* રાધા અને કૃષ્ણ અવતારો હતાં કે નહીં એમ માનવું આવશ્યક નથી. કોઈ ભલે ઈશ્વર અવતરણમાં (હિંદુઓ અને ખ્રિસ્તીઓની માફક) માને. અથવા (આજના બ્રહ્મસમાજીઓની માફક) ન માને. પણ ઈશ્વર માટેના આવા અનુરાગ માટે આપણે સૌએ ઝંખવું જોઈએ. આ એક અનુરાગની જ જરૂર છે.

* ગોપીઓના અનુરાગ વિશે વાત કરતાં ઠાકુરે શ્રી ‘મ’ને એક વાર કહ્યું: ‘એમનો અનુરાગ કેટલો તીવ્ર હતો! તમાલ વૃક્ષને જોતાં જ એમને પ્રેમોન્માદ જાગતો. ગૌરાંગ બાબત પણ એમ જ હતું. પોતાની સામે વન જોઈને એમને લાગ્યું કે, એ વૃંદાવન છે. અહો! આ અનુરાગનો એક કણ આપણને મળે તો! ગોપીઓની આ ભક્તિ માત્ર છલોછલ જ નહીં પણ ઉભરાતી હતી.’

* ગોપીઓની અડગ નિષ્ઠા અદ્‌ભુત છે. ગોપીઓ કૃષ્ણને મળવા મથુરા ગઈ ત્યારે, દરવાનો પાસે ખૂબ રડ્યા પછી એમને મહેલની અંદર પ્રવેશ મળ્યો હતો. પરંતુ અંદર જઈ એમણે પાઘડી પહેરેલા કૃષ્ણને જોયા ત્યારે પોતાનાં શિર નમાવી અંદર અંદર ઘુસપુસ કરવા લાગી: ‘આ પાઘડીધારી કોણ છે? આપણે એની સાથે બોલશું નહીં, નહીં તો, આપણે કૃષ્ણને વફાદાર નથી એવો આરોપ આપણી ઉપર આવશે. પીળું પીતાંબર પહેરે છે ને, મોરપીંછનો મુકુટ પહેરે છે તે આપણા પ્રિયતમ કૃષ્ણ ક્યાં છે?’ ગોપીઓનો આ કેવો એકનિષ્ઠ પ્રેમ!

* ગોપીઓની ભક્તિ તે પ્રેમભક્તિ. એને અવ્યભિચારિણી ભક્તિ કે નિષ્ઠા ભક્તિ પણ કહેવાય છે. વ્યભિચારિણી ભક્તિ શું છે? એ જ્ઞાન સાથે ભળેલી ભક્તિ છે, જેમ કે, કૃષ્ણ બધું થઈ રહ્યા છે, એ પરબ્રહ્મ છે, એ રામ છે, શિવ છે, શક્તિ છે, એ દિવ્ય શક્તિ છે, વગેરે. પરંતુ પ્રેમભક્તિમાં આ જ્ઞાનનો અંશ જોવા નહીં મળે. હનુમાન દ્વારકા ગયા ત્યારે, એ બોલ્યા હતા કે, ‘હું માત્ર સીતારામને જ મળીશ.’ એટલે ભગવાન કૃષ્ણે રુક્મિણીને કહ્યું: ‘તમે સીતાનું રૂપ ધારણ કરો નહીં તો હનુમાનને સંતોષ નહીં થાય.’ પાંડવોએ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે યુધિષ્ઠિર સિંહાસને બેઠા હતા. બધા રાજાઓ એમને પ્રણામ કરતા હતા. પણ વિભીષણે કહ્યું કે, ‘હું નારાયણ સિવાય કોઈને નમતો નથી.’ એટલે ભગવાને પોતે યુધિષ્ઠિરને પ્રણામ કર્યા તે પછી, મુકુટ સહિત માથું જમીન પર અડાડી વિભીષણે પણ યુધિષ્ઠિરને સાંષ્ટાંગ પ્રણામ કર્યા.

* ‘અરે! ઈશ્વરથી છૂટા પડવાના વિરહની પીડા ખૂબ તીવ્ર છે. (ચૈતન્યદેવના શિષ્યો) રૂપ અને સનાતન આવી વિરહદશામાં ઝાડ નીચે બેસતા ત્યારે ઝાડનાં પાન બળી જતાં એમ કહેવાય છે! એ દશામાં હતો ત્યારે, હું પણ ત્રણ દહાડા લગભગ બેહોશ હતો! હલનચલન કર્યા વગર હું એક જ જગ્યાએ પડ્યો હતો. થોડુંક ભાન આવે ત્યારે, (ભૈરવી) બ્રાહ્મણી મને નહાવા લઈ જાય પણ, એ મારી ચામડીને સ્પર્શે નહીં. મારા આખા દેહ પર જાડું કપડું ઢંકાયેલું હતું અને, એ કપડા પર હાથ મૂકી એ મને ઝાલી રાખતી. શરીર પર લગાડેલી માટી બળી જતી! એ દશા આવી ત્યારે, મને એમ લાગતું કે, જાણે મારી કરોડરજ્જુમાં ભાલું ભોંકાયું છે. હું રડી ઊઠતો કે મારા પ્રાણ નીકળી ગયા. પણ પછી મને પરમ આનંદ થતો.’

* મહાભાવ સર્વોચ્ચ ઈશ્વરભાવની સ્થિતિ છે. મહાબળવાન હાથી નાની ઝૂંપડીમાં દાખલ થાય અને, એને જોરથી ખળભળાવી નાખે ને કોઈક વાર તો તોડી પણ પાડે એવું ડામાડોળ ચિત્ત થઈ જાય. એ સ્થિતિમાં પહેલાં જેટલી પીડા છે તેટલો જ પછી આનંદ છે.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’ પૃ. ૧૬૧-૬૩)

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.