ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું ઐશ્વર્ય બતાવવા લાગ્યો, પરંતુ તેને ઘેર ભગવાન ગયા નહિ, એ વિદુરને ઘેર ગયા. એ ભક્તવત્સલ. વાછરડાની પાછળ જેમ ગાય દોડે, એવી રીતે ભગવાન ભક્તની પાછળ પાછળ જાય.

‘ભક્તિ જ સાર. ઈશ્વરને તર્ક-વિચાર કરીને કોણ જાણી શકે? આપણે જરૂર છે ભક્તિની. ઈશ્વરનું ઐશ્વર્ય અનંત, એ બધું જાણવાની આપણે શી જરૂર? એક બાટલી દારૂથી જો હું પાગલ થઈ જાઉં, તો કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડ્યો છે એ બધી વિગતની મને કઈ જરૂર? એક લોટો પાણીથી જો મારી તરસ છીપે, તો પછી આખી પૃથ્વીમાં કેટલું જળ છે એ માહિતી લેવા જવાની મારે કાંઈ જરૂર ખરી?’

ઘણાય ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે : ‘આપ જજ, તે મજાનું, પણ એટલું જાણજો કે બધુંય ઈશ્વરની શક્તિથી. મોટી પદવી ઈશ્વરે જ આપી છે એટલે મળી છે. માણસો મનમાં માને કે અમે મોટા લોકો. અગાસીનું પાણી સિંહના મોઢાવાળા નળમાં થઈને પડે. એમ લાગે કે જાણે સિંહ મોઢામાંથી પાણી કાઢી રહ્યો છે. પરંતુ જુઓ તો, ક્યાંનું પાણી? ક્યાં આકાશમાં વાદળાં, તેનું પાણી અગાસીમાં પડે, એ વહેતું વહેતું નળમાં જાય, ત્યાર પછી સિંહના મોઢામાંથી બહાર નીકળે.’

સુરેન્દ્રના ભાઈ – મહાશય, બ્રાહ્મ-સમાજમાં કહે છે કે સ્ત્રીઓને સ્વાતંત્ર્ય આપો; જાતિભેદ કાઢી નાખો; એ બધું આપને શું લાગે છે?

શ્રીરામકૃષ્ણ- ઈશ્વર ઉપર નવો નવો પ્રેમ જન્મે ત્યારે એમ થાય. તોફાન થાય ત્યારે ખૂબ ધૂળ ઊડે. એ વખતે કયું આંબલીનું કે કયું આંબાનું ઝાડ એ ખબર ન પડે. તોફાન જ્યારે શમે, ત્યારે સમજી શકાય. એમ નવી ઈશ્વર-પ્રીતિનું તોફાન જ્યારે શમી જાય ત્યારે પછી સમજાય કે ઈશ્વર જ શ્રેય, નિત્ય પદાર્થ, બીજું બધું અનિત્ય. સાધુ-સંગ, તપસ્યા કર્યા વિના આ બધાંની ધારણા થાય નહિ. તબલાંના બોલ મોઢે બોલ્યે શું વળે? હાથમાં ઉતારવા બહુ કઠણ! એકલાં લેક્ચર દીધે શું વળે? તપસ્યા જોઈએ, ત્યારે ધારણા થાય.

‘જાતિભેદ? જાતિભેદ માત્ર એક ઉપાયથી નીકળી શકે. એ ઉપાય છે ભક્તિ. ભક્તોને જાત ન હોય. ભક્તિથી અસ્પૃશ્ય જાત શુદ્ધ થાય. ચાંડાળ પણ ભક્તિ હોય તો પછી ચંડાળ રહે નહિ. ચૈતન્યદેવે ચંડાળ સુદ્ધાંને આલિંગન આપ્યું હતું.

‘બ્રાહ્મ-સમાજીઓ હરિનામ લે એ ઘણું સારું. આતુર થઈને સમર્યે, ભગવાનની કૃપા થાય, ઈશ્વર પ્રાપ્તિ થાય.’

‘બધા માર્ગોએ થઈને ઈશ્વરને પામી શકાય. એક જ ઈશ્વરને વિવિધ નામે બોલાવે છે. જેમ કે એક ઘાટેથી પાણી હિંદુઓ પીએ છે, તેઓ કહેશે જળ; બીજે એક ઘાટે ખ્ર્રિસ્તીઓ પીએ, તેઓ કહેશે વોટર; ત્રીજે ઘાટે મુસલમાનો પીએ, તેઓ કહેશે પાની.’

(શ્રીરામકૃષ્ણ કથામૃત ‘સંચયન’, પૃ. ૧૩૩-૩૪)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.