ગરીશ (ત્રૈલોકયને) – આપ અવતારમાં માનો છો?

ત્રૈલોકય – ભક્તમાં જ ભગવાન અવતીર્ણ. અનંત શક્તિનું પ્રાગટય થઈ શકે નહિ. કોઈ પણ માણસમાં થઈ શકે નહિ.

ગિરીશ – છોકરાંઓની ‘બ્રહ્મ-ગોપાલ’ કહીને સેવા કરી શકો અને મહાપુરુષની ઈશ્વર તરીકે શું પૂજા કરી શકાય નહિ?

શ્રીરામકૃષ્ણ (ત્રૈલોકયને) – અનંતની બાબત અહીં શા માટે ઘુસાડો છો? તમને અડવું હોય તો શું તમારા આખા શરીરને અડવું જોઈએ કે? ગંગાસ્નાન કર્યું એનો અર્થ શું હરદ્વારથી તે ગંગાસાગર સુધીની આખી ગંગાને હાથ લગાડયો હોવો જોઈએ કે? ‘હું મર્યે મટે જંજાળ!’ જયાં સુધી ‘હું’ રહે ત્યાં સુધી ભેદબુદ્ધિ રહે. ‘હું’ નીકળી જાય પછી શું રહે એ કોઈ જાણી શકે નહિ, મોઢેથી બોલી શકે નહિ. જે છે તે છે! એ વખતે પછી થોડાક (ઈશ્વર) આમાં પ્રકાશિત થયો છે ને બાકીનો પેલામાં પ્રકાશિત થયો છે એ બધું કહી શકાય નહિ. સચ્ચિદાનંદ સાગર! એની અંદર ‘હું’ પણું એ ઘડા જેવું. જયાં સુધી ઘડો છે ત્યાં સુધી જાણે કે પાણીના બે ભાગ હોય એમ લાગે; ઘડાની અંદર એક ભાગ ને બહારનો એક ભાગ. પણ ઘડો ફૂટી જાય ત્યારે વળી એક જ પાણી. એ પણ કહી શકાય નહિ? કહે કોણ?

ચર્ચા પૂરી થયા પછી ઠાકુર ત્રૈલોકયની સાથે મીઠાશભરી વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – તમે તો આનંદમાં છો ને?

ત્રૈલોકય – કયાં અહીંથી ઊઠયો કે વળી પાછો જેવો હતો તેવો જ થઈ જવાનો. અહીં આપની પાસે મજાની ઈશ્વરની ઉદ્દીપના થાય છે!

શ્રીરામકૃષ્ણ – જોડા પહેરી રાખ્યા હોય તો કાંટામાં જતા બીક લાગે નહિ. ‘ઈશ્વર સત્ય અને બીજું બધું અનિત્ય’ એ જ્ઞાન હોય તો કામ-કાંચનની બીક નહિ.

બલરામ ત્રૈલોકયને મીઠું મોઢું કરાવવા સારુ બીજા ઓરડામાં લઈ ગયા. શ્રીરામકૃષ્ણ ત્રૈલોકયની અને તેમના સંપ્રદાયના લોકોની અવસ્થાનું ભક્તો પાસે વર્ણન કરે છે. રાતના નવ વાગ્યા છે.

શ્રીરામકૃષ્ણ (ગિરીશ, મણિ અને બીજા ભક્તોને) – એ લોકો શેના જેવા, ખબર છે? એક કૂવાનો દેડકો હતો. તેણે કોઈ દિ’ પૃથ્વી જોઈ ન હતી. માત્ર કૂવાને જ ઓળખે. એટલે એ કોઈ રીતે માને નહિ કે પૃથ્વી જેવી એક વસ્તુ છે. આ લોકોને ભગવાનના આનંદની ખબર નથી. એટલે તેઓ ‘સંસાર, સંસાર’ કરે છે. (ગિરીશને) તમે એમની સાથે જીભાજોડી શું કામ કરો છો? એ લોકો બન્ને લઈને રહે છે. ભગવાનના દર્શનના આનંદનો સ્વાદ ચાખ્યા વિના એ આનંદની વાત સમજી શકે નહિ. પાંચ વરસના બાળકને શું રમણસુખનો આનંદ સમજાવી શકાય? સંસારીઓ જે ‘ઈશ્વર’ ‘ઈશ્વર’ કરે, એ બધી સાંભળેલી વાતો. જેમ કે દેરાણી જેઠાણીઓ ઝઘડો કરે ત્યારે તેમની પાસેથી છોકરાઓ સાંભળી રાખે, અન બોલે કે ‘ભગવાનના સોગંદ!’

‘પરંતુ એમાં એમનો દોષ નથી. સૌ કોઈ શું અખંડ સચ્ચિદાનંદને સમજી શકે? રામચંદ્રને માત્ર બાર ઋષિઓ ઓળખી શકયા હતા. સહુ કોઈ ઓળખી શકે નહિ. કોઈ સાધારણ માણસ તરીકે જાણે; કોઈ સાધુ પુરુષ તરીકે જાણે; બે ચાર માણસો અવતાર તરીકે સમજી શકે!

‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં લઈ જા; જુદા જુદા માણસો પાસે તેની કિંમત કરાવીને મને કહેજે કે કોણ શો ભાવ આપે છે. પહેલાં રીંગણાવાળા કાછિયા પાસે લઈ જજે. એ પ્રમાણે મુનીમ હીરો બજારમાં લઈ ગયો ને કાછિયાને બતાવ્યો. તેણે હીરાને આમતેમ ફેરવી કરીને કહ્યું કે ‘ભાઈ, આનાં નવ શેર રીંગણા આપું!’ મુનીમ કહે કે ‘અલ્યા! જરા વધુ દે. કંઈ નહિ તોય દશ શેર આપ!’ તેણે કહ્યું, ‘મેં બજાર ભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે; એટલામાં તમારે પોસાય તો આપી જાઓ.’ એટલે મુનીમ હસતો હસતો હીરો પાછો લઈને શેઠની પાસે ગયો અને કહ્યું કે ‘શેઠ, રીંગણાવાળો નવશેર રીંગણાં કરતાં વધુ એક પણ રીંગણું આપવા રાજી નથી. એ કહે છે કે એમાંય મેં બજારભાવ કરતાં વધુ બોલી નાખ્યું છે!’

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.