જો પ્રગતિ કેવળ બાહ્ય જગતના આવિષ્કારો સુધી સિમિત રહે તો મનુષ્યના મનમાં પણ પ્રગતિ થશે એમ ન કહી શકાય. આંતરિક પ્રગતિના સિદ્ધાંતને સમજવા આપણે મનના આંતરિક સ્વરૂપ તથા સ્વભાવને જાણવા પડશે. આપણને પ્રત્યેક મનુષ્યના મનસાગરમાં છુપાયેલા અમૂલ્ય રત્નોની જાણકારી હોવી જોઈએ. આપણે માનવજીવનની સમગ્ર પ્રગતિ તથા કલ્યાણના મૂળમાં રહેલ સર્વવ્યાપી સિદ્ધાંતોને જાણવા અને સમજવા જોઈએ. આપણે સત્ય પર આધારિત એ સિદ્ધાંતોની શોધના કરવી પડશે કે જે સિદ્ધાંતો આપણને પોતાના માર્ગદર્શનની પણ ક્ષમતા અર્પી શકે. શું માનવજીવનનો ઈંદ્રિયોચિત જગત સાથેનો સંબંધ ખાવા, પીવા, નાચવા અને સંતાનોત્પત્તિ સિવાય બીજો કોઈ ઉદ્દેશ્ય છે ખરો? જો કોઈ બીજો ઉદ્દેશ્ય હોય તો તે કયો છે? માનવ જીવનનું તાત્પર્ય શું છે? આવા પ્રશ્નોનો સાચો ઉત્તર ન મળે ત્યાં સુધી આપણે પૂર્ણજીવન દર્શનથી વંચિત રહી જઈએ છીએ.

એલેક્સિસ કૈરલ કહે છે :

યાંત્રિક શોધોમાં વૃદ્ધિથી કોઈ લાભ નથી. ભૌતિકશાસ્ત્ર, ખગોળ તથા રસાયણશાસ્ત્રોની શોધોને આટલું મહત્ત્વ ન દેવું એ વધારે યોગ્ય ગણાશે. વસ્તુત: શુદ્ધ વિજ્ઞાન આપણને પ્રત્યક્ષ રીતે કોઈ નુકશાન નથી કરતું પરંતુ જ્યારે એનું મોહક સૌંદર્ય રૂપ આપણા મન પર અધિકાર જમાવીને એને જડ પદાર્થો સાથે સંબંધ ધરાવતા ભાવોનો દાસ બનાવી દે છે ત્યારે ખરેખરું સંકટ આવે છે. મનુષ્યે હવે સ્વયં પોતાની તરફ અને પોતાની નૈતિક તેમજ બૌદ્ધિક અયોગ્યતાના કારણ તરફ ધ્યાન દેવું પડશે. જો આપણી દુર્બળતાઓ આપણને સભ્યતાનો કે સંસ્કૃતિનો પૂરેપૂરો લાભ લેવા ન દે તો પછી એમાં સુખ, સુવિધા, ઐશ્વર્ય, સૌંદર્ય, આકાર તથા જટિલતા વધારવાથી શો ફાયદો? મહાન રાષ્ટ્રના ઉત્કૃષ્ટ ગુણોને અધોમુખ કરનાર તથા તેનો નાશ કરનાર જીવનશૈલી અપનાવવાથી કે એમાં વૃદ્ધિ કરવાથી કોઈ લાભ થવાનો નથી. ઉત્તરોત્તર વધુ ને વધુ ઝડપી સબમરીન, આરામદાયક મોટરગાડી, સસ્તા રેડિયા અને દૂરસુદૂરના તારાઓનું નિરીક્ષણ કરનારા દૂરબીનોનું નિર્માણ કરવા કરતાં આપણા પોતાના પર વધારે ધ્યાન દેવું એ અત્યંત સારું અને શુભકારી નીવડશે. વિમાનો દ્વારા થોડાક જ કલાકમાં આપણને યુરોપ કે ચીન પહોંચાડી દેવાથી આપણી સભ્યતા કે સંસ્કૃતિમાં કઈ સાચી પ્રગતિ થઈ? લોકો નકામી ચીજવસ્તુઓનો વધારેમાં વધારે માત્રામાં ઉપભોગ કરે એટલા માટે શું આપણે ઉત્પાદનને સતત વધાર્યે જવું આવશ્યક છે? નિ:સંદેહપણે યાંત્રિક, ભૌતિક તથા રસાયણશાસ્ત્ર આપણને બુદ્ધિ, નૈતિક અનુશાસન, સ્વાસ્થ્ય, સ્નાયુઓનું સંતુલન, સંરક્ષણ અને શાંતિ અર્પવામાં અક્ષમ છે.’ 

ઉદ્યોગ તથા ટેક્નીકલ ક્ષેત્રમાં ઊંચે ને ઊંચે ઊડનારા દેશો અત્યંત તીવ્રતાથી આધ્યાત્મિક સર્વનાશ તરફ આગળ વધી રહ્યા છે. એલેક્સિસ કૈરલ ભારપૂર્વક કહે છે: ‘સભ્યતા કે સંસ્કૃતિનું લક્ષ્ય વિજ્ઞાન અને યંત્રોની નહિ પરંતુ માનવીની પ્રગતિ છે.’ ડો. કૈરલે માનવચેતનાનાં ઊંડાણોના અધ્યયનના મહત્ત્વને રેખાંકિત કરતાં કહ્યું છે કે ગેલેલિયો, ન્યુટન, નવોસિયન જેવા લોકો જો મનુષ્યનાં તન, મન તથા ચેતનાના અધ્યયન પર ધ્યાન આપત તો દુનિયા આજે સાવ જુદી જ હોત. આઈન્સ્ટાઈને પણ બીજા શબ્દોમાં આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે: ‘સાંસારિક વિષયોનું જ્ઞાન જીવનના થોડા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે પ્રમાણમાં સશક્ત સાધન પૂરાં પાડી શકે છે. પણ જીવનનું પરમલક્ષ્ય તથા એને પામવાની ઇચ્છા કોઈ બીજા સ્રોતમાંથી જ આવે છે. જીવનના લક્ષ્ય વિશે આધુનિક દાર્શનિકો પણ હજારો વર્ષ પહેલાં વૈદિક કાળના ઋષિઓ ગ્રીસના વિચારકો દ્વારા વ્યક્ત થયેલા વિચારોનો જ પડઘો પાડીને કહે છે: ‘સ્વયંને જાણો.’

આ પંક્તિઓ વાચો: ‘જેને પોતાના જીવનના તાત્પર્યનું જ્ઞાન નથી થયું એવા મનુષ્યની પીડાને મનોચિકિત્સાએ સમજવી જોઈએ.’ (સી.જી.યુંગ)

‘વીસમી સદીના મનોરોગ લક્ષ્યહીનતા, અર્થહીનતા, મૂલ્યહીનતા, ખાલીપણું અને શૂન્યતાનું ફળ છે.’ (ટી.એમ. થોમસ)

કન્નડ ભાષાના સુપ્રસિદ્ધ કવિ ટી.આર. બેન્દ્રેએ પોતાના એક કાવ્યમાં જેને સાચા સ્વરૂપનું કે જીવનના લક્ષ્યનું જ્ઞાન નથી થઈ શક્યું એવા એક મનુષ્યની મૂંઝવણ વર્ણવી છે: 

પરાયાપણાના ભયે હૃદયને ચીરી નાખ્યું છે,
જીવન મૃત્યુની જાળમાં ફસાઈ ગયું છે.
બુદ્ધિ બાહ્યજગતમાં અહીંતહીં ભટકી રહી છે,
હે મા, તમારા આ દાસની રક્ષા કરો, રક્ષા કરો.

અંતર્દૃષ્ટિથી પ્રાપ્ત કરી શકાય એવા પોતાના મનની ગહનતામાં છુપાયેલ એ સત્યની પ્રાપ્તિ માટે આપણામાં તીવ્ર વ્યાકુળતા હોવી જોઈએ. જે લોકોએ પોતાના જીવનમાં સત્યને પ્રાપ્ત કરી લીધું છે, એમની વાતો પર વિશ્વાસ રાખીને એમણે બતાવેલા માર્ગ પર આપણે નિષ્ઠાપૂર્વક ચાલવું જોઈએ. બીજી બાજુ જો આપણે ભૌતિક સુખોને જ જીવનનું એક માત્ર લક્ષ્ય ગણીએ તો આપણું જીવન શૂન્ય અને નિરર્થક બની જશે. ‘શતાબ્દિની સંધ્યા’ શીર્ષક હેઠળ લખાયેલી પોતાની કવિતામાં કવિ કુવેમ્પુએ આ જ વાત કરી છે. એ કાવ્યમાં વૈજ્ઞાનિક શોધોના મહત્ત્વને સ્વીકારવા છતાં પણ માનવજીવનના લક્ષ્યને સમજવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

માખીઓની મૂછો અને
કીટકોના પદચિહ્‌નોનું
એને પૂરું જ્ઞાન છે.
પરંતુ પોતાના આત્માને જાણવાનો
લાંબો સંઘર્ષ શું એનું લક્ષ્ય નથી?
શોધ અને અનુસંધાનમાં
વિરામનો સમય જ ક્યાં છે?
ભણો, ભણો, વધુ ભણો
પણ જ્ઞાન છે કોરું કટ!

ઘણા મોટા આશ્ચર્યની વાત છે કે આજે વિજ્ઞાન પોતે જ મનના સ્વરૂપને સમજવામાં આપણને મદદ કરી રહ્યું છે. અનેક વૈજ્ઞાનિકો પોતાના વ્યક્તિગત અનુભવ, પ્રયોગ તથા નિરીક્ષણોના આધારે માનવમનમાં છુપાયેલી અસીમ શક્તિ વિશે વધુ ને વધુ જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે.

મનનો સંસાર

જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાના આવિષ્કારો પર નોબેલ પારિતોષિક મેળવનાર સુવિખ્યાત વૈજ્ઞાનિક ડો. એલેક્સિસ કૈરલે પોતાના ગ્રંથ ‘Man the Unknown’ – ‘અજ્ઞાત પુરુષ’ માં પોતાની ઉત્કૃષ્ટ બુદ્ધિનું પ્રમાણ આપ્યું છે. તેઓ કહે છે: ‘શરીરવિજ્ઞાનીઓ તથા અર્થશાસ્ત્રીઓના દ્વારા પૂર્ણત: તિરસ્કૃત તેમજ ચિકિત્સકો દ્વારા પ્રાય: અલક્ષિત આ મન સજીવ પદાર્થમાં છુપાયેલું રહે છે. એ ઉપરાંત એ વિશ્વની મહાનતમ શક્તિ છે.’ સ્માઈલી બ્લૈન્ટન નામના અમેરિકન મનોવૈજ્ઞાનિક પણ આ જ વાત કરે છે: ‘મનનાં ઊંડાણોમાં શક્તિ, સામર્થ્ય તથા સાહસના સ્રોતો રહેલા છે તેની ભાગ્યે જ કલ્પના થઈ છે. દરેક મનુષ્ય પોતાની પૂરેપૂરી ક્ષમતા પ્રમાણે આ મનના ઊંડા સ્તરો સુધી પહોંચે એવું કાર્ય એને સોંપાયું છે. સદ્‌ભાગ્યે આપણામાંથી પ્રત્યેકની ભીતર આવા અનંત ધનસ્રોત છે. આપણે તો માત્ર એને શોધી કાઢવાના છે અને એને ઉપયોગમાં લાવવાના છે.’ બર્નાર્ડ બી. કેજિન્સ્કી તથા ડો. પોવેલ ન્યુમોવ નામના સુપ્રસિદ્ધ રશિયન વૈજ્ઞાનિકોએ પણ આવો જ વિચાર રજૂ કર્યો છે: ‘મન કોઈ જડપદાર્થ નથી. જેમ સાગરના તળિયે બહુમૂલ્ય રત્ન હોય છે એવી જ રીતે આપણા મનનાં ઊંડાણમાં અક્ષયશક્તિનો ભંડાર છે. પરંતુ આ શક્તિ આપણી સાધારણ ઇન્દ્રિયોથી અગોચર છે.’

વર્તમાન શતાબ્દિના સર્વાધિક પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકોમાંના એક સી.જી.યુંગના મતે ‘મનનો એક અંશ દેશ-કાળથી પર-દૂર આપણે આપણાથી અજ્ઞાત છે. જે અંશ દેશકાળથી પર છે, દૂર છે, તે કાર્યકારણ સંબંધનો પણ અતીત છે.’

(ક્રમશ:)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.