શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ.

આવતી કાલે રથોત્સવ. એ પ્રસંગે બલરામ ઠાકુરને આમંત્રણ આપીને ઘેર તેડી લાવ્યા છે. ઘેર શ્રી જગન્નાથ-મૂર્તિની નિત્ય સેવા થાય. એક નાનકડો રથ પણ છે. રથોત્સવને દિવસે રથને બહાર ઓસરીમાં લાવીને ખેંચવામાં આવે.

ઠાકુર માસ્ટરની સાથે વાતો કરે છે. પાસે નારાયણ, તેજચંદ્ર, બલરામ અને બીજા કેટલાય ભક્તો. પૂર્ણ વિષે વાત નીકળે છે. પૂર્ણની ઉંમર પંદરની હશે. ઠાકુર તેને જોવા માટે આતુર થયા છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ, એ (પૂર્ણ) કયે રસ્તેથી આવીને મળશે? દ્વિજનો અને પૂર્ણનો તમે જ મેળાપ કરાવી દો.

‘એક સત્તાના (અધ્યાત્મ-ભાવના) અને એક ઉંમરના લોકોનો હું મેળાપ કરાવી દઉં. એનો એક અર્થ છે. એથી બેય જણની ઉન્નતિ થાય. પૂર્ણનો (ઈશ્વરમાં) અનુરાગ કેવો છે, જોયું છે?’’

માસ્ટર – જી હા. હું ટ્રામમાં બેસીને જઈ રહ્યો છું. તે અગાસીમાંથી મને જોઈને રસ્તા ઉપર દોડી આવ્યો, અને આતુર થઈને ત્યાંથી જ નમસ્કાર કર્યા.

શ્રીરામકૃષ્ણ (જળ ભરાઈ આવેલી આંખોએ) – આહા! આહા! છે ને તે તેને થયું કે આમણે મારો પરમાર્થનો (ઈશ્વર-પ્રાપ્તિ માટેનો સંયોગ) કરાવી આપ્યો છે. ઈશ્વરને માટે આતુર થયા વિના એમ થાય નહિ.

‘આ ત્રણ જણની અંદર પુરુષ-સત્તા (જ્ઞાન-પ્રધાન અધ્યાત્મ-ભાવ), નરેન્દ્ર, છોટો નરેન અને પૂર્ણ. ભવનાથનો નહિ, એનો માદા ભાવ (ભક્તિ-પ્રધાન અધ્યાત્મ-ભાવ).

‘પૂર્ણનો જે પ્રકારની માનસિક અવસ્થા છે, તે જોતાં કાં તો તરતમાં તેના શરીરનો નાશ થશે. કારણ કે ઈશ્વર-પ્રાપ્તિ થઈ ગઈ પછી (શરીર) રહેવાની શી જરૂર? અથવા તો થોડા દિવસની અંદર જ તોડી ફોડીને એ અધ્યાત્મભાવ બહાર નીકળી આવવાનો.

તેનામાં દેવ-સ્વભાવ એટલે દેવતાની પ્રકૃતિ છે. એવી વ્યક્તિમાં લોકોની બીક ઓછી હોય. એને જો ગળામાં માળા, અંગે ચંદન, કે ધૂપ-અગરબત્તીની સુવાસ આપવામાં આવે તો સમાધિ થઈ જાય! એને બરાબર અનુભવ થાય કે અંદર નારાયણ છે, નારાયણ દેહ ધારણ કરીને આવેલ છે. મને એ ખબર પડી ગઈ છે.

‘દક્ષિણેશ્વરમાં જયારે મારી પહેલવહેલી આવી (સમાધિની) અવસ્થા થઈ ત્યારે થોડા દિવસ પછી એક સારા ઘરની બ્રાહ્મણી ત્યાં આવેલી. એ અતિશય સુલક્ષણી. જેવી તેના ગળામાં ફૂલમાળા નાખી અને સામે ધૂપ-અગરબત્તી કરવામાં આવ્યાં કે તરત તેને સમાધિ થઈ ગઈ! થોડીવાર પછી તેને આનંદ, અને તેનાં નેત્રોમાંથી ધારા પડવા લાગી. મેં એ વખતે પ્રણામ કરીને પૂછયું, ‘મા, મને (ઈશ્વર-દર્શન) થશે?’ એણે કહ્યું, ‘હા’.

‘પૂર્ણને હજી એક વાર મળવું છે. પણ મળવાની સગવડ કયાં છે?

‘કલા હોય એમ લાગે છે. (પૂર્ણ ઈશ્વરની એક કલા લઈને અવતરેલ છે). શી નવાઈ! માત્ર અંશ નહિ, કલા!

(શ્રીરામકૃષ્ણ કથામૃત – ભાગ : ૩, પૃ. ૧૧૬-૧૭)

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.