રુડિયાર્ડ કિપ્લિંગે લખેલ અંગ્રેજી કાવ્ય ‘IF’નો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી રસાસ્વાદનો પ્રથમ ભાગ અહીં પ્રસ્તુત છે. – સં.

IF

If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,
If you can trust yourself when all men doubt you.
But make allowance for their doubting too;
If you can wait and not be tired by waiting,
Or being lied about, don’t deal in lies,
Or being hated don’t give way to hating,
And yet don’t look too good, nor talk too wise;
If you can dream – and not make dreams your master;
If you can think – and not make thoughts your aim,
If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;
If you can bear to hear the truth you’ve spoken,
Twisted by knaves to make a trap for fools,
Or watch the things you gave your life to, broken,
And stoop and build ’em up with worn-out tools;
…………
Yours is the Earth and everything that’s in it,
And – which is more – you’ll be a Man, my son!’
(to be continued in next issue)

-Rudyard Kipling

કાવ્યમાં માણસના વ્યક્તિત્વનું ઘડતર કરવાનું સામર્થ્ય રહેલું હોય છે. અને વ્યક્તિત્વનું ઘડતર કરનારાં પરિબળો હમેશાં વિવાદાસ્પદ રહેવાનાં આ બાબતમાં જો કારણની ખોજ કરવા જઈએ તો આપણને ખાતરી થશે કે માણસના વ્યક્તિત્વનાં બે પાસાં છે – આંતરિક અને બાહ્ય. ઈશ્વર દરેક માણસને એનું આગવું વ્યક્તિત્વ પ્રદાન કરીને જ આ ધરાતલ પર મોકલે છે. પણ મનુષ્ય હમેશાં વિકાસશીલ રહ્યો છે. એ બહારના પરિવેશમાંથી પણ કેટલુંક સારું નરસું ઝડપી લે છે અને પોતાના વ્યક્તિત્વને ઓપ આપે છે.

મનુષ્ય સામાજિક પ્રાણી છે. તેથી તેણે જે કાંઈ બાહ્ય પરિબળોનો આશ્રય જાણતાં કે અજાણતાં લેવાનો હોય છે, તે તો સમાજનાં માણસો પાસે જ. તેથી મનુષ્ય પર અન્ય પરિબળો (દા.ત. નિસર્ગ, પુસ્તક વગેરે) કરતાં માનુષી પરિબળો વધુ અસર કરી જાય છે. અને માણસો કાંઈ બધાં જ સારાં કે બધાં જ ખરાબ હોતાં નથી. ખરેખર તો કેટલીક વખત કોઈ માણસ સારો છે કે ખરાબ તેના વિષે આપણે વરસો સુધી નિર્ણય લઈ શકતા નથી.

મનુષ્ય-સ્વભાવની આ સંકુલતાને લીધે જ તેના વિષે જુદી જુદી રીતે મનીષીઓ વિચારતા રહે છે. અને તેથી જ સાહિત્યનું મહત્ત્વ છે. કિપ્લિંગનું કાવ્ય IF આવી જ એક મીમાંસાને પોતાના કથાવસ્તુનો વિષય બનાવે છે. મનુષ્ય માટે કેટલીક પળો ભારે ગંભીર આવે છે. તે વખતે તે કેવું વર્તન કરે છે, તેના પરથી તેની ક્ષુદ્રતા કે મહત્તાનો આપણને ખ્યાલ આવી જાય છે. આવી કેટલીક પળોનો નિર્દેશ કવિ આ અમર કાવ્યમાં કરે છે.

અને એ પળોમાં પણ જો તમે કવિ કહે તેવું વર્તન કરી શકો તો કવિ તમને ‘‘ભાયડો’’ (પૌરુષયુક્ત पुरुष, મરદ) કહેશે. એવું વર્તન કરતાં બીજી સિદ્ધિઓ તો મળશે જ, એવું પણ કવિ વચન આપી રાખે છે. આપણે કવિને જ સાંભળીએ –

If you can keep your head when all about you
Are losing theirs and blaming it on you,

જો સમાજમાં માણસો મગજ ગુમાવી દઈને – સારાસારનો વિવેક ગુમાવી દઈને વર્તન કરતા હોય અને એના દોષનો ટોપલો તમારા ઉપર જ ઢોળી દેતા હોય તે વેળાએ જો તમે તમારા મગજની સમતુલા જાળવી રાખી શકો તો…

આપણને કોઈ ખોટી રીતે દોષિત ઠરાવે તે આપણને ગમતું નથી. પણ તેથી કાંઈ આપણે આપણા મગજની સમતુલા ગુમાવીને બેજવાબદાર વર્તન ન કરી શકીએ. સંસ્કારી માણસની કસોટી જ એ છે કે એ સ્વસ્થ રીતે કાર્યકારણનો વિચાર કરશે. આવી સ્વસ્થ વિચારણા કરનાર માણસ અનેક સિદ્ધિઓ મેળવી શકે છે.

બીજી એક પળ છે લોકો આપણી નિષ્ઠા વિષે શંકાકુશંકા વ્યક્ત કરવા માંડે તે. જેમ માણસ વધારે નિષ્ઠાવાળો હશે, તેમ લોકો તેના વિષે વધારે શંકા કરવાના જ. આ વેળાએ સંસ્કારી માણસ કેવું વર્તન કરવું, એના વિષે માર્ગદર્શન આપતાં કવિ કહે છે :

If you can trust yourself when all men doubt you.
But make allowance for their doubting too;

જ્યારે લોકો તમારે વિષે શંકાકુશંકા કરવા લાગે ત્યારે તમે જો તમારી જાતમાંથી વિશ્વાસ ન ગુમાવી દો, તો તમે સંસ્કારી માણસ છો. પણ અહીં એક ભયસ્થાન છે. કેટલીક વાર આપણા વિચારો એવા રૂઢ થઈ ગયા છે, કે આપણે અન્યના વિચારો વિષે સાવજડતા બતાવીએ છીએ. લોકોને એમની રીતે વિચારવાનો અધિકાર છે. એ વાત જ આપણે ભૂલી જઈએ છીએ. આનું પરિણામ એ આવે છે કે આપણા જીવનમાં કડવાશ આવી જાય છે અને એ અશાંતિની જનની બની રહે છે. આ વખતે જો આપણે આપણા પર શંકા કરનાર વ્યક્તિના વિચારને પણ સ્વસ્થતાથી સમજવાનો પ્રયાસ કરીએ તો આપણને ઘણીવાર નવું દર્શન લાધશે. પણ માણસો, ખાસ કરીને બુદ્ધિશાળી માણસો – Consistency – સંગતિ- ના બહાના નીચે પોતાના વિચારોને વળગી રહે છે. જૂના વિચારો એક વખત વ્યક્ત થઈ જાય, પછી તેમાં પરિવર્તન કરવું એમને બરાબર લાગતું નથી. આથી સંઘર્ષ સર્જાય છે. પરંતુ જેમના વિચારોએ સમગ્ર જગતને સ્પર્શ કર્યો હોય તેવા. મહાત્મા ગાંધી આ વિચારસંગતિ વિષે કહે છે :

“Consistency is a desirable quality but it becomes a hobgoblin when it refuses to see facts.” (Glorious Thoughts of Gandhi, p. 57)

– વિચારોની સંગતતા એ ઇચ્છવા જેવો સદ્‌ગુણ છે, પણ જો એ હકીકતો પ્રત્યે જોવાનો જ ઇન્કાર કરે તો તે સેતાન જેવી ખતરનાક બની રહે છે.

માણસના જીવનમાં હમેશાં બીજા વિચાર (Second Thought)ને સ્થાન હોવું જોઈએ. પરંતુ એનો અર્થ કોઈ એવો ન જ કરે કે છાસવારે વિચારોમાં પરિવર્તન કર્યા જ કરવું જોઈએ અને હમેશાં બીજાના જ વિચારોને માન આપીને આપણે આપણા આદર્શો જતા કરવા જોઈએ. જગતના ડાહ્યા માણસો આને Compromise – બાંધછોડ – કહે છે. પરંતુ આપણે એક વાત ન ભૂલીએ કે જ્યારે આપણે છોડવા જ બેસીએ છીએ ત્યારે કેટલું છૂટી જાય છે અને કેટલું મૌલિક જળવાઈ રહે છે, એ વિચારવાનો પ્રશ્ન બની રહે છે.

કવિના મતે બીજી એક પળ છે. ફળ માટે રાહ જોવાની અને આપણા વિષે કોઈ જુઠ્ઠો પ્રચાર શરૂ કરે તેની કવિ કહે છે :

If you can wait and not be tired by waiting,
Or being lied about, don’t deal in lies,

આપણે રાહ જોઈ શકીએ અને રાહ જોવાનો આપણને કંટાળો ન આવે, થાક ન લાગે અથવા આપણા વિષે કોઈ જુઠ્ઠો આક્ષેપ કરે ત્યારે આપણે પણ સામે જુઠ્ઠાણાં શરૂ ન કરી દઈએ.

આજે આપણા જીવનમાંથી ધીરજ, ધૈર્યનો દૈવી ગુણ વિદાય લઈ રહ્યો છે, ત્યારે કવિએ એક મુદ્દાની વાત કરી છે કે તમે ધીરજ ધારણ કરતાં કદી થાકો નહીં. આજે જ્યારે બધે instant – તાત્કાલિક – નો યુગ પ્રવર્તે છે, ત્યારે માનવજીવનનું આ મૂલ્ય – ધૈર્ય – સાવ નાશ પામવા બેઠું છે. જૂની કહેવત ‘ધીરજનાં ફળ મીઠાં છે’ અથવા ‘ઉતાવળે આંબા પાકે નહીં,’ એ માત્ર શબ્દમાં જ રહી ગયેલ છે, ત્યારે કવિ ધૈર્યને મહત્ત્વપૂર્ણ ગુણ ગણાવીને સતત ધૈર્યશીલ માણસને મરદ ગણાવી રહ્યા છે.

આવી જ બીજી પળ છે આપણા પર કાંઈક જુઠ્ઠો આક્ષેપ કરે તેની. આ વખતે આપણને ઇચ્છા થઈ જાય જ છે કે જેવા સાથે તેવા થવામાં કાંઈ ખોટું નથી. પણ સત્ત્વશીલ માણસ પોતાના સત્ત્વને ભૂલી નહીં જાય. જુઠ્ઠાણાં સામે જુઠ્ઠાણાં એ તો છે અસત્યના ગુણાકાર જ. સાચો માનવ આવી પાપ-પ્રવૃત્તિમાં ન પડે. તે જો અસત્ય વચન નહીં ઉચ્ચારે તો એક તો દેખીતો લાભ છે જ કે અસત્યોની સંખ્યા બેવડાશે નહીં.

માનાપમાનનું દ્વન્દ્વ પણ મનુષ્યના ઘડતરમાં મોટો ફાળો આપી જાય છે. ઘડીભર માણસને એમ લાગે છે કે લોકો મને ધિક્કારે છે, ત્યારે હું શા માટે તેમના પ્રત્યે પ્રેમ કે નરમાશ દાખવું? કવિ આવી પળમાં કેવું વર્તન કરવું, તેના વિષે સુયોગ્ય સૂચન કરે છે :

Or being hated don’t give way to hating,
And yet don’t look too good, nor talk too wise;

જ્યારે આપણે સમાજ તરફથી તિરસ્કાર મળે ત્યારે કવિ કહે છે કે જો તમે તિરસ્કારનાં પરિબળોને બે-લગામ ન બનાવી દો તો તમે સાચા માણસ છો. અને કવિની સલાહ છે કે તમે એટલા બધા સારા ન દેખાતા કે લોકો તેમને ભોટ ગણી લે. સાથે બહુ ડાહી ડાહી વાતો પણ કરવી નહીં.

પરંતુ આની સાથે એક અનુભવી વડીલની ગંભીરતાથી કવિ કેવું વર્તન કરવું, તે બાબતમાં શીખ આપે છે કે તમે તિરસ્કારને પારખી જ નથી શકતા એવી પ્રતીતિ સામા માણસને ન થાય તેવી તો તમારી વર્તણૂક હોવી જ જોઈએ. આવા સમયે માણસ એટલું બધું સારાપણું ન દાખવવું જોઈએ કે જેથી લોકો તેને ભોટ (કે અક્કલ વગરના) તરીકે ઉતારી પાડે અને સાથે એવી ડહાપણ ભરેલી વાતો પણ ન કરવી કે જેથી લોકો આપણને અવ્યવહાર તરીકે ગણવા માંડે. તિરસ્કારની સામે તિરસ્કાર ન કરીએ, પણ અપાત્રે પ્રેમ ન દાખવવાનો માર્ગ અપનાવવાની તો કવિની સલાહ છે જ.

મનુષ્ય સ્વપ્નશીલ પ્રાણી છે. પરંતુ આ સ્વપ્નો માત્ર સ્વપ્નો જ રહે તો વિચારશીલ મનુષ્ય અને શેખચલ્લી વચ્ચે શો ફેર રહે? આથી સ્વપ્નના શિલ્પીને ઉદ્દેશીને કવિ કહે છે :

If you can dream – and not make dreams your master;
If you can think – and not make thoughts your aim,

જો તમે સ્વપ્નો સેવી શકતા હો અને સ્વપ્નો તમારા પર પ્રભુત્વ ન ભોગવી જાય તેવી દરકાર રાખતા હો;

જો તમે વિચારશક્તિ ધરાવતા હો અને માત્ર વિચારો કરવામાં તમારા જીવનની ધ્યેયસિદ્ધિ ન માનતા હો તો તમે સાચા માણસ છો.

આપણે જાણીએ છીએ કે આજનું જગત અનેક સ્વપ્નશિલ્પીઓનું સંયુક્ત સર્જન છે. પણ સ્વપ્નોના પ્રકારો ભિન્ન ભિન્ન હોય છે. ખોટાં સ્વપ્નો સેવીને આપણે હવાઈ કિલ્લાઓ ન ચણીએ. એ જોવું જરૂરી છે. જો ખોટાં સ્વપ્નો આપણા વ્યક્તિત્વનો કબજો લઈ લે તો આપણે મનુષ્યત્વ જ ગુમાવી બેસીએ.

એવી જ વાત વિચારોની છે. વિચાર એ માનવીને ઈશ્વરે આપેલી દિવ્ય બક્ષિસ છે. પણ વિચારો સેવીને જ બેઠા રહીએ અને વિચારનુસાર આચાર ન કરીએ તો પેલો વિચાર વંધ્ય બની જાય. જીવનનું ધ્યેય સદ્‌વિચારોને અમલમાં મૂકવાનું હોવું જોઈએ. આથી કવિ કહે છે કે જે માણસ માત્ર વાંઝિયા વિચારો કરવા, તેને જ પોતાનું ધ્યેય માનતો નથી, તે ખરો મરદ છે.

આ સ્વપ્ન અને વિચારોની શક્તિનો સમન્વય સાધવાની શીખ આપતાં એક મહાપુરુષ કહે છે :

Dream Dream Dream ; Think Think Think ; Act Act Act.

સ્વપ્નો સેવો અવશ્ય સેવો પણ તેના સારાસાર વિષે વિચાર પણ કરો. એ વિચાર કર્યા પછી કાર્યમાં લાગી જાઓ. કેવો સરસ સમન્વય છે!

માત્ર સ્વપ્નો કે માત્ર વિચારો જ માનવનું જીવનધ્યેય ન હોઈ શકે. વિચારો જો આચરણમાં ઊતરે તો જ એની સાર્થકતા છે.

ગીતાએ કેટલાંક દ્વન્દ્વોની વાત કરી છે. એ છે સુખદુ:ખ, લાભહાનિ, જયપરાજય વગેરે. એ દ્વન્દ્વો માનવજીવનને મથી નાખનારાં પરિબળો છે. આથી ગીતાએ એ બધાંની વચ્ચે સમત્વની વાત કરી છે અને યોગની વ્યાખ્યા જ આ રીતે આપી છે : समत्वं योग उच्यते । – गीता २.४८ – સમત્વ એ યોગ કહેવાય છે. આપણો કવિ અહીં ગીતાની વાત જરાક જુદા શબ્દોમાં કરે છે :

If you can meet with Triumph and Disaster
And treat those two impostors just the same;

-જો તમે વિજય અથવા સિદ્ધિ અને એકાએક આવી પડેલી આફતને આવકારી શકો અને એ બન્ને પાખંડીઓને સમાન માની શકાતો તમે ખરા મરદ છો.

માણસ વિજયને તો આવકારી લે; સિદ્ધિને આવકારવી કોને ન ગમે? પણ આફતને આવકારનારો કાંઈક જુદી જ માટીના માનવી હોવો જોઈએ. કાચા પોચાનું આ કામ જ નથી. આફત ભલભલાને ભાંગી નાખે છે. એ વખતે ધીરજ રાખવી અને ઈશ્વર પર શ્રદ્ધા રાખીને એ આફતનો દૃઢતાથી સામનો કરવો એમાં જ વ્યક્તિત્વની કસોટી છે. એ જ તો મરદાનગી છે.

કવિ આ બન્ને પરિબળોને ધૂતારા કે પાખંડીઓ કહીને ઓળખાવે છે. કેમકે આપણે જેને વિજય માનીએ છીએ કે આપણી સિદ્ધિ માની ફુલાઈને ફાળકો થઈએ છીએ, એમાં આપણું પોતાનું કર્તૃત્વ કેટલું હોય છે? એ વિજય મેળવવાની શક્તિ મને કોણે આપી? એ પ્રશ્નના આપણે કદી વિચાર કરીએ છીએ ખરા? આ બાબતની મીમાંસા કરતાં ગીતા નિમ્નલિખિત શ્લોકો આપે છે :

पंचैतानि महाबाहौ कारणानि निबोध मे ।
सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पंचमम् ॥ (गीता १८.१३-१४)

હે અર્જુન! સર્વ કર્મોના સિદ્ધ થવામાં આ પાંચ કારણો સાંખ્યમાં કહેવામાં આવ્યાં છે. તેમને મારી પાસેથી જાણી લે : (૧) અધિષ્ઠાન – જેના આશ્રયે રહીને ક્રિયાઓ થાય છે, એ શરીર, ભૂમિ વગેરે. (૨) કર્તા – ક્રિયાનો કરનારો (૩) કરણો – મન, બુદ્ધિ અને અહંકારરૂપી અંત:કરણને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોરૂપી દસ બાહ્યકરણો તેમજ કર્મો કરવામાં ઉપયોગી સાધનો. (૪) ચેષ્ટાઓ (૫) દૈવ – પૂર્વે કરેલાં શુભાશુભ કર્મોના સંસ્કારો જે પ્રારબ્ધ કે અદૃષ્ટના નામે પણ ઓળખાય છે.

અહીં ગીતકાર એક વસ્તુ અત્યંત સ્પષ્ટ રીતે બતાવે છે કે કોઈપણ કાર્યની સિદ્ધિ (કે સફલતામાં) તેના કર્તાનો ફાળો એક પંચમાંશ હોય છે. આપણો માત્ર પાંચમો ભાગ છે, તેમાં આપણે એમ માનીએ છીએ કે મારો જ આખો ય ભાગ છે. બીજી રીતે કહીએ તો આપણે હકદાર છીએ ૨૦% ના અને દાવા કરીએ છીએ ૧૦૦ %નો. આવો દાવો કરવા પ્રેરે તે પરિબળ ધૂતારું, કે શયતાન ન હોય, તો બીજું શું હોય? આફતની બાબતમાં પણ આ જ ગણિત લાગુ પાડી શકાય. એવું નથી લાગતું?

આ ધૂતારાઓને પારખી લેવાની વિવેકશક્તિ હોવી એ સમજુ માણસનું લક્ષણ છે. આ જગતમાં ઉપલબ્ધ થતાં માનાપમાન કે સુખદુ:ખ કે જય પરાજય એ સાચાં નથી. માણસ એ બધાં દ્વન્દ્વોની વચ્ચે પોતાના મનની સમતુલા ન ગુમાવવી જોઈએ. એને વિક્ષુબ્ધ ન થવા દેવું જોઈએ એમ કિપ્લિંગ માને છે.

માણસોનાં વચનોનું અર્થઘટન શ્રોતાઓ પોતપોતાના સંસ્કારોની મર્યાદામાં રહીને જ કરી શકતા હોય છે. વળી વાણીની બાબતમાં એક અવલોકન એવું છે કે यथा स्त्रीणां तथा वाचां साधुत्वे दुर्जनो जन: । – અર્થાત્‌ સ્ત્રીઓ અને વાણીની બાબતમાં તેમના સારાપણા વિષે વિચારણા કરવાની આવે ત્યારે લોકો દુર્જન બની જાય છે. અર્થાત્‌ સ્ત્રીના ચારિત્ર્ય અને વાણીની નિર્દોષતા વિષે લોકો એકી અવાજે સારું પ્રમાણપત્ર આપતા હોતા નથી. કેટલીક વાર આવી વેળા માણસને માટે જીવનમરણનો પ્રસંગ ઊભો કરી દેતી હોય છે. આવા વખતે ખુમારી ગુમાવ્યા વિના સાત્ત્વિક જીવનને વળગી રહે અને હિંમત હારી ન બેસે એ જ સાચો મર્દ. કવિ ગાય છે :

If you can bear to hear the truth you’ve spoken,
Twisted by knaves to make a trap for fools,

– તમે ઉચ્ચારેલા સત્યનું દુષ્ટ લોકો વિકૃત અર્થ-ઘટન કરીને મૂર્ખ લોકો માટે જાળ બિછાવતા હોય અને તે સાંભળવાનું સામર્થ્ય ધરાવતા હો તો તમે પૌરુષ દાખવ્યું કહેવાય.

ઘણીવાર મહાપુરુષોનાં વચનોનું ન માની શકાય તેવું વિકૃત અર્થઘટન થતું હોય છે અને દુષ્ટો પોતાના લાભ ખાતર એ વચનોનો આશ્રય લઈને મૂર્ખ કે અણસમજુ લોકોને ફસાવતા હોય છે. મહાપુરુષોએ આ યાતનામાંથી પણ પસાર થવું પડે છે. આમ સાદી સીધી રીતે ઉચ્ચારાયેલા સત્યને સ્વાર્થ સાધવા માટે વિકૃત કરતાં લુચ્ચા લોકો ડરતા નથી. મહાપુરુષ એને સંભાળે અને પોતાના મનની સમતુલા ન ગુમાવી દે તો જ એ સાચો મહાપુરુષ.

આવી જ બીજી વસ્તુ છે સંસ્થાઓ અને સંગઠનો. અનેક સંગઠનો અને સંસ્થાઓને ઊભાં કરવા માટે તેમના આદિપુરુષોએ પોતાનાં જીવન હોમી દીધાં હોય છે. પણ ધીમે ધીમે તેને લૂણો લાગતો જાય છે અને ઉત્તરોત્તર વામણા માણસોના હાથમાં તંત્ર આવતાં એ સંસ્થા પોતાનો ધ્યેયને ગુમાવી બેસતી હોય છે. કમભાગ્યે જો એ સંસ્થાના જનકોમાંથી કોઈ હાજર હોય અને આ કરુણતા જુએ, તો તેનું હૃદય હચમચી ઊઠે, એ તદ્દન સ્વાભાવિક છે. પણ હૃદયનો હચમચાટ કે વિક્ષોભ મનની અસમતુલાનું જ નિદર્શન છે. આથી કવિ કહે છે :

Or watch the things you gave your life to, broken,
And stoop and build ’em up with worn-out tools;

– અથવા તમે જે ધ્યેયને ખાતર તમારું જીવન સમર્પિત કરી દીધું હોય, તે ધ્યેયને તમે નમી પડતું, ભાંગી પડતું જુઓ અને તેને સાકાર કરવા માટે તકલાદી – સડેલાં – નાકામયાબ – ઓજારોનો ઉપયોગ થતો જુઓ, ત્યારે જો તમે સ્વસ્થતા ગુમાવો નહીં તો જ તમે સારા મનુષ્ય.

મહાપુરુષોના જીવનમાં આવી પળો આવતી જ હોય છે. એમના જીવનધ્યેયને, એમણે ઊભી કરેલી સંસ્થાઓને, તેમના અનુગામીઓ સમજી શકતા નથી. તેમને મને તે તે સંસ્થાઓનું ગૌરવ માત્ર પોતાનો સ્વાર્થ સાધવા માટેનું હથિયાર જ બની રહેતું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે તે સંસ્થાઓનાં નામને વટાવી ખાવામાં અને એ સંસ્થાઓના આદિપુરુષોનો ઉપયોગ પોતાની સ્વાર્થસાધના માટે કરવામાં હલકા લોકો જરાય સંકોચ અનુભવતા નથી. સામાજિક રાજકીય કે શૈક્ષણિક ક્ષેત્રે જૂની પ્રતિષ્ઠા ધરાવતી સંસ્થાઓ આજે જે દયનીય અવસ્થામાં પડેલી છે, તેના દાખલા ઊડીને આંખે વળગે તેવા છે.

આ સંસ્થાપકો કે આદિપુરુષો જો નિષ્કામપણે કાર્ય કરતા હોય તો જ એ લોકો તે સંસ્થાની અવગતિ, વિનાશ કે વતનની પ્રક્રિયાને પણ સ્વસ્થતાની સહન કરી શકે. જો માનસિક સ્વસ્થતા ન હોય, હૃદય વધારે પડતું લાગણીપ્રધાન હોય તો માણસ એક યા બીજા પ્રકારના રોગનો શિકાર બની જાય અને પોતાના જ વિનાશને નોતરી બેસે.

ઘણીવાર એવું બને છે કે અમુક સિદ્ધિ, પદ કે મોભો મેળવવા માટે માણસ આખી જિંદગી ઝાળી નાખવી પડે છે, જાતને ઘસી નાખવી પડે છે. પણ જેમ રાષ્ટ્રના ઇતિહાસમાં તેમ વ્યક્તિના ઇતિહાસમાં પણ કેટલીક પળો એવી આવે છે કે જ્યારે એ બધી મથામણોને હોડમાં મૂકવી પડે છે અને પોતાના સિદ્ધાંતનું કે વચનનું પાલન કરવા માટે એવો મોટો અપયશ વહોરી લેવા પડે છે, જે પૂર્વેની બધી સિદ્ધિઓને ધોઈ નાખે છે. આ વખતે આદર્શ માણસે કેવું વર્તન કરવું જોઈએ.

(ક્રમશ:)

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.