* પોતાના ઘરમાં મેલાં કપડાંનો ગાંસડો ધોબી રાખે છે પણ, એ કપડાં એનાં નથી. કપડાં ધોવાતાં એનો ઓરડો ખાલી થઈ જાય છે. પોતાના મૌલિક ચિંતન વગરનો મનુષ્ય આ ધોબી જેવો છે. તમારાં ચિંતનોમાં ધોબી ન બનો.

* બીજા જેમ કરે તેમ, પણ તમે જેમ ઇચ્છતા હો તેમ કરો.

* ભીખ માગીને મનુષ્ય નાનો થાય છે. બલિ પાસે માગવા જતી વેળા ભગવાનને પણ વામનરૂપ લેવું પડ્યું હતું. આનાથી આપણે સમજવાનું કે, કોઈની પાસે કંઈ માગીએ ત્યારે આપણે આપણી જાતને હલકી પાડીએ છીએ.

* માનવી માટે સ્તુતિ કરવી કે નિંદા કરવી સરળ છે; માટે તમારે વિશે બીજાઓ શું કહે છે એની દરકાર નહીં કરો.

* શાંતિ અને સદ્‌ગુણનું જીવન જીવવું હોય તો, લોકોની સ્તુતિનિંદા બેઉની ઉપેક્ષા કરો.

* એવાં કેટલાંક માણસો છે જેમની સાથે લોકોએ કાળજીપૂર્વક વર્તવું જોઈએ. પહેલાં પૈસાદાર માણસો. એમની પાસે પૈસો છે, એમની ખૂબ લાગવગ છે. એ ધારે તો તમને નુકસાન કરી શકે. એમની સાથે ખૂબ સાવધાનીપૂર્વક વર્તવું જોઈએ; કદાચ એમની દરેક વાતમાં તમારે હા એ હા કરવી પડે. બીજો, કૂતરો. એ હૂમલો કરે કે ભસે ત્યારે, થોભીને, સિસોટી વગાડી એને ટાઢો પાડવો પડે. ત્રીજો, નાનો બળદ, એ શિંગડાં ભરાવવા ચાહે ત્યારે, કંઈ અવાજ કરી તમારે એને શાંત કરવો પડે. ચોથે આવે દારુડિયો. તમે એને ચીડવો તો, એ તમને ભૂંડામાં ભૂંડી ગાળ દે. પણ તમે એને પ્રેમપૂર્વક કહો કે, ‘કેમ કાકા! કેમ ચાલે છે?’ — તો એ તમારી ઉપર ખુશ થશે અને, આવીને તમારી સાથે હુક્કો પણ પીશે.

* જેણે મૂળા ખાધા હોય તેને મૂળાની ગંધવાળા ઓડકારો આવે, કાકડી ખાનારને કાકડીના એ જ રીતે, કેટલીક વાર, જે હૈયે હોય તે જ હોઠે આવે છે.

* મનુષ્ય જેવા વર્તુળમાં રહેતો હોય તેવા સંસ્કાર તેનામાં જન્મે; અને, માણસના જેવા સંસ્કાર હોય તેવી મિત્રમંડળી એ શોધે.

* કેટલાકનો સ્વભાવ સર્પના જેવો હોય છે; એ ક્યારે કરડે તે કહી ન શકાય. એના ઝેરનો પ્રતિકાર કરવા માટે તમારે ખૂબ પરિશ્રમ કરવો પડે. નહીં તો, તમે વેર વાળવા જેટલા ગુસ્સે થઈ જાઓ.

* ક્રોધ તમસની નિશાની છે. ક્રોધમાં મનુષ્ય બધો વિવેક ગુમાવી બેસે છે. હનુમાને લંકાને આગ લગાડી પણ, એ વખતે એને ભાન ન રહ્યું કે, સીતા રહેતાં હતાં ત્યાં પણ એ આગ ફેલાશે.

* જૂની કહેવત છે કે, ‘ગુરુઓ તો સેંકડો ને હજારો મળશે પણ, ચેલો એક નહીં મળે.’ એનો અર્થ એ કે, સારી સલાહ આપી શકે એવા ઘણા છે પણ, એનો અમલ કરનાર ઓછા છે.

* ધર્મોનું પતન શા માટે થાય છે? વરસાદનું પાણી ચોક્ખું હોય છે પણ, એ ધરતી પર પહોંચતાં સુધીમાં, એ જે માધ્યમમાંથી પસાર થાય છે તેમાંથી અશુદ્ધિ ગ્રહણ કરે છે. છાપરાં, ભૂંગળાં અને નેળો બધી ગંદી હોય તો, એમાંથી નીકળતું બધું પાણી પણ ગંદુ હોવાનું (એ રીતે, જે માધ્યમમાંથી ધર્મ પસાર થાય છે તેની ખરાબ અસર એને થવાની.)

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી)

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.