(ગતાંકથી ચાલું)

આપણે ‘રામકૃષ્ણ જ્યોત’ના આગલા અંકોમાં, પ્રાચીન સંસ્કૃતિનું વિવરણ કરતાં કરતાં ભારતીય સંસ્કૃતિ, વિશ્વસંસ્કૃતિના કેન્દ્રબિંદુમાં છે, એમ પ્રતિપાદિત કર્યું. એ લેખોમાં ભારતના સાંસ્કૃતિક વારસાની આછેરી ઝાંખી કરી. હવે પ્રશ્ન એ થાય છે કે આપણે એ પ્રાચીન સંસ્કૃતિને શા માટે યાદ કરવી જોઈએ? એનો તરતનો જવાબ એ છે કે આપણને અત્યારે આપણા દેશ, સંસ્કૃતિ, પરંપરાનું જ્ઞાન આવશ્યકતા કરતાં ઓછું છે. આપણને સ્વદેશ અને વિદેશની વિવિધ જ્ઞાનશાખાઓની માહિતી તો સારી છે, પણ એનો પ્રવર્તમાન સમયના સંદર્ભમાં પૂરી સમજણ આપણને નથી. આપણું અત્યારનું એ વિષયોનું જ્ઞાન ખૂબ જ ધૂંધળું છે. તમે કોઈને આપણી સંસ્કૃતિ વિશે પૂછશો, તો લગભગ બધા જ સ્પષ્ટ ઉત્તર આપતાં ખચકાશે. એથી આપણી સંસ્કૃતિને નિહાળવાની આપણી ઊણપ છતી થાય છે. એટલું જ નહિ, કેટલાક ખોટા જવાબો એ રજૂ કરશે. કારણ કે જે લોકો ઉપર આ જ્ઞાન આપવાની જવાબદારી છે, તે આપણા બૌદ્ધિકો અને મતધારકો પણ આ બાબતમાં ગૂંચવાઈ ગયેલા છે. આપણી સભ્યતા અને સંસ્કૃતિ વિશે એમણે જ તો બેપરવાઈભર્યું અને શંકાશીલ વલણ ઊભું કર્યું છે! એમણે જ લાપરવાહીથી ભૂતકાલીન જ્ઞાનને નિરુપયોગી ઠરાવીને કેવળ વર્તમાન અને ભવિષ્ય તરફ દોડાવવાનું શીખવ્યું છે! વળી, ભૂતકાળ તરફ વધુ ધ્યાન આપવાથી વર્તમાન વ્યવહારની ક્ષમતા ઘટવાની શંકા પણ બતાવી! આ ઘાતક વલણ તરફ આંગળી ચીંધીને આપણા ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાની જાણકારી અને એના પ્રચારની આવશ્યકતા અને એના લાભો દર્શાવવાનો અહીં ઉપક્રમ છે.

પ્રવર્તમાન ભારતીય સમાજની સમસ્યાઓનો ઉકેલ વ્યવહારુ રીતે અને સમજણપૂર્વક થાય, અને સમાજ વિકાસોન્મુખ બને, તે માટે સમાજે હંમેશા સજ્જ રહેવું ઘટે. પણ આપણા સમાજની આજની પાયાની વાસ્તવિકતા એ છે કે આજે ભારતીય સમાજ ગૂંચવણના ઘેરાવામાં સપડાયો છે, એની સમસ્યાઓને ઉકેલવા માટે માર્ગદર્શનનો અભાવ તો નથી જ, પણ બધા એના પૂર્વજોના અનવુભવોમાંથી શીખવાની એની બેદરકારી જ કારણભૂત છે. એની આજની સમસ્યાઓ – ભૂલો ભૂતકાળમાં નહોતી જ થઈ, એવું કંઈ નથી. ત્યારે યે આવો જ માનવસમાજ હતો, આવી જ માનવસહજ ભૂલો અને સમસ્યાઓ હતી જ. હવે જો પ્રાચીન સમસ્યાઓનો ઉકેલ, પૂર્વજો જે રીતે લાવી શક્યા, તે રીતે, અથવા તો, તેનો પરિષ્કાર કરીને આજની સમસ્યાઓ ઉકેલવા માટે ‘પ્રાચીન સાંસ્કૃતિક’ વારસામાંથી બોધપાઠ શા માટે ન લેવો?

અહીં ‘પ્રાચીન’ શબ્દ નિર્ણાયક છે. આ શબ્દને દૂર કરતાં કે તોડતાં-મરોડતાં આપણે હાથે કરીને સ્મૃતિનાશને નોતરું આપશું. કોમ્પ્યુટર આપણી જરૂર મુજબ હકીકતો સંગ્રહે છે, એની છણાવટ કરે છે અને આપણી મરજી હોય તો એને ભૂંસી પણ શકે છે. આ વાત માનવમનને લાગુ પાડીએ તો એ ભૂંસવાની ક્રિયાને ‘પરાણે સ્મૃતિનાશ’ કહેવાય. આવો ધરાર કરાવાતો કે કરાતો ‘સ્મૃતિનાશ’ ભયંકર પરિણામો લાવે છે. કારણ કે જેવા આપણે ભૂતકાળ ભૂલીશું કે તરત જ આપણી ગરિમા તો નષ્ટ થવાની જ સાથોસાથ એની સાથેનો આપણો નાતો પણ ખત્મ જ થઈ જવાનો. લંગરથી વછોડાયેલી હોડી જેમ હવાથી દિશાવિહિન થઈ આમતેમ ફંગોળાઈ જાય, તેવી રીતે પ્રાચીન વારસાના લંગરથી વિખૂટા પડેલા આપણે ક્યાંયના રહીશું નહિ. ગમે તેવો ચમરબંધી પણ આપણને જો આવું શીખવે, તો ચોખ્ખું કહી દેવું જોઈએ કે ‘આવો સ્મૃતિનાશ આત્મઘાતક કૃત્ય છે.’ આપણને એવું કહેવાની પૂરી સ્વતંત્રતા છે.

આજના સંક્રાંતિકાળમાં તો વળી એ વારેવારે શોધવું જરૂરી છે કે આપણા પૂર્વજો પાસે હતાશાઓ અને વિચ્છ્રેદોમાં ટકી રહેવાનું એવું ક્યું સામર્થ્ય હતું? આપણે ઇતિહાસ તો ઉન્નતિ-અવનતિ, હાર-જીતની હારમાળા સમો જ છે. આ હારમાળા ભેદતા પ્રાચીન સમાજે જે વ્યૂહો, પ્રયોગો, અનુભવો, પરિષ્કારો કરીને પોતાની સમસ્યાઓ જે રીતે ઉકેલી હતી, તે આજના સંદર્ભે એક મહત્ત્વનું ભાથું છે. આમ, ભારતનો સાંસ્કૃતિક વારસો માત્ર વર્તમાનમાં જ નહિ, પહેલાં પણ મહત્ત્વનો હતો અને ભાવિમાં પણ રહેશે. આ વારસાની પુન: પુન: આલોચનાના બળે જ તો બંગાળના બૌદ્ધિકોએ ઓગણીસમી સદીના આરંભે નવજાગરણનો શંખ ફૂંક્યો હતો ને? ભૌતિક સમૃદ્ધિના ચળકાટ અને સશક્ત સૈન્યની રાજનીતિથી અંગ્રેજોએ આપણને ગુલામ બનાવ્યા તો પણ એવી કઈ તાકાતથી આપણે જાગી ઊઠીને તેમની સામે ઝઝૂમ્યા હતા? આપણી પ્રાચીન સંસ્કૃતિની સમાલોચનાથી જ એ શક્તિ મળી હતી, એની પ્રેરણાથી જ નવજાગરણનાં બ્યૂગલો બજ્યાં હતાં.

બહારના લોકોએ આપણને ગુલામ બનાવ્યા. અને આપણો પ્રાચીન વારસો ભુલાવવાના વ્યૂહો રચ્યા. છતાં એની સામે એ વારસાની ભીતર રહેલા સંસ્કારોને લીધે જ ભારતના લાખ્ખો લોકો – થોડાક મિશનરીએ કરાવેલા ધર્માન્તરણના અને વિચારવિકૃતિના કિસ્સાઓ બાદ કરતાં – પોતાની સંસ્કૃતિ ટકાવી શક્યા છે. અને સંસ્થાનવાદ સામે મોરચો માંડી શક્યા છે એટલે આપણા સાંસ્કૃતિક વારસાનું આપણને ગૌરવ છે. પણ નિષ્ક્રિય અને નિરુપયોગી કોરું ગૌરવ તો બોજારૂપ છે એ કંઈ વારસાનું સાચું મૂલ્યાંકન નથી. એ વારસો તો હવાપાણી પેઠે આપણી નસેનસમાં આત્મસાત્‌ થઈ જવો જોઈએ. એ સિવાય તો આપણે આજની સમસ્યાઓ, સંકટો અને પડકારો પર વિજય નહિ મેળવી શકીએ.

તમે પૂછશો : ‘આજે સાંસ્કૃતિક વારસાની ઉપેક્ષા થાય છે. એનું શું પ્રમાણ છે?’ તત્ત્વજ્ઞાન, કળા, પુરાતત્ત્વ આદિ અનેક જ્ઞાનશાખાઓએ વારસામાં છે એ તો ઊડીને આંખે વળગે એવી વાત છે અને છતાં એ ક્ષેત્રો આજના શિક્ષણમાં ઉવેખાયાં છે. ઇતિહાસ અને સભ્યતાનો ક્ષેત્રો ઉવેખાયાં ન હોવા છતાં બિનમહત્ત્વનાં જ રહ્યાં છે. એ તો ઠીક, પણ આપણને જેની સાથે રોજબરોજનો પનારો છે, એવાં અર્થશાસ્ત્ર, રાજનીતિ, વ્યવસ્થાપન અને સમાજશાસ્ત્ર જેવાં જ્ઞાનક્ષેત્રો પણ આપણા સાંસ્કૃતિક વારસાના સંદર્ભમાંથી યુક્તિપૂર્વક અને પદ્ધતિપૂર્વક છૂટાં પાડી દેવાયાં છે! ઉવેખાયા છે કે પછી ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં છે!

પશ્ચિમી ઢબે શિક્ષિત થયેલ કોઈ ભારતીય સમાજશાસ્ત્રીને ભારતના સાંસ્કૃતિક વારસા વિશે તેના વલણ બાબત પૂછો, તો તમને કોઈ જ સ્પષ્ટ જવાબ મળશે નહિ. કારણ કે તે પહેલેથી જ કાં તો સ્વયં અથવા તો અન્યો દ્વારા અમુક ગૃહીતોનો શિકાર બની ચૂક્યો હોય છે. અર્વાચીન સમાજવિદ્યાને એણે એટલી તો સ્વપર્યાપ્ત માની લીધી હોય છે કે એના અધ્યયન-અન્વીક્ષા માટે એને પોતાના સાંસ્કૃતિક વારસાની કશી જરૂર લાગતી નથી! આ એક ખોટો અભિગમ છે. સમાજવિદ્યાને જીવતાજાગતા ગતિશીલ સમાજ સાથે એટલે કે સામાજિક પરિવર્તન, સ્થિરતા, ઉત્થાન પતન વગેરે સાથે પાયાનો સંબંધ છે. જો ખરેખર આવા સંબંધની અપેક્ષા હોય, તો આપણે આપણા સાંસ્કૃતિક વારસાને એના પરિઘમાંથી બહાર ન જ મૂકી શકીએ અને આમ છતાં પણ આપણે વારંવાર પશ્ચિમી ઢબે અપાતા સમાજવિદ્યાના શિક્ષણ સાથે સમાધાન કરી લઈએ છીએ, કારણ કે ‘પશ્ચિમનું બધું સારું છે’ એમ માનવાની આપણને ટેવ પડી ગઈ છે. આપણી સભ્યતા, પરંપરા, પ્રાચીનતા વગેરે વિશે પશ્ચિમી પંડિતોના કથનને આપણે આંખો મીંચીને માની લઈએ છીએ. આમ કહેવામાં મારો લેશમાત્ર પણ એવો ઈરાદો નથી જ કે પશ્ચિમી વિચાર અગ્રાહ્ય કે ખરાબ-ભાંગફોડિયા છે. આવું માનવાથી તો આપણે કૂપમંડૂક જ બની જઈશું. એ તો જરાપણ યોગ્ય નથી આપણે કેવળ પોતાની આંખે જ પોતાને જોયા કરવાને બદલે બીજાને આંખે આપણે કેવા દેખાઈએ છીએ તે જોવાનો પ્રયત્ન પણ જરૂર કરવો જોઈએ. એટલા ખુલ્લા તો આપણે રહેવું જ જોઈએ. હું પશ્ચિમના વિચારોનો ટીકાખોર નથી. એ વિચારોને પણ જોવા-જાણવા-પામવા જોઈએ. એથી આપણે આપણી શક્તિ-અશક્તિનાં સ્થાનો ખોળી શકીશું. પશ્ચિમનું ભારતવિષયક જ્ઞાન, આપણને એક તટસ્થ-દૂરસ્થ દર્શક તરીકે આપણા સાંસ્કૃતિક વારસાનો એક ઝાંખો આલોચનાત્મક ખ્યાલ આપી જાય છે. કેટલીક વાર સાવ નજીકની વસ્તુને આપણે બરાબર નીરખી શકતા નથી, કેટલીકવાર દૂરનું દર્શન જરૂરી બને છે. અને આ દર્શન આપણને ભારતનું ગંભીર અધ્યયન કરતા પશ્ચિમી વિદ્વાનોએ પૂરું પાડ્યું છે. પશ્ચિમની આ ભારતવિષયક જ્ઞાનયાત્રાની પરંપરા સને ૧૪૯૮માં જ્યારથી વાસ્કો-દ-ગામા કોચીનમાં ઊતર્યો, ત્યારથી શરૂ થાય છે. ત્યારથી માંડીને પશ્ચિમના લોકોમાં ભારત વિશેની જિજ્ઞાસા અવિરત જાગતી જ રહી છે. વેપારીઓ, યુદ્ધખોરો, સંસ્થાનવાદીઓ, શાસકો વગેરે તો ઠીક, પણ વિદ્વાનોએ સુદ્ધાં ભારત વિશે ઊંડો રસ દાખવ્યો હતો.

આશ્ચર્ય અને દુર્ભાગ્યની વાત તો એ છે કે આજના ભારતીય વારસા માટે, એમના જેટલો ય આપણને રસ નથી! અને ભારત વિશે જે કંઈ પશ્ચિમ પાસેથી આપણને લેવાની ટેવ પડી ગઈ છે, તે જ્ઞાન તો ફક્ત ઉપરછલ્લું જ છે! અને એવું ઉપલક જ્ઞાન ગમે તેવું સબળ હોય, તો પણ એ તલસ્પર્શી જ્ઞાનની તોલે તો ન જ આવે. આપણને પૂર્વ-પશ્ચિમ, બંને પ્રકારના જ્ઞાનની જરૂર છે. પશ્ચિમી વિદ્વાનો આપણને આપણા વારસાનું તલસ્પર્શી જ્ઞાન કદાચ નહિ આપી શકે, એમની પાસેથી એવી અપેક્ષા પણ ઉચિત નથી. મેક્સમૂલર જેવા કેટલાક અપ્રતિમ બૌદ્ધિકો તો અપવાદરૂપ જ ગણાય. બાકી સંસ્કૃતિનો પાયાનો મર્મ પામવા માટે તો મનુષ્યે એ સંસ્કૃતિ જીવવી જોઈએ. એને શ્વસવી જોઈએ, અનુભવાં જોઈએ, થોડાક વિરલ અપવાદો સિવાય બહારના વિદ્વાનો પાસેથી આમાનું કશું જ ન મળે! એટલા માટે ભારતના સાંસ્કૃતિક વારસાનું અધ્યયન કરતી વખતે આપણે એ ખોળી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ કે આપણા ભૂતકાળની પ્રતિમા વિકૃત અને વેરવિખેર કેમ થઈ ગઈ? એ કોણ કરી? અને શા માટે આપણી સામાન્ય શિક્ષણ પદ્ધતિમાં એ વિકૃતિ અને વિભિન્નતા હજુયે ચાલુ રહ્યાં છે?

વળી, આપણે આ વિષયમાં ભારતના કે બહારના થઈ બેઠેલા વિદ્વાનો પર પણ દેખરેખ રાખવી જોઈએ. સંસ્થાનવાદ નાશ થયા છતાં સંસ્થાનવાદી સગપણ હજુએ સર્વત્ર ફેલાયેલું છે. સંસ્થાનવાદીઓનો પ્રયત્ન પોતાનાં જૂનાં સંસ્થાનોનો લોકોનાં માનસને જકડી રાખવા માટે હજુએ ચાલુ છે. શા માટે હજુ એ પ્રયત્ન સફળ થતો દેખાય છે? ગુલામી દૂર થયા છતાં શા માટે તે આપણને તેમની તરફ ખેંચવામાં સફળ થાય છે? કારણ એ છે કે આપણી સમાજમાં જ એવા કહેવાતા વિદ્વાનોનું એક જૂથ પડ્યું છે, અને એ જૂથ જ એની વકીલાત કરે છે!

આપણા સાંસ્કૃતિક વારસાનો સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે એ આપણી જીવન જીવવાની સમગ્ર રીતિ સાથે જડાયેલો છે. તેથી એ કેવળ બુદ્ધિની કવાયતનો જ વિજય નથી. એ તો માનવની પાયાની ઝંખનાઓ સાથે ચુસ્ત રીતે જડાયેલો છે. ફક્ત બુદ્ધિને જ કામે લગાડીને ભારતની સંસ્કૃતિનો તાગ મેળવી શકાય નહિ કે એનું સત્ત્વ પામી શકાય નહિ. આપણા પૂર્વજોએ વારસામાં આપેલાં શાણપણનાં મોતીઓનો સંચય કરવા માટે એની સાથે આપણું હૃદય જોડી દેવું જોઈએ. આપણા સમાજમાં આજે પ્રાચીન વાસ્તુ વિદ્યા, સંગીત કલા વગેરેના હજુએ દેખાતા અવશેષોનું પુનર્મૂલ્યાંકન કરવું જોઈએ. એ બધા માનવીય રચનાત્મક્તાનાં મોટાં પ્રમાણો છે, એ અવશેષો કંઈ જડ વિષયો નથી. પ્રવાસમાં હરતાંફરતાં આપણે આ અવશેષો જ્યારે નિહાળીએ છીએ, ત્યારે ‘વાહ વાહ’ તો પોકારી ઊઠીએ છીએ. પણ એ સાથે આપણે એ ભવ્ય કૃતિઓ પાછળ રહેલા એક સાંસ્કૃતિક સાતત્યની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમાં પ્રાચીન પૂર્વજોનું કૃતિસાતત્ય, પ્રેરણાસાતત્ય રહેલું છે એટલે એ અવશેષોના નિરીક્ષણમાં આપણે આપણાં મન અને હૃદયને રેડવાં જોઈએ. આજે આ પ્રકારના વિશિષ્ટ સાંસ્કૃતિક પરિશીલનની જ જરૂર છે.

ઓટો શીલર નામનો જર્મન ફિલસૂફ ભારતીય તત્ત્વજ્ઞાનનો ભારે પ્રશંસક હતો. એણે ભારતીય વિચારપદ્ધતિની એક અપૂર્વતા દર્શાવી છે. તે એ કે એ માનવમાં રહેલ ‘આત્મા’ પર જ ભાર મૂકે છે, ‘મન’ પર નહિ. એ ‘આત્માની પૂર્ણતા’ પામવાનું જ કહે છે; ‘મન’ કે શરીરની પૂર્ણતા નહિ. વિશ્વના તત્ત્વજ્ઞાનની કોઈ જ પદ્ધતિમાં આ આત્મતત્ત્વની પૂર્ણતા પર ક્યાંય જોર દેવાયું નથી. અને આજે આપણે પણ જો મન-હૃદય અને આત્માના સ્વરૂપ વિશે ખૂબ કાળજી ન રાખીએ, જો કૌશલ ન દાખવીએ તો એ બંને વચ્ચેનો ભેદ શું સમજી શકવાના હતા? આત્મા તો આપણા અસ્તિત્વ સાથે એટલો તો ઓતપ્રોત છે કે તે કદાચ સંસ્કૃતિના પરિશીલનનો સાચો હેતુ, આપણી હસ્તીની ઓળખ જ બની રહે!

તાજેતરમાં યુરોપમાં હેગલ અને માર્ક્સને નામે એક ‘અત્યાધુનિકતાવાદી’ વર્ગ ખડો થયો છે. તે મત તત્ત્વજ્ઞાન, સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યો સુદ્ધાંને ખતમ કરવા ઝંખતો જણાય છે. યુરોપમાં જનજાગરણના સમયથી જે એક ખાસ પ્રકારના સમાજનો આધુનિક નમૂનો સમજપૂર્વક ઘડાયો અને વિકસાવાઈ રહ્યો છે, એવા પ્રયત્ન આ ‘અત્યાધુનિકતાવાદી’ નકામો અને કૃત્રિમ ગણે છે. એમને મતે ક્ષણે ક્ષણે બધું જ ભૂતકાળમાં સરી જતું હોવાથી ‘આધુનિક’ જેવું કશું છે જ નહિ! વળી, તેઓ કહે છે કે આપણે ભૂતકાલીન વારસાના વિચારનો સાવ વિચ્છેદ જ કરી દઈએ તો આપણને એક ભાવિ ભવ્ય રચનાની ઝાંખી કરાવતી સૂક્ષ્મ, સહજ, પ્રાકૃતિક અને નિશ્ચિત ક્રમવાળી ગતિશીલતાની પ્રતીતિ થશે. આવો મત સામાજિક કે આર્થિક ગતિશીલતાને સ્વયંભુ, અવશ્યંભાવી અને નિશ્ચિત ક્રમવાળી માને છે. સાંસ્કૃતિક વારસો ધરાવનારાઓએ આવો મતનો સખત ચોકી પહેરો રાખવો જોઈએ. કારણ કે જો આવો પ્રયત્યાઘાતી વિચારવંટોળ જો આપણા સામાજિક અનુભવો અને સામાજિક વારસામાં ઘૂસવા દઈશું તો એ ભારે ભયાનક ભૂલ ગણાશે અને આપણે આપણા સમગ્ર વારસા સાથે અક્ષમ્ય, આત્મઘાતી અને અણછાજતી છેતરપિંડી કરી બેસશું. કારણ કે એવા પૂર્વગ્રહી લોકોએ ભારતના ઇતિહાસ અને એની પરંપરાને ભારત લક્ષમાં લેતો હોવાથી જ એને ગતિશૂન્ય અને સ્થગિત માની લીધો હતો! આ ઊહાપોહના તહોમતદારો હેગલ અને માર્ક્સ છે.

હેગલ પોતાની પૂર્વોક્ત કલ્પનાનાં સમર્થન માટે, – નિશ્ચિત ક્રમવાળી ગતિશીલતા માટે – જર્મનીનો હવાલો આપતો. પણ ભારતમાં વિકસેલ સંપત્તિવહેવારનો પ્રકાર તો એણે માનેલી. કોઈ સ્થગિતતા બતાવતો નથી. પોતામાં વિવિધ સાધનોથી નાણાં ઉપજાવવાની ભારતની રીત પણ ગતિશીલ જ હતી. પ્રાચીન કાળમાં ભારતનો વેપાર પણ ધમધોકાર ચાલતો; એના ધનભંડાર ભરપૂર હતા. તો પછી એકાએક જ ભારતમાં સભ્યતાની કૂચ અટકી કેમ પડી? ભારત ગુલામીનો ભોગ કેમ બન્યું? ક્યા કારણે એમાં તમે માનેલી પેલી સહજ ગતિશીલતામાં ગાબડું પડી ગયું? એમાં તમે કલ્પેલ નિશ્ચિત ક્રમ ક્યાં ગયો? સામંતશાહી અને મૂડીવાદ કેમ આવી પડ્યાં? માર્ક્સ પાસે આ પ્રશ્નનો કોઈ જ ઉત્તર નથી.

એટલે આપણે એ માનવું જ રહ્યું કે આપણા સામાજિક સંબંધોનું સમગ્ર ક્ષેત્ર ગંભીર-વિચાર-મંથનને કારણે જ વિકસે છે, એને સમયનું બંધન નથી. આપણા વિચારો અને કાર્યો સર્વકાલીન અને સર્વયુગીન હોય એ ઇચ્છનીય છે. ભારતની સાંસ્કૃતિક પરંપરા કદાચ આવી છે. – એની શાશ્વતતાનું કદાચ એ જ કારણ છે.

આઝાદી પહેલાં ગળું ફાડીને સામ્ર્રાજ્યવાદની બુરાઈઓને ગાતા એવા આપણા વિદ્વાનોની આજે આપણી સંસ્કૃતિ પ્રત્યેની દેખીતી ઉપેક્ષા, એ સંસ્થાનવાદની મજબૂત પકડનું પરિણામ છે. એની સમાજ ઉપર એકંદરે ભયંકર અસર પડી છે. ભૂતકાલીન ઘટનાઓ અને ચિંતકો વિશે વિચાર કરતાં એવું લાગે છે કે આપણે માર્ગ ભૂલી ગયા છીએ. આપણને માર્ગ દેખાડનાર સંસ્કૃત-પ્રાકૃત ભાષાનાં માધ્યમોને આપણે જાકારો દીધો! વૈદિક અને વૈદિકોત્તર સંસ્કૃતિના અસીમ સાહિત્ય ભંડારને આપણે વિસારે પાડ્યો.

વિવિધ ભાષાભાષીઓના વૈચારિક આદાન-પ્રદાનની પ્રાચીન કાળમાં ક્યારેય મુસીબત નહોતી પડી. કારણ કે ત્યારે સંસ્કૃત વિવિધ ભાષાઓમાં સંપર્ક ભાષાનું કામ કરતી, આજે સંપર્ક ભાષા હિન્દી હોવા છતાં ઉત્તર-દક્ષિણનો તે વિશેનો સંઘર્ષ મટ્‌યો નથી. તો છોડેલો માર્ગ આપણે ફરી પકડવો પડશે. સંપર્ક ભાષા તરીકે સંસ્કૃત ભાષા એ સમસ્યા હલ કરી શકે. એવી સંભાવના છે. એથી ઉત્તર અને દક્ષિણ ભારત બંનેને વૈચારિક આદાનપ્રદાનની પરિતોષ મળી રહેશે અને બંને વચ્ચેનો સંઘર્ષ દૂર થશે. પણ આજે આપણી શિક્ષણ પ્રણાલિમાં અંગ્રેજીમાં કે સંસ્કૃતમાં છાત્રોની દશા ‘બાવાનાં બેય બગડ્યાં’ જેવી થઈ છે! અહીં ઈઝરાયલે સંપર્કભાષા તરીકે અપનાવેલ હિબ્રુભાાનો દાખલો લક્ષમાં લેવા જેવો છે.

ભારતીય વિદ્યાના પશ્ચિમી વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિનો મર્મ સમજવાનો સારો પ્રયત્ન કર્યો. એ કઠિન હોવા છતાં તેઓ તેમાં સંપૂર્ણ નહિ તોયે થોડાઘણા જરૂર સફળ થયા. એમણે એક વસ્તુ બહુ સારી કરી. એમણે ભારતીય સંસ્કૃતિના મર્મને સમસ્ત માનવજાતનો મર્મ બનાવી દીધો. એટલે જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સમાજ વગેરેની વાત કરીએ, ત્યારે એ કેવળ ભારતની ભૂગોળ માટે જ ન રહેતાં, સમગ્ર માનવજાતનાં જ બની ગયાં. અને આદર પામ્યાં.

થોડા વખત પહેલાં પ્રો. એ. એલ. બાશામનું ‘The Wonder that was India’ નામનું પુસ્તક બહાર પડ્યું. વિદેશીઓ માટે એ ખરેખર આશ્ચર્ય જ છે. ભારતનાં વારસાને અડધોપડધો સમજ્યા છતાં એટલામાત્રથી યે એમનું ભારત પ્રત્યે ધ્યાન ખેંચાયું છે. એટલો આપણો બૌદ્ધિક, આધ્યાત્મિક અને સૌંદર્યલક્ષી વારસો વૈશ્વિક બન્યો છે. અને ઓછામાં ઓછા એ વખતે તો આપણે ઉદાર હતા. એ વારસાને તેઓ પોતાનો ગણી લે તેમાં આપણને વાંધો ન હતો. એને કેવળ નિજી બાપીકી મિલ્કત ગણીને આપણે કૂપમંડૂકતા બતાવી ન હતી. ધારો કે કોઈ દેશની કોઈ વ્યક્તિના દિમાગમાં કશોક ઝબકારો થયો. તો શું એની માલિકી તે જ દેશ કે વ્યક્તિની રહેશે? બીજો કોઈ અપનાવે તો એને સજા થશે? બૌદ્ધિક મિલ્કતના એવા સંકુચિત હકમાં તો આપણે માનતા નથી. વિજ્ઞાનની કોઈ શોધને દેશ, કાળ અને સમાજ દ્વારા બાંધી રાખવી, એ તો હાસ્યાસ્પદ અને અશક્ય છે. એ જ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો, વૈશ્વિક કલ્યાણકર વારસો બની ગયો છે. એ વાત પણ વારસાના અભ્યાસીએ લક્ષમાં લેવી જોઈએ.

દુર્ભાગ્યે, પૂર્વ-પશ્ચિમ સમાજોનું વિચારોનું આદાનપ્રદાન, આપણા ઉચ્ચ શિક્ષિત વર્ગો પૂરતું જ મર્યાદિત રહ્યું છે. સામાન્યજનો તો પોતાની સમજ પ્રમાણે આપણી પરંપરાનું રક્ષણ કરતા રહ્યા હતા. પણ એની એટલી સમજ પણ કંઈ ઓછી ન કહેવાય. એવું ન હોત તો તો ભારતીય સમાજ છિન્નભિન્ન થઈ ગયો હોત! આજે સામાન્ય જનો કેટલાંક સ્થાયી મૂલ્યોને જાળવી રહ્યા છે. એ એટલા માટે શક્ય બન્યું છે કે એ સામાન્યજનોએ જ પેલો ઉચ્ચતમ જીવનમૂલ્યોને આત્મસાત્‌ કર્યાં, પચાવ્યાં અને જીવી બતાવ્યાં હતાં. એ લોકો સંસ્કૃત અને શાસ્ત્રોની આંટીઘૂંટીઓ ન જાણતા હોવા છતાં જીવનના જરૂરી માર્ગદર્શક ઉપદેશોને આચરતા હતા. પણ એ સામાન્યજનોની એક મોટી સમસ્યા એ હતી કે તેઓ નિરક્ષર હતા; તેમણે જ્ઞાનસાગરમાં ડૂબકી નહોતી મારી. તેમણે કંઠોપકંઠે માર્ગદર્શન મેળવ્યું હતું. એમના વડીલો એમને દોરતા. એટલે વડીલ કે ગુરુને મુખેથી નીકળતી વાણીને તેઓ ‘બ્રહ્મવાક્ય’ માની લેતા. કોઈવાર તેઓ પાખંડીઓથી પણ દોરવાઈ ગયા હતા. એટલે બધું જ પ્રાચીન કંઈ ગ્રાહ્ય નથી. અભ્યાસીએ અહીં પણ વિવેકપૂર્વક આલોચના કરવી જોઈએ. જો એમ ન થાય તો અનિષ્ટ વસ્તુ પરત્વે ય કશો પ્રશ્ન ન ઊઠે. એટલે પરંપરાની મર્મબોધક અને વિવેકપૂર્વક આલોચના કરવી જોઈએ.

ખરેખર જ એવી ઘણી વસ્તુઓએ આપણા સમાજને દૂષિત કર્યો છે અને હજુએ કેટલીક વિઘાતક પ્રવૃત્તિઓ, કેટલાક પૂર્વગ્રહો, કેટલીક ઘૃણાઓ, કેટલીક અનિષ્ટ માન્યતાઓ ચાલી રહી છે! દેખીતી રીતે જ આવી વસ્તુઓને આપણે ભારતીય સંસ્કૃતિના ભાગરૂપે ગણી શકીએ નહિ. ઊલટું આપણે એને સંસ્કૃતિ સરિતાના મુક્ત પ્રવાહમાં ઘસડાઈ આવેલ અત્યંત હાનિકારક નકામા કચરા જેવાં ગણવાં જોઈએ. અને એવો કચરો કાઢીને સંસ્કૃતિ સરિતાનું તળિયું સ્વચ્છ રાખવું જોઈએ.

અભ્યાસીએ મુખ્ય ચાર વસ્તુ કરવાની છે : (૧) આપણી પરંપરાનો માર્ગ છોડવો નહિ; (૨) આપણી પ્રાદેશિક પરંપરાનો રાષ્ટ્રિય વિશાલતર પરંપરા સાથે સંઘર્ષ ન હોવો જોઈએ, (૩) આપણામાં સારાસારનો વિવેક હોવો જોઈએ. (૪) આપણી સંસ્કૃતિ સરિતાને યથાસમય સ્વચ્છ રાખ્યા કરવી જોઈએ. આ ચાર વસ્તુ આપણી સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે ખૂબ જરૂરી છે. કેવળ ચાર દિવાલો વચ્ચેનું અધ્યયન નકામું છે.

હવે વ્યાપક-રાષ્ટ્રિય પરંપરા અને પ્રાદેશિક પરંપરાની થોડી સ્પષ્ટતા કરીએ : વૈદિક કાળથી માંડીને વિકાસ કરતી કરતી જે પરંપરા હજારો વરસોથી આપણા સમાજમાં ચાલતી આવી છે, અને જેણે આપણને સાંસ્કૃતિક ગૌરવ અપાવ્યું છે તે પરંપરા પ્રવાહ આપણી રાષ્ટ્રિય પરંપરા કહેવાય. આ રાષ્ટ્રિય મહાપ્રવાહનું નિર્માણ કોઈ એક જ જાતિ કે વર્ગનું કામ નથી. આજની વિદ્યમાન કોઈ જ સંસ્કૃતિ કોઈ જાતિ કે વર્ગે એકલે હાથે સર્જી નથી. વિવિધ જાતિઓએ સાથે મળીને કરેલું એ સર્જન છે.

આ ગૌરવપ્રદ અને આપણા શાશ્વત સંજીવનીરૂપ સાંસ્કૃતિક મહાપ્રવાહની સમાંતરે જ અને એમાંથી જ આપણા નાનકડા પ્રાદેશિક પરિઘમાં આપણી નિજી અને અસરકારક પરંપરા પણ આપણે સર્જતા હોઈએ છીએ. વળી, એ પ્રાદેશિક – નાની – મર્યાદિત પરંપરાને પણ પોતાની ઉપપરંપરાઓ હોય છે તો આ મર્યાદિત પરંપરાઓને પેલી મહાન પરંપરા સાથે સંઘર્ષ હોઈ શકે ખરો? બિલકુલ નહિ – કારણ કે આ વિવિધ સાંસ્કૃતિક ભાગો કંઈ એનાથી અલગ થઈને વિકસ્યા નથી. એક સમાન સ્રોતે જ બંનેને શક્તિ આવી છે. પણ ઘણીવાર આપણને પરાણે એવી ઊલટી વાત ઠસાવવામાં આવે છે. અને રાષ્ટ્રિય મહાપ્રવાહ કરતાં સ્થાનિક પરંપરાને વધુ મહત્ત્વ આપીને આંદોલનો જગાવવામાં આવે છે! થઈ બેઠેલા સમાજવિદો એને, ‘લાદેલા સાંસ્કૃતિક બોજ’ સામેની સ્વાભાવિક વંશીય પ્રતિક્રિયા’ – એવા રૂપાળા નામે નવાજે છે! અને સ્થાનિક લોકોને ભય દેખાડી ભડકાવે છે. આપણને પશ્ચિમમાંથી ઉછીના લીધેલા આવા જાદુઈ શાબ્દિક ખેલો દ્વારા લોકોને ઉશ્કેરીને એનો દુરુપયોગ અને ભાંગફોડ કરવાની એક આદત જ પડી ગઈ છે! હવે તો આપણે પોતે જ સમજપૂર્વક કઈ પરંપરા છોડવી. અને કઈ સ્વીકારવી, અથવા બંને વચ્ચે કેવી રીતે સંવાદિતા સાધવી, એનો નિર્ણય કરી લેવો જોઈએ. પણ એમાં તમે પશ્ચિમને ઉવેખી નહિ શકો. એ તો રહેશે જ. પણ મુખ્ય મુદ્દો એ છે કે પ્રાદેશિક – નાની – પરંપરાઓએ પાછું વળીને જોવું જોઈએ કે ભૂતકાળને ભૂલીને તે શું શું ગુમાવી બેસશે. સાથોસાથ વર્તમાનના પડકારોને તે કેવી રીતે ઝીલીને સોદો પાર પાડશે; આ માટે એ પરંપરાઓએ આપણા પુરોગામીઓનો મહાન અનુભવ કામે લગાડવો જોઈએ. આથી આપણામાં બંને પરંપરાઓ વચ્ચેના પ્રતિવાદને ટાળતું વિશિષ્ટ સમન્વયકારી વલણ ઉત્પન્ન થશે.

છેલ્લે આપણી પુરાણકથાઓ વિશે થોડુંક : કેટલીકવાર પુરાણકથારૂપે વર્ણવાયેલી આપણી પ્રાચીન પરંપરાના મોટા મોટા અસાધારણ દાવાઓ વાંચીને આપણને રમૂજ થાય છે. એમાં ઉલ્લેખાયેલાં વિમાનો, શાસ્ત્રાસ્થો વગેરેનાં અદ્‌ભુત વર્ણનો વાંચીને આપણને તે કાળના વૈજ્ઞાનિક વિકાસ માટે શંકા જન્મે છે. આવી પ્રાચીન સિદ્ધિઓને કોઈપણ કારણ ન હોવા છતાં હસી કાઢનારા લોકો છે તો ખરા. પણ એ સિદ્ધિઓ તરફ જોવાની સાચી દૃષ્ટિ તો એ છે કે જ્યારે અન્ય પ્રજાઓ અજ્ઞાનમાં ઘેરાયેલી હતી, ત્યારે ભારતમાં આધુનિક વિજ્ઞાનનો પ્રારંભ થઈ ચૂક્યો હતો! શું તમને એનું ગૌરવ નથી? આ તો માત્ર ભારત કરતાં સમગ્ર પૂર્વનું ગૌરવ છે. એ ગૌરવની સાથે આપણો એ પણ વિચારવું જોઈએ કે એ પ્રાચીન સિદ્ધિઓ અચાનક અટકી કેમ પડી? એ કેમ જળવાઈ નહિ? આની શોધ પણ કરવી જોઈએ. ભવ્ય પુરાણકથાઓ પ્રત્યે જોવાની આ જ ખરી દૃષ્ટિ છે.

સુવિખ્યાત વૈજ્ઞાનિક પ્રો. જે. બી. નાર્લેકરે આ વિશે સ્વસ્થ અભિપ્રાય, પોતાના એક શોધપત્રમાં જણાવે છે કે, આપણે પ્રાચીનકાળમાં વિજ્ઞાનક્ષેત્રે જે પ્રગતિ હાંસલ કરી હતી, તે એકાએક કેમ અટકી પડી, તેનાં ચાર કારણો છે : (૧) લોકોની લાપરવાહી – અનુકૂળ આબોહવાએ જીવન જરૂરી બધી વસ્તુઓની વિપુલતાએ લોકોમાં શોધની જિજ્ઞાસા નષ્ટ કરી નાખી; (૨) સાદું જીવન જીવવાનો આદર્શ – ઉચ્ચવિચાર સાથેની સાદગી સારી, પણ જનભોગ્ય સુવિધાઓ ને ધરાર ઉવેખવાની ખોટી તિતિક્ષાએ પણ શોધવૃત્તિ ખતમ થઈ ગઈ; (૩) વૈદિકકાળ પછીની આપણી અપૂર્ણ શિક્ષણ પદ્ધતિ – પ્રયોગહીન ગોખણપટ્ટીની પદ્ધતિએ પણ શોધવૃત્તિની નાશ થયો; અને છેલ્લું (૪) આપણા તાલેવાન વર્ગનું મહાપાપ – એ રાજામહારાજાઓ અને ધનકુબેરોએ વિજ્ઞાન વિકાસને પ્રોત્સાહન આપવાને બદલે ભોગવિલાસમાં નાણાં વેડફ્યાં. મહાભારતના યુદ્ધને પણ એક અવરોધક પરિબળ લેખી શકાય.

પણ આ બધું ભાન થયા પછી આપણે નિરાશ ન થવું જોઈએ. આપણે શરૂઆત કરી હતી અને પછી કટકે કટકે બધું હાંસલ કર્યું હતું. પણ આપણે એને જાળવી શક્યા નહિ. વચ્ચે ભલે નિષ્ક્રિયતાનો યુગ આવી ગયો પણ હવે જાગરણનો સમય આવી ચૂક્યો છે. માટે – ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો.’

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.