આજે શ્રીમયુર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને નિર્માલ્ય માથે ચડાવ્યું. મૂર્તિનાં દર્શન કરીને ઠાકુર ભાવમાં મગ્ન… આ બાજુ મારવાડી ભક્તો સિંહાસન પર બેઠેલા મયૂર-મુકુટધારીની મૂર્તિને બહાર લઈ જવા આવ્યા. બહાર અન્નકૂટ ગોઠવાઈને તૈયાર છે…. મહાઆનંદથી મારવાડી ભક્તો સિંહાસનમાં બેઠેલી મૂર્તિને ઓરડાની બહાર લઈ જાય છે. ઠાકુર પણ સાથે સાથે જાય છે. ભોગ ધરાવાયો. ભોગ અર્પણ કરતી વખતે મારવાડી ભક્તોએ કપડાંનો અંતરપટ કર્યો. ભોગ થઈ રહ્યા પછી આરતી અને ગીત ગવાવા લાગ્યાં. શ્રીરામકૃષ્ણ મૂર્તિને ચામર ઢોળે છે. સંધ્યા થઈ છે. વળી પાછી રસ્તામાં બહુ જ ભીડ. ઠાકુર બોલ્યા, ‘એમ હોય તો આપણે ગાડીમાંથી ઊતરીએ; ગાડી પાછળથી ફરીને આવે.’.. ગાડી ફરી ફરીને નજીક આવી. ઠાકુર વળી ગાડીમાં બેઠા. અંદર ઠાકુરની સાથે બાબુરામ, માસ્ટર, રામ ચેટર્જી. છોટો ગોપાલ ગાડીની છાજલીમાં બેઠો… બડાબજારમાં થઈને ગાડી જઈ રહી છે. દિવાળીની ખૂબ ધામધૂમ. અંધારી રાત્રિ, પણ બધે પ્રકાશ અને પ્રકાશ. બડાબજારની ગલીમાંથી ગાડી ચિતપુર રોડ પર આવી. એ સ્થાન પણ દીવાઓથી ઝગમગાટમય અને કીડીઓની પેઠે માણસોથી ભરપૂર. માણસો મોઢાં પહોળાં કરીને બંને બાજુએ સજ્જિત દુકાનોની હાર જોયા કરે છે. ક્યાંક મીઠાઈની દુકાન, પાત્રોમાં વિવિધ જાતનાં મિષ્ટાનોથી સુશોભિત… ગાડી એક અત્તરિયાની સામે આવી પહોંચી. ઠાકુર પાંચ વરસના બાળકની પેઠે છબિઓ અને રોશની દેખીને આનંદ કરવા લાગ્યા. ચારે બાજુ કોલાહલ.

ઠાકુર ઉચ્ચ સ્વરે કહે છે : ‘એથીયે આગળ જઈને જુઓ, વધુ આગળ!’ અને બોલતાં બોલતાં હસે છે. બાબુરામને ઉચ્ચ હાસ્ય કરીને કહે છે, ‘અરે આગળ જા ને, શું કરે છે?’

ભક્તો હસવા લાગ્યા. તેઓ સમજ્યા કે ઠાકુર એમ કહે છે કે ઈશ્વર તરફ આગળ વધો. પોતાની ચાલુ અવસ્થાથી સંતુષ્ટ થઈને રહો મા…

મારવાડી ભક્તોના અન્નકૂટની વાત વળી ઉપાડી.

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – ‘આ જે જોયું, વૃંદાવનમાં પણ તે જ. રાખાલ વગેરે વૃંદાવનમાં આ બધું જુએ છે. પણ ત્યાં અન્નકૂટ એથીયે મોટો; માણસોય ઘણાં; ગોવર્ધન પર્વત છે; એ બધો તફાવત.

પરંતુ મારવાડીઓની ભક્તિ કેવી, કેવી, જોયું ને? યથાર્થ હિંદુભાવ, આ સનાતનધર્મ. ઠાકોરજીને લઈ જતી વખતે કેટલો આનંદ, જોયું કે? આનંદ એવા વિચારથી કે અમે ભગવાનનું સિંહાસન ઉપાડીને લઈ જઈએ છીએ.

હિંદુ ધર્મ જ સનાતન ધર્મ! અત્યારના જે બધા ધર્મો જુઓ છો, તે બધા ઈશ્વરેચ્છાથી થશે ને જાશે, રહેશે નહિ. એટલા માટે હું કહું છું કે અત્યારના જે બધા ભક્તો છે, એમના પર ચરણેભ્યો નમ: । હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે.’

(કથામૃત સંચયન – પૃ.૩૫૯-૩૬૨)

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.