પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે : ‘આપણે જે બની શકીએ છીએ, પોતાની આ અપેક્ષાની તુલનામાં આપણું કાર્યસ્તર ઘણું પાછળ રહી જાય છે. સાચી વાત તો એ છે કે આપણે આપણા પોતાની શારીરિક તથા માનસિક ક્ષમતાઓના એક નાના એવા અંશનો જ ઉપયોગ કરી શકીએ છીએ. એનું તાત્પર્ય એ છે કે મનુષ્ય પોતાની અસીમ સંભવિત ક્ષમતાઓના એક નાના એવા વર્તુળમાં જ વસે છે. જો કે એમાં મહાશક્તિ ભીતર પડેલી છે, પરંતુ એનો ઉપયોગ કરવાની ઇચ્છાના અભાવે તે સમગ્ર જીવન અયોગ્ય જ બની રહે છે.’

કલ્પના કરો કે લીલાછમ ઘાસથી છવાયેલા એક મોટા મેદાનમાં એક ગાયને એક દોરડાથી બાંધી રાખી છે. હવે જ્યાં સુધી એનું દોરડું પહોંચે ત્યાં સુધીનું જ તે ઘાસ ચરી શકે. જો તે ખીલાની ચારેબાજુ ફરે તો દોરડું નાનું થઈ જાય છે. મનોવૈજ્ઞાનિકોના કથનનું તાત્પર્ય એ છે કે લોકો પોતાની સંભાવનાઓ તથા ક્ષમતાઓને જાણ્યા વિના જ પોતાની સીમાઓને નક્કી કરે છે અને એ સીમાઓની અંદર જ કાર્ય કરતાં રહે છે.

આપણું શરીર પણ કેવું વિચિત્ર યંત્ર છે! આપણી ભીતર કેટલી બધી અદ્‌ભુત શક્તિઓ ભરી પડી છે! પરંતુ આપણે આપણા પોતાના હાથેથી જ પોતાની આંખો ઢાંકીને અંધારાની ફરિયાદ કરતાં રહીએ છીએ. 

આપણા જીવનમાં કોઈ આકાંક્ષા કે નિશ્ચિત ધ્યેય નથી હોતાં. આપણને આપણી પોતાની શક્તિ પર જ વિશ્વાસ નથી. નિયમ પ્રમાણે કર્મમાં લાગી જવાને બદલે આપણે માત્ર ગપ્પાબાજીમાં જ સમય પસાર કરીએ છીએ. આવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે સફળતા મેળવી શકીએ?

એક વયોવૃદ્ધ સંતે જાણે કે પોતાના જીવનની સમીક્ષા કરતા હોય એમ કહ્યું હતું: ‘જીવનમાં મેં કઠોર સંઘર્ષ કર્યા છે.’ આ એક એવા જીવનની સમીક્ષા છે કે જેમાં સતત પ્રયત્નશીલતા, અથાક પરિશ્રમ અને અદમ્ય સાહસ સાથે દુ:ખકષ્ટ તથા મુસીબતોનો સામનો કરવામાં આવ્યો હતો. આપણે પોતાના જીવનની દરેકેદરેક ક્ષણ, કલાક કે દિવસ કેવી રીતે પસાર કરીએ છીએ, એના પર આપણી સફળતા નિર્ભર કરે છે. જે લોકો હંમેશાં નિર્ણય લેવામાં ખચકાય છે કે ડરે છે અથવા કોઈ આગેકદમ માંડવા માટે ડગુમગુ થાય છે, તેઓ પોતાના જીવનમાં અંતે આવું જ કહેશે: ‘અરે! મારો એ સમય નકામી વાતોમાં વહી ગયો! હું બધી ઉપયોગી વસ્તુઓને એકબાજુ મૂકીને કેવળ મૃગજળની પાછળ દોડતો રહ્યો! હું મારા મિત્રોની આશા-આકાંક્ષાની કસોટીમાં પાર ન થયો અને મેં મારા વિરોધીઓને હસવાનો મોકો આપ્યો! આમ તો હું નિષ્ફળ નથી રહ્યો, છતાં પણ મારી પ્રાપ્તિઓ સામાન્ય કક્ષાની રહી છે.’

શું તમે પણ ભવિષ્યમાં આવા જ શબ્દોમાં પોતાના જીવનનું વિવરણ કરવાનું પસંદ કરશો ખરા?

તમારા જીવનમાં વિશેષ ઉદ્દેશ્ય ન હોવાના કેટલાંય કારણો હોઈ શકે છે. એવું પણ સંભવ છે કે તમે તમારી પોતાની અભિરુચિઓને ઓળખવા માટે સારી તાલીમ મેળવી ન શક્યા હો. એવું ય બને કે માંદગી કે શારીરિક દુર્બળતા તમારા લક્ષ્યની પ્રાપ્તિના માર્ગમાં બાધક સિદ્ધ થતી હોય. એવું  ય બને કે તમે સ્વભાવે અસ્થિર અને ચંચળ મનવાળા હો અને એને લીધે ઉચિત નિષ્ઠા તેમજ એકાગ્રતા વિના જ લક્ષ્ય પ્રત્યે આગળ વધવાનો પ્રયાસ કરતા હો. એ પણ સંભવ છે કે કદાચ આપને પોતાના કામમાં રુચિ ન હોય કે એ કાર્ય માટે જરૂરી યોગ્યતા તમારામાં ન હોય. એમ પણ હોઈ શકે કે તમારી પોતાની યોગ્યતા કે ક્ષમતા દેખાડવાનો તમને અવસર જ ન મળ્યો હોય કે જીવનનાં અનેક ક્ષેત્રોમાં મળેલી અસફળતાઓએ તમને નિરાશાવાદી પણ બનાવી દીધા હોય. પોતાની સિદ્ધિઓના અભાવ માટે બધો દોષ પોતાના ભાગ્ય, વિધિનિર્માણ, ગ્રહનક્ષત્ર પર મઢી દેવામાં આવે છે.

પોતાની જીવનપ્રણાલીનું વિશ્લેષણ કરો અને સાવધાનીપૂર્વક વિચાર કરીને પોતાના જીવનધ્યેયને ચોક્કસ કરો; નહિ તો લક્ષ્ય વિનાનું જીવન પતવાર વિનાની નાવની જેમ અહીંતહીં ભટકતું રહેશે.

જીવનનું લક્ષ્ય

પોતાની ભીતર રહેલી સંભાવનાઓને, ક્ષમતાઓને ક્રિયાશીલ કરવા માટે જીવનનું લક્ષ્ય ચોક્કસ કરવું જોઈએ. મોક્ષપ્રાપ્તિને જ જીવનલક્ષ્ય બનાવવું આવશ્યક નથી, પરંતુ પ્રત્યેક માનવના જીવનમાં એક વિશેષ કે સ્પષ્ટ ધ્યેય હોવું જોઈએ. કોઈ ક્ષણિક ઇચ્છાને જીવનનું ધ્યેય કે લક્ષ્ય કહી ન શકાય. વળી, પોતાના નિર્ધારિત કાર્યમાં સફળતાની ઇચ્છા રાખવી એ જ પૂરતું નથી. એ ઇચ્છાને ચોક્કસ સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે ચોક્કસ પદ્ધતિ પણ અપનાવવી પડશે. સુચારુ યોજનાના અભાવે અત્યંત મૂલ્યવાન માનસિક શક્તિ તથા સમયનો અપવ્યય થાય છે.

શ્રોતાઓ સમક્ષ એક વ્યાખ્યાન દેવાનું તમે વિચાર્યું હોય; કોઈ વેપાર-વ્યવહાર કરવાની યોજના બનાવી હોય કે કોઈ કલાકાર કે લેખક બનવાનું વિચાર્યું હોય; પોતાના વ્યવસાયમાં કુશળતા લાવીને આવક વધારવાની ઇચ્છા કરી હોય; આવું ગમે તે હોય પણ તમારા માટે પોતાના લક્ષ્ય કે ઉદ્દેશ્ય વિશે સ્પષ્ટધારણા હોવી આવશ્યક છે. સફળતાની તીવ્ર ઇચ્છા તમને એ ધારણાને કાર્યરૂપ આપવામાં પ્રેરક બનશે.

અનિશ્ચિતતા તથા અસમંજસતાને જીતવા માટે પોતાની જાતને પૂછો કે તમારે શું જોઈએ છે? ત્યારે તમારી સામે તમારા જીવનનું મુખ્યધ્યેય સ્પષ્ટ બનીને આવશે. અને આવું થયે તમારું મન એની પ્રાપ્તિ માટે પોતાની બધી શક્તિઓ કામે લગાડી દેશે.

તીવ્ર ઇચ્છા એ જ પ્રેરણાશક્તિ

જર્મનીના ફ્રઁકફર્ટ શહેરમાં એક મોટું પુસ્તકાલય છે. આ પુસ્તકાલયમાં પુસ્તકોની વચ્ચે એક ઋષિતુલ્ય માનવ ગહનચિંતનમાં બેઠા છે. ત્રીસહજાર પુસ્તકોનો સંગ્રહ એમનો પોતાનો છે. મોટાભાગનાં પુસ્તકો ભાષાશાસ્ત્રનાં છે. તેઓ એક-બે કે પચીસ-પચાસ નહિ પરંતુ ૩૦૦ ભાષાઓ જાણે છે. તેઓ એ ભાષામાં માત્ર લખી વાચી જાણે છે એટલું જ નહિ પરંતુ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલી પણ શકે છે. આ કોઈ વાર્તા કે કલ્પનાકથા નથી, પરંતુ સત્ય છે. એ સજ્જનનું નામ છે, હેરોલ્ડ શ્રુઝ. તેઓ માત્ર બહુભાષી વિદ્વાન હતા એટલું જ નહિ પરંતુ પોતાની ભાષાના એક વિશિષ્ટ કવિ પણ હતા.

જ્યારે એમને કોઈકે પૂછ્યું કે આટલી બધી ભાષાઓ તમે કેવી રીતે શીખ્યા? તેમણે હસતાં હસતાં બસ આટલું જ કહ્યું: ‘કોઈ પણ ભાષામાં નિપુણ બનવા માટે ત્રણ વસ્તુની આવશ્યકતા છે : એક શીખવાની તથા જાણવાની તીવ્ર ઇચ્છા; બીજી શીખવામાં અદમ્યનિષ્ઠા અને અધ્યવસાય; અને ત્રીજી વસ્તુ છે, સુઅવસરની પ્રાપ્તિ. શીખવાની ઇચ્છા તો મારામાં બાળપણથી જ હતી. પાછળથી અવસર મળતાં મેં ઉત્સાહ સાથે અને એકાગ્રચિત્ત બનીને શીખવાનો પ્રયાસ કર્યો. મને સફળતા મળી.’

ડો. શ્રુઝ ૩૦૦ ભાષાઓ શીખ્યા, અને આપણે? આપણે એક પણ ભાષા બરાબર શીખી શકતા નથી. આવું કેમ? આપણી ભીતર શીખવાની પેલી તીવ્ર ઇચ્છા નથી. આપણે શીખવા માગતા નથી. અબ્રાહમ લિંકનને વકીલ બનવાની તીવ્ર આકાંક્ષા હતી. એક વાર બ્લેકસ્ટોનનાં પુસ્તકો લાવવા માટે તેઓ ૬૪ કી.મી. પગે ચાલીને ગયા હતા!

તીવ્ર ઇચ્છા કે પ્રચંડ આકાંક્ષા જ શક્તિનું એવું વાતાવરણ કે સૃષ્ટિ રચી દે છે કે જેમાં લક્ષ્યની પ્રાપ્તિ સહજ બની જાય છે. આધ્યાત્મિક જગતમાં પણ જો તીવ્ર ઇચ્છા કે પ્રબળ વ્યાકુળતા હોય તો ઈશ્વરનાં દર્શન સુધ્ધાં થઈ શકે છે. શ્રીરામકૃષ્ણ કહે છે : ‘તીવ્ર વ્યાકુળતા ઉષાકાળ જેવી છે, ત્યારબાદ સૂર્યોદય થવામાં વાર નથી લાગતી.’ આવી છે તીવ્ર વ્યાકુળતાની ચમત્કારી શક્તિ! જો માણસના મનમાં કંઈ જાણવાની તીવ્ર ઇચ્છા ન હોય, કંઈક પ્રાપ્ત કરવાની વ્યાકુળતા ન હોય, તો એની સમક્ષ માત્ર અંધકાર જ હશે. પ્રાપ્ત કરવાની વસ્તુ એની સામે ક્યારેય આવતી નથી.

‘રિફ્‌લેક્શન્સ ઓન લાઈફ’માં ડો. એલેક્સિસ કૈરલ લખે છે: ‘સત્યના અનંત મહાસાગરમાં મનુષ્ય જે ચાહે છે, કેવળ એટલું જ એને મળે છે. સેન્ટ ફ્રાન્સિસે આ જ લગનથી ઈશ્વરને મેળવ્યા અને આઈન્સ્ટાઈને એ જ લગનીથી ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો મેળવ્યા. રુસબ્રોકના અભિપ્રાય પ્રમાણે દેશકાળથી પર બુદ્ધિની પાછળ રહેલ એ અવર્ણનીય ક્ષેત્રમાં કેવળ પ્રેમ અને વ્યાકુળતા દ્વારા જ પ્રવેશી શકાય છે અને એમાં જ ઈશ્વરનાં દર્શન થાય છે.’ શું આ વાણી, કઠોર સંઘર્ષો દ્વારા કોઈ પણ સફળતાના શિખર સર કરી શકાય છે, શું એ વાતની દ્યોતક નથી? 

દેશનાં વિભિન્ન મંદિરોમાં ઈશ્વરની અનેક મૂર્તિઓ છે. શું તમે એમની મુદ્રાઓ જોઈ છે? એ ઘણી સાંકેતિક છે. વરદાન તથા અભયની મુદ્રા દ્વારા તેઓ પોતાના ભક્તોને સર્વદા ‘ડરો નહિ, તમારી ઇચ્છાઓ પૂર્ણ થશે’, એ જ સંદેશ આપે છે. મનમાં જો કોઈ ઇચ્છા હોય તો તે ક્યારેક ને ક્યારેક અવશ્ય પૂર્ણ થશે. હિંદુશાસ્ત્રોના મતાનુસાર સર્વવ્યાપી તથા સર્વશક્તિમાન પરમાત્માએ મનુષ્યોની ઇચ્છાપૂર્ણ કરવા અને આ પૃથ્વી પર કર્મોનું ફળ આપવા માટે આ સંસારની રચના કરી છે. એક દિવસ તમારી આકાંક્ષાઓ પણ પૂર્ણ થશે. વાસ્તવમાં ઇચ્છાઓમાંથી મુક્તિની દિવ્ય અવસ્થાની પ્રાપ્તિ માટે પણ તમારી ભીતર ઇચ્છા હોવી આવશ્યક છે. એનું કારણ એ છે કે એક કાંટાથી બીજો કાંટો કાઢવાની જેમ એક ઇચ્છા દ્વારા બીજી ઇચ્છાનો નાશ કરી શકાય છે. તમે પૂછશો કે શું ખરાબ ઇચ્છાઓ પણ પૂર્ણ થાય છે? હા, જરૂર થાય છે. પરંતુ, એનું ફળ દુ:ખદાયી હોય છે. રાવણ તથા દુર્યોધનની ખરાબ ઇચ્છાઓ પૂર્ણ થઈ. પરંતુ દુ:ખકષ્ટ તથા સર્વનાશ સિવાય એમને મળ્યું શું? તેઓ રામાયણ અને મહાભારતના ખલનાયકમાં ખપ્યા.

તમે જે ઇચ્છશો તે તમને મળશે. પરંતુ એ જાણવું પડશે કે આપણે શું ચાહીએ છીએ નહિંતર કંઈ પ્રાપ્ત નહિ થાય. લક્ષ્યહીન જીવનથી નિરાશા, અપમાન, હીનભાવના અને દુ:ખની જ પ્રાપ્તિ થાય છે; સંક્ષેપમાં આ એક પરમદુર્બળતા અને પરમહતાશાનું જીવન છે.

વિકાસનો મંત્ર

જીવનની વર્તમાન અવસ્થામાંથી ઊભા થઈને પ્રગતિ તથા પ્રાપ્તિના માર્ગ પર વળવા માટેનું કયું સાધન છે? એને માટે આવશ્યકતા છે – આગળ વધવાની, ઉન્નતિ કરવાની તથા સર્વાંગીણ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છા. તમારા મનમાં પોતાના લક્ષ્ય તથા ત્યાં સુધી પહોંચવાના માર્ગ વિશે સ્પષ્ટ ધારણા હોવી જોઈએ. 

પોતાની ઇચ્છાના વિષયમાં સ્થિર તથા શાંત મનથી વિચાર કરો. ઇચ્છાઓ વાસ્તવિક તથા વ્યાવહારિક હોવી જોઈએ. પોતાનામાં ઓસરીમાં કૂદકો મારવાની શક્તિ હોય તો આકાશમાં ઠેકડો મારવાનો વિચાર ન કરવો જોઈએ. એનો અર્થ એ કે આપણે શેખચલ્લીના વિચારો કરવાનો પ્રયાસ ન કરવો.

સંભવ છે કે નવમા ધોરણમાં ભણતી વખતે આપણી ભીતર એક વિમાનચાલક બનવાની ઇચ્છા જાગ્રત થાય. આ કોઈ અસંભવિત ઇચ્છા નથી, પરંતુ એને પૂર્ણ કરવા માટે બીજી અનેક નાની મોટી આવશ્યકતાઓ પહેલાં પૂરી કરવી પડશે. એના માટે સારી દૃષ્ટિ, સારું સ્વાસ્થ્ય, સાહસિક પણ શાંત અને એકાગ્ર મન અને સારા ગુણ સાથે પરીક્ષાઓમાં સફળ થવું અનિવાર્ય છે.

તમારી ઇચ્છાઓને સમજો અને એને તત્કાલ પૂર્ણ કરવાના કામમાં લાગી જાઓ. આવા ક્ષેત્રમાં સફળ થનારા લોકોની જીવનકથા વાંચો. પોતાની ઇચ્છાપૂર્તિ માટે એ બધાએ કેવાં કેવાં દુ:ખકષ્ટ સહન કર્યાં હતાં એ પણ જાણી લો. જો શક્ય હોય તો એને મળો અને એમને તમારી સમસ્યાની વાત કરો. અને એમણે બતાવેલા ઉકેલ પર ધ્યાન આપો. આટલું યાદ રાખો કે છળકપટથી સાચી સફળતા મળતી નથી.

અસફળતાઓ આપણને નિરુત્સાહી ન બનાવી દે. આપણે પોતાની અસફળતાઓનાં કારણોની શોધ કરીને ધૈર્યપૂર્વક પોતાના લક્ષ્ય પ્રત્યે આગળ વધવું પડશે.

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.