આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું) દરદ શા માટે થયું?’

મણિ – જી, માણસની પેઠે બધું ન થાય તો જીવોને હિંમત આવે નહિ. તેઓ જુએ છે કે આપના શરીરમાં આટલું દર્દ છે, છતાંય આપ ઈશ્વર સિવાય બીજુ કશું જાણતા નથી!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બલરામે પણ કહ્યું કે આપને જ જો આમ, તો પછી અમને તો કેમ ન થાય?

‘‘સીતાના શોકથી રામ ધનુષ ઉઠાવી ન શક્યા એ જોઈને લક્ષ્મણ નવાઈ પામી ગયા. પરંતુ ‘પંચભૂતમાં પડે ત્યારે બ્રહ્મ સુદ્ધાં રડે.’’

મણિ – ભક્તનું દુ:ખ જોઈને ઈશુ ખ્ર્રિસ્ત પણ સાધારણ માણસની પેઠે રડ્યા હતા.

શ્રીરામકૃષ્ણ – શું થયેલું?

મણિ – માર્થા ને મેરી બે બહેનો અને લેઝેરસ નામે તેમનો ભાઈ. એ ત્રણે ભાંડુ ઈશુ ખ્ર્રિસ્તના ભક્ત. એમાં લેઝેરસનું મૃત્યુ થયું. ઈશુ તેમને ઘેર આવતા હતા. રસ્તામાં એક બહેન મેરી, દોડતી જઈને ઈશુને પગે પડી અને રડતાં રડતાં બોલી, ‘પ્રભુ તમે જો આવી પહોંચ્યા હોત તો એ મરત નહિ!’ ઈશુ તેનું રુદન જોઈને રડ્યા હતા.

મણિ – બાકી આપની સાથે ઈશુ ખ્ર્રિસ્તનું ઘણુંય મળતું આવે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બીજું શું મળતું આવે?

મણિ – આપ ભક્તોને ઉપવાસ કરવાનું કે બીજી કોઈ કઠોરતાવાળું તપ કરવાનું કહેતા નથી. ખાવાપીવા સંબંધેય કોઈ કઠિન નિયમ નહિ. ઈશુ ખ્ર્રિસ્તના શિષ્યોએ રવિવારે ઉપવાસ ન કરતાં ભોજન કરેલું એટલે જેઓ જૂનું યહૂદી શાસ્ત્ર માનીને ચાલતા તેઓએ તેમનો તિરસ્કાર કર્યો હતો. ઈશુએ કહ્યું કે તેઓ ખાશે, પીશે અને આનંદ કરશે. જેટલો વખત વરરાજાની સાથે હોય તેટલો વખત જાનૈયા આનંદ જ કરે.

શ્રીરામકૃષ્ણ – એનો અર્થ શું?

મણિ- એટલે કે જેટલા દિવસ સુધી અવતારની સાથે હોય ત્યાં સુધી અવતારના સાંગોપાંગ ભક્તો કેવળ આનંદ જ કરવાના. શા માટે નિરાનંદમાં રહે? 

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – બીજું કંઈ મળતું આવે છે?

મણિ – જી, આપ જેમ કહો છો કે યુવકોની અંદર કામિની-કાંચન પેઠાં નથી, તેઓ ઉપદેશની ધારણા કરી શકે; જેમ નવી હાંડલીમાં દૂધ રાખી શકાય તેમ. દહીં જમાવવાની હાંડલીમાં દૂધ રાખવાથી દૂધ બગડી જવાનો ભય. ઈશુ પણ એમ કહેતા.

શ્રીરામકૃષ્ણ – શું કહેતા?

મણિ – ‘જૂની બાટલીમાં નવો દારૂ રાખવા જાઓ તો બાટલી ફાટી જવાનો ભય ખરો.’ અને ‘જૂનાં કપડાંને નવી ઘડી કરવાથી જલદી ફાટી જાય.’

‘‘આપ જેમ કહો છો કે ‘મા અને હું એક’, ઈશુ પણ એમ જ કહેતા કે ‘પિતા અને હું એક!’

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.