ગોળની બરણીઓવાળો વૈદ્ય

એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં ગોળની કેટલીક બરણીઓ ભરી પડી હતી. દર્દી જરા દૂર રહેતો હતો. બીજે દહાડે દર્દી વૈદ્ય પાસે ગયો તો વૈદ્યે એને કહ્યું, ‘તારા ખોરાકનું બરાબર ધ્યાન રાખજે. ગોળ ખાવો તારે માટે હિતાવહ્‌ નથી.’ એ રોગીના ગયા પછી ત્યાં બેઠેલા બીજા એક માણસે કહ્યું, ‘એને ફરી આંટો ખાવાની તકલીફ આપે શા માટે આપી? આ તમે એને કાલી જ કહી શક્યા હોત.’ હસીને વૈદ્યે જવાબ આપ્યો : ‘એનું કારણ છે. ગઈકાલે મારા ઓરડામાં ત્યારે ગોળની કેટલીક બરણીઓ પડી હતી. રોગીને ગોળ છોડવાની વાત મેં ત્યારે કહી હોત તો, એને મારા બોલમાં વિશ્વાસ ન બેસત. એને થયું હોત : ‘એમના પોતાના ઓરડામાં ગોળની આટલી બરણીઓ છે તે એ ખાતા જ હશે. તો ગોળ મને નુકસાનકર્તા નહીં હોય.’ આજે મેં એ બરણીઓ આઘીપાછી કરી દીધી છે. એટલે એને મારામાં વિશ્વાસ બેસશે.’

ઈશ્વર જેને લોકોના ગુરુપદે સ્થાપવા ચાહતો હોય તેને માટે સંસારત્યાગ આવશ્યક છે. આચાર્ય થવા તેણે કામિનીકાંચન તજવાં જોઈએ. નહીં તો, લોકો એને માને નહીં. એને માટે માત્ર માનસિક ત્યાગ જ પૂરતો નથી; એણે બાહ્ય ત્યાગ પણ કરવો જોઈએ. તો જ એનો બોધ સફળ બને. નહીં તો લોકો વિચારશે કે, ‘એ આપણને કામિનીકાંચનનો ત્યાગ કરવા કહે છે પણ પોતે તો બંનેને ખાનગીમાં ભોગવે છે.’

સત્તાની મહોર

કામારપુકુરમાં હાલદારપુકુર નામનું નાનું તળાવ છે. કેટલાક લોકો રોજ ત્યાં શૌચ કરી ગંદકી કરી જતા. જે બીજા લોકો સવારે ત્યાં નહાવા જતા તે આ ગંદકી કરનારને ખૂબ ગાળો ભાંડતા. પણ બીજી સવારે પાછું એનું એ જ. ગંદકી અટકી નહીં. લોકોએ આખરે સત્તાવાળાઓને આની જાણ કરી. એક જમાદારે ત્યાં આવી પાટિયું મારી દીધું : ‘અહીં કોઈએ ગંદકી કરવી નહીં.’ પછી એ બંધ થયું.

બીજાઓને બોધ આપવા માટે સત્તાનો ચાંદ-પરવાનો જોઈએ. નહીં તો, બોધ ઠઠ્ઠાપાત્ર બને. કોઈ અજ્ઞાની બીજાને બોધ દેવા જાય તો તે આંધળો આંધળાને દોરે તેના જેવું થાય. આવો બોધ સારું કરવાને બદલે બૂરું કરે. ઈશ્વર સાક્ષાત્કાર પછી માનવીને આંતર્‌દર્શન થાય. પછી જ એ બીજાનો આધ્યાત્મિક રોગ પારખી તેને બોધ આપી શકે.

ઈશ્વર પાસેથી આદેશ ન મળે ત્યાં સુધી લોકોને ઉપદેશ દઈ શકાય નહીં

ઉપદેશકને ઈશ્વરનો આદેશ થયો હોય તો એ બીજાને ઉપદેશ દે તેમાં વાંધો નથી. ઈશ્વરનો આદેશ પ્રાપ્ત થયેલ હોય તેવા ઉપદેશકને કોઈ ગૂંચવી શકે નહીં. વિદ્યાની દેવી પાસેથી જ્યોતિકિરણ પામેલી વ્યક્તિ એટલી સમર્થ થઈ જાય છે કે પંડિતો પણ એની સમક્ષ અળસિયાં લાગે.

ઈશ્વરના આદેશ વિના માત્ર લેકચર દીધે શું વળે? એક વાર એક બ્રાહ્મસમાજી ઉપદેશકે પોતાનો ઉપદેશ આપતાં કહ્યું : ‘મિત્રો, હું કેટલું બધું પીતો!’ વ. આ સાંભળી લોકો બોલવા લાગ્યા : ‘આ મૂરખ શું બકે છે? એ તો દારુ પીતો’તો!’ આવો શબ્દો પ્રતિકૂળ અસર નીપજાવે. આ બતાવી આપે છે કે, બોધ આપનાર સજ્જન ન હોય તો સારું પરિણામ ન આવે.

બંગાળના બારીસાલના એક ઉચ્ચ સરકારી અધિકારીએ એકવાર મને કહ્યું : ‘મહાશય, આપ બોધ આપવાનું આરંભશો તો હુંયે કમ્મર કસીને તૈયાર થઈ જઈશ.’ હાલદારપુકુર તળાવે લોકો ગંદકી કરતા હતા અને, એ અટકાવવા માટેની સરકારી સત્તા ધરાવતા પોલીસ મૂકેલી નોટિસની વાત મેં એને કરી. 

માટે તો હું કહું છું કે, નકામો માણસ બોધ દેવામાં માથું ફોડે છતાં તેની કંઈ અસર નહીં ઉપજે પરંતુ, ઈશ્વર પાસેથી સત્તાની મહોર મેળવ્યા પછી લોકો તેને સાંભળશે. ઈશ્વરી આદેશ વિના બીજાને બોધ દઈ શકાય નહીં. લોકોના ગુરુ સમર્થ હોવા ઘટે. કલકત્તામાં હનુમાનપુરીઓ (સુખ્યાત મલ્લ) અનેક છે. તમારે કુસ્તી એમની સાથે કરવી જોઈએ.

Total Views: 90

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.