ત્રીજું પગલું : નોબતખાનામાં વસવાટ

શારદામણિ જે આઠ મહિના શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં રહ્યાં એ તેમનો જુદો જ સાધનાકાળ હતો. અને એ સાધનાકાળના અંતે શ્રીરામકૃષ્ણે શારદામણિમાં જગદંબાનો આવિર્ભાવ કર્યો તેથી માતૃશક્તિનો મહિમા પ્રગટ થયો. શ્રીરામકૃષ્ણના દૈવી કાર્યમાં સહાય કરવા માટે સ્વયં જગદંબા શારદામણિ સ્વરૂપે હવે પ્રગટ થયાં અને તેથી શ્રીરામકૃષ્ણની સાધનામાં એક જુદો જ વળાંક આવ્યો અને ખરું કહીએ તો એમના યુગ પરિવર્તનના મહાન કાર્યનો આરંભ પણ શારદામણિના આગમન પછી જ થયો. આથી શારદામણિનું શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં રહેવું એ એક મહાન ક્રાંતિકારી પગલું હતું.

તેઓ લગભગ આઠ મહિના શ્રીરામકૃષ્ણના ઓરડામાં જ સૂતા. શ્રીરામકૃષ્ણને તો દિવસ અને રાત બધું જ સરખું હતું. સમાધિની સ્થિતિમાં દેહભાવથી પર, અનંત બ્રહ્મમાં નથી સ્થળનું બંધન કે નથી કાળનું બંધન. શ્રીરામકૃષ્ણ સમાધિમાં સરી પડતા ત્યારે તેમનું બાહ્યભાન લુપ્ત થઈ જતું. દિવ્ય ભાવાવેશમાં ઘણીવાર તો આખી રાત્રી પસાર થઈ જતી. તેઓ તો આનંદ- બ્રહ્મમાં લીન રહેતા પણ પાસે સૂતેલાં શારદામણિ શ્રીરામકૃષ્ણની આવી સ્થિતિ જોઈને ભય અને ચિંતાથી આખી રાત ફફડતાં રહેતાં. આ વિશે એમણે પાછળથી ભક્તોને જણાવ્યું હતું કે, ‘એમનામાં એવો કોઈ અસાધારણ દિવ્યભાવ પ્રગટ થઈ રહેતો કે હું રાતભર બીકથી ધ્રૂજ્યા કરતી અને ક્યારે રાત પૂરી થાય તેનો જ વિચાર કરતી રહેતી.’ પરંતુ આવી સ્થિતિમાં રાત જાણે ખૂબ લાંબી બની જતી હોય એવું તેમને લાગતું. એકવાર તો શ્રીરામકૃષ્ણ ઊંડી સમાધિમાં ઊતરી ગયા. એવી સમાધિ કે જેમાં શ્વાસ પણ નાભિમાં સ્થિર થઈ ગયો. નાડીના ધબકારા મંદ થઈ ગયા. દેહ સાવ જડ અને અચેતન જેવો બની ગયો. આથી તેઓ ગભરાઈ ગયાં. તેમને થયું કે ‘ખરેખર આ સમાધિ છે કે પછી બીજું કંઈ છે’. અને તેમનાથી રહેવાયું નહિ એટલે તેમણે ભાણેજ હૃદયને જગાડ્યા. હૃદયે અમુક મંત્રનો જપ કર્યો ત્યારે શ્રીરામકૃષ્ણની બાહ્ય સંજ્ઞા પાછી આવી. પછી તો શ્રીરામકૃષ્ણદેવે શારદામણિને અનેક પ્રકારની સમાધિ અને દિવ્ય ભાવાવેશની સ્થિતિનું જ્ઞાન આપ્યું. અમુક સમાધિમાંથી બાહ્ય ચેતનાને પાછી લાવવા માટે કયા મંત્રનો જપ કરવો તે પણ એમણે શિખવાડ્યું.

આ આઠ મહિનાના ગાળામાં શારદામણિએ શ્રીરામકૃષ્ણની અપૂર્વ સાધનાને પ્રત્યક્ષ નિહાળી અને શ્રીરામકૃષ્ણના સાંનિધ્યથી તેમની પણ આંતરિક શક્તિઓ પ્રગટ થવા લાગી. એ પછી શ્રીરામકૃષ્ણને થયું કે હવે ભૌતિક સાંનિધ્યમાં વધારે રહેવાની જરૂર નથી તેથી તેમણે શારદામણિને નોબતખાનાની ઓરડીમાં સૂવા માટે કહ્યું. એ પછી શારદામણિ ક્યારેય શ્રીરામકૃષ્ણના ઓરડામાં સૂતા નહોતાં.

નોબતખાનાની ઓરડી શ્રીરામકૃષ્ણના ઓરડાની પાસે જ આવેલી હતી. સાવ નાનકડી ઓરડી હતી ને પાછી સામાનથી ભરેલી. ઉપર સામાન ભરેલા લટકતાં શીકાં, વળી એનું બારસાખ પણ એટલું નીચું હતું કે ઓરડીમાં પ્રવેશ કરનારનું માથું ભટકાતું. શ્રી માએ આ વિશે પાછળથી ભક્તોને જણાવ્યું હતું: ‘દક્ષિણેશ્વરમાં નોબતખાનામાં હું રહેતી હતી ત્યારે આવતાં જતાં મારું માથું બારણામાં ભટકાતું. એક દિવસ તો માથું ફૂટ્યું પણ હતું. પણ પછી એની ટેવ પડી ગઈ કે દરવાજો આવતાં જ માથું આપોઆપ ઝૂકી જતું.’ આવી ઓરડીમાં શારદામણિને રહેવાનું હતું. એ જ એમનો શયનખંડ, એ જ એમનું રસોઈઘર અને સ્નાનઘર. વળી એ જ એમની પાસે આવતી ભક્ત સ્ત્રીઓનું આરામગૃહ. આ ઉપરાંત શ્રીરામકૃષ્ણનાં સ્ત્રીભક્તો – ગૌરીમા, ગોલાપમા અને તેમની ભત્રીજી લક્ષ્મી ત્યાં રોકાતાં ત્યારે એ બધાંનું સૂવાનું પણ આ નાનકડી ઓરડીમાં જ કરવાનું રહેતું! શ્રીરામકૃષ્ણનાં દર્શને આવતી કલકત્તાની શ્રીમંત ઘરની સ્ત્રીઓ જ્યારે નોબતખાનામાં માનાં દર્શને જતી ત્યારે બારસાખ ઉપર હાથ રાખીને ઊંબરામાં જ ઊભાં ઊભાં બોલતી, ‘અરેરે, અમારી સતી લક્ષ્મી કેવી કોટડીમાં રહે છે, જાણે કેદખાનું!’

પરંતુ શારદામણિને એ કેદખાના જેવી કોટડી મહેલ કરતાં પણ અધિક આનંદ આપનારી હતી. કેમકે તેમને શ્રીરામકૃષ્ણનું સાંનિધ્ય સાંપડ્યું. શ્રીરામકૃષ્ણના શિષ્ય શંભુચરણ મલ્લિકે શ્રીમા શારદાદેવી માટે સુંદર સગવડતાવાળું બે મજલાનું મકાન બનાવડાવ્યું હતું. જેના ઉપલા માળેથી સ્પષ્ટ ગંગાદર્શન થતાં. પરંતુ શારદામણિ એ મકાનમાં ક્યારેય રહેવા ગયાં નહિ. જ્યાં સુધી તેઓ દક્ષિણેશ્વરમાં રહ્યાં ત્યાં સુધી નોબતખાનાની ઓરડી છોડીને બીજે ક્યાંય પણ રહેવા ગયાં નહિ. જો કે આ ઓરડીમાં રહેવું સહેલું તો નહોતું. ત્યાં સ્નાન અને શૌચની કોઈ જ સગવડ નહોતી. શ્રી શારદાદેવી વહેલી સવારે સાડાત્રણ વાગ્યે ઊઠી અને રાતના અંધારામાં શૌચસ્નાન માટે ગંગા કિનારે એકલાં જતાં. એક દિવસ તો એમનો પગ અંધારામાં મગરના મુખમાં પડતાં બચી ગયો. ત્યારથી તેઓ દીવો લીધા વગર અંધારામાં સ્નાન કરવા જતાં નહિ. જ્યારે બધા જ મીઠી ઊંઘમાં ડૂબેલા હોય ત્યારે શૌચ સ્નાન પતાવીને પાછા આવી જતાં. દિવસના ભાગમાં જો શૌચની હાજત થાય તો ક્યાંય જઈ શકાય તેમ નહોતું. પરંતુ તેમણે પોતાની દિનચર્યા એવી રીતે ગોઠવી લીધી હતી કે એમને કોઈ પ્રકારનું કષ્ટ થતું નહોતું. જ્યારે તેઓ દક્ષિણેશ્વરમાં આવ્યાં ત્યારે શરૂઆતમાં શ્રીરામકૃષ્ણને એ ચિંતા થતી હતી કે તેઓ આ મંદિરના વાતાવરણમાં કેવી રીતે રહી શકશે? પણ તેમણે એ મંદિરના વાતાવરણમાં પોતાનું જીવન એવી રીતે ગોઠવી લીધું કે શ્રીરામકૃષ્ણને પણ આશ્ચર્ય થયું. એમણે પોતાના ભાણેજ હૃદયને આ વિશે કહ્યું હતું, ‘ઓ હૃદુ, મને ખૂબ ચિંતા થતી હતી કે ગામડા ગામની છોકરી છે, કોણ જાણે અહીં ક્યાં શૌચ જશે? લોકો નિંદા કરશે અને આપણે શરમાવું પડશે. પણ એમણે તો એવી રીતે ગોઠવણ કરી છે કે મેં પણ એમને કોઈ દિવસ બહાર જતાં જોયાં નથી.’ શ્રીરામકૃષ્ણે જ નહિ પણ ત્યાં રહેનાર કોઈએ પણ એમને ક્યારેય બહાર નીકળતાં જોયા નહોતાં. કોઈએ કાલી મંદિરના ખજાનચીને પૂછ્યું હતું: ‘મા શારદામણિ ત્યાં દક્ષિણેશ્વરમાં રહે છે તેઓ કેવા છે?’ ત્યારે તેમણે કહ્યું, ‘કહે છે કે મા ત્યાં રહે છે પણ મેં એમને કોઈ દિવસ જોયાં નથી.’ દક્ષિણેશ્વરમાં એમને બહાર નીકળવાની જરૂર જ ન પડે એ માટે તો એમણે મા કાલીને પ્રાર્થના કરી હતી : ‘મા મારી લાજ રાખજો.’ અને મા કાલીએ એમની પ્રાર્થનાનો જાણે સ્વીકાર કર્યો હોય એમ તેમને નોબતખાનાની ઓરડીમાંથી દિવસે ક્યારેય બહાર નીકળવાનું થયું નહિ.

નોબતખાનાની ઓરડીના ઉપરના ભાગમાં શ્રીરામકૃષ્ણનાં માતા ચંદ્રામણિદેવી રહેતાં હતાં. શારદામણિ તેમની પણ પ્રેમપૂર્વક સેવા કરતાં હતાં. તેઓ અંતિમ દિવસોમાં ચાલી શકતાં નહિ. એટલે તેમની સઘળી દિનચર્યા શારદામણિ જાળવતાં હતાં. આમ શ્રીરામકૃષ્ણદેવ અને ચંદ્રામણિદેવીની સેવા એ તેમનું એ સમયે મુખ્ય કર્તવ્ય બની રહ્યું. શ્રીરામકૃષ્ણને જમાડવાનું કાર્ય તેઓ કરતાં ને એટલો સમય તેમને શ્રીરામકૃષ્ણનું સાંનિધ્ય મળતું. પણ પછી જ્યારે શ્રીરામકૃષ્ણનાં શિષ્યા ગોલાપમા માની સાથે રહેવા આવ્યાં અને તેમણે શ્રીરામકૃષ્ણને જમાડવાની જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી એટલે શારદામણિનું શ્રીરામકૃષ્ણના ઓરડામાં જવાનું બંધ થઈ ગયું. આ વિશે શ્રીમાએ પોતે જણાવ્યું હતું, ‘ઘણીવાર બે મહિનાના લાંબા ગાળામાં પણ તેમનાં દર્શન નહોતાં મળ્યાં ત્યારે હું મનને સમજાવતી કે મન, તેં એવું તે શું  પુણ્ય કર્યું છે કે તને રોજેરોજ એમનાં દર્શન મળે?’ શ્રીમાની નિકટ રહેનાર ગૌરીમાએ પણ જણાવ્યું હતું કે આ બંને એકબીજાથી માત્ર પચાસ હાથ જ દૂર રહેતાં હોવા છતાં કોઈ કોઈવાર તો બે મહિના સુધી તેઓ એકબીજાને જોઈ શકતાં નહિ. બંને વચ્ચે માત્ર એક જ દિવાલ હતી. તેઓ આટલાં નજીક હોવા છતાં કેટલાં દૂર કે શ્રીરામકૃષ્ણના પ્રત્યક્ષ દર્શન માટે મહિનાઓ વીતી જાય! આ દિવસોની વાત કરતાં પણ શ્રીમાએ કહ્યું હતું: ‘તો શું ત્યારે મારા માટે કંઈ એ બધું અલૌકિક હતું? કોઈ પણ પરિસ્થિતિમાં મને અશાંતિ જણાતી ન હતી. રહી વાત ઇષ્ટ દર્શનની, તે તો મારા હૃદયની અંદર જ છે. જ્યારે જોઉં ત્યારે દર્શન થઈ જાય છે.’

તેમ છતાં શારદામણિને શ્રીરામકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન કરવાની પણ તીવ્ર ઇચ્છા થઈ જતી. પરંતુ એ કોઈ રીતે શક્ય નહોતું. આખરે તેમણે પ્રત્યક્ષ દર્શન માટેનો રસ્તો શોધી લીધો. નોબતખાનાની ઓરડીનો વરંડો ચટ્ટીઓથી છવાયેલો રહેતો. શારદામણિએ એ ચટ્ટીમાં એક નાનકડું કાણું પાડવું અને એ કાણામાંથી તેઓ શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણના ઓરડામાં તો ભક્તોની અવરજવર સતત રહેતી. કીર્તન અને સત્સંગનો પ્રવાહ પણ અવિરત ચાલતો રહેતો. હવે શારદામણિ પણ પોતાની ઓરડીમાં ઊભા ઊભા એ નાનકડા બાકોરામાંથી આ દિવ્ય આનંદનો ઉત્સવ નિહાળવા લાગ્યાં. કલાકો ઊભા રહીને તેઓ એમાં મગ્ન બની રહેતાં. પણ સતત ઊભા રહેવાને કારણે એમના પગમાં સોજા ચડી જતા હતા. પરંતુ આ અપૂર્વ આનંદમાં તેઓ દેહની પીડાને પણ ભૂલી જતાં હતાં. શ્રીરામકૃષ્ણદેવને આ યુક્તિની ખબર પડી જતાં એક દિવસ પોતાના ભત્રીજા રામલાલને કહ્યું, ‘અરે! રામલાલ તારી કાકીના પરદાનું કાણું તો મોટું ને મોટું થતું જાય છે.’ અંદર ઓરડીમાં રહેલાં શારદામણિએ જ્યારે એ સાંભળ્યું ત્યારે એમના મુખ ઉપર લજ્જાનું સ્મિત ફરકી રહ્યું. પરંતુ તેમણે એ કાણામાંથી મળતાં દિવ્ય દર્શનને ક્યારેય બંધ કર્યું નહિ.

નોબતખાનાની ઓરડીમાં રહેવાનું એટલું આકરું હતું કે કોઈ સામાન્ય સ્ત્રી આ રીતે રહી શકે નહિ. ખુદ શ્રીરામકૃષ્ણે પણ નોબતખાનાની આ ઓરડીને કેદખાનાનું પિંજરું કહ્યું હતું. આટલી નાનકડી ઓરડીમાં જ બધો વખત રહેવાનું હોવાથી શારદામણિના પગ ગંઠાઈ જવા લાગ્યા અને તેમના પગમાં પીડા થવા લાગી. જ્યારે શ્રીરામકૃષ્ણે આ જાણ્યું ત્યારે તેમણે કહ્યું: ‘વનનું પંખી પિંજરામાં રહે તો પાંગળું થઈ જાય.’ આથી જ્યારે બપોરે મંદિરમાં કોઈ ન હોય ત્યારે તેમણે શારદામણિને બહાર ફરવા જવા કહ્યું. તેથી તેઓ પાછળના દરવાજેથી પડોશમાં રહેતા પાંડેજીને ત્યાં જતાં અને થોડીવાર બેસીને ત્યાંથી પાછા ફરતાં. આવા અનેક કષ્ટો સહેવા છતાં તેઓ હંમેશાં આનંદમાં જ રહેતાં. એમણે પોતે જ કહ્યું હતું, ‘કેટલા પ્રકારના લોકો એમની પાસે આવતા? દક્ષિણેશ્વરમાં જાણે કે આનંદનું બજાર ભરાતું.’

શારદામણિ નોબતખાનામાં રહ્યાં એથી શ્રીરામકૃષ્ણની સાધનામાં નવો જ વળાંક આવ્યો. હવે યુવાન ભક્તોનું આગમન શરૂ થયું. એમનો દિવ્ય પરિવાર વિસ્તરવા લાગ્યો અને નોબતખાનાના વસવાટ દરમિયાન શારદામણિ ભલે નેપથ્યમાં હતાં પણ શ્રીરામકૃષ્ણના આ દિવ્ય પરિવારની માતૃશક્તિ રૂપે હતાં. જ્યારે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણને મળવા આવે ત્યારે નોબતખાનામાં શ્રીમાને કહેવડાવી દેતાં કે નરેન્દ્ર આવ્યો છે. અને શ્રીમા ચણાની દાળનું મોટું તપેલું ચૂલા ઉપર ચડાવી દેતાં. કેમ કે નરેન્દ્રને ચણાની ઘાટી દાળ અને જાડી જાડી રોટલી બહુ જ ભાવતી. પછી તો એ કહેડાવવાની પણ જરૂર પડતી નહિ. શ્રીમાને ખબર પડતાં જ તેઓ નરેન્દ્રનું ભાવતું ભોજન બનાવવા લાગી જતાં. શારદાપ્રસન્ન ઘરેથી ગુપચુપ શ્રીરામકૃષ્ણને મળવા આવતા. પાછા જવા માટે હોડીના પૈસા પણ તેમની પાસે ન હોય એટલે શ્રીરામકૃષ્ણદેવ તેમને શ્રીમા પાસે મોકલતા અને કહેતા કે એમની પાસેથી પાછા જવાનું ભાડું પણ લેજે. પણ જેવી માને ખબર પડે એટલે તેઓ પોતાની ઓરડીના ઊંબરામાં એક આનો મૂકી જ દેતાં. શારદાપ્રસન્નને મા પાસે માગવાની જરૂર જ પડતી નહિ. પોતાનો નાનો શિષ્ય પૂર્ણ જ્યારે મળવા આવતો ત્યારે શ્રીરામકૃષ્ણ માને કહેવડાવતાં, ‘આ પૂર્ણ આવ્યો છે એને સારી રીતે જમાડજો. અને શ્રીમા પૂર્ણને ખૂબ સારી રીતે જમાડતાં એટલું જ નહિ પણ તેને કપાળે કુમકુમ તિલક કરતાં અને તેના હાથમાં દક્ષિણા પણ મૂકતાં. તો રાખાલની વહુ જ્યારે શ્રીરામકૃષ્ણનાં દર્શને આવી ત્યારે તેને પણ શ્રીમા પાસે મોકલીને શ્રીરામકૃષ્ણે કહેવડાવ્યું કે, ‘રૂપિયો આપીને પુત્રવધૂનું મુખ જોજો.’ કલકત્તાથી સ્ત્રીભક્તો આવતી તો તેમને પણ શ્રીરામકૃષ્ણ શ્રીમા પાસે મોકલી આપતાં. આમ શ્રીમા શ્રીરામકૃષ્ણના દિવ્ય સંસારને પરદા પાછળ રહીને પોષી રહ્યા હતા, વિસ્તરી રહ્યા હતાં.

તો બીજી બાજુ શ્રીરામકૃષ્ણના શરીરની પણ સંપૂર્ણપણે સંભાળ લઈ રહ્યાં હતાં. શ્રીમાના આગમન પહેલાં શ્રીરામકૃષ્ણ કાલીમંદિરમાંથી આવતો માત્ર પ્રસાદ જ ખાતા. તેથી તેમની પાચનશક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હતી. શ્રીમા નોબતખાનામાં રહેવા આવ્યાં અને તેમણે શ્રીરામકૃષ્ણના ભોજનની સઘળી જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી. તેઓ તેમના માટે સુપાચ્ય એવી વાનગીઓ બનાવતાં. જાતજાતનાં સૂપ અને શાકભાજી બનાવતાં. નાના બાળકને જેમ સમજાવી પટાવીને માતા જમાડે તે રીતે તેઓ શ્રીરામકૃષ્ણને જમાડતાં. પોતાની થાળીમાં ઘણો બધો ભાત જોઈને બાળક જેવા શ્રીરામકૃષ્ણ ગભરાઈ જતા કે આટલો બધો ભાત તે કંઈ ખાઈ શકાય? આથી એમને ખબર ન પડે તે રીતે મા એ બધો જ ભાત દબાવી દબાવીને બે ચાર કોળિયા જેટલો કરીને પીરસતાં. એ જ રીતે દૂધ પણ ઉકાળી ઉકાળીને એક વાટકા જેટલું બનાવીને તેમને પીવડાવતાં. શ્રીરામકૃષ્ણ જ્યારે જમતા હોય ત્યારે તેમને ભાવસમાધિ ન આવી જાય અને જમવામાં અડચણ ઊભી ન થાય એ માટે તેઓ જાત જાતની વાતો કરી એમના મનને નીચે રોકી રાખવાનો પ્રયત્ન કરતાં. આમ શ્રીરામકૃષ્ણની સેવા એ શ્રીમા શારદામણિની સાધના હતી. અદ્‌ભુત અને અપૂર્વ હતો  એમનો વૈરાગ્ય સભર સંસાર અને અનાસક્ત દિવ્યપ્રેમ. એક બાજુ બ્રહ્મનિષ્ઠ પતિ અને બીજી બાજુ બ્રહ્મને બાલ સ્વરૂપ માની તેની મમતાભરી કાળજી લેનાર જગદંબા સ્વરૂપ પત્ની. અંધકાર અને દુ:ખમાં અટવાયેલાં મનુષ્યોને ભગવાન પ્રત્યે જાગ્રત કરવા માટેનું અવતારકાર્ય લઈને પૃથ્વી ઉપર ઊતરી આવેલાં એ બ્રહ્મ અને તેની શક્તિએ પોતાની આસપાસ જે દિવ્ય સંસાર રચ્યો તે અદ્વિતીય હતો. અને હવે ધીમે ધીમે તેનો પ્રકાશ પ્રસરવા લાગ્યો હતો.

નોબતખાનામાં નિવાસ એ પણ શ્રીમાનું એક વિરાટ પગલું હતું, જેનાં પરિણામો ઘણાં દૂરગામી હતાં. આમ તો પ્રથમ દૃષ્ટિએ તો એમ જ જણાય કે ગામડાની એક પરિણિત નારી પોતાના પતિ જ્યાં રહેતા હતા, ત્યાં રહેવા આવી એમાં કંઈ નવું નહોતું. પરંતુ જે સ્થિતિમાં શારદાદેવી પતિગૃહે રહ્યાં, પતિની જે મહાન આધ્યાત્મિક ભૂમિકા હતી, તેને સંપૂર્ણપણે અપનાવી અને પોતાની સાધના દ્વારા પોતે પણ એ ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા સંપન્ન કરી, પતિને સંપૂર્ણ અનુકૂળ બની રહ્યાં એથી તેઓ ભારતીય નારીના ઉચ્ચ આદર્શરૂપ બની રહ્યાં. એમના નોબતખાનાનાં આ વસવાટે જ શ્રીરામકૃષ્ણના યુગકાર્યના મંડાણ કર્યાં. આ ગાળામાં જ શ્રીરામકૃષ્ણના દિવ્યસંદેશને સમગ્ર વિશ્વમાં પ્રસરાવવાનું જે કાર્ય એમણે કરવાનું હતું, દુ:ખમાં ડૂબેલા મનુષ્યોને શાંતિનો માર્ગ બતાવવાનું શ્રીરામકૃષ્ણનું જે ભાવિ કાર્ય હતું તેની તાલીમ પણ શ્રીરામકૃષ્ણ દ્વારા તેમને મળી. અને અત્યાર સુધી અપ્રગટ રહેલું દિવ્ય માતૃત્વ પણ આ સમયગાળામાં જ પ્રગટ થયું.

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.