શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના કાચા અહંનો નાશ કરીને એ એમ કરે છે. આમ, માની ઇચ્છા હોય તો, વિવેકવિચાર દ્વારા તમે બ્રહ્મને પામી શકો. વળી ભક્તિથી પણ તમને એ પ્રાપ્ત થઈ શકે. એના પ્રેમ અને જ્યોતિ માટે અવિરત પ્રાર્થના ભક્તિનો સાર છે; એને બધું જ સમર્પિત કરી દેવું જોઈએ. આ બધાંની સહાયથી એક વાર મા (વ્યક્ત બ્રહ્મ) પાસે આવો. હું સાચું કહું છું કે, તમારી પ્રાર્થના અંતરમાંથી ઊઠી હશે તો, મા એનો પ્રતિસાદ આપશે જ; તમારામાં ધીરજ જોઈએ. એના અવ્યક્ત રૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો એને જ પ્રાર્થના કરો. એ સર્વશક્તિમાન છે એટલે તમારી પ્રાર્થના ફળે અને જો તે ઇચ્છા કરે તો, સમાધિમાં, તમે એનું અવ્યક્ત રૂપ પણ જોઈ શકશો. આ બ્રહ્મજ્ઞાન સમાન જ છે.

ભક્ત: જગદંબાને યોગમાયા કેમ છે?

શ્રીરામકૃષ્ણ : યોગમાયા એટલે પુરુષ અને પ્રકૃતિનો યોગ. જે કાંઈ જુઓ છો એ બધું પુરુષ-પ્રકૃતિનો યોગ. શિવ-કાલીની મૂર્તિ જુઓ. શિવની છાતી ઉપર કાલી ઊભી રહેલી છે. શિવ શબ થઈને પડેલ છે. કાલી શિવની સામે જોઈ રહેલ છે. અને બધો પુરુષ-પ્રકૃતિનો યોગ. પુરુષ નિષ્ક્રિય, એટલે એના સૂચકરૂપે શિવ શબ થઈને પડેલ છે. પુરુષના યોગથી પ્રકૃતિ સમસ્ત કાર્ય કરી રહી છે, સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરી રહી છે. રાધા-કૃષ્ણની યુગલ-મૂર્તિનો અર્થ પણ આ. આ યોગને માટે બંકિમ (બાંકે-બિહારી) રૂપ. એ યોગ દેખાડવા માટે જ તો શ્રીકૃષ્ણના નાકમાં મોતી અને શ્રીમતી રાધિકાના નાકમાં વાદળી મણિ. શ્રીમતીનો ગૌરવર્ણ, મોતીના જેવો ઉજજવળ. શ્રીકૃષ્ણનો શ્યામવર્ણ, એટલે શ્રીમતીના નાકમાં વાદળી મણિ. તેમ જ શ્રીકૃષ્ણે પીળું વસ્ત્ર અને શ્રીમતીએ વાદળી વસ્ત્ર ધારણ કર્યું છે. ઉત્તમ ભક્ત કોણ? જે બ્રહ્મ-જ્ઞાન થયા પછી જાણે, કે બ્રહ્મ જ જીવ, જગત ચોવીસ તત્ત્વ થયેલ છે. શરૂઆતમાં ‘નેતિ, નેતિ’ વિચાર કરીને અગાસી પર પહોંચવું જોઈએ. ત્યાર પછી અગાસી જે વસ્તુની બનેલી છે, ઈંટ, ચૂનો વગેરે પથ્થરની સીડી પણ તે જ વસ્તુઓની બનેલી છે. ત્યારે જુએ કે બ્રહ્મ જ જીવ, જગત, બધું થયેલ છે.

‘રૂપમાં, ઈશ્વરીય રૂપમાં અશ્રદ્ધા રાખો મા, રૂપ છે, માનો! ત્યાર પછી જે રૂપ ગમે તેનું ધ્યાન કરો.’ વાત એમ છે કે જયાં સુધી ભોગની વાસના હોય, ત્યાં સુધી ઈશ્વરને જાણવા કે દર્શન કરવા સારુ મન આતુર થાય નહિ. છોકરું રમતમાં બીજું બધું ભૂલી જાય. પેંડો આપીને ભુલાવો તો થોડીક વાર પેંડો ખાય. પણ જયારે રમત પણ ગમે નહિ, પેંડો પણ ગમે નહિ, ત્યારે કહેશે કે ‘મા પાસે જવું છે!’ પછી પેંડો ન જોઈએ. જેને પોતે ઓળખે નહિ, જેને કોઈ કાળે દેખેલ નહિ, તે માણસ પણ જો કહે કે ચાલ તારી મા પાસે લઈ જાઉં, તો તેની પાસે પણ જાય. જે કોઈ તેડીને લઈ જાય તેની સાથે જાય.

‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું શું તારા વિશ્વની બહાર છું? મારી પાસે જ્ઞાન નથી, ભક્તિ નથી કે તપનો ગુણ નથી. હું કશું જાણતો નથી, પ્રભુ. તારી અનંત કરુણા વરસાવ અને, તારા દર્શનની ખાતરી આપ!’

‘ઓ બ્રહ્મમયી! મારે લોકો તરફથી આદર નથી જોઈતો, મારે દેહભોગો નથી જોઈતા, માત્ર ગંગા-યમુનના સંગમની જેમ મારા આત્માને તારામાં જોડી દે. મા, હું ભક્તિહીન છું, યોગહીન છું, હું રંક છું, મિત્રહીન છું, કોઈની પ્રશંસાની મને વાંછા નથી. તારા ચરણપદ્મે તું મને નિત્ય રાખ.’

 ‘મા, હું યંત્ર છું, તું યંત્રી છો. હું ઘર છું, તું ગૃહવાસી છો; હું મ્યાન છું, તું તલવાર છો; હું રથ છું, તું રથી છો; તું જેમ કરાવે તેમ હું કરું છું; તું બોલાવે તેમ બોલું છું; તું ચલાવે તેમ ચાલું છું; ‘હું’ નહીં, ‘હું’ નહીં પણ ‘તું’, મા! ’

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.