શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુનાં વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ કરો. જો તમારે ગુરુ ન હોય તો આતુર હૃદયે ભગવાનને પ્રાર્થના કરો. તેઓ કેવા છે તે તેઓ તમને જણાવી દેશે.

પુસ્તકોમાંથી તમે ભગવાન વિશે શું જાણશો? જ્યાં સુધી તમે બજારથી દૂર છો ત્યાં સુધી તો તમે માત્ર ઘોંઘાટ જ સાંભળો છો. પણ જ્યારે તમે ખરેખર બજારમાં હો છો, ત્યારે કંઈક જુદું જ હોય છે. ત્યારે તમે બધું જ સ્પષ્ટ રીતે સાંભળી શકો છો અને જોઈ શકો છો. તમે લોકોને કહેતાં સાંભળો છો : ‘આ રહ્યાં બટેટાં. લો ને લાવો પૈસા.’

માત્ર પુસ્તકો વાંચવાથી જ કોઈને ભગવાનની સાચી અનુભૂતિ થતી નથી. પુસ્તકના અધ્યયન કરતાં આ અનુભૂતિ કંઈક જુદી જ છે. ઈશ્વરપ્રાપ્તિ પછી પુસ્તકો, શાસ્ત્રો અને વિજ્ઞાન ફક્ત ઘાસનાં તણખલાં જેવાં જ લાગે.

* * *

શ્રીરામકૃષ્ણ : તમારી પેલી નાનકડી વાત તેમને કહોને?

મણિલાલ : એક વખત કેટલાક માણસો હોડીમાં બેસીને ગંગા પાર કરી રહ્યા હતા. એમાંના એક પંડિત પોતે વેદ વેદાંત અને ષડ્‌દર્શનનાં કેટલાંય પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો એમ કહીને પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે એક સહયાત્રીને પૂછ્યું, ‘તમે વેદાંત જાણો છો?’

‘જી ના, મહાશય.’

‘સાંખ્ય અને પાતંજલ?’

‘જી ના, મહાશય.’

‘શું તમે કોઈપણ જાતનું દર્શન-તત્ત્વજ્ઞાન નથી ભણ્યા?’

‘જી ના, મહાશય.’

પંડિત આ રીતે મિથ્યાભિમાની વાતો કરી રહ્યા હતા અને યાત્રિક શાંતિથી બેઠો હતો. એવામાં ભયંકર તોફાન ઊઠ્યું અને હોડી ડૂબવા લાગી. યાત્રિકે પંડિતને પૂછ્યું, ‘મહાશય, તમને તરતાં આવડે છે?’

‘ના’ પંડિતે જવાબ આપ્યો.

યાત્રિકે કહ્યું, ‘હું સાંખ્ય કે પાતંજલ જાણતો નથી, પણ તરવાનું જાણું છું.’

શ્રીરામકૃષ્ણ – ‘ઘણાં શાસ્ત્રો જાણવાથી શું વળે? સંસારસાગર કઈ રીતે પાર કરાય તે એક જ વસ્તુ જાણવી જરૂરી છે.’

(‘શ્રીરામકૃષ્ણની સચિત્ર બોધકથાઓમાંથી’  પૃ. ૨૧, ૩૩)

Total Views: 127

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.