મણિ – જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વરદર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય?

શ્રીરામકૃષ્ણ – વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય છે અને જેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે તેમની જુદી જુદી કક્ષાઓ છે. પ્રવર્તક, સાધક, સિદ્ધ અને સિદ્ધનો સિદ્ધ. જે હજી તરતનો જ ઈશ્વરને માર્ગે લાગ્યો હોય તેને પ્રવર્તક કહે. જે સાધન ભજન કરે, પૂજા, તપ, ધ્યાન, નામ- ગુણ, કીર્તન કરે, એ વ્યક્તિ સાધક. જે વ્યક્તિએ ઈશ્વર છે એવો અંતરમાં અનુભવ કર્યો હોય, તેને સિદ્ધ કહે. જેમ કે વેદાંતની ઉપમામાં કહ્યું છે કે એક અંધારા ઓરડામાં શેઠ સૂતા છે. શેઠને એક માણસ અંધારામાં હાથ ફેરવી ફેરવીને ગોતે છે. એક કોચને હાથ લગાડીને કહે છે, ‘આ શેઠ નહિ.’ બારીએ હાથ દઈને કહે છે કે ‘આ નહિ.’ બારણાને હાથ દઈને કહે છે, ‘આ નહિ,’ નેતિ નેતિ નેતિ. છેવટે શેઠના શરીર પર હાથ પડ્યો ત્યારે કહે છે, ‘ઈહ’ આ રહ્યા શેઠ! એટલે કે ‘અસ્તિ’ એવું ભાન થયું છે. શેઠની પ્રાપ્તિ થઈ છે, પરંતુ વિશેષરૂપે જાણવાનું થયું નથી.

‘આ બધાય ઉપરાંત એક કક્ષા છે. તેને કહે છે સિદ્ધનો સિદ્ધ. શેઠની સાથે જો ખાસ વધારે પરિચય, વાતચીત વગેરે થાય તે વળી એક જુદી જ અવસ્થા. તેમ જો ઈશ્વરની સાથે પ્રેમ-ભક્તિ દ્વારા વિશેષ પરિચય, વાતચીત વગેરે થાય તે જુદી જ વાત. જે સિદ્ધ છે તેણે ઈશ્વરને પ્રાપ્ત કર્યો છે ખરો, પણ જે સિદ્ધોનો સિદ્ધ, તેણે તો ઈશ્વરની સાથે વિશેષ પરિચય, વાતચીત વગેરે કર્યું છે.’

‘પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ગમે તે એકાદ ભાવનો આધાર લેવો જોઈએ; શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય યા મધુર, એમાંથી ગમે તે એક ભાવનો.’

શાંતભાવ ઋષિઓનો હતો. તેમને બીજા કશાનો ભોગ કરવાની વાસના હતી નહિ. જેમ કે સ્ત્રીની સ્વામીમાં નિષ્ઠા; તે જાણે કે મારો સ્વામી કંદર્પ!

દાસ્ય : જેમ કે હનુમાનનો ભાવ. રામનું કામ કરતી વખતે સિંહ સમાન. પત્નીમાંય દાસ્યભાવ હોય, તન તોડીને સ્વામીની સેવા કરે. માની અંદર પણ થોડો થોડો હોય; યશોદામાંય હતો.

સખ્ય : મિત્રનો ભાવ. આવો, આવો, પાસે બેસો. શ્રીદામ વગેરે ગોવાળિયા શ્રીકૃષ્ણને ક્યારેક એઠાં ફળ ખવરાવે છે, ક્યારેક તેની કાંધે ચડે છે.

વાત્સલ્ય : જેમ કે યશોદાનો ભાવ. પત્નીમાંય કેટલોક હોય. સ્વામીને હૃદયપૂર્વક પીરસીને ખવરાવે. છોકરો પેટ ભરીને ખાય ત્યારે જ માને સંતોષ વળે. યશોદા કૃષ્ણને ખવરાવવા સારુ માખણ હાથમાં લઈને તેની પાછળ પાછળ ફરતાં.

મધુર : જેમ કે શ્રીમતીનો ભાવ. પત્નીનોય મધુરભાવ. એ ભાવની અંદર બધા ભાવ છે – શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય.

મણિ – ઈશ્વરનું દર્શન શું આ આંખે થાય?

શ્રીરામકૃષ્ણ – તેને ચર્મચક્ષુથી દેખી શકાય નહિ. સાધના કરતાં કરતાં એક પ્રેમનું શરીર થાય. તેમાં પ્રેમનાં ચક્ષુ, પ્રેમના કાન હોય, એ ચક્ષુથી ઈશ્વરને જુએ. એ કાનેથી તેની વાણી સાંભળે, તેમ જ પ્રેમનાં લિંગ, યોનિ થાય.

એ સાંભળીને મણિ ખડખડાટ હસી પડ્યા.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત – સંચયન’, પૃ. ૭૫-૭૬)

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.