(ગતાંકથી ચાલું)

સંસ્થાનવાદી રાજકારણ, જર્મનરાષ્ટ્રવાદ અને કેટલાક ભાષાકીય સિદ્ધાંતોએ ભેગાં મળીને એક એવા ઇતિહાસનું આલેખન કર્યું કે જે બધાં જ વૈજ્ઞાનિક પ્રમાણોથી વિરોધી છે. વિજ્ઞાનની કશી જ ગતાગમ વગરના કેવળ રાજકારણે જ કરેલી આ કવાયતનું પહેલું પરિણામ તો એ આવ્યું કે એણે અત્યંત મહત્ત્વની ઐતિહાસિક સમસ્યાઓને આભાસી વૈજ્ઞાનિક એવી વંશીય માન્યતા સાથે સેળભેળ કરી દીધી. એમાંથી એક વાત છે ભાષાઓનું મૂળ અને કૃત્રિમ વર્ગીકરણ. એટલે ભારત અને શ્રીલંકાથી માંડીને ઠેઠ ઈંગ્લેન્ડ અને આર્યલેન્ડ સુધીના લોકો જે ભાષાઓ બોલે છે તે ભાષાઓ વચ્ચે પરસ્પરનો સ્પષ્ટ રીતે દેખાઈ આવતો સંબંધ છે. અને બીજી વાત એ છે કે અધકચરા ભાષાકીય વિચારો એમાં ભળવાથી આર્યોના આક્રમણની કપોલકલ્પના ઊભી થઈ! હવે એ સમય પાકી ગયો છે કે આપણે આ બંનેના મિશ્રણનો નીરક્ષીરવિવેક કરીએ અને આપણા પૂર્વજો વિશે વધુ જાણીએ.

આલ્બર્ટ આઈન્સ્ટાઈને એકવાર કહેલું: ‘કોઈ સિદ્ધાંત પ્રયોગસિદ્ધ વાસ્તવિકતાનો વિરોધી ન હોઈ શકે.’ એ સ્પષ્ટ જ છે કે ભારત પર કેન્દ્રિત થયેલો અને છતાં સમગ્ર પ્રાચીન વિશ્વ પર અસર કરતો પ્રવર્તમાન ઐતિહાસિક સિદ્ધાંત આ પ્રાથમિક કસોટીમાંથી પણ પાર ઊતરી શક્યો નથી. પરંતુ એકવાર આપણે ઓગણીસમી સદીના આ સંસ્થાનવાદ મિશ્રિત મિશનરી રૂપરેખાને ઉતારી પાડીએ તો આપણે અત્યંત પ્રાચીન સંસ્કૃતિ તરફ નિહાળવાની બારી અવશ્ય મેળવી શકીશું – સંસ્કૃતિના ઉદય પહેલાંની દુનિયાને અવશ્ય જોઈ શકીશું. આપણી પાસે આ પ્રાચીન વિશ્વની સ્મૃતિઓ પ્રાચીન ભારતના દસ્તાવેજો – વેદોમાં અને ખાસ કરીને પુરાણોમાં સંઘરાયેલ છે. આ આપણને ઈંડોઆર્યન ભાષાઓના મૂળની અને એના ફેલાવાની સમસ્યાનો ઉકેલ શોધવામાં પણ સહાયક બની શકે તેમ છે.

હવે એ પુરાવાઓ વિશે વાત કરીએ: ‘ઇતિહાસના હેતુ માટે પ્રાચીન ભારતના પુરાવાઓને વૈદિક, પૌરાણિક અને ઐતિહાસિક મહાકાવ્યો – એમ ત્રણ ભાગે વહેંચી શકાય. અમાં વૈદિક સાહિત્ય તો કંઈ બહુ ઇતિહાસ ધરાવતું નથી. ઓગણીસમી સદીના પરદેશી વિદ્વાનોનો મોટો દોષ તો એ હતો કે એમણે વેદમાંથી જ ભારતનો ઇતિહાસ શોધી લીધાનો ભ્રમ સેવ્યો! અને ઋગ્વેદમાંથી આર્યોના આક્રમણને શોધી લીધાનો મિથ્યા ગર્વ સેવ્યો! પરિણામે, એમને એમાં થોકબંધ ખોટા અર્થો કરવા પડ્યા અને એમણે ગમે તેમ તાણીમરડીને આક્રમક આર્યજાતિ એમાંથી ઊભી કરી દીધી!

પણ વેદોમાં તો પ્રાચીન ભારતીય ઐતિહાસિક પરંપરા હતી જ નહિ! એ તો મહાકાવ્યો અને પુરાણોમાં જ હતી. અને એ ત્રણેય જાતના પુરાવાઓમાં – વેદ; પુરાણો અને મહાકાવ્યોમાં – ક્યાંયે આક્રમણનો કે ભારતને પારકીભૂમિ ગણવાનો કોઈ જ પુરાવો મળતો નથી. ભારતીયો આજની પેઠે જ પહેલાં પણ પોતાના દેશની સીમાની બહારના દેશોને વિદેશી ભૂમિ લેખતા હતા. પરિણામે લોકોની એ માન્યતા આપણે ન સ્વીકારી. એટલે કે તેઓને ભરોસાપાત્ર ન ગણ્યા, એથી બસ કહી દીધું કે પ્રાચીન ભારતીયોને ઇતિહાસની કોઈ સૂઝસમજ જ નથી!’ આ આક્ષેપ હકીકતોથી સાવ વેગળો છે, કારણ કે પ્રાચીન ગ્રીક અને ચીની યાત્રીઓ ભારતના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે ખૂબ સન્માનપૂર્વક ભારતની ઇતિહાસ જાળવણી અને પરંપરાના ભરપેટ વખાણ કર્યા છે. ઓગણીસમી સદીના વિદ્વાનોએ આવા અમૂલ્ય પ્રાચીન દસ્તાવેજોનો અનાદર કર્યો, તે તેમના વૈજ્ઞાનિક પ્રશિક્ષણના અભાવ તેમજ ભારત પ્રત્યેની ઘૃણાનું જ સૂચન કરે છે. આપણે આગળ કહ્યા પ્રમાણે તેમનામાંના લગભગ બધા જ સંસ્થાનવાદી અમલદારો જ હતા અને પોતાના જ પૂર્વગ્રહોથી બધું માપ્યા કરતા હતા.

એકવાર આપણે પ્રાચીન સાહિત્યસ્રોતનો તટસ્થ અભ્યાસ કરીએ તો ધ્યાનાર્હ રીતે ઠેઠ અંતિમ હિમયુગથી માંડીને પ્રાચીન વિશ્વનો સળંગ ઇતિહાસાલેખ મળવા સંભવ છે. પણ એ માટે કેવળ એ ભારતીય દસ્તાવેજો જ કામ નહિ લાગે. પણ એ મહત્ત્વના પ્રાચીન યુગ સુધી પહોંચવા માટે તો બીજા વિશાળ સ્રોતોમાંથી વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકીની સહાયતાની પણ જરૂર પડશે. પહેલાં તો આપણે ખૂબ પ્રાચીન સમય માટે કાલક્રમનું એક લક્ષ્ય સ્થાપિત કરવું પડશે. ભારતીય પરંપરા હંમેશાં આ લક્ષ્ય ઈ.પૂ. ૩૧૦૨ ગણે છે, કે જ્યારથી કલિયુગ શરૂ થયો. વિખ્યાત મહાભારતના યુદ્ધે એ ઘોષિત કર્યું હતું. જ્યાં સુધી પૂરતું સંશોધન નહોતું થયું ત્યાં સુધી તો એન. એસ. રાજારામ જેવા મોટા મોટા ઇતિહાસ સંશોધકો પણ આ લક્ષ્યને કાલ્પનિક જ માનતા હતા. પણ હવે બધા જ આ લક્ષ્ય સમયને પ્રમાણસિદ્ધ જ ગણે છે. આ સમયને લક્ષ્ય પુરવાર કરવામાં જરા આપણે શ્રી એન. એસ. રાજારામે અપનાવેલ અભિગમ તપાસી લઈએ:

આ માટેનો તેમનો મુખ્ય મુદ્દો-માપદંડ-પ્રાચીન ગણિતશાસ્ત્રના-વિશેષત: ભૂમિતિના-જ્ઞાનનો છે. ગણિતશાસ્ત્રના ઘણા લાભો છે. પહેલો તો એ કે તેના તર્કનો પાયો એકદમ તટસ્થ છે, તે આપણને વિચારોના મૂળ અને એના વિકાસને શોધવા પ્રેરે છે. દાખલા તરીકે અક્ષરગણિત કરતાં અંકગણિત પહેલાં જ આવ્યું હશે. એમ આપણે સહેલાઈથી કરી શકીશું અને એ જ રીતે અક્ષરગણિત અને ભૂમિતિમાં કલનશાસ્ત્રે પછીથી વિકાસ કર્યો એ પણ કહી શકીશું. વળી ગણિતનાં પરિણામો ઉપર કંઈ ભાષા કે સાહિત્યની જેમ રાજકીય કે સાંસ્કૃતિક અસર લેશમાત્ર પણ પડતી નથી. તો ગણિતનો મુદ્દો પ્રાચીન પુરાતત્ત્વ અને સાહિત્યના અધ્યયન માટે ખાસ અનુરૂપ લાગે છે. આપણે જોયું કે સિંધુખીણની સંસ્કૃતિનો હડપ્પાનો પ્રદેશ નગરચનાના ખૂબ ખીલેલા જ્ઞાનનો પરિચય આપે છે. એ એટલું તો ખીલેલું હતું કે એના જેવી નગરરચના ફરી રોમમાં જોવા માટે જગતને ત્યાર પછીનાં બે હજાર વરસ રાહ જોવી પડી હતી!

વળી આપણી પાસે લોથલનું બંદર પણ છે. એનો સમય ઓછામાં ઓછો ઈ.પૂ. ૨૬૦૦ પછીનો નક્કી થયો છે. એ આપણને તત્કાલીન ગણનાપાત્ર ઇજનેરી વિદ્યાના કૌશલનો પરિચય આપે છે અન્ય પણ એવા કેટલાય દાખલાઓ છે. ઇજનેરી વિદ્યાનું આવું કૌશલ, ગણિતના – ખાસ કરીને ભૂમિતિના દક્ષ જ્ઞાન વગર સંભવી ન જ શકે! ઘણા ઇતિહાસલેખકો એવો દાવો કરે છે કે ભારતીયોએ ભૂમિતિનું જ્ઞાન, સિકંદર પછી ગ્રીકો પાસેથી મેળવ્યું; પણ એ બધું વિજ્ઞાનના જ્ઞાનને અભાવે જ લખાયું છે. હડપ્પાના નગરોની રચના તો પાયથાગોરસ પહેલાં બે હજાર વર્ષે થઈ ચૂકી હતી. પાયથાગોરસનું કહેવાતું પ્રમેય તો વૈદિક વ્યાખ્યાકાર બૌદ્ધાયને એની પહેલાં બે હજાર વર્ષે પ્રતિપાદિત કરી આપ્યું હતું! એમણે કંઈ ગ્રીકોના આગમનની રાહ ન જોઈ હતી. કોઈ પણ માણસ ગણિતના-ખાસ કરીને ભૂમિતિના અચ્છા જ્ઞાન વિના નગર રચનાનાં મહેલો અને બંદરો બાંધવાનાં ઇજનેરી કામો કદાપિ કરી જ ન શકે.

તો પછી બીજો પ્રશ્ન એ થાય કે એ લોકોએ એમનું ગણિતજ્ઞાન મેળવ્યું ક્યાંથી? આનો ઉત્તર સહેલો છે: વેદોની રચના અને વ્યવસ્થા કર્યા પછી સૂત્રયુગ શરૂ થયો. આ સૂત્રકારોએ જીવનોપયોગી સર્વજ્ઞાન શાખાઓને સહેલાઈથી યાદ રહી જાય એવા ઓછામાં ઓછા સંજ્ઞાત્મક શબ્દોમાં બાંધ્યા. એ શબ્દસમૂહો સૂત્રો કહેવાય છે. આ સૂત્રસાહિત્યમાં એક ‘શુલ્બસૂત્ર’ નામના સૂત્રગ્રંથમાં ભૂમિતિ અને ગણિતના વિષયોનું નિરૂપણ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. પહેલાં કહ્યા પ્રમાણે આ ‘શુલ્બસૂત્ર’માં લગભગ ઈ.પૂ. ૩૦૦૦ના સમય પહેલાંના જુદા જુદા હડપ્પન સ્થાનોમાં વૈદિક યજ્ઞવેદીઓની વિવિધ પ્રકારની રચનાઓ અને સ્વરૂપો વિષેની ગાણિતિક માર્ગદર્શિકા વિસ્તૃત રૂપે આપેલી જોવા મળે છે.

જેમ છાપખાનાં પહેલાં તો બાઈબલની પ્રતો છાપવા બન્યાં પણ પછી એ કસબ પોતે જ થોડા વખતમાં એનો મૂળ પરિવેશ અતિક્રમીને નવા પરિવેશમાં નવી ટેકનિકથી જ્ઞાનની ઉત્ક્રાંતિ પામ્યો એવી જ રીતે હડપ્પાની આ મહાન નગરસંસ્કૃતિ, એ પેલા શુલ્બસૂત્રના ધાર્મિક ગણિતની જ અભિનવ શાખા બની ગઈ.

મહાભારતીય યુદ્ધના સમય સાથે આ સ્વાભાવિક રીતે જ બંધબેસતી વાત છે. કારણ કે સૂત્રયુગના સૂત્રકારો મહાભારતના યુદ્ધને એટલું પ્રાચીન ગણે જ છે. સૂત્રોમાં દર્શાવેલા ગણિતના જ્ઞાનની હડપ્પાના પુરાતત્ત્વને અવશ્ય અપેક્ષા રહે છે. તેથી આપણે અવશ્ય કહી જ શકીએ કે હડપ્પન સંસ્કૃતિ એના વિકાસને શિખરે પહોંચી હતી. એની પહેલાં જ મહાભારતનું યુદ્ધ થયું હતું. ઈ.પૂ. ૨૭૦૦ની સદીઓની આસપાસ હડપ્પાનાં નગરો એની ઉન્નતિનાં શિખરે પહોંચ્યાં હતાં. એટલે ઈ.પૂ. ૩૧૦૨નો પરંપરામાન્ય સમય, સૂત્રસાહિત્યના પુરાવાઓ સાથે બરાબર બંધ બેસે છે. શ્રી એસ.એન. રાજારામે એ શોધ્યું છે કે આ જ સમય ઇજિપ્શિયન અને જૂના બેબિલોનિયન ગણિત સાથે પણ ઘણો મળતો થાય છે, એ એક વધુ પુરાવો છે. ‘તે બંને પણ શુલ્બસૂત્રો પર આધારિત છે’ – એવું સ્વ. શ્રી એ. સિડરવર્ગે દર્શાવ્યું છે. શ્રી એસ.એન. રાજારામે એમની શોધમાં એ પણ બતાવ્યું છે કે ઇજિપ્તનાં પિરામીડોની રચના તેના પછીથી ઈ.પૂ.૨૭૦૦ની પહેલાં થઈ છે. અને એમાં પણ શુલ્બસૂત્રોના વિચારોનો ઉપયોગ થયો હોય એમ જણાય છે. ઈ.પૂ.૩૧૦૨ના આ નિર્ધારિત સમયમાં જ મહાભારતનું યુદ્ધ થયું હતું એ વાતને ખગોળશાસ્ત્રીય ગણતરી પણ ટેકો આપે છે. પરંપરાથી મહાભારતના યુદ્ધના આ ચાલ્યા આવતા કાળને તો ટેકો છે જ. એટલે આપણે સહેલાઈથી આ સમયને લક્ષ્યચિહ્‌ન તરીકે લેખી શકીએ.

યુરોપિયન ભાષાવિદો અને તેમના ભારતીય અનુયાયીઓ સૂત્રયુગનો સમય ઈ.પૂ. ૫૦૦થીય મોડો મૂકે છે. એનો અર્થ તો એ થયો કે સૂત્રો રચાયાનાં બે હજાર કરતાંય વધુ વરસો પહેલાં જ એ સૂત્રવર્ણિત ગાણિતિક જ્ઞાનનો વાસ્તુવિદ્યામાં ઉપયોગ થવા લાગ્યો! એક સામાન્ય બુદ્ધિનું બાળક પણ આ અશક્ય વાતને હસી કાઢશે! ‘મૂળ વિનાની શાખા’ – એ આનું નામ. આ ઇતિહાસકારો આપણને કહે છે કે એ ગણિતનો ઉપયોગ હડપ્પાની વાસ્તુકલામાં ઈ.પૂ.૩૦૦૦-૨૦૦૦માં થયો, જ્યારે એ સંસ્કૃતિના પ્રૌદ્યોગિક આધાર સમાં સૂત્રસાહિત્યની રચના ઈ.પૂ. ૫૦૦માં થઈ! નિષ્કર્ષ એ છે કે હડપ્પન સંસ્કૃતિ તો સૂત્રયુગની સમાંતર જ હોવી જોઈએ.

મહાભારતયુગ તરફ ફરી નજર કરીએ ત્યાં એક યુગાન્તર આવી જાય છે, ત્યાં વૈદિક યુગ પૂરો થઈને નવા યુગનાં મંડાણ થાય છે. આ ઉપરથી આપણે વૈદિકયુગનું માપ કાઢી શકીએ છીએ. મૂળ મહાભારત (જય)ના લેખક વ્યાસ વેદોની વ્યવસ્થા અને ક્રમિકતા કરનાર તરીકે પણ સુપ્રસિદ્ધ છે. પૂર્વે કહ્યા મુજબ લગભગ ઈ.પૂ.૩૧૦૦માં આ થયું હશે. પ્રાચીન વંશાવળીઓની સૂચિઓ ઉપરથી આપણે એ જાણીએ છીએ કે અર્જુનનો પુત્ર અભિમન્યુ કે જે મહાભારતના યુદ્ધમાં હણાયો, તે વૈદિક દશરાજ્ઞયુદ્ધથી પ્રખ્યાત થયેલા રાજા સુદાસની એકત્રીસમી કે બત્રીસમી પેઢીએ થયો હતો. સુદાસના પુરોહિત વસિષ્ઠથી તો આપણે સુપરિચિત છીએ જ. યોગ્ય સરાસરી પ્રમાણે પચ્ચીસ વરસની એક પેઢી લેખતાં, અને એમાં લાંબા વંશોની ગણતરી કરતાં આપણે સુદાસનો સમય લગભગ ઈ.પૂ. ૩૭૨૦નો ગણી શકીએ. અને એથી જ વસિષ્ઠનો સમય પણ એ જ હોવો જોઈએ. આ તકે આપણે પેલી પહેલા લેખાંકમાં દર્શાવેલી વૈજ્ઞાનિક રીતે જેના સમયની ચકાસણી થઈ ચૂકી છે તેવી વસિષ્ઠના મસ્તકની તે યાદ કરી શકીએ! એટલે ઋગ્વેદના યુગની સમાપ્તિ વસિષ્ઠની સાથોસાથ થઈ એ તે કાળ ઈ.પૂ. ૩૮૦૦ થી ૩૭૦૦ સુધીનો હતો.

આ જ વસિષ્ઠ રામાયણના નાયક શ્રીરામના ગુરુ હતા. શ્રીરામની ત્રીસમી કે એકત્રીસમી પેઢીએ થયેલ બૃહદ્‌બલ મહાભારતના યુદ્ધમાં માર્યો ગયો. આ ગણતરી પ્રમાણે પણ પહેલાં દર્શાવ્યા મુજબ જ વસિષ્ઠ અને વૈદિક યુગનો અંત – બંને ઈ.પૂ.૩૮૦૦ થી માંડીને ૩૭૦૦ સુધીમાં મૂકી શકાય છે. આ બાબત તો શ્રી લોકમાન્ય બાલગંગાધર તિલકે ૧૮૯૩માં નક્કી કરી દીધી હતી. એ મુજબ ઋગ્વેદનું સાતમું મંડળ (વસિષ્ઠનું) ખગોળશાસ્ત્રીય હકીકતો પ્રમાણે એ જ સમયે મૂકી શકાય છે.

છેલ્લામાં છેલ્લી સ્વીકૃત વાત સરસ્વતીના વહેણમાર્ગની છે. વસિષ્ઠે એને પર્વતમાંથી નીકળીને સાગરને મળતી વર્ણવી છે. આ વસ્તુ પણ એ જ સમય બતાવે છે. ફ્રેન્ચ સેટેલાઈટમાંથી મળેલી માહિતીનું કાળજીપૂર્વક પૃથક્કરણ કરવાથી જણાય છે કે ઋગ્વેદમાં વર્ણવેલી ઉત્તર ભારતની ભૂગોળ અને જળસ્થાનની સ્થિતિ, ઈ.પૂ. ૩૦૦૦ કરતાંય ઘણાં શતકો પહેલાંની છે. આટલા માટે ગણિત, ખગોળશાસ્ત્ર, પુરાતત્ત્વ અને ધાતુવિદ્યામાંથી મળવા પુરાવાઓના આધાર પર આપણે સહેલાઈથી એ તારણ કાઢી શકીએ છીએ કે ઋગ્વેદનો સમય મોડામાં મોડો ઈ.પૂ. ૩૭૦૦માં પૂરો થયો હતો. એટલે આ સબળ પુરાવો અપ્રતિકાર્ય છે. અત્યારે પુરાતત્ત્વ અને ધાતુવિદ્યાનાં છેલ્લામાં છેલ્લાં સંશોધનો આ વાતને જ ટેકો આપે છે. અને ખાસ કરીને કુનાલની બાજુના સરસ્વતીના પ્રદેશમાંથી મળેલા રૂપાના અલંકારોના નક્કી કરાયેલા ઈ.પૂ.૩૦૦૦ના સમયનો પુરાવો એને વધુ નક્કર ઠરાવે છે.

વૈજ્ઞાનિક રીતે નીપજેલી આ વંશાનુક્રમણીના પ્રાચીન ઇતિહાસ માટેના સૂચિતાર્થો ખરેખર ખૂબ ક્રાંતિકારી મહત્ત્વ દાખવે છે. ઇતિહાસકારોએ તો અત્યાર સુધી આપણને એક જ કહ્યા જ કર્યું છે કે સંસ્કૃતિની શરૂઆત મેસેપોટેમિયાની નદીની ખીણમાં ઈ.પૂ. ૩૦૦૦માં થઈ. પણ હવે અત્યારે આપણને ખબર પડે છે કે એનાં એક હજાર વરસ પહેલાં તો ઋગ્વેદની રચના પૂર્ણ થઈ ચૂકી હતી! હવે આપણે ઋગ્વેદની શરૂઆતના યુગને અને પ્રાચીન ભારતને અવશ્ય એના ઘણા પહેલાંના યુગમાં મૂકી શકીએ તેમ છીએ. હવે તો એને સમગ્ર વૈજ્ઞાનિક બાબતોનો અને અન્ય વિવિધ સ્રોતોનો ટેકો મળી ગયો છે!

ડેવીડ ફ્રોવલી અને લોકમાન્ય તિલક જેવા વૈદિક વિદ્વાનોએ ઋગ્વેદમાં ઈ.પૂ.૬૦૦૦ પહેલાંનો કાલસંદર્ભ શોધી કાઢ્યો છે. શ્રી એન. એસ. રાજારામ જણાવે છે કે ‘હું મારી જાતને વધારે રૂઢિવાદી ગણાવતો હોવા છતાં મહત્ત્વની કેટલીક ઘટનાઓને ઈ.પૂ. ૪૬૦૦ સુધી મૂકવામાં તો મને કશો વાંધો નથી.’ હકીકતમાં આ સમયગાળા દરમિયાન માંધાતા નામનો ભારતનો રાજા, દ્રુહ્યુ નામે ઓળખાતા લોકો સામે ઉત્તર ભારતમાં વારંવાર યુદ્ધો કરી રહ્યો હતો. આ યુદ્ધોએ દ્રુહ્યુઓને ભારત છોડી જવાની ફરજ પાડી અને એમણે મોટા પાયા પર મધ્ય એશિયામાં સ્થળાંતર કર્યું. અને તે સ્થળાંતર પશ્ચિમ યુરોપ સુધી પહોંચ્યું. ભાષાકીય સમાનતા અને પુરાકલ્પ-દંતકથાઓ તેમજ શ્રદ્ધા-વિશ્વાસ-માન્યતાઓ વગેરેની સમાનતાના પાયા પર એ દર્શાવ્યું શક્ય બને છે કે પ્રાચીન ભારતીયો અને યુરોપિયનો અવશ્ય કોઈક વખતે પરસ્પરના ગાઢ સંપર્કમાં હશે. શ્રીકાંત તેલગીરીએ વિસ્તૃત ભાષાકીય અને સાંસ્કૃતિક પૃથક્કરણ કરીને દર્શાવ્યું છે કે માંધાતાની દ્રુહ્યુઓ સાથેની લડાઈઓ પછીના કાળમાં ઘણા દ્રુહ્યુઓનું મોજું ભારત છોડીને વિદેશમાં વસ્યું હતું તે જ પ્રાચીન યુરોપિયનો હતા અને તે દ્રુહ્યુઓ જ પાછળથી ‘ડ્રુઈડ’ તરીકે પ્રાચીન યુરોપમાં ઓળખાયા.

ત્યારે પણ ઉત્તર પશ્ચિમ ભારત આજની પેઠે જ અરાજક પ્રદેશ હતો. દ્રુહ્યુઓ સામેની માંધાતાની લડાઈઓ પછીનાં લગભગ એક હજાર વરસે ફરીથી રાજા સુદાસે પશ્ચિમમાં રહેલા દ્રુહ્યુઓ દ્વારા સંયોજિત રાજસમૂહ તથા ઉત્તર પશ્ચિમ ભારતના બીજા લોકો સામે લડાઈ આદરી. પરિણામે ‘દશારાજ્ઞયુદ્ધ’ નામે જાણીતું મહાયુદ્ધ થયું. આ યુદ્ધ ઋગ્વેદના સાતમા વસિષ્ઠ મંડળમાં વર્ણવવામાં આવ્યું છે. પ્રાચીન ઐતિહાસિક ઘટનાઓ પૈકીની આ એક મધ્યવર્તી મહત્ત્વપૂર્ણ ઘટના છે. લડાઈમાં સુદાસથી હારેલા અને એણે હાંકી કાઢેલા લોકોનાં નામ ઋગ્વેદમાં પૃથુ-પાર્થિવો, પારસુઓ, અલીમસ અને એવાં કેટલાંય આપ્યાં છે. યુરોપ અને પશ્ચિમ એશિયાના ઘણા લોકો સાથે આ લોકોનો સંબંધ છે.

અવશ્ય જ પૃથુઓ-પાર્થિવો પરર્થિયન લોકો તરીકે ઓળખાયા. આપણે એને ભલે પાર્થિયનો કહીએ પણ તેઓ પોતે પોતાને ‘પાર્થિવ’ જ કહે છે. બીજા ‘પર્સુસ’ લોકો પર્શિયન થયા. અને અલીમસ પ્રાચીન ગ્રીસના હેલેમ્સ થયા. સુદાસના અન્ય વિરોધીઓમાં પક્‌થો અને બલ્હનોનો પણ સમાવેશ થાય છે. એમના વંશજો આજે પઠાણો (પક્‌થુનો) અને બોલનઘાટના બલોયો તરીકે જાણીતા છે. આ ઉપરાંત પણ શ્રીકાંત તલગેરી પોતાની સઘન અધ્યયનનોંધોમાં કેટલાય અન્ય લોકોનો સમાવેશ કરે છે. આ રીતે પ્રાચીન વિશ્વના ઈંડોઆર્યન પૈકીના ઘણા લોકોનાં મૂળ ઘણા પ્રાચીન સમયના ભારતમાંથી શોધી શકાય છે. આ હકીકત એ પણ સાવ સ્પષ્ટ કરી આપે છે કે ભારતથી માંડીને આર્યલેન્ડ સુધીના લોકો શા માટે એકબીજા સાથે સમાનતા ધરાવતી ભાષાઓ બોલે છે! સ્પષ્ટ જ છે કે તેઓ મૂળમાં ઈંડોઆર્યન જ હતા.

આ હકીકત સંપૂર્ણ રીતે આર્યોના આક્રમણવાળી કલ્પનાકથાને ભોંય ભેગી જ કરી દે છે. એટલું જ નહિ, પણ પ્રવર્તમાન પ્રાચીન ઇતિહાસના સમગ્ર માળખાને છિન્ન ભિન્ન કરી મૂકે છે! ભારતના કહેવાતા આર્યો ઈંડોયુરોપિયન લોકોની કોઈ શાખા ન હતા પણ હકીકતમાં ઓછામાં ઓછું ભાષાકીય દૃષ્ટિએ ભલે પણ એ લોકોનું યે મૂળ તથાકથિત આર્યો જ હતા! તદુપરાંત આર્યોના આક્રમણની અને આગમનની વાત તો દૂર રહી, ઊલટું વૈદિક હૃદયભૂમિ સમા ભારતમાંથી જૈવિક અને રાજકીય ક્ષુબ્ધતાને કારણે લોકોનું સ્થળાંતર થયા કર્યું છે. એવી હકીકત હવે પશ્ચિમ એશિયામાંથી અને તુર્કીમાંથી મળેલા શિલાલેખોમાંથી સ્પષ્ટ થઈ ચૂકી છે.

હવે એના પછીનો પ્રશ્ન આ છે : ‘પ્રાચીન ભારતમાં વેદોમાં અને સૂત્રોમાં દેખાતી આવી ભવ્ય સાહિત્યિક અને બૌદ્ધિક ઉન્નતિ કેમ થઈ અને પછી એનું શું થયું?’ એના જવાબમાં એસ.એન. રાજારામ જણાવે છે કે ‘મને લાગે છે કે અંતિમ હિમયુગ પછી આ પ્રદેશમાં અન્ય પ્રાણીગત ખાસિયતમાં એ શોધી શકાય છે.’ આ હિમયુગ, લગભગ ૧૦,૦૦૦ વર્ષ પહેલાં કટકે કટકે ઓસરવા લાગ્યો હતો. એનો અર્થ એ કે ઉત્તરના જામેલા બરફનાં શિખરોમાંથી બરફ ઓગળતાં પાણીનો જંગી પ્રવાહ ભારતની સમથળ ભૂમિ પર આવવા લાગ્યો. આજે પણ ઉત્તર ભારતની મોટી નદીઓ હિમાલયની હિમનદીઓ દ્વારા જ પુષ્ટ થાય છે. આ રીતે હિમશિખરોના ઓગળતા બરફનું પાણી કેટલાય હજારો વર્ષો સુધી ભારતના લગભગ પૂરેપૂરા ઉત્તર ભાગને ઝબકોળતું રહ્યું અને એણે ભારતને એક સુંદર બગીચાના રૂપમાં – જાણે ‘ઈડનનો ગાર્ડન હોય’ એવા રૂપમાં ફેરવી દીધું. અત્યારે સૂકા-વેરાન એવા સિંધ, રાજસ્થાન અને બલુચિસ્તાનના પ્રદેશો એ વખતે ફળદ્રુપ અને ઘણી વસતિવાળા હતા. આ હકીકત પુરાતત્ત્વીય ઉપકરણો અને ઉપગ્રહોની ફોટોગ્રાફીની મદદથી સુનિશ્ચિત થઈ શકે તેમ છે. પરંતુ આ પ્રદેશોની એ સમૃદ્ધિ કંઈ ચિરકાળ સુધી ટકી રહેવા સર્જાઈ ન હતી. એના પછીનાં કેટલાંક હજાર વર્ષોના સમયગાળામાં આ બરફનો જથ્થો ઓછો થવા લાગ્યો, ત્યારે તે પ્રદેશોમાં પાણી ઓછું થવા લાગ્યું. ફળદ્રુપતા ઓછી થઈ તેથી ગાઢ વસતીવાળા તે પ્રદેશના લોકોને બીજે વસવાટ કરવાની ફરજ પડી. એટલે એ ઘેરાવામાં રહેતા લોકો ભ્રમણ કરતાં કરતાં સરસ્વતીના મધ્યભાગે વધારે જળવાળા અને વધારે ફળદ્રુપ પ્રદેશમાં નીચે ઊતરી આવ્યા. દ્રુહ્યુઓ સામેની માંધાતાની અને સુદામાની લડાઈઓ પછી તેમજ દાશરાજ્ઞના યુદ્ધ પછી ભારતમાંથી જે સ્થળાંતર થયું એ લડાઈઓને કારણે આપોઆપ થયું એ તો ઠીક છે, પણ સાથોસાથ ઉપર્યુક્ત પ્રાકૃતિક ઉથલપાથલને કારણે પણ વધારે થયું એમ કહી શકાય. આ સમગ્ર પરિસ્થિતિ જોતાં સિંધુથી ગંગાની તળભૂમિમાંથી ઈંડોયુરોયિન લોકો સ્થળાંતરિત થઈને અલગ પડી ગયા એનું કારણ પ્રાકૃતિક તત્ત્વોની ઉથલપાથલની સાથે રાજકીય અરાજકતા પણ હતી એમ સાબિત થાય છે.

હડપ્પન સંસ્કૃતિનું શું થયું? એકવાર આપણે આર્યોના આક્રમણની વાતને જાકારો જ દઈ દીધો છે, પછી એ માટે આપણે અન્ય સંભવિત પ્રાકૃતિક કારણો જ શોધવાં જોઈએ. એ માટે વારંવાર પૂરતું કારણ બતાવાય છે પણ નદીનો પૂરો કંઈ હજારો ચોરસ માઈલમાં ફેલાયેલ વિશાળ અને મહાન સંસ્કૃતિનો નાશ કરી શકતાં નથી. પૂરોથી મૃત્યુઓ થાય છે પણ સાથોસાથ એનાથી જીવન પણ સંપાડે છે. પૂરોથી મનુષ્ય ટેવાતો જાય છે. દુનિયામાં એવા કેટલાક પ્રદેશો પૂરોથી ટેવાયેલા જોવા મળે છે. જેમ કે બંગાળ, ઇજિપ્તમાં નાઈલનો મુખત્રિકોણ, ચીનની ચાંગ્સે નદીની ખીણ વગેરે – અને છતાં આ બધા જ ખૂબ ગાઢ વસતિવાળા પ્રદેશો છે! એટલે પાણીની પુષ્કળતા નહિ પણ પાણીનો અભાવ જ સંસ્કૃતિનો નાશ નોતરે છે. આ ઉપરથી આપણે હડપ્પન સંસ્કૃતિનું પછી શું થયું, તે ખૂબ સ્પષ્ટ રીતે જાણી શકીએ છીએ.

હવે તો આનો એક બીજો મજબૂત પુરાવો પણ મળી ચૂક્યો છે કે એના પાડોશની અક્કાડિયન સંસ્કૃતિ પણ ઈ.પૂ. ૨૨૦૦ પછીનાં ત્રણસો એક વરસના લાંબા સૂકા દુષ્કાળથી જ નાશ પામી હતી. આવા લાંબા ઉપરાઉપરી પડતા દુષ્કાળોનું કારણ સામૂહિક જ્વાળામુખીય વિસ્ફોટો પણ હોઈ શકે. અહીં આ જ્વાળામુખીય કારણ હોય કે ન પણ હોય. મેસેપોટેમિયા અને સિંધુખીણની સંસ્કૃતિ પર કોઈક કારણની વિનાશકારી અસર પડી હતી. પાણીના સ્રોતોની ઊણપ હોવાથી તે ધીરે ધીરે કરતાં સાવ જ ખતમ થઈ ગઈ. પહેલાં હિમશિખરોના નાશથી પાણી ઘટ્યું અને ધીરે ધીરે સરસ્વતીના સુકાઈ જવાથી જળનો અભાવ થયો. ઉત્તર ભારત પણ ઘણું કરીને ઘાટી વસતિથી ત્રસ્ત હતો. આ સૂકો દુષ્કાળ એના માટે અંતિમ ફટકારૂપ હતો. આના પ્રમાણમાં (સાબિતીમાં) એ વાત પણ ધ્યાન ખેંચે છે કે ઈ.પૂ. ૨૦૦૦ની આસપાસ સમગ્ર મધ્યપૂર્વ અને પશ્ચિમ એશિયામાં સર્વત્ર જ ભારતીય વંશો મોટા પ્રમાણમાં ફેલાયેલા નજરે પડે છે.

આનું તારણ એ નીકળે છે કે હડપ્પનો એ કેવળ વૈદિક આર્યસમાજના કેવળ ભાગ રૂપ જ ન હતા, પણ સમગ્ર વૈદિક યુગ જ હતો કે જે તેમની સાથોસાથ અસ્ત પામી ગયો હતો. વૈદિક પરંપરામાં પૂર્વના તત્ત્વજ્ઞાનનો અને પશ્ચિમી તર્કવાદનાં બીજ પહેલાં જોવા મળે છે. વેદો – ખાસ કરીને ઋગ્વેદ એ ઇજિપ્ત, સુમેરિયા અને સિંધુખીણની સંસ્કૃતિના ઉદય પહેલાંની સંસ્કૃતિનો વહેલો સ્તર છે. અતિપ્રાચીન આર્યોનું આ વિશ્વ હતું. એમની આ ભૂમિ હતી. અને એમાંથી જ ઈંડોયુરોપિયન પ્રજાનું મહાવૃક્ષ ફેલાયું.

પણ પ્રથમ લેખાંકમાં ઉલ્લેખાયેલ પેલું વસિષ્ઠનું મસ્તક શોધાયું છે એનું શું? ઇતિહાસની પરંપરાની ખરી હકીકતને દર્શાવવા માટે શું એ પૂરતી સાબિતી નથી? આ મસ્તક પર પ્રયોગશાળાઓમાં જે કસોટીઓ કરવામાં આવી છે, તે ઉપરથી શું આપણે ઓછામાં ઓછું વસિષ્ઠનો સમય નક્કી કરી શકતા નથી કે જેઓ ઋગ્વેદ યુગના અંત ભાગે થઈ ગયા, એટલે કે અવશ્ય જ ઈ.પૂ. ૩૭૦૦ એમનો સમય હતો? એ તો સુનિર્ણિત જ થાય છે.

ચુસ્ત વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વગર કોઈ પણ વસ્તુનું એમ ને એમ પ્રતિપાદન કરી દેવું તો યોગ્ય નથી જ. એટલા જ માટે આપણે આટલા લંબાણપૂર્વક અલગ અલગ સ્રોતોમાંથી હકીકતો એકઠી કરવી પડે છે. ગણિત, ખગોળશાસ્ત્ર, પુરાતત્ત્વ, સેટેલાઈટ ફોટોગ્રાફી, અને એવા ઘણા વિજ્ઞાનસ્રોતોની સહાયતા લેવી પડે છે. અને ત્યાર પછી જ એસ. એન. રાજારામ અને અન્ય અમેરિકી સંશોધકો દ્વારા પ્રાચીન ઇતિહાસનું આવું ચિત્ર ખડું કરી શકાયું છે. એટલે ઓછામાં ઓછું પ્રૌદ્યોગિકી દૃષ્ટિકોણથી તો આપણે બધા એટલું તો કહી શકીએ તેમ છીએ કે એ વસિષ્ઠનું મસ્તક એક વધારાનું ઉપકરણ છે કે પ્રાચીન ઇતિહાસની સમસ્યા ઉકેલવામાં સહાયક થઈ શકે. અલબત્ત, એ હોય કે ન હોય, તો પણ આપણા તારવેલા નિષ્કર્ષમાં તો કશો ફેર પડવાનો જ નથી. પરંતુ જેઓ આર્યોના આક્રમણની માન્યતા ધરાવે છે તેમને માટે તો આ વસિષ્ઠનું મસ્તક અને એની સાથેના બીજા પુરાવાઓનો જવાબ આપવો કોઈ પણ રીતે શક્ય છે જ નહિ. એવા લોકોને માટે કેવળ આ બધા પુરાવાઓને કોઈ પણ પ્રમાણ વગર ધરાર નકારી કાઢવાના પૂર્વગ્રહ સિવાય બીજો કોઈ જ આરોઓવારો નથી! અને એવા વિજ્ઞાનાભાસી વલણવાળાઓની એવી જ હઠીલી ખાસિયત હોય છે. અને આજે ભારતની શાળાઓમાં પ્રાચીની ઇતિહાસનું જે શિક્ષણ અપાય છે તે આવી મિથ્યાવૈજ્ઞાનિક ભૂમિકાથી રચાયેલું છે.

આ વાત એક બીજા મુદ્દાને પણ પ્રકાશિત કરી આપે છે. પ્રાચીન ઘટનાઓને અને એના સમયને નક્કી કરતી વખતે આપણે એકાદ પ્રમાણ કે સમાધાનથી સંતુષ્ટ થવું ન જોઈએ. આપણે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણા સિદ્ધાંતને પ્રમાણિત કરવા માટે ઘણા સ્વતંત્ર માર્ગો શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓગણીસમી સદીના ઇતિહાસલેખકોની આ જ મોટી ખામી હતી. એમણે પોતાની એક પૂર્વ માન્યતા બાંધી લીધેલી અને એની આડે આવતી બીજી બધી બાબતોને કશા પ્રમાણવગર નકારી કાઢી! શ્રી અરવિંદ ઘોષ એને ‘પાપ’ ગણે છે. તેઓ કહે છે : ‘તેમણે તેમના પૂર્વગ્રહોથી એક (સ્વાર્થી) માન્યતા ઘડી કાઢી અને પછી એના આધાર માટેના તર્કો દોડાવ્યા કે માહિતી ભેગી કરવા લાગ્યા. એ એક પાપ હતું.’ આ ‘મિથ્યાવિજ્ઞાન’નું ખાસ લક્ષણ છે.

બીજો ઉલ્લેખનીય મુદ્દો એ છે કે જે કંઈ પુરાવાઓ અને શોધખોળો રજૂ થયેલ છે, તે એક શરૂઆત જ છે, એ અંત નથી. ભારતના પ્રાચીન ઇતિહાસનું નવેસરથી અધ્યયન અવશ્ય થવું જોઈએ. ઓગણીસમી સદીના મનના ઊઠેલા સ્વાર્થી તરંગોથી અને એના નવા અવતારથી એ મુક્ત હોવું જોઈએ. આપણે એ કામ વિજ્ઞાન અને આપણી પરંપરાના સુમેળથી જ કરવું જોઈએ. આપણા એ પ્રાચીન ઇતિહાસના અધ્યયનમાં અત્યારની રાજકીય અને સામાજિક માન્યતાઓને કોઈ પણ સ્થાન ન જ હોવું જોઈએ.

બસોએક વર્ષોથી આજ સુધી કેટલાક વિદ્વાનો ભારતના સાચા ઇતિહાસને નષ્ટ કરવા મથામણ કરી રહ્યા છે. અને ખોટી કલ્પનામય વાતોથી આપણા યુવાનોનાં મનને ઝેર પાઈ રહ્યા છે; આપણા યુવાનોને પોતાના પ્રાચીન વારસાથી વંચિત કરી રહ્યા છે. પણ પ્રથમ લેખાંકમાં દર્શાવ્યા પ્રમાણે વસિષ્ઠનું ધાતુનું મસ્તક શોધાયું અને ચકાસાયું તે જાણે કે ઈશ્વરેચ્છા જ ભારતના સાચા ઇતિહાસને ઉદ્‌ઘાટિત કરવાની હોય, એમ લાગે છે. આ શોધે વસિષ્ઠની કે વૈદિક યુગની પણ હસ્તીને નકારતા અને ખોટી બૂમરાણ મચાવતા ઘણા બધા દંભી નાસ્તિકોને જડબાતોડ જવાબ આપી દીધો છે. આપણે એમ પણ માની શકીએ કે વિજ્ઞાન અને અન્ય દસ્તાવેજી સામગ્રી ઉપરાંત આ વસિષ્ઠના મસ્તકની શોધ પણ ખરેખર એક ઈશ્વરી સંકેત જ છે.

સંદર્ભ ગ્રંથો :

New Light of Vedic India and ancient-civili-zation, by Dr. N.S. Rajarama

And other Article

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.