‘‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ કરીને નાચી ઊઠે ને જોરથી રડવા માંડે. પણ ઘડીક પછી પોતે જ એ બધું ભાંગી નાખે. ઘડીક પહેલાં લુગડાં માટે કેવી મમતા! કહેશે કે ‘મારા બાપુએ દીધું છે, હું નહિ દઉં!’ પણ એક પૂતળી આપો તો એ ફોસલાઈ જાય, ને લુગડું ફેંકી દઈને ચાલ્યું જાય.’’

‘‘એ બધાં જ્ઞાનનાં લક્ષણ. ક્યારેક જુઓ તો ઘરમાં ખૂબ ઠાઠ માઠ : કોચ, પલંગ, ફોટા, ગાડી, ઘોડો વગેરે. પણ તે જ માણસ વળી એ બધું છોડીને કાશી ચાલ્યો જાય!’’

‘‘વેદાન્ત મત પ્રમાણે જાગૃત અવસ્થા પણ જરાય સાચી નહિ. એક કઠિયારો ઊંઘમાં સ્વપ્ન જોતો હતો. એવામાં એક જણાએ તેની ઊંઘ ઉડાડી દીધી. એટલે નારાજ થઈને બોલી ઉઠયો કે ‘શું કામ તેં મારી ઊંઘ તોડી? હું રાજા થયો હતો ને સાત દીકરાનો બાપ થયો હતો! છોકરા બધા અસ્ત્ર-વિદ્યા શીખી રહ્યા હતા. હું સોનાના સિંહાસન પર બેસીને રાજ્ય ચલાવી રહ્યો હતો. શું કામ તેં મારો સુખનો સંસાર ભાંગી નાખ્યો?’ એટલે પેલાએ જવાબ આપ્યો કે ‘અરે ભલા માણસ, એ તો સ્વપ્નું હતું! એમાં તે શું વળ્યું?’ એટલે કઠિયારો બોલ્યો કે ‘‘જા જા હવે, તને શું ખબર પડે? મારું કઠિયારો થવાનું જેવું સાચું, સ્વપ્નમાં રાજા થવાનું પણ તેવું જ સાચું. કઠિયારો થવાનું જો સાચું હોય, તો સ્વપ્નમાં રાજા થવાનું પણ તેવું જ સાચું.’’ પ્રાણકૃષ્ણ જ્ઞાન જ્ઞાન કરે, એટલે એમ લાગે છે કે શ્રીરામકૃષ્ણ જ્ઞાનીની અવસ્થાનું વર્ણન કરતા હતા. હવે ઠાકુર વિજ્ઞાનીની અવસ્થા કહી બતાવે છે. એથી શું ઠાકુર પોતાની જ અવસ્થાનું સૂચન કરી રહ્યા છે?

શ્રીરામકૃષ્ણ- ‘નેતિ નેતિ’ કરીને આત્મામાં પહોંચવું એનું નામ જ્ઞાન. ‘નેતિ નેતિ’ વિચાર કરીને સમાધિસ્થ થવાય તો આત્મામાં પહોંચી શકાય. વિજ્ઞાન એટલે કે વિશેષ રૂપે જાણવું. કોઈએ દૂધ વિષે સાંભળ્યું છે, કોઈએ દૂધ જોયું છે, તો કોઈએ દૂધ પીધું છે. જેણે માત્ર સાંભળ્યું છે તે અજ્ઞાની. જેણે દૂધ જોયું છે તે જ્ઞાની. જેણે દૂધ પીધું છે તેને જ વિજ્ઞાન થયું છે, એટલે કે વિશેષ રૂપે જ્ઞાન થયું છે. તેમ ઈશ્વર-દર્શન કરીને તેમની સાથે વાતચીત કરવી જાણે કે તે પોતાના પરમ આત્મીય હોય તેમ, એનું જ નામ વિજ્ઞાન.

‘‘પ્રથમ ‘નેતિ નેતિ’ વિચાર કરવો પડે. એટલે કે બ્રહ્મ પંચભૂત નહિ, દશ ઇન્દ્રિયો નહિ, મન, બુદ્ધિ, અહંકાર નહિ, તે સર્વ તત્ત્વોથી અતીત. અગાશી ઉપર ચડવું હોય તો બધાં પગથિયાંનો એક પછી એક  ત્યાગ કરીને ચડવું જોઈએ. કારણ કે પગથિયાં કાંઈ અગાશી નથી. પરંતુ અગાશી ઉપર પહોંચી ગયા પછી દેખાય કે જે વસ્તુમાંથી અગાસી બની છે, – ઈંટ, ચૂનો, રેતી – એ જ વસ્તુમાંથી પગથિયાં પણ બન્યાં છે. જે પરબ્રહ્મ છે તે આ જીવ, જગત્‌, ચોવીસ તત્ત્વ થઈ રહેલ છે. જે આત્મા, તે જ પંચભૂત થઈ રહેલ છે. જમીન આટલી કઠણ કાં, જો આત્મામાંથી ઉત્પન્ન થઈ છે તો? તેનો જવાબ એ કે આત્માની ઇચ્છાથી બધુંય થઈ શકે. રજ-વીર્યમાંથી કેમ કઠિન હાડ-માંસનો દેહ તૈયાર થાય છે? સમુદ્ર-ફીણ કેટલાં કઠણ હોય છે?

વિજ્ઞાનની અવસ્થા થાય તો પછી સંસારમાં પણ રહી શકાય. એ પછી સારી રીતે અનુભવ થાય કે પરમાત્મા જ જીવ, જગત થઈ રહેલ છે, તે સંસારથી જુદો નથી. જ્ઞાન-પ્રાપ્તિ પછી રામચંદ્ર જ્યારે સંસારમાં રહેવું નથી એમ કહેવા લાગ્યા ત્યારે દશરથે વસિષ્ઠ મુનિને સમજાવવા માટે બોલાવ્યા. વસિષ્ઠે આવીને કહ્યું કે ‘રામ, જો સંસાર ઈશ્વરની બહાર હોય તો તમે તેનો ત્યાગ કરી શકો’ રામચંદ્ર જોયું કે બરાબર, ઈશ્વર સિવાય બીજું કશુંય નથી. એટલે ચૂપ થઈ ગયા. પછી તેમનાથી સંસાર ત્યાગ થઈ શકયો નહિ.’ (પ્રાણકૃષ્ણને) વાત એટલી કે દિવ્ય ચક્ષુ જોઈએ. મન શુદ્ધ થાય ત્યારે જ એ દિવ્ય ચક્ષુ આવે.

– (શ્રીરામકૃષ્ણ કથામૃત, ખંડ – ૨, પૃ.૩૮-૩૯)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.