(ગતાંકથી આગળ)

શિક્ષકનું ચારિત્ર્ય એ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ વાત છે. આ મૌન સંકેત દ્વારા વિદ્યાર્થીઓના મન પર ક્રિયાશીલ પર્યાવરણનું એક પ્રબળ તત્ત્વ બની રહે છે. શિક્ષકે પોતે સહજ, સરળ, નિરાડંબરી, પ્રામાણિક, સત્યનિષ્ઠ, નિર્ભિક અને જીવંત બનવું પડશે. આમ થાય તો જ શિક્ષકો વિદ્યાર્થીઓને પણ એ ગુણોની પ્રાપ્તિ માટે પ્રેરિત કરી શકે. કેવળ વાતોની કોઈ ઉપયોગિતા નથી. 

મણ મણની વાતો કરતા, રૂપિયા બે રૂપિયા ભારના અભ્યાસનું વજન વધુ હોય છે. વ્યાવહારિક ઉદાહરણ દ્વારા પરિપુષ્ટ થયા વિના કેવળ ઉપદેશોનું કોઈ મૂલ્ય જ નથી. નિ:સંદેહ આ એક સર્વવિદિત સત્ય છે, તથ્ય છે. છતાં પણ વ્યવહારમાં એને લગભગ નજરઅંદાજ કરવામાં આવે છે.

અત્યારે જે રીતે શિક્ષણને બૌદ્ધિક જ્ઞાનનો પર્યાય બનાવી દેવામાં આવ્યું છે એટલે કેવળ બૌદ્ધિક જ્ઞાન આપવા સમર્થ લોકોને જ શિક્ષકનો દરજ્જો મળી જાય છે. એમના ચારિત્ર્યની કોઈને પરવા નથી. એ બધું તો પૂરી રીતે એમના વ્યક્તિગત જીવનની બાબત છે. આ વસ્તુસ્થિતિમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે. આપણે એ ન ભૂલવું જોઈએ કે માનવનિર્માણ તથા ચરિત્રનિર્માણ એ જ શિક્ષણનો ઉદ્દેશ્ય છે. એટલે શિક્ષકોને માત્ર આધુનિક પદ્ધતિએ બૌદ્ધિક જ્ઞાન આપવામાં કુશળ બનવું પડશે એટલું જ નહિ, પરંતુ એમની પાસે પોતાના વિદ્યાર્થીઓમાં ઉચ્ચતર ભાવો જગાડવાની ક્ષમતા પણ હોવી જોઈએ. આને લીધે શિક્ષક પાસે શિક્ષણની સાથે એક વાસ્તવિક સુદૃઢ ચારિત્ર્યનું પણ પ્રમાણ હોવું જોઈએ.

પ્રાચીન તથા મધ્યકાલીન ભારતમાં મોટે ભાગે ત્યાગી વૈરાગી લોકો જ શિક્ષક બનતા. નાલંદા અને વિક્રમશિલા જેવા વિદ્યાલયો સંન્યાસી સંઘો દ્વારા ચલાવવામાં આવતા. આપણા સમયની ગ્રામ્ય તથા સંસ્કૃત પાઠશાળાઓ પણ સરળ અને આધ્યાત્મિક ભાવનાવાળા સદ્‌ગૃહસ્થો દ્વારા ચલાવવામાં આવતી. રાષ્ટ્રિય આધાર પર આ દેશના શિક્ષણનું પુનર્ઘડતર કરવા માટે આપણે આપણી રાષ્ટ્રિય પદ્ધતિના આ પાસાં તરફ ધ્યાન આપવું પડશે. જ્યાં સુધી વ્યાવહારિક રૂપે સંભવ બને ત્યાં સુધી એનું સંરક્ષણ પણ કરવું પડશે.

શિક્ષક માટે પોતાનું કાર્ય ત્યાગ અને સેવાના ભાવથી સ્વીકારે એ યોગ્ય ગણાશે. એણે એક આધ્યાત્મિક સાધક બનવું પડશે. એણે જેની આવશ્યકતા ઓછામાં ઓછી હોય એવા સચ્ચરિત્રશિલ અને સંતોષી માનવ બનવું પડશે. ધનના બદલામાં પોતાના જ્ઞાનને ન વેચે એ જ કરવું સારું રહેશે. પ્રાચીનકાળની જેમ સરકાર કે બીજા જ્ઞાન સંરક્ષકો દ્વારા શિક્ષકોની આવશ્યકતાઓની પૂર્તિ કરી શકાય. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ સાથે એમનો સંબંધ વ્યાવસાયિકતા દ્વારા કલુષિત બનવામાંથી બચાવી શકાય. હિંદુ પરંપરા પ્રમાણે એક શિક્ષકનો પોતાના વિદ્યાર્થી સાથે જેમ એક પિતાને પોતાના પુત્ર સાથે સંબંધ હોય છે તેવો જ પવિત્ર સંબંધ રહે છે. ધનનું મહત્ત્વ આવા સંબંધોની પવિત્રતાને નષ્ટ કરી દે છે. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના અરસપરસના સંબંધની પવિત્રતાને જાળવી રાખવાના ઉપયોગી ઉપાય શોધી કાઢવા માટે ગંભીર પ્રયાસ કરતો રહેશે. એવી આશા રાખવામાં આવે છે કે વ્યાવસાયિક કાલીમાથી મુક્ત એક ‘જાજ્વલ્યમાન ચરિત્ર’વાળો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓનાં શ્રદ્ધા તેમજ પ્રશંસાનું પાત્ર બનશે અને એમની ભીતર રહેલ પરિપૂર્ણતાને અભિવ્યક્ત કરવામાં મદદ કરીને એમનાં મન પર આવશ્યક પ્રભાવનો વિસ્તાર પણ શિક્ષક કરી શકશે.

કેવળ આવા શિક્ષકો જ વિદ્યાર્થીઓને એ સ્વૈચ્છિક સમર્પણના ભાવમાં અનુપ્રાણિત કરવાની સ્થિતિમાં છે અને આ બાબત સાચી દિશામાં વિદ્યાર્થીઓના વિકાસ માટે અત્યંત આવશ્યક છે. આતંક કે ભય દ્વારા પરાણે સમર્પણ કરાવવાવાળી વર્તમાન પદ્ધતિનો એક હાનિપૂર્ણ અને હતોત્સાહકારી પ્રભાવ પડે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘સાચો શિક્ષક એ છે કે જે તત્કાળ વિદ્યાર્થીના સ્તર સુધી ઊતરી શકે અને પોતાના આત્માને વિદ્યાર્થીના આત્મામાં પ્રવેશ કરાવી શકે; સાથે ને સાથે એના મન દ્વારા એ બધું જોઈ સમજી પણ શકે. કેવળ આવા જ શિક્ષક કેળવણી આપી શકે છે, બીજા કોઈ નહિ.’

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.