વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામાપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની સેવા કરે છે. ભક્તોમાંથી કોઈએ હજી સુધી સંસાર ત્યાગ કર્યો નથી. તેઓ પોતાનાં ઘેરથી આવજા કર્યા કરે છે.

ઠંડીના દિવસો છે. સવારના આઠ વાગ્યા છે. ઠાકુર બીમાર; પથારીમાં બેઠા છે. પરંતુ પાંચ વરસના બાળકની પેઠે મા વિના બીજું કશું જાણે નહિ. સુરેન્દ્ર આવીને બેઠા. નવગોપાલ, માસ્ટર અને બીજા પણ કોઈ કોઈ હાજર છે. સુરેન્દ્રને ઘેર દુર્ગા-પૂજા હતી. ઠાકુર જઈ શકયા ન હતા. ભક્તોને પ્રતિમાનાં દર્શન કરવા મોકલ્યા હતા. આજે વિજયાદશમી : પ્રતિમાનું વિસર્જન થવાનું; એટલે સુરેન્દ્રનું મન દુ:ખી છે.

સુરેન્દ્ર – ઘરમાંથી નાસી આવ્યો.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એમાં શું? મા હૃદયમાં રહો!

સુરેન્દ્ર ‘મા’ ‘મા’ કરીને ભગવતીને ઉદ્દેશીને કેટલીયે વાતો કરવા લાગ્યા. ઠાકુર સુરેન્દ્રને જોતાં આંસુ મુશ્કેલીથી ખાળી રહ્યા છે.

માસ્ટરની સામે જોઈને ગદ્‌ગદ્‌ સ્વરે બોલે છે, ‘શી ભક્તિ! અહા, આની કેવી ભક્તિ!’

શ્રીરામકૃષ્ણ – કાલે સાંજે સાત સાડા સાતને સમયે ભાવ-અવસ્થામાં મેં જોઈ તમારી ઓસરી. ત્યાં દેવી-પ્રતિમા રહી છે. જોયું તો બધું જયોતિર્મય. અહીં ને ત્યાં એક થઈ રહેલ છે. જાણે કે પ્રકાશનો એક પ્રવાહ બંને જગાની વચ્ચે વહી રહ્યો છે; આ ઘર અને તમારા ઘરની વચ્ચે.

સુરેન્દ્ર – એ વખતે હું ઓસરીમાં માતાજીની સામે ‘મા!’ ‘મા!’ કહીને પુકારી રહ્યો હતો. ભાઈઓ મને છોડીને ઉપર ચાલ્યા ગયેલા! મનમાં અવાજ આવ્યો, મા બોલ્યા કે ‘હું પાછી આવીશ!’

અગિયાર વાગવા આવ્યા છે. ઠાકુરે કહેલ માંદાનો ખોરાક લીધો. મણિ હાથ પર પાણી રેડે છે.

શ્રીરામકૃષ્ણ – ચણાની દાળ ખાઈને રાખાલની તબિયત બગડી છે. સાત્ત્વિક આહાર ખાવો સારો. તમે ગીતામાં જોયું નથી? તમે ગીતા વાંચતા નથી?

મણિ – જી, હા. યુક્ત આહારની વાત આવે છે. સાત્ત્વિક, રાજસિક અને તામસિક આહાર. વળી સાત્ત્વિક, રાજસિક અને તામસિક દયા; સાત્ત્વિક અહંકાર વગેરે બધું છે.

શ્રીરામકૃષ્ણ – ગીતા તમારી પાસે છે?

મણિ – જી છે

શ્રીરામકૃષ્ણ – એમાં સર્વ શાસ્ત્રોનો સાર છે.

મણિ – જી, ઈશ્વરને જુદે જુદે રૂપે જોવાની વાત છે : આપ જેમ કહો છો કે જુદે જુદે રસ્તે થઈને ઈશ્વરની પાસે જવું, તેમ જ્ઞાન, ભક્તિ, કર્મ, ધ્યાન છે.

શ્રીરામકૃષ્ણ – કર્મ-યોગનો અર્થ શો ખબર છે? બધાં કર્મોનું ફળ ભગવાનને સમર્પણ કરવું.

મણિ – જી, જોયું છે; એમાં છે. વળી કર્મ ત્રણ પ્રકારે કરી શકાય એમ કહ્યું છે.

શ્રીરામકૃષ્ણ – કઈ કઈ રીતે?

મણિ – પ્રથમ જ્ઞાનને માટે. બીજું લોક-શિક્ષણને માટે, ત્રીજું સ્વભાવથી.

ઠાકુર મોં ધોઈને પાન ખાય છે. મણિને પાન-પ્રસાદ આપ્યો.

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૩, પૃ. ૧૮૩-૮૪)

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.