‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી હતું. એમનો જન્મ દક્ષિણેશ્વરના પ્રસિદ્ધ સાવર્ણ ચૌધરી વંશમાં માર્ચ, ઈ.સ. ૧૮૬૧માં (ફાગણ સુદ ચોથ) શનિવારે થયો હતો. પિતા નવીન્દ્રનાથ ચૌધરી નિષ્ઠાવાન ધાર્મિક બ્રાહ્મણ હતા અને પૂજા-ધ્યાન વગેરેમાં ઘણો ખરો સમય ગાળતા…

ઠાકુર પોતાના પ્રત્યેક શિષ્યને તેના અંતરના ભાવ અનુસાર ઘડતા હતા. તેઓ કોઈનો પણ ભાવ નષ્ટ કરતા નહિ. શરૂઆતમાં યોગીન ભજન વગેરેમાં આચાર સંહિતાનું ચુસ્ત રીતે પાલન કરતા હતા, તે એટલે સુધી કે બીજાના ઘરનું પાણી પણ પીતા નહિ. ઠાકુર આ વિશે જાણતા હતા. એક દિવસ તેઓ યોગીનની સાથે જુદી જુદી જગ્યાએ થઈને છેવટે સંધ્યા સમયે બાગબજારમાં શ્રી બલરામ બોઝને ત્યાં પહોંચ્યા. આખો દિવસ યોગીને કંઈ જ અન્ન ખાધું ન હતું; તેઓ ઘરેથી ફક્ત પાણી પીને જ નીકળ્યા હતા. એમની આચારનિષ્ઠાનું ધ્યાન રાખતા ઠાકુરે એમને જમવા માટેનો પ્રસંગ જ ક્યાંય ઊભો થવા ન દીધો. એટલે જેવા બલરામબાબુના ઘરે પહોંચ્યા કે તરત જ ઠાકુરે કહ્યું: ‘અરે, (યોગીન પ્રત્યે ઈશારો કરતાં) તે આજે કંઈ જ જમ્યો નથી. તેને કંઈક ખાવાનું આપો.’ બલરામબાબુએ ઠાકુરનો આદેશ થતાં યોગીનને પ્રેમપૂર્વક જમાડ્યા. બલરામબાબુની આપેલી વસ્તુઓને ઠાકુર પવિત્ર માનતા હતા તેથી યોગીનના મનમાં બલરામ અને બલરામ ભવન પ્રત્યે શ્રદ્ધા જાગી હતી. તેથી જ તેઓ તે દિવસે કોઈ પણ જાતના બાધ વગર જમી શક્યા.

આ રીતે સહાનુભૂતિસંપન્ન ગુરુની પ્રત્યક્ષ અને પરોક્ષ કેળવણી દ્વારા યોગીનના જીવનનું ઘડતર થવા લાગ્યું. એક વખત તેમને ઠાકુરની અપૂર્વ સત્યનિષ્ઠાનું દર્શન થયું અને તેમણે તેમને સંપૂર્ણપણે અપનાવી લીધા. દક્ષિણેશ્વરમાં ઠાકુરના પગે સોજા ચઢતા જોઈને કવિરાજ મહેન્દ્રનાથ પાલે તેમને લીંબુનો રસ પીવાની સલાહ આપી. યોગીન દરરોજ બે તાજાં લીંબું લાવીને ઠાકુરને આપતા. પણ એક દિવસ ઠાકુરે એનો રસ ન પીધો તેથી યોગીનને આશ્ચર્ય થયું. તપાસ કરતાં જણાયું કે તેઓ જે બગીચામાંથી લીંબું લાવતા હતા, તે બગીચો તે જ દિવસે બીજાએ ખરીદી લીધો હતો. આથી નવા માલિકને જણાવ્યા વગર લાવવામાં આવેલાં લીંબું ઠાકુરના કામમાં ન આવ્યાં.

કુલીન વંશમાં જન્મેલા અને ધાર્મિક પરિવારમાં ઊછરેલા યોગીનને સંસારનો વિશેષ અનુભવ ન હતો, સાંસારિક વ્યવહારથી તેઓ અજાણ હતા. આવા પ્રકારના માણસોને સંસારના સ્વાર્થી લોકો બહુ જ સહેલાઈથી છેતરી જાય છે. પણ ઠાકુરનું શિક્ષણ હતું – ‘ભક્ત થવું પણ ભોટ નહિ’. યોગીનને પણ આ શિક્ષણ આપવાની એક દિવસ જરૂર પડી. તે દિવસે યોગીન એક કડાઈ ખરીદવા બજારમાં ગયા. તેઓ માનતા હતા કે માત્ર ધર્મનો ભય બતાવવાથી દુકાનદાર સારી વસ્તુ આપશે. તે મુજબ તેની વાત પર વિશ્વાસ મૂકીને, જાતે તપાસ કર્યા વગર તેઓ કડાઈ લઈ આવ્યા. પણ ઘરે આવીને ખબર પડી કે કડાઈ તો ફૂટેલી છે. આ સાંભળીને ઠાકુર એમને ઠપકો આપતાં બોલી ઊઠ્યા: ‘ભક્ત થયો છે તો શું? એ માટે મૂરખ બનવાનું? દુકાનદાર દુકાન ખોલીને શું ધરમ કરવા બેઠો છે કે તું એની વાતોમાં આવી જઈને જાતે જોયા – કારવ્યા વગર જ કડાઈ લઈ આવ્યો? હવે આવું ક્યારેય ન કરતો. જો કોઈ વસ્તુ ખરીદવી હોય, તો પાંચ દુકાને પૂછીને, તેની બરોબર કીમત જાણીને, તે વસ્તુ હાથમાં લઈને, તેને બરાબર ચકાસીને અને જો વસ્તુમાં વટાવ મળતો હોય તો તેની ખરીદી કરતી વખતે વટાવ લઈને પછી જ આવવું.’

યોગીન ભાવુક અને શાંત પ્રકૃતિના માણસ હતા. એમને એ ખબર નહોતી કે અનેક ભાવુક સાધક ખોટી સાત્ત્વિકતાના મોહમાં, પોતાની માનસિક દુર્બળતાને પોષીને નાહકની ઉપાધિ વહોરી લેતા હોય છે અને બીજાઓ માટે પણ ઉપાધિરૂપ બનતા હોય છે. એટલું જ નહિ, પણ મોટે ભાગે તેઓ આવી સ્થિતિમાં ગુરુની ચેતવણી પર પણ ધ્યાન આપતા નથી અને પોતાનો ઉગરવાનો રસ્તો પણ બંધ કરી દે છે. ઠાકુરે પ્રસંગ ઊભો થતાં યોગીનને આ બાબતમાં સાવધાન કરી દીધા. જ્યાં ઠાકુરનાં વસ્ત્રો રાખવામાં આવ્યાં હતાં તે પેટીમાં એક કાબરચીતરો જીવડો આવી ગયો. આ જોઈને ઠાકુરે યોગીનને કહ્યું: ‘આ જીવડાને બહાર લઈ જા અને મારી નાખ.’ યોગીન તેને બહાર તો લઈ ગયા પણ માર્યા વગર જ જીવતો છોડી દીધો. એમણે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે ઠાકુર આ બાબતમાં ફરીથી પૂછશે. પણ તેઓ અંદર આવ્યા કે તરત જ ઠાકુરે પૂછ્યું, ‘કેમ રે! જીવડાને મારી નાખ્યો ને?’ યોગીને સંકોચપૂર્વક કહ્યું: ‘નહિ મહારાજ, મેં તો તેને ફેંકી દીધો.’ આથી ઠાકુરે એમને ઠપકારતાં કહ્યું: ‘મેં તને મારી નાખવા કહ્યું હતું ને! તેં એને એમ જ કેમ છોડી દીધો? હું તને જેમ કહું, બરાબર એમ જ કરવું; નહિતર ભવિષ્યમાં મહત્ત્વની બાબતોમાં તું તારા મનનું જ ધાર્યું કરીને પસ્તાઈશ.’

એક દિવસ યોગીન કલકત્તાથી ઠાકુર પાસે દક્ષિણેશ્વર આવતા હતા. તે માટે તેઓ હોડીમાં બીજા મુસાફરોની સાથે બેઠા. બીજા મુસાફરોને આ વાતની ખબર પડતાં તેમાંનો એક માણસ બોલવા લાગ્યો ‘આ એક ઢોંગ જ છે, વળી બીજું શું? સારી રીતે ખાય છે, પીએ છે, ગાદલા ઉપર સુએ છે અને ધર્મનું નાટક કરીને બધાય નિશાળિયા છોકરાઓનું મગજ બગાડે છે વગેરે વગેરે.’ આ વાત સાંભળીને યોગીનને ખૂબ જ દુ:ખ થયું. પણ તેઓ સ્વભાવે ખૂબ જ શાંત હોવાથી કોઈ પણ વાતનો વિરોધ કર્યા વગર ચુપચાપ બેસી રહ્યા. એમણે વિચાર્યું કે, ઠાકુરને ન સમજી શકવાને પરિણામે દુનિયાના કેટલાય અજ્ઞાની લોકો કેટલીય વાતો વિચારતા હોય છે; પણ એથી ઠાકુર જેવી મહાન વ્યક્તિનું, ભલા શું બગડી જવાનું છે? કાલીમંદિર પહોંચ્યા પછી ઠાકુર સાથે વાતચીત કરતી વખતે તેમણે આ પ્રસંગ વર્ણવ્યો. એમણે વિચારેલું કે ઠાકુર આ બાબત પર કંઈ ખાસ ધ્યાન આપશે નહિ. પણ થયું એનાથી ઊલટું જ! તેઓ બોલ્યા, ‘તેમણે કારણ વગર મારી નિંદા કરી અને તેં ચુપચાપ સાંભળી લીધું? શાસ્ત્રમાં શું લખ્યું છે, ખબર છે? ગુરુનિંદા કરનારનું માથું કાપી લેવું, નહિ તો પછી એ સ્થળ છોડી ચાલ્યા જવું. તે જૂઠા પ્રચારનો જરા-સરખો પણ વિરોધ ન કર્યો?’..

પોતાની જીવનનૌકાનું સુકાન ઠાકુરના દિવ્ય હાથોમાં સોંપી દેવા છતાં પણ યોગીનનો વિશ્વાસ એમના પર કંઈ એક જ દિવસમાં દૃઢ થઈ ગયો હતો એવું નથી. તેઓ સરળ સ્વભાવના હોવા છતાં પણ યુગના પ્રભાવને લઈને એમનું મન નિ:શંક નહોતું. પરિણામે તેઓ દરેક બાબતમાં ઠાકુરની પરીક્ષા કરતા રહેતા. પણ હા, પ્રત્યેક પરીક્ષા પછી એમના આસ્તિક મનમાં વિશ્વાસ વધુ ને વધુ પ્રબળ બનતો જતો હતો – નાસ્તિકોની જેમ ઊંડા અંધકારમાં વિલીન થઈ જતો ન હતો. અહીં કેટલાંક ઉદાહરણો આપવાં અસ્થાને નહિ ગણાય.

દક્ષિણેશ્વર-મંદિરના નિયમ અનુસાર પૂજા પછી પ્રસાદમાંથી થોડો ભાગ ઠાકુરને મોકલવામાં આવતો. એક વખત ફલહારિણી કાલીપૂજાના બીજા દિવસે સવારે લગભગ આઠ-નવ વાગ્યે ઠાકુરે જોયું કે, એમના ઓરડામાં ફળ-કૂલનો જે પ્રસાદ મોકલવામાં આવે છે, તે હજુ સુધી મોકલવામાં આવ્યો નથી. તેથી કાલીમંદિરના પૂજારી-પોતાના ભત્રીજા રામલાલને બોલાવીને તેનું કારણ પૂછ્યું, પણ તેઓ કંઈ જવાબ આપી શક્યા નહિ. તેમણે કહ્યું, ‘હંમેશ મુજબ બધો જ પ્રસાદ કાર્યાલયમાં ખજાનચી પાસે મોકલાઈ ગયો છે, બધાંને, ત્યાંથી જ જેને જેટલો આપવાનો હોય તેટલો પ્રસાદ મોકલવામાં આવે છે; પણ … અહીંને (ઠાકુરને) માટે હજુ સુધી કેમ મોકલાવ્યો નથી, એની મને ખબર નથી.’ રામલાલદાદાની વાતો સાંભળીને ઠાકુર થોડા વ્યગ્ર અને ચિંતિત બની ગયા. ‘હજુ સુધી કાર્યાલયમાંથી પ્રસાદ કેમ આવ્યો નથી?’ તેઓ બધાંને આ જ પ્રશ્ન પૂછવા લાગ્યા અને આની જ ચર્ચા કરવા લાગ્યા. આ રીતે એમણે થોડો સમય રાહ જોઈ, તેમ છતાં પણ પ્રસાદ આવ્યો નહિ, તેથી પછી પગમાં ચંપલ પહેરીને તેઓ પોતે જ ખજાનચી પાસે પહોંચી ગયા. અને તેમણે કહ્યું: ‘કેમ રે! (પોતાના ઓરડા તરફ ઈશારો કરીને) પેલા ઓરડા માટેનો પ્રસાદ હજુ સુધી કેમ નથી આવ્યો? ભૂલી તો નથી ગયા ને? આટલા દિવસોથી ચાલતી આવતી પહેલાની વ્યવસ્થા છે. હવે ક્યાંક ભૂલથી બંધ થઈ જાય એ તો બહુ ખોટું કહેવાય.’ ખજાનચીએ શરમિંદા થઈને જણાવ્યું, ‘શું હજુ સુધી પ્રસાદ આપને ત્યાં પહોંચ્યો નથી? એ તો બહુ ખોટું થયું. હું હમણાં જ મોકલાવી આપું છું.’

યોગીનની ઉંમર નાની હોવા છતાં પણ એમનામાં કુળગૌરવનો ભાવ વિશેષ પ્રબળ હતો. તેઓ કાલીમંદિરના ખજાનચી વગેરેને કદાચ માણસ તરીકે પણ લેખતા નહોતા. આથી થોડાક પ્રસાદ માટેની ઠાકુરની આવી રીતની દોડધામ એમને ગમી નહિ. વળી, જ્યારે એમને યાદ આવ્યું કે, ઠાકુર તો પેટના દર્દી છે. આમાંથી કંઈ પણ વસ્તુ તેઓ ખાઈ શકવાના નથી. ત્યારે તો તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા ‘‘સમજી ગયો’, ભલે ઠાકુર હોય કે પછી કેટલાય મોટા માણસ કેમ ન હોય, પણ વંશવારસાથી મળેલો સ્વભાવ માણસને પોતાના પ્રત્યે ખેંચે જ છે. વંશપરંપરાથી સીધામાં ચોખા-કેળાં બાંધનાર પૂજારી-બ્રાહ્મણના ઘરમાં એમનો જન્મ થયો છે; એટલે વધતા-ઓછા પ્રમાણમાં કુળના સંસ્કાર તો રહેવાના જ. એ સિવાય બીજું શું વળી?’’ આવો વિચાર કરતા તેઓ બેઠા હતા એ જ વખતે ઠાકુર પાછા ફર્યા અને તેમને કહેવા લાગ્યા, ‘જાણો છો? રાસમણિ એટલા માટે આટલી બધી સંપત્તિ આપી ગઈ છે કે, દેવતાઓના ભોગ ઉપરાંત સાધુ-સંતો અને ભક્તોને પ્રસાદ મળે. અહીં પ્રસાદની જે જે વસ્તુઓ આવે છે, તેને ભક્તો જ મેળવે છે; ભગવાનને જાણવા માટે જે લોકો અહીં આવે છે, તેમને જ મળે છે. આથી રાસમણિએ જે ઉદ્દેશથી આપ્યું છે, તે સિદ્ધ થાય છે. પરંતુ પાછળથી તે લોકો (મંદિરના બ્રાહ્મણો) જે બધું લઈ જાય છે, તે બધાંનો શું આવો જ ઉપયોગ થાય છે? ચોખા વેંચીને તેઓ પૈસા ઊભા કરી લે છે. વળી કોઈ કોઈને તો રખાતો છે. તેઓ બધું જ લઈ જઈને તેમને ખવડાવી દે છે. આ બધું બને છે. રાસમણિએ જે ઉદ્દેશથી દાન આપ્યું છે તે થોડેઘણે અંશે તો સાર્થક થાય એટલા માટે હું આટલો બધો ઝઘડું છું!’ આટલા નાનકડા પ્રસંગમાં આટલી ઉદાત્ત ભાવના! યોગીન મહારાજ મુગ્ધ બનીને વિચારવા લાગ્યા, ‘ઠાકુરને સમજવા બહુ જ મુશ્કેલ છે.’

દક્ષિણેશ્વરમાં ફરી એકવાર ઠાકુરના ઉપદેશની ઉપયોગિતા વિશે યોગીનના મનમાં ભારે અવિશ્વાસ જાગ્યો. પરંતુ ઠાકુરની કૃપાથી જ એ પણ દૂર થઈ ગયો. લીલાપ્રસંગમાં ઘટના આ રીતે વર્ણવેલી છે: ‘સ્વામી યોગાનંદની જેમ ઇન્દ્રિયજિત પુરુષ ભાગ્યે જ જોવા મળે છે. એમણે દક્ષિણેશ્વરમાં એક દિવસ ઠાકુરને આ જ પ્રશ્ન (કામજય વિશે) પૂછ્યો હતો; તે સમયે એમની ઉંમર નાની હતી. લગભગ ચૌદ-પંદર વર્ષની હશે. અને થોડા દિવસ પહેલાં જ તેઓ ઠાકુરની પાસે આવતા-જતા થયા હતા. એ દિવસોમાં નારાયણ નામના એક હઠયોગી પણ દક્ષિણેશ્વરમાં પંચવટીની નીચેની ઝૂંપડીમાં રહેતા હતા તેઓ નેતી-ધોતી વગેરે ક્રિયાઓ બતાવીને કોઈ કોઈમાં કુતૂહલ જગાડતા રહેતા. યોગીન મહારાજ કહેતા કે તેઓ પણ એમનામાંના એક હતા અને આ બધી ક્રિયાઓ જોઈને એમણે પણ વિચારેલું કે, કદાચ આ બધું કર્યા વગર કામ નહિ જાય અને ભગવદ્‌-દર્શન પણ નહિ થાય. આથી ઠાકુરને આ વિશે પ્રશ્ન પૂછેને એમણે તો મોટી આશા રાખેલી કે તેઓ કોઈ આસન વગેરે બતાવી દેશે, હરડે કે એવું બીજું કંઈ ખાવાનું કહેશે અને વળી પ્રાણાયામની જ કોઈ ક્રિયા શિખવાડી દેશે. યોગીન મહારાજે કહ્યું હતું: ‘ઠાકુરે મારા પ્રશ્નના જવાબમાં કહ્યું: ‘ખૂબ હરિનામ ભજવું, એનાથી જ કામ જતો રહેશે.’ આ વાત મારા મનને જરા પણ ઠીક લાગી નહિ, મેં મનોમન વિચાર્યું કે કદાચ તેઓ કોઈ ક્રિયા વગેરે નહિ જાણતા હોય, એટલા માટે કશુંક પણ કહી દીધું. હરિનામ લેવાથી જ શું કામ જાય ખરો? તો પછી આટલા બધા લોકો જેઓ હરિનામ ભજે છે, એમનો કેમ જતો નથી? તે પછી એક દિવસ હું કાલી મંદિરના બગીચામાં આવ્યો; પણ ઠાકુર પાસે ન જતાં, પહેલાં પંચવટીમાં હઠયોગીની પાસે ગયો અને ત્યાં ઊભો ઊભો મુગ્ધ થઈને એની વાતો સાંભળી રહ્યો હતો. એ વખતે મેં જોયું તો ઠાકુર પોતે જ ત્યાં આવી પહોંચ્યા હતા. મને જોતાં જ એમણે મને બોલાવ્યો અને મારો હાથ પકડીને પોતાના ઓરડા તરફ લઈ જતાં કહેવા લાગ્યા, ‘તું ત્યાં કેમ ગયો હતો? ત્યાં ન જવું, તે બધું (હઠયોગની ક્રિયાઓ) શીખવાથી અને કરવાથી મન શરીરમાં જ ચોંટેલું રહેશે અને ભગવાન પ્રત્યે નહિ જાય.’ પણ ઠાકુરની વાત સાંભળીને મેં વિચાર્યું, ‘ક્યાંક હું એમની પાસે આવવાનું બંધ ન કરી દઉં એટલા માટે તેઓ આ બધું કહી રહ્યા છે.’ હું મારી બાબતમાં શરૂઆતથી જ એવું માનતો હતો કે હું ખૂબ જ બુદ્ધિશાળી છું!… વળી મારા મનમાં આવ્યું, ‘તેઓ જે કહે છે, તે કરીને જોઉં તો ખરો કે શું થાય છે?’ આમ વિચારીને હું શ્રદ્ધાપૂર્વક ખૂબ હરિનામ જપવા લાગ્યો અને ખરેખર થોડાક જ દિવસોમાં ઠાકુરે જેવું કહ્યું હતું તેવું જ પ્રત્યક્ષ ફળ મેળવવા લાગ્યો.’

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.