જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ સંભળાઈ રહ્યા પછી ઠાકુર મણિને સમજાવે છે કે બ્રહ્મ જ જીવ જગત થઈ રહેલ છે.

શ્રીરામકૃષ્ણ (મણિને)- કોઈએ કહ્યું કે અમુક જગાએ હરિનામ નથી. સાંભળતાં જ જોયું કે ઈશ્વર જ બધા જીવો રૂપે થઈ રહેલ છે. જાણે કે પાણીના અસંખ્ય બડબડિયાં, જળમાં પરપોટા! વળી જોઉં છું કે જાણે કે અસંખ્ય પાંખડીઓ ને પાંખડીઓ!’

આ બધી ઈશ્વરી રૂપ-દર્શનની વાતો કહેતાં કહેતાં ઠાકુર સમાધિ-મગ્ન થતા જાય છે. બોલે છે, ‘હું (આ બધું) થયો છું! હું આવ્યો છું!’

એ શબ્દો બોલતાં જ એકદમ સમાધિ-મગ્ન થઈ ગયા. બધું સ્થિર!

કેટલીય વાર સુધી સમાધિમાં આનંદનો ઉપભોગ કર્યા પછી ઠાકુરને જરાતરા બહારનું ભાન આવે છે.

હવે બાળકની પેઠે હસે છે. હસતાં હસતાં ઓરડામાં આંટા મારી રહ્યા છે.

કોઈ અદ્‌ભુત દર્શન પછી નેત્રોમાંથી જે પ્રમાણે આનંદ-જ્યોતિ બહાર નીકળે, એ જ પ્રમાણે ઠાકુરનાં નેત્રોનો ભાવ થયો. મોઢા પર હાસ્ય, શૂન્ય દૃષ્ટિ!

ઠાકુર ઓરડામાં ફરતાં ફરતાં બોલે છે : ‘વડ નીચે પરમહંસને જોયો’તો, તે આ પ્રમાણે હસીને ચાલતો’તો. એ જ સ્વરૂપ શું મારું થયું?’

એ પ્રમાણે ચાલી બતાવ્યા પછી ઠાકુર નાની પાટ ઉપર જઈને બેઠા છે અને જગદંબાની સાથે વાતો કરી રહ્યા છે.

ઠાકુર કહી રહ્યા છે, ‘જવા દે, મારે જાણવુંય નથી. મા તમારાં ચરણ-કમલમાં શુદ્ધ ભક્તિ રહે એટલું બસ!’ (મણિને)- ક્ષોભ, વાસના જતાંની સાથે જ આ અવસ્થા.

વળી માતાજીની સાથે બોલી રહ્યા છે, ‘મા! પૂજા છોડાવી દીધી; જો જો, કે બધી ઇચ્છા નીકળી જાય નહિ! પરમહંસ તો બાળક. બાળકને મા ન જોઈએ કે? એટલે તમે મા, હું તમારું બાળક. બાળક મા થી વિખુટું કેમ કરીને રહે!’

ઠાકુર એવા તો મીઠા સ્વરે માતાજીની સાથે આ વાતો કરી રહ્યા છે કે પથ્થર સુદ્ધાં પીગળી જાય; વળી પાછા માતાજીને કહી રહ્યા છે, ‘કોરું અદ્વૈત-જ્ઞાન! હેક્‌ થૂ! જ્યાં સુધી ‘હું પણું તમે રાખ્યું છે ત્યાં સુધી ‘તમે’ ‘તમે’! પરમહંસ તો બાળક, બાળકને તેની મા ન જોઈએ?’

મણિ આશ્ચર્યચકિત થઈને ઠાકુરની આ દેવ-દુર્લભ અવસ્થા નીરખી રહ્યા છે. વિચાર કરી રહ્યા છે કે ઠાકુર અહેતુક-કૃપા-સિંધુ. મારી પોતાની જ શ્રદ્ધાને માટે, મારા જ ચેતનને માટે, અને જીવોને ઉપદેશને માટે ગુરુ રૂપી ઠાકુર શ્રીરામકૃષ્ણની આ પરમહંસ અવસ્થા છે! ઉપરાંત મણિ વિચાર કરી રહ્યા છે ‘ઠાકુર કહે છે કે, અદ્વૈત-ચૈતન્ય-નિત્યાનંદ. અદ્વૈત-જ્ઞાન થયે ચૈતન્ય આવે, ત્યારે જ નિત્યાનંદ થાય. ઠાકુરને એકલું અદ્વૈત-જ્ઞાન જ નથી, તેમની તો નિત્યાનંદની અવસ્થા. જગદંબાના પ્રેમાનંદમાં, સર્વદા મગ્ન, મતવાલા!’

(શ્રીરામકૃષ્ણ કથામૃત ‘સંચયન’ પૃ. ૩૧૪-૧૫)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.