અમેરિકાના એડવર્ડ જોસેફ ફ્‌લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર ઝીલી લીધો. એમણે સ્થાપેલ ‘બાલનગર’માં બધી જાતિઓના તથા બધા સંપ્રદાયોના અનાથ બાળકો રહેતાં. પથભ્રષ્ટ અપરાધી બાળકોનું ભલા અને સદાચારી નાગરિકોમાં રૂપાંતર કરવામાં તેઓ જે અથાક પ્રયાસ કરતા તથા ધૈર્ય રાખતા તે ખરેખર અનુપમ હતાં. પોલિસ દ્વારા પકડાયેલા બગડેલા યુવાનોને તેઓ પોતાના ‘બાલનગર’માં લાવતા. એ બધા અપરાધીકાર્યોમાં દોષી સાબિત થયા હોવા છતાં પણ ફાધર ફલેનગનને એવો વિશ્વાસ હતો કે પ્રત્યેક માનવ મૂલત: ભલો હોય છે, અને તેઓ પોતાની આ ધારણા પ્રમાણે એ બધાની સાથે આચરણ-વ્યવહાર કરતા. એમની જીવનગાડી ફરીથી સાચા રસ્તા પર ચાલવા માંડે એટલે એમણે આવા લોકો પર વિશ્વાસ રાખ્યો, તેમના પર પ્રેમની અમીવૃષ્ટિ કરી, એ બધાએ આપેલ દુ:ખકષ્ટો તથા એમણે મચાવેલા ઉત્પાતોને સહન કર્યા અને એમના કલ્યાણ માટે પ્રાર્થના તથા એમના ઉત્થાન માટે પરિશ્રમ પણ કર્યો. આ રીતે ફ્‌લેનગન બધાના પ્રિય બન્યા અને પ્રેમસહનશીલતા તથા સેવાભાવનું જીવંત ઉદાહરણ બની ગયા.

ફ્‌લેનગન દૃઢપણે માનતા હતા કે બાળકોને ઝડકી-ધમકી, ગાળ કે સજા દ્વારા નહિ પરંતુ એમની સમક્ષ એક અનુકરણીય આદર્શચરિત્ર પ્રદર્શિત કરવાથી જ એમનું દિલ જીતીને એમને સુધારી શકાય છે. ‘બાલનગરના ફાધર ફ્‌લેનગન’ નામના પુસ્તકમાં વર્ણવેલ અહીં આપેલ આ ઘટના પરથી એમને કેવી રીતે એક અત્યંત હિંસક અને ક્રૂર યુવાનને સુધારવામાં સફળતા મળી એનો આપણને ખ્યાલ આવે છે :

પોતાનાં માતપિતાના મૃત્યુ પછી એડ્ડી ચાર વર્ષની વયે જ અનાથ બની ગયો. આઠ વર્ષની ઉંમરમાં જ તેણે એક અપરાધ કરતા સમૂહના નેતા બનવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી. એક વિચિત્ર વાત તો એ હતી કે એમના જૂથના મોટા ભાગના અપરાધીઓ ઉંમરમાં તેનાથી મોટા હતા. એટલું જ નહિ પરંતુ યુવાનોએ પણ આ બાળકને પોતાનો નેતા માની લીધો હતો. એડ્ડીએ હત્યાઓ કરી હતી. પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે તેણે એકલે હાથે એક બેંકને લૂંટી હતી અને તેના હજારો ડોલર લઈને નાસી ગયો હતો. એક ચોરેલી પિસ્તોલની મદદથી તેણે કેટલીય હોટેલોને લૂંટી હતી. આવા જ એક પ્રસંગે જ્યારે તે એક વૃદ્ધસ્ત્રીની હત્યા કરવા માટે તેના પર ગોળી છોડવા જતો હતો ત્યારે સુરક્ષાગાર્ડોએ તેને પકડી લીધો.

જ્યારે તે ‘બાલનગર’ પહોંચ્યો ત્યારે તેના મનમાં પોલિસનો જરાય ભય ન હતો. સમજી વિચારીને તે બદમાશી કરતો, ધાકધમકી આપતો, સામે આવેલી કોઈપણ વસ્તુને લૂંટીલપેટી લેતો અને પોતાના સમવયસ્ક બીજા છોકરાઓ પ્રત્યે અયોગ્ય અને તોછડી ભાષા વાપરતો. એટલે સુધી કે બધા દ્વારા સન્માન્ય ગણાયેલા ફ્‌લેનગનનો ઉલ્લેખ કરતી વખતે પણ અપશબ્દોનો ઉપયોગ કરતો. દરેક વસ્તુને તે ઘૃણાની દૃષ્ટિએ જોતો સ્કૂલના રમતગમત કે વાદ્યવૃંદમાં ભાગ લેવો કે ખેતીકામ કરવું આ બધું એને ખૂબ અકળાવી દેનારું લાગતું હતું. સામુહિક પ્રાર્થનાના સમયે પણ તે બિલ્લીના અવાજો કાઢતો. કલાકોના પરિશ્રમ પછી બીજા છોકરાઓએ પૂર્ણ કરેલા કામને તે પળવારમાં જ બરબાદ કરી નાખતો. ‘બાલનગર’માં એમના આવ્યાના છ મહિના સુધી એના ચહેરા પર હાસ્યની એક પણ ઝલક કે આંખોમાં આંસુંનું એક ટીપુંયે દેખાયાં નહિ. લોકોને લાગતું હતું કે તે ‘નખશિખ’ વિષથી જ ભરેલો છે. છાત્રાવાસના પ્રબંધકથી આ બધું સહન ન થતાં તેણે ફ્‌લેનગનને એક પત્ર લખ્યો :

‘પ્રિય ફાધર ફ્‌લેનગન,

મેં સાંભળ્યું છે કે તમારા મતાનુસાર આ દુનિયામાં કોઈ માણસ ખરાબ નથી. આ એડ્ડી નામના છોકરાને વિશે તમારે શું કહેવાનું છે, એ વિશે તમે મને કંઈ કહેશો?’

એક રાત સૂતી વખતે એડ્ડી ઊંહકારા નાખતો હતો. એના ચહેરા તરફ જોતા ફ્‌લેનગન સમજી ગયા કે એને ઘણો તાવ ચડ્યો છે. જો કે તેઓ એડ્ડીના અદમ્ય ઉપદ્રવોથી ઘણાં દુ:ખકષ્ટ ભોગવી ચૂક્યા હતા છતાં પણ ફ્‌લેનગને એ બધું ભૂલી જઈને અત્યંત સ્નેહપ્રેમ સાથે તેમણે એની સેવા કરી. બિમારીમાંથી સાજા થયા પછી પણ ફ્‌લેનગનના શિક્ષક સાથી તથા સહપાઠીઓએ તેના પ્રત્યે વિશેષ સ્નેહ તથા સદ્‌ભાવ રાખ્યો. મોટા વિદ્યાર્થીઓ તેના મનોરંજન માટે તેને સિનેમા દેખાડવા લઈ જતા. ભોજન સમયે એનું વિશેષ ધ્યાન રખાતું. એને કોઈ પણ વસ્તુનો અભાવ વર્તાવવા ન દેતા. પરંતુ આ બધું કરવા છતાંય એડ્ડીના ચહેરા પર હાસ્યનું એક ચિહ્‌ન જોવા ન મળ્યું.

એક દિવસ એડ્ડીએ સીધા ફ્‌લેનગનના કાર્યાલયમાં જઈને કહ્યું : ‘શું આપ મને એક સારો છોકરો બનાવવા ઇચ્છો છો એમ ને? શું તમને લાગે છે કે તમને આ કાર્યમાં સફળતા મળશે? થોડા વખત પહેલાં જ હું મેટ્રનને પાટુ મારીને અહીં આવું છું. આ વિશે આપનું શું કહેવાનું છે?’ ફ્‌લેનગને આ સાંભળીને દૃઢતાપૂર્વક જવાબ આપ્યો : ‘મને હજી પણ વિશ્વાસ છે કે તમે સાચે જ એક સારા તરુણ છો.’ 

‘હમણાં જ મેં આપને શું કહ્યું? એ બધું હોવા છતાં પણ તમે એ જ ખોટી વાત દોહરાવો છો. તમે જાણો છો કે હું સારો નથી તો પણ તમે એમ કહ્યે જ રાખો છો કે તમે સાચે જ એક સારા તરુણ છો! વારંવાર એક ને એક અસત્ય બોલીને તમે તમારી જાતને એક પાકા મિથ્યાવાદી તો પ્રમાણિત નથી કરી રહ્યા ને?’

ફ્‌લેનગને ક્ષણવાર વિચાર્યું. એમને લાગ્યું કે આ છોકરો જીવનના એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવી પહોંચ્યો છે. તેમણે એડ્ડીને પૂછ્યું: ‘ભાઈ, એક સારા છોકરાની ઓળખાણ શી એ વાત તો બતાવો? તે પોતાનાથી મોટેરાનું કહ્યું માને છે, એ જ ને?’ એડ્ડીએ હકારમાં પોતાનું માથું હલાવ્યું. ફ્‌લેનગને ફરીથી પૂછ્યું: ‘પોતાના શિક્ષકોનું કહ્યું તે માને છે, ખરું ને?’ એડ્ડી બોલી ઊઠ્યો: ‘હા, એમ જ.’

ફ્‌લેનગને કહ્યું: ‘તો પછી તું એ જ કરે છે. પરંતુ ભાઈ, અહીં આવતાં પહેલાં તને સારા શિક્ષકો ન મળ્યા. આવારા, રખડુ લોકો તારા માર્ગદર્શક હતા અને તેં એમનું જ કહ્યું માન્યું. એ લોકો તને ખોટે રસ્તે લઈ ગયા. તેં એમનું અનુસરણ કર્યું અને એ બધા વિચારવા લાગ્યા કે તું ખરેખર ખરાબ જ છો. પણ જો તું સારા શિક્ષકોનું અનુસરણ કરીશ તો ખરેખર તું પણ સારો બનીશ.’ આ શબ્દો એડ્ડીના મર્મસ્થળને સ્પર્શી ગયા. થોડીવાર તો તે મૌન બનીને ઊભો ઊભો વિચારતો રહ્યો. તેને લાગ્યું કે ફ્‌લેનગનના શબ્દોમાં થોડીઘણી સચ્ચાઈ છે તો ખરી; અને પોતે મૂલત: ખરાબ છે એવી ધારણા એના હૃદયમાંથી દૂર થઈ ગઈ. ટેબલની બીજી બાજુએ ઊભેલા ફ્‌લેનગનની નજીક તે ગયો તેમણે તેને પ્રેમપૂર્વક આલિંગનપાશમાં બાંધી લીધો. એડ્ડીની આંખમાંથી આંસુંઓની ધારા વહેવા લાગી, એના ગાલ આંસુંઓથી ભીંજાઈ ગયા.

દસ વર્ષ પછી એડ્ડી ઉચ્ચશ્રેણી સાથે સ્નાતક થયો. સૈન્યમાં દાખલ થઈને તેણે યુદ્ધમાં ભાગ લીધો. એની યુદ્ધવિશિષ્ટતાને લીધે એને કેટલાય પુરસ્કારો પણ મળ્યા. એને પોતાના મિત્રો તથા પરિચિતોમાંથી પણ સ્નેહપ્રેમ અને સન્માન મળ્યાં. હવે બધાની દૃષ્ટિએ એક વિશ્વસનીય અને પ્રામાણિક માનવ બની ચૂક્યો હતો. પોતાના સારાપણા વિશેના દૃઢ વિશ્વાસથી તેના મનમાં ‘પોતે ખરાબ જ છે’ એવી વસી ગયેલી ધારણા દૂર થઈ ગઈ. ફ્‌લેનગનને એ બાળકની ભીતર રહેલી દિવ્યતા પર પૂર્ણ વિશ્વાસ હતો. અને જુઓ એમનો વિશ્વાસ કેટલો મહાન ફળદાયી રહ્યો! સંદેહ તથા અવિશ્વાસની દૃષ્ટિએ જોવાતા એક પથભ્રષ્ટ બાળકે પોતાના સારાપણામાં આત્મવિશ્વાસ પ્રાપ્ત કરીને સ્વજીવનમાં ઘણી ઉન્નતિ કરી હતી.

Total Views: 112

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.