નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન બદ્ધે તપસ્યા કરીને નિર્વાણ-પ્રાપ્તિ કરી હતી તે વૃક્ષની જગ્યાએ એક નવું વૃક્ષ ઊગ્યું છે. એનાં પણ દર્શન કર્યાં હતાં.

કાલીએ કહ્યું કે એક દિવસ ગયાના ઉમેશ બાબુને ઘેર નરેન્દ્રે ગીત ગાયું હતું. મૃદંગની સાથે ખયાલ, ધ્રુપદ વગેરે.

શ્રીરામકૃષ્ણ ઓરડામાં બિછાનામાં બેઠેલા છે. રાત્રિ થોડીક ગઈ છે. મણિ એકલા પંખો નાખી રહ્યા છે. લાટુ આવીને બેઠો.

શ્રીરામકૃષ્ણ (મણિને)- અંગે ઓઢવાની એક ચાદર અને એક જોડી સપાટ લઈ આવજો. મણિ- જી, ભલે.

શ્રીરામકૃષ્ણ (લાટુને) – ચાદરના દશ આના અને એક જોડી સપાટનો રૂપિયો, બધા મળીને કેટલા પૈસા થયા?

લાટુ – એક રૂપિયો ને દશ આના.

ઠાકુરે મણિને કિંમત યાદ રાખવાની ઈશારત કરી. એટલામાં નરેન્દ્ર આવીને બેઠો. શશી અને રાખાલ અને બીજા એક બે ભક્તો આવીને બેઠા. ઠાકુરે નરેન્દ્રને પોતાને પગે હાથ ફેરવવાનું કહ્યું. થોડી વારે ઠાકુરે ઈશારતથી નરેન્દ્રને પૂછે કે ‘તું જમ્યો?’

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને, હસીને) – ત્યાં (એટલે કે બુદ્ધ-ગયા) ગયો હતો.

માસ્ટર (નરેન્દ્રને) – બુદ્ધદેવનો શો મત?

નરેન્દ્ર – એમને તપશ્ચર્યાને અંતે શું મળ્યું, એ સ્વમુખે વ્યક્ત કરી શકયા નહિ. એટલે સૌ કહે છે કે નાસ્તિક.

શ્રીરામકૃષ્ણ (ઈશારત દ્વારા) – નાસ્તિક શા માટે? નાસ્તિક નહિ; મુખથી બોલી શકયા નહિ. બુદ્ધ એટલે શું ખબર છે? બોધ-સ્વરૂપનું ચિંતન કરી કરીને બોધ-સ્વરૂપ થવું.

નરેન્દ્ર – જી હા, એમનામાં ત્રણ વર્ગ છે : બુદ્ધ, અર્હંત અન બોધિસત્ત્વ.

શ્રીરામકૃષ્ણ – એ ઈશ્વરનો જ ખેલ; એક નવી લીલા, નાસ્તિક શેના? જ્યાં સ્વ-સ્વરૂપનો બોધ થાય, ત્યાં અસ્તિ-નાસ્તિની વચ્ચેની અવસ્થા.

નરેન્દ્ર (માસ્ટરને) – જે અવસ્થામાં પરસ્પર વિરુદ્ધ અવસ્થાઓનું મિલન થાય. જેમ કે હાઈડ્રોજન અને ઓકસીજન મળીને ઠંડુ જળ બને. એ જ હાઈડ્રોજન અને ઓકસીજન મળીને ઓકસી-હાઈડ્રોજન બ્લોપાઈપ (જવલંત અતિ ઉષ્ણ અગ્નિ-શિખા) પેદા થાય. તેમ જે અવસ્થામાં કર્મ અને કર્મત્યાગ બન્ને સંભવે; અર્થાત્‌ નિષ્કામ કર્મ. જેઓ સંસારી, ઇન્દ્રિયોના વિષયો લઈને રહ્યા છે, તેઓ કહે છે (જગતથી પર) ‘નાસ્તિ’ નથી. બુદ્ધની અવસ્થા આ અસ્તિ-નાસ્તિથી પર.

શ્રીરામકૃષ્ણ – એ અસ્તિ-નાસ્તિ પ્રકૃતિના ગુણ. જે યથાર્થ તત્ત્વ, તે અસ્તિ નાસ્તિથી પર.

ભક્તો બધા થોડીવાર શાંત બેઠા છે. ઠાકુર વળી વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – એમનો (બુદ્ધનો) મત શો?

નરેન્દ્ર – ઈશ્વર છે કે નથી, એ બધી વાતો બુદ્ધ કહેતા નથી. પણ તેમનામાં દયા ખૂબ હતી. એક બાજ પક્ષી શિકાર પકડીને તેને ખાવા જતું હતું. બુદ્ધે એ શિકારનો પ્રાણ બચાવવા માટે પોતાના શરીરનું માંસ તેને આપ્યું હતું.

ઠાકુર શ્રીરામકૃષ્ણ ચૂપ બેઠા છે. નરેન્દ્ર ઉત્સાહપૂર્વક બુદ્ધદેવની વાતો આગળ ચલાવે છે.

નરેન્દ્ર – એમનો વૈરાગ્ય કેવો? રાજાનો કુંવર થઈને સર્વસ્વનો ત્યાગ કર્યો! જેમની પાસે કંઈ નહિ, કશું ઐશ્વર્ય નહિ, એ વળી શું ત્યાગ કરવાના?

‘જ્યારે બુદ્ધ થઈને, નિર્વાણ-પ્રાપ્તિ કરીને, એકવાર ઘેર આવ્યા ત્યારે પોતાની સ્ત્રીને, પુત્રને, રાજકુટુંબના અનેકને વૈરાગ્ય લેવાનું કહ્યું! કેવો વૈરાગ્ય? પરંતુ આ બાજુ વ્યાસદેવનું વર્તન જુઓ. શુકદેવને સંસાર છોડતાં અટકાવીને કહે છે, ‘પુત્ર, સંસારમાં રહીને ધર્મ-સાધના કરો.’

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.