ્વાસવિહોણા યુવકોને નિંદા, દોષારોપણ તથા ધાકધમકી દ્વારા સુધારવાનો પ્રયત્ન કરે છે. એક બુદ્ધિમાન માનવ હોવા છતાં પણ એ બધાને આટલી સમજણ આવતી નથી કે એક નવયુવાનના સ્વાભિમાનને હણીને તેઓ તેના જીવનનો દાડોવાટો વાળી દે છે. આ બધા લોકોએ આ સમસ્યાને ઉકેલવા માટે હજુ સુધી કોઈ સાચો પ્રામાણિક પ્રયાસ નથી કર્યો. આમ તો દુર્માર્ગે ચાલનારને ધમકાવવાની, એને દંડ સજા કરવાની જરૂર છે. પણ, એને જ બધી સમસ્યાઓનો એક માત્ર રામબાણ ઈલાજ માની ન શકાય. યુવાનોની ઉગ્રતા સાથેની નિંદા અને એમના પર ચલાવેલાં વાગ્બાણ કે એમને સાવ નકામા સાબિત કરવાને બદલે એમને માટે જે આવશ્યક અને ઉપયોગી વસ્તુ છે એવાં ઉચિત વિચાર, પ્રેરણાદાયી દૃષ્ટાંત અને સાચું માર્ગદર્શન આપવાં જોઈએ. આપણા યુવાનોને મૂંઝવતી એ બધી સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયાસ એ જ આ આપણો હેતુ હોવો જોઈએ.

જો યુવાન રાષ્ટ્રની સંપત્તિ હોય તો જેનાથી અન્ય રાષ્ટ્રોની વચ્ચે પોતાનું માથું ઊંચું રહી શકે એવા રાષ્ટ્રનિર્માતાઓ પણ છે ખરા? જે શિક્ષણ એમને આપવામાં આવ્યું છે તેની મદદથી શું તેઓ પોતાનું અને પોતાના દેશનું રક્ષણ કરવા સમર્થ છે ખરા? જેમના પરિશ્રમથી એ યુવાનોને શિક્ષણ, વ્યવસાય તથા અન્ય સુખસુવિધાઓ મેળવવાનો અવસર મળ્યો છે, એ બધા સદીઓથી દલિત અને શોષિત એવા કરોડો નિર્ધન લોકો વિશે એમના મનમાં થોડીઘણી પણ ચિંતા, થોડો સદ્‌ભાવ અને થોડી સહાનુભૂતિ છે ખરાં? અરે, ઓછામાં ઓછું એ બધા યુવાનોને પોતપોતાના ક્ષેત્રમાં કંઈ કરી દેખાડવાની તીવ્ર ઇચ્છા છે ખરી? શું શિક્ષણ દ્વારા એમનામાં પ્રામાણિકતા અને જવાબદારીના ગુણ વિકસ્યા છે ખરા? જે શરીરે નિર્બળ અને આરામ તથા વૈભવવિલાસના દાસ છે, જે આળસુ અને પરોપજીવી છે, જે વાસ્તવિક રીતે રાષ્ટ્રનું લોહી ચૂસી રહ્યા છે, એવા યુવકો પાસેથી રાષ્ટ્ર કઈ અપેક્ષા રાખી શકે? આપણા આ યુવાનોમાં પરિશ્રમ પ્રત્યે સહજસરળ સ્વાભાવિક પ્રેમ કેમ ન જન્મ્યો? મજબૂરીની લીધે, જેમ તેમ કરીને કે મન લગાડ્યા વિના કામ કરવામાં શું વખાણવા જેવું છે કે એનાથી શી ભલીવાર થવાની? સ્વાર્થની તીવ્ર પ્રવાહધારામાં વહીને પતનની ઊંડી ખીણમાં ધસી રહેલા યુવાનોને રોકવા માટે સક્ષમ એવાં શું કોઈ સિદ્ધાંત કે સમાધાન નથી?

યુવક જ રાષ્ટ્રનો ઉત્સાહ છે, રાષ્ટ્રની ઊર્જા છે અને રાષ્ટ્રની આશાનું પ્રતીક છે. જો આપણે એમની આ અદમ્યશક્તિને ઉચિત અને ઉપયોગી દિશામાં કામે ન લગાડી શકીએ તો આપણી બધી રાષ્ટ્રિય યોજનાઓ વ્યર્થ જવાની. દેશની જનતાના ધન અને કઠિન પરિશ્રમને પરિણામે શિક્ષણ પામેલા યુવાનોનાં મન આજે કઈ દિશાઓમાં આગળ ધપી રહ્યાં છે? શું એમના મનમાં પરિશ્રમ પ્રત્યે સન્માનની ભાવના છે? છોકરા છોકરીઓને ભણાવીગણાવીને, પરીક્ષાઓમાં પાસ કરાવીને કામધંધામાં લગાડી દેવાના કે ધનોપાર્જન કરવાના કાર્યમાં જ શિક્ષકો અને માતપિતા પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની લે છે. સંતાનો ઉત્તમ ગુણો અર્જિત કરીને તેઓ સારા ઉદારચરિત માનવ બની રહે કે નહિ એની તો કોઈનેય ચિંતા નથી.

રશિયાના શિક્ષણશાસ્ત્રી સુખોમ્લિસ્કી કહે છે: ‘શ્રદ્ધા અને આત્મવિશ્વાસનો અભાવ તેમજ આત્મસંશય દ્વારા અકર્મણ્યતા અને આળસ જન્મે છે, અને એ વ્યક્તિને વિનાશના માર્ગ પર લઈ જાય છે.’ તેઓ આગળ કહે છે : ‘કર્તવ્યપ્રેમ એક એવો નૈતિક ગુણ છે જે સમુદાયમાં જ ફળે છે. કાર્ય પ્રત્યે સમુદાયનું જેટલું વધારે સન્માન થશે એટલા પ્રમાણમાં વિદ્યાર્થીના ઘડતરમાં પણ તેનો પ્રભાવ પડશે.’ એક કહેવત છે કે, ‘માણસને સિંહ બનાવવામાં ન આવે તો તે શિયાળ બનશે.’ આજની પરિસ્થિતિમાં આ જ સાચું છે. સુખોમ્લિસ્કીએ તો આ વાત શાળાના વિદ્યાર્થીઓના સંદર્ભમાં કહી હતી. પરંતુ ભારતમાં તો આ દોષ કિશોરવયનાં બાલકબાલિકાઓમાં તથા યુવાનોમાં પણ છે. એનું કારણ એ છે કે આપણો દેશ ઘણા દીર્ઘકાળ સુધી સંસ્થાનવાદી સત્તાને અધીન ગુલામીમાં રહ્યો છે. બીજું કારણ એ છે કે સમાજના ઉચ્ચવર્ગના લોકો તથા બુદ્ધિજીવીઓએ પછાત અને દલિત વર્ગોના ઉત્થાન માટે સાચુકલા હૃદયથી પ્રયાસ નથી કર્યા. દૂરંદેશી વિનાના આપણા નેતાઓ ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું’ એ કહેવતને ચરિતાર્થ કરતા હોય તેમ માત્ર તાત્કાલિક સમસ્યાઓના ઉકેલ શોધવામાં જ લાગ્યા રહે છે.

યુવાનોને પોતાના આત્મવિશ્વાસની પુન: સ્થાપના માટે માર્ગ બતાવવો એ તેમની સમસ્યાઓનો હલ છે. એના દ્વારા કેવળ વ્યક્તિ જ નહિ પરંતુ સમાજ પણ ઉપલબ્ધિઓની ઊંચાઈઓને આંબી શકે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની અપાર ક્ષમતા પ્રત્યે સજગ બનીને એમ જાણી લે છે કે તે પોતે જ પોતાના ભવિષ્યનો નિર્માતા છે ત્યારે જેવી રીતે ધરતી પર પડેલો માનવી ઊઠીને ધરતીની જ સહાય લે છે એવી જ રીતે  જીવનમાં ઉન્નત થવાનો તે પ્રયાસ કરે છે . હવે પછી વ્યક્તિત્વ વિકાસના વિભાગમાં આવનારાં ઉદાહરણો તથા વિચાર ઠીકઠીક પ્રમાણમાં આપણા યુવાનો તથા વરિષ્ઠ લોકો તેમજ સમાજમાં પણ આવશ્યક પરિવર્તન લાવવામાં સહાયક નીવડશે.

આપણા સ્વાધીનતા આંદોલનના અનેક નેતાઓનો આ દૃઢ વિશ્વાસ હતો કે ભારત પાસે સમગ્ર જગત માટે એક આધ્યાત્મિક સંદેશ છે. ગાંધીજીએ આ સંદેશને પોતાના જીવનમાં અપનાવ્યો અને સ્વદેશવાસીઓને રાષ્ટ્રહિત માટે નિષ્કામ સેવાની પ્રેરણા આપી. સ્વાતંત્ર્ય સંગ્રામ, ધર્મ તથા સંસ્કૃતિનાં સંરક્ષણ તેમજ તેમનાં સુખકલ્યાણ નિશ્ચિત કરવાની ઉદાત્ત ભાવનાથી શરૂ થયો હતો. આ આંદોલનના પ્રારંભિક દિવસોમાં જ સ્વામી વિવેકાનંદે લોકોને આહ્‌વાન કરતાં કહ્યું કે તેઓ પોતાના મહાન ઋષિઓ દ્વારા પ્રદત્ત સાર્વભૌમિક તથા શાશ્વત સત્યો પર આધારિત સાચા ધાર્મિક આદર્શો અપનાવે; એમાં જ બધા ધર્મોનું સન્માન સમાયેલું છે. જીવનનું સાચું દર્શન પ્રત્યેક માનવમાં રહેલ દિવ્યતા, બ્રહ્માંડની અખંડતા, બધા ધર્મોની મૂળ એકતા, તથા માનવરૂપી ઈશ્વરની સેવાના સાર્વભૌમિક સિદ્ધાંતો પર આધારિત છે. વસ્તુત: જીવન તથા અસ્તિત્વ વિષયક મૂળ પ્રશ્નોનો આ જ જવાબ છે. અત: આ સત્યો પ્રત્યેક સ્થાન અને કાળ માટે પ્રયોજ્ય છે. સ્વામી વિવેકાનંદે બતાવ્યું હતું: ‘ક્યારેક તો આ મહાન વિચારોનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં ફેલાશે.’ આ શતાબ્દિના મધ્યમાં સુવિખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોય્‌મ્બીએ ભવિષ્યવાણી ભાખતાં કહ્યું હતું : ‘ભારત પોતાના વિજેતાઓ પર વિજય મેળવશે. પરંતુ આ વિજય રાજનૈતિક સ્વરૂપનો નહિ હોય પણ સાંસ્કૃતિક સ્વરૂપનો હશે.’ સ્વામી વિવેકાનંદે આવો જ સંકેત આપ્યો હતો. જો આપણે આધુનિક આવિષ્કારોના પ્રકાશમાં આ વિચારોની પરીક્ષા કરીને તેનું સત્યાપન કરી શકીએ તો આ આપણા જ્ઞાનમાં એક નવો આયામ જોડશે. એની સાથે જ આપણે ચારિત્ર્ય ઘડતરનાં મૂળ તત્ત્વો પણ પ્રાપ્ત કરીશું; કારણ કે માનવના સાચાં સ્વરૂપના આલોકમાં શિક્ષણની વાસ્તવિક સમસ્યાનું સમાધાન થશે.

દેશમાં અનેક લોકો પાસે રહેવા માટે ઘર પણ નથી. એમનું જીવન સુખી અને સુરક્ષિત બનાવવું જોઈએ. શતાબ્દિઓની ગુલામીના ફળ સ્વરૂપે એમણે ગુમાવેલું પોતાનું મૂળ વ્યક્તિત્વ એમને પાછું અપાવવું પડશે. આ વિશે શિક્ષિત લોકોએ એક મોટી ભૂમિકા નિભાવવી પડશે. અને એમાં યુવકોનું યોગદાન પણ ઘણું મહત્ત્વનું હશે. માત્ર ભૌતિક સહાય જ વિશ્વની વ્યાધિઓનો ઉપચાર નથી. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘ભલે આપણે દેશના પ્રત્યેક ઘરને સદાવ્રતમાં પરિવર્તિત કરી નાખીએ, આખા દેશને ઇસ્પિતાલોથી ભરી દઈએ, પરંતુ જ્યાં સુધી માનવનું ચારિત્ર્ય નથી બદલતું ત્યાં સુધી દુ:ખક્લેશ રહેશે અને રહેશે જ.’ એટલે માત્ર ઘરોનાં ભીંતડાં ઊભાં કરીને નહિ પરંતુ લોકોના મનનું ઊર્ધ્વીકરણ કરીને જ આપણે માનવજાતિની સર્વોચ્ચ સેવા કરી શકીશું. આ દિશામાં ચાલવા માટે ‘વ્યક્તિત્વ વિકાસ’ના આ વિભાગ દ્વારા યુવાનોને પ્રેરણા આપવા અમે એક લઘુરચનાત્મક પ્રયાસ કરીશું.

Total Views: 98

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.